2 Mar 2024

દુપટ્ટો

Posted by sapana

આભાર પ્રદીપભાઈ! ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મારો આસ્વાદ લેવા માટે!

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

બદામી, ભૂખરી, કાળી કે કથ્થઈ, આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો?

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

લિપિ ઓઝા

“આપણું આંગણું” બ્લોગ જે દાવડા સાહેબનો હતો અને હવે મારી મિત્ર જયશ્રી મરચંટ અને કવિ શ્રી હિતેન આનંદપરા ચલાવે છે. સાહિત્યના દરિયામાં ડૂબકી મારી નવી અદભૂત રચનાઓ પીરસે છે. કવયિત્રી લિપિ ઓઝાની આ ગઝલ મને ત્યાંથી મળી લિપિ ઓઝા અદભુત હ્ર્દયસ્પર્શી ગઝલ આપે છે. અમદાવાદ નિવાસી છે અને એમનું વતન ભાવનગર છે. કવયિત્રી લિપિ ઓઝા એક સંચાલક તરીકે પણ કામ કરે છે. સંગીતના કાર્યક્રમ, કોન્સર્ટ ,ગવર્મેન્ટ ફંક્શન તેમજ લાઈવ ટીવી કાર્યક્રમ પણ આપે છે.

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો પ
રંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

દુપટ્ટો રદીફ લઈને કવયિત્રી લિપિ ઓઝાએ નવ ચોટદાર શેર આપ્યા છે. સ્ત્રીની મર્યાદા એક દુપટ્ટામાં રહેલી છે. પણ એ દુપટ્ટાનો ઉપયોગ ફક્ત માથું ઢાંકવા કે પોતાની લાજ બચાવવા માટે નથી. આ નવ શેર ઘડીભર તમને વિચાર કરતા મૂકી દે છે. કોઈ ગરીબ સ્ત્રી જ્યારે દાડીએ જાય છે ત્યારે પોતાના બાળકને સાથે લઇ જાય છે. અને જ્યારે દાડીએ પહોંચે છે ત્યારે એ કોઈ એક ઝાડની ડાળ પર પોતાના દુપટ્ટાનું પારણું બનાવી નાના બાળને સુવાડે છે પણ બાળ સુઈ જાય તોયે દુપટ્ટો સુઈ શકે છે? ના એ દુપટ્ટા પર જવાબદારી છે એ બાળની સંભાળ રાખવાની અને ખેતરમાં કામ કરતી એ દુપટ્ટાની માલિકને ખરાબ નજરોથી બચાવવાની . પછી ક્યાંથી એ દુપટ્ટો સુઈ શકે?

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મર્યાદાએ તમારા પગ બાંધી રાખ્યા છે. સંબંધમાંથી છૂટવું સહેલું નથી હોતું. એક અણદેખી બેડી તમારા પગમાં પડેલી હોય છે. દુનિયાને મુક્ત લાગતાં હોઇએ છતાં બેડીએ તમે બંધાયેલા હો છો. આ દુપટ્ટાની ગાંઠ પણ એવી જ હોય છે. સાંકળ નથી હોતી છતાં બંધાયેલા રહો છો. આ ગાંઠ લગ્ન સમયે થતા ગઠબંધન જેવી હોય છે. આમ મુક્ત લાગો પણ ઊડી ના શકો. સાંકળ વિના આ દુપટ્ટો તમને બાંધી શકે છે.

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

આ દુપટ્ટો તમારી વેદનાનો તમારી પીડાનો મૂક સાક્ષી છે. કેટલીય વાર લોકોની નજરોથી છૂપાવીને સ્ત્રી એનાથી આંખો લૂછી છે. અને આ દુપટ્ટાને પણ તમારા આંસુ છૂપાવવા ની આદત પડી ગઈ છે. પછી ભલેને મસોતું થઇ જાય પણ આંખની કિનારી લૂછવા તરસી જાય છે. એ તમારી પીડાનો ભાગીદાર બની જાય છે.જેટલો સાથ દુપટ્ટો આપે છે ,એટલો સાથ તમારાં પોતાનાં નથી આપી શકતાં . આંસુ લૂંછવા કોઈ તૈયાર નથી વેદના બધાં આપી જાય છે .

બદામી, ભૂખરી, કાળી કે કથ્થઈ, આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો

માણસની નજર દુપટ્ટાની આરપાર ઉતરી જતી હોય છે. કવયિત્રી શિકાયત કરતા કહે છે કે ચાહે ગમે તેવા રંગની હોય, બદામી, ભૂખરી, કાળી ,કથ્થઈ કે આસમાની એવી કઈ આંખ છે જેણે દુપટ્ટાની આરપાર ના જોયું હોય? આ શેર સીધો નીકળી છાતીમાં વાગે છે. એ લાલચુ આંખ જેને દુપટ્ટાની આરપાર જતા રોકી શકાતી નથી. એ આંખને સીધો સવાલ કરે છે આ શેર . લોકોની લોલુપ નજરથી બચવા દુપટ્ટો ઓઢ્યો હતો, પણ એ દુપટ્ટાને ભેદીને આંખો યૌવનનો રસ પીવે છે. દુપટ્ટો મૌન રહીને જોયા કરે છે.

