જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
કવિ શ્રી આતિશ પાલનપૂરીએ પોતાના તખ્ખલુસ કરતાં બિલકુલ વિરોધી ગઝલ લખી છે..ઠંડાશથી મત્લાનો શેર લખાયો છે કે જે થવાનું હતું તે થયું થાય શું? અને જે ના થયું તેની લ્હાય શું?
પણ આપણામાંથી કેટલાં જણા આ ફિલોસોફીને કબુલે છે?? બધું જાણીએ છીએ કે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.પણ તો પણ આમ કેમ ના થયું તેમ કેમ ના થયુંની લ્હાય બધાંના મનમા હોય છે..ગાલિબ કહે છે કે “ફિક્રે દુનિયામે સર ખપાતા હું મૈ કહાં ઔર યેહ બબાલ કહાં!!”બીજાં શેરમાં કવિ કહે છે કે ઈશ્વરે તો અમને ખૂબ આપ્યું પણ અમારાં ખોબામાં ના સમાય તો શું કરીએ!!અને ત્રીજો શેર તો પરાકાષ્ઠાએ પહોંચે છે કે આ જિંદગી એક દિવસ તો મારો જીવ લેશે.. એટલે કે મૃત્યુ નક્કી છે તો આ જિંદગીની હાય શું?? અહમની આગ જે લોકો પીધા કરે છે એ બીજાને શું પાય?? અને મક્તાનો શેર ” ખાલી હાથ આયા હૈ અને ખાલી હાથ જાયેગા”ની ફિલોસોફી પર છે અને બે પંક્તિમાં મોટી વાત કહી જવી એ ખૂબ મોટા કવિનું લક્ષણ છે.માણસ તો ખાલી હાથ આવ્યો છે અને ખાલી હાથ જવાનો છે..પણ કેટલા લોકો આ વાત માને છે? દુનિયાની હાય હાયમાં પૈસા કમાવામાં અને દેખાદેખીમાં આખી જિદંગી કાઢી નાખીએ છીએ..અને અંતમાં ખબર પડે છે કે કફનમાં ખીસ્સા નથી…માણસ સાથે લૈ જાય તો લૈ જાય શું!! બે બોલ પ્રેમનાં લઈ જવાય કે મરી જઈએ પછી કોઈ યાદ કરે!!એક એક શેર જીવનમાં ઉતારવા જેવો છે..સલામ આતિશ સાહેબ!!
સપના વિજાપુરા