24 Jul 2023

મોહર્રમ : 4

Posted by sapana

બીબી ઝયનબે જ્યારે અબ્દુલ્લાહ ઈબ્ને જાફરે તૈયાર સાથે શાદી કરી ત્યારે અબ્દુલ્લાહ સાથે શરત રાખેલી કે જ્યાં જ્યાં ઇમામ હુસૈન જશે ત્યાં ત્યાં હું તેમની સાથે જઈશ. અને અબ્દુલ્લાહે આ શરત મંજૂર રાખેલી. તો જ્યારે બીબી ઝયનબ કરબલા જવા તૈયાર થયાં તો અબ્દુલ્લાહે એમને રોક્યાં નહિ. પણ ખુશી ખુશી ઝયનબને રજા આપી અને સાથે ઓન અને મહંમદને જવા કહ્યું. કરબલામાં શું થવાનું છે એની રસુલે ખુદા, બીબી ફાતિમા, હઝરત અલી અને બીબી ઝયનબને ખબર હતી. અબ્દુલ્લાહે કહ્યું કે જો એવો વખત આવે તો એક દીકરાને મારા તરફથી અને એક દીકરાને તમારા તરફથી ઇમામ હુસૈન પર કુરબાન કરશો.

હાય, એ આશુરાનો દિવસ આવી ગયો. મોહર્રમના છેલ્લાં ત્રણ દિવસ યજીદે ઇમામ હુસૈન અને તેમના કબીલા ઉપર પાણી બંધ કરી દીધું હતું અને નેહેરે ફુરાત પર પહેરા લગાવી દીધાં હતાં. ઇમામ અને એમના બોત્તેર ના લશ્કરે ભૂખ્યા અને પ્યાસા શહીદ કર્યા હતાં . સ્ત્રીઓને પણ ત્રણ દિવસ ભૂખી અને પ્યાસી રાખેલી! ઝોહરનો સમય થયો એક પછી એક લાશ તંબુમાં