11
Nov
2009
Posted by sapana . 10 Comments
ચાલ આ લત છોડ સપના,
પ્રેમ રસ્તા મોડ સપના.
થાય જો વિશ્વાસ એનો,
આંખ મીંચી દોડ સપના.
પ્રેમ શા માટે કહી ને,
માથું ના તુ ફોડ સપના
તું ઉદાસીમાં જ જીવી,
નિયમો આ તોડ સપના.
તું બની જોગણ સજનની,
આ જગતને છોડ સપના.
જોઈ સપનાં ખૂલી આંખે,
પ્રિત સજનથી જોડ સપના
છંદ ગાલગાગા ગાલગાગા
સપના
28
Oct
2009
Posted by sapana . 15 Comments
સખા,તારાં પ્રેમની છાલક,
વાગી હ્રદયને,
પહેલાં વરસાદનાં,
પહેલાં પાણી જેવી,
મેં આ છાલક
હ્રદયની બોટલમાં બંધ કરી છે,
કોઈ જડીબુટ્ટીની જેમ,
જ્યારે રોગચાળો
નફરતનો ફેલાશે,
અને શબ્દોનાં બાણ વીંધી નાખશે,
અસહ્ય પીડા થશે,ત્યારે
હું આ બોટલ ખોલીશ,
તારા પ્રેમની જડીબુટ્ટીની.
મને રાહત મળશે ને?
સપના
20
Oct
2009
Posted by sapana . 18 Comments
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
ના અંતર આ ઘટે , મજબૂર હું, મજબૂર તું પણ છે ક્ષણો વરસો બને , મજબૂર હું, મજબૂર તું પણ છે
ગતિના ચક્રમાં ફર્યા કરીએ આપણે બંને , નહીં વર્તુળ ખસે ,મજબૂર હું, મજબૂર તું પણ છે
નગર વેરાન આખું છે ને સન્નાટો હૃદયમાં પણ ન કોઈ સાંભળે , મજબૂર હું, મજબૂર તું પણ છે
નથી આપી નિશાની કઈ, નથી કોઈ છબી મુજ પાસ છે સ્પંદન ટેરવે ,મજબૂર હું, મજબૂર તું પણ છે
મહેંકે શ્વાસ ને આ રાત પણ મહેંકી ઉઠી કેવી સ્મરણ કઈ વિસ્તરે, મજબૂર હું , મજબૂર તું પણ છે સમાજો ને રિવાજો પણ ચડાવે પ્રેમને શૂળી અમર પ્રીત બને , મજબૂર હું, મજબૂર તું પણ છે અલગ સપના છે તારાં ને હવે મારાં નયનમાં તો ભલે ‘સપના’ રડે , મજબૂર હું , મજબૂર તું પણ છે
સપના વિજાપુરા
13
Oct
2009
Posted by sapana . 10 Comments
એવું તે શું વલણ કર્યું?
પ્રેમનું બસ રટણ કર્યુ.
રાત દાડો એ કામ કર્યું,
તારું બસ મેં સ્મરણ કર્યું.
જિંદગી તો વહાલી પણ,
મેં વહાલુ મરણ કર્યું.
જે હતી બંધ વાવમાં,
લાગણીનું ઝરણ કર્યું.
શોધતી હું ફરૂ તને,
આ નગર મેં ચરણ કર્યું.
જોઈ ના લે ગુના ખુદા,
વ્યોમનું આવરણ કર્યું.
રાહ સપના જુએ, સખા,
આવ તું આભરણ કર્યુ.
છંદ ગાલગાગા લગાલગા
સપના
12
Oct
2009
Posted by sapana . 12 Comments
મિત્રો,
મારાં પપ્પાની પુણ્ય તિથિ પર પપ્પાને.
સપના
વાવડ નથી જ્યાં ત્યાં ગયા,
પપ્પા કહો બસ ક્યાં ગયા?
ફરિયાદ તો ના સાંભળી,
શું યાદથી ચાલ્યા ગયા?
હું લાડલી છું કે નહી?
અણમાનીતી કરતા ગયા
લોહી બન્યું પાણી હવે,
સંબધ આ ભૂલતા ગયા.
દીધા બધાને હીરલા,
આંસું મને દેતા ગયા.
“સપના” હવે મળશે તહી,
સ્થાયી તમે જ્યાં થૈ ગયા .
સપના
11
Oct
2009
Posted by sapana . 9 Comments
વૃક્ષોથી નીર ઝરે,
પીળા કૈ પાન ખરે
મોસમ છે પ્રેમ તણી
આંખોમાં પ્રેમ તરે
કેવું કાળ ચક્ર ફરે,
ફૂલોનાં ચિત્ત ડરે.
ઠૂંઠાં થડ ધ્રૂજે ને,
પીળું બસ ઘાસ ઠરે.
પથરાશે સર્વત્ર બરફ ,
સાડી ધર શ્વેત ધરે.
કરણીનાં ફળ ભોગે,
કરશે જે તેમ ભરે.
મૃત્યુ તારું રૂપ લઈ
આવેતો કોણ ડરે?
વીતી આ રાત અરે,
અટવાતો ચંદ્ર ફરે.
માંડી આંખો બેઠી,
જીવનમાં રંગ ભરે.
“સપના” તું સેવ સદા,
સપનાંથી આંખ જરે.
સપના વિજાપુરા
છંદઃ ગાગાગા ગાલલગા
સપના
9
Oct
2009
Posted by sapana . 6 Comments
કશી ફરિયાદનું કારણ રહ્યુ ના
ને, વચ્ચે આપણી વળગણ રહ્યુ ના
સુકાયા છે ઝરણ બસ લાગણીનાં,
બને રણદ્વીપ એવું રણ રહ્યુ ના.
ભલે એકાંત કોરે બ્હાર ભીતર,
જવાનું ભીડમાં ધારણ રહ્યુ ના
કરીએ વાત દિલની આપણે એ,
હવે વિશ્વાસનું સગપણ રહ્યુ ના.
જે પગપાળાં થયા સંબંધ સઘળાં,
છતાં એ રોકવા કારણ રહ્યુ ના.
ધૃણાની આગ ઠંડી થાય એવું,
હ્રદયમાં પ્રેમનું બળતણ રહ્યુ ના.
નવા ‘સપના’ કદીક જોતી રહું પણ,
નયનમાં આજ એ આંજણ રહ્યુ ના.
છંદ લગાગા ગાલગાગા ગાલગાગા
સપના
5
Oct
2009
Posted by sapana . 8 Comments
સાંજ ઢળી,
એક વધારે ડગલું ભર્યું,
મંઝિલ તરફ!
મઝિલ એટલે ?
મોત…
રોજ જિંદગી ખર્ચુ છું,
રોજ કેલેન્ડરનું એક પત્તુ ફાડી,
દિવસો ઘટાડું છું.
કોને ખબર ક્યું ડગલું,
છેલ્લું ડગલું હશે?
અને પછી ચાલવું નહીં પડે,
કાં તો ચાર ખભા અથવા
hearseની પાલખીમા સૂવાડી ,
ખુશી ખુશી મારાં સ્વજનો,
મને મંઝિલ સુધી પહોંચાડશે.
હું પાલખીમાં સૂતી સૂતી વિચારીશ,
બેફામનો શે’ર,
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
સપના
hearse=કોફીનને કબ્રસ્તાન સુધી લઈ જવાની કાર
3
Oct
2009
Posted by sapana . 10 Comments
એક વંચાઈ ગયેલું કાલનું અખબાર છું,
તું મને ફેંકી દે કચરામાં કે હું નિષ્કાર છું.
તું મગજમાંથી ખસેડી દેશે તો માનીશ હું,
એક અણગમતો ,હ્રદયમાં ખૂંચતો વીચાર છું.
તીર જીલ્યાં છે બધા મેં પીઠ ઉપર આકરા,
જિંદગીની દોડમાં હારેલ હું અસવાર છું.
તારા બીબામાં ભલે ઈશ્વર ઢળી શક્તો નથી,
માનવી છું,તે બનાવ્યો તારો હું આકાર છું. .
હાર માની મેં નથી સંજોગની સામે હજુ,
જિંદગી તારા સિતમ સામે નવો પડકાર છું.
કર તું સપનાં પૂર્ણ ખૂલી આંખનાં ભૂલી ગુના,,
તું દયાળુ હાથ ના બાંધે, ને હું અપકાર છું.
સપના
2
Oct
2009
Posted by sapana . 7 Comments
દિલ ઊછળીને બહાર આવશે,
જો તારું નામ વારંવાર આવશે,
આમ યાદોના તીર ચાલતા રહેશે,
તો મારું જરૂર કટાણે મોત આવશે.
સપના વિજાપુરા