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

નાની બાળકીએ રમતમાં દુપટ્ટો વીંટ્યો તો અરીસો શા માટે ભેદી હસ્યો? આ નાની બાળકી દુપટ્ટો પહેરીને જલ્દી મોટી થવા માંગે છે, પણ એ નાની બાળકીને ખબર નથી કે જે દુપટ્ટો એ પ્રેમથી વીંટાળી રહી છે એ દુપટ્ટો ખેંચવા માટે કેટલાં હાથ આગળ આવશે. પછી ના તો એ સ્વયં બચી શકશે અને ના તો જર્જરિત દુપટ્ટોએને બચાવી શકશે. અરીસાના ભેદી હાસ્યમાં ભવિષ્યમાં આવનારી કોઈ ગંભીર આપત્તિની વાત હશે. બાળકીની નિર્દોષ રમત મોટી થતાં કેવા કેવા દર્દમાંથી પસાર થવાની છે, એ અરીસો જાણે છે.

કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

બાધા કરવાથી દિલની ઈચ્છા પુરી થાય છે. બાધાઓ કરી આપણે શું માંગીએ છીએ? કોઈ સુખ , કોઈ લગ્ન, કોઈ સંતાન તો કોઈ રોજગાર માંગે છે ! પણ એ પીડિતાએ લીરા ભેગા કરીને વાવ્યો દુપટ્ટો અને બાધા કરી કે નવસો નવાણું ચીર ઊગે ત્યાં ! શા માટે ? કોઈ કૃષ્ણ ચીર પૂરવા નહિ આવ્યા હોય અને કોઈ દુઃશાસને ચીર હરણ કરીને એ દુપટ્ટાના લીરા કરી નાખ્યા હશે. તેથી એને બાધા કરી કે ત્યાં નવસો નવાણું ચીર ઉગે કે જેથી એની કે બીજી એના જેવી નવસો નવાણું સ્ત્રીઓની ઈજ્જત બચી શકે!

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

કોઈને દહેજના લીધે કે કોઈને પીડાને લીધે સ્ત્રીને બાળી નાંખવામાં આવી હોય છે. વગર ગુના એ બળી ગઈ હોય છે, પણ એના પ્રાણ નીકળતા નથી અને એ બળેલી છાતી સાથે દુપટ્ટો એ રીતે વળગી રહે છે જે રીતે મા ની છાતી સાથે બાળક! બસ હવે તો પ્રાણ સાથે છૂટે તો છૂટે જે બળેલી છાતી સાથે વળગી રહ્યો છે દુપટ્ટો. કવયિત્રી સમાજના ગાલ પર સણસણતો તમાચો મારે છે.

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

દીકરીને નાનપણથી દુપટ્ટો છાતી પર નાખતા શીખવાડવામાં આવે છે. મલાજો રાખવાનો, મોટાનું માન રાખવાનું, મોટા સામે બોલવાનું નહિ, વડીલો સામે નજર નીચી રાખી વાત કરવી. વડીલોનો મલાજો રાખવાનો! વિચારી જોજો કેમ આ દુપટ્ટો પહેરાવવામાં આવ્યો છે? ભાવકને વિચારવા માટે કહે છે. દરેક ભાવક પોતાની રીતે વિચારે છે. હું કહું છું કે કાલે ઉઠીને એજ વડીલ જેની નજરનો મલાજો રાખવાનો હતો એ એના દુપટ્ટાને ઉતારવાવાળો ના બની જાય!

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

મકતાનો શેર દરેક સ્ત્રી હૃદયને હચમચાવી દેશે. આ કોણે પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવ આપી દીધો છે ? કેવું દુઃખ પડ્યું હશે કે આત્મહત્યા માટે એ તૈયાર થઇ હશે? અરે આ દુપટ્ટો આ મૃત દેહનું વજન ઊંચકી શકતું નથી. કોઈ આવીને હમણાં પંખાથી એને ખોલી નાખશે. અને સ્ત્રી અને દુપટ્ટો બંને છૂટી જશે. એ કોઈ સંબંધી હોય કે પછી એનો પોતાનો પતિ હોય, જે સ્ત્રીની લાશને નીચે ઉતારે છે! જે પીડા આપે ,એજ આંસું પણ સારે છે.અરે ,આ રીતે છૂટ્યો દુપટ્ટો!! સ્ત્રી પણ દુનિયાની વેદનાથી છૂટી ગઈ. દુપટ્ટાએ છેલ્લે સુધી સાથ ના છોડ્યો. પારણાથી માંડીને પંખા સુધી. આભાર કવયિત્રી લિપિ ઓઝા એક હ્ર્દયસ્પર્શી ગઝલ આપવા માટે !

સપના વિજાપુરા

Leave a Reply

Message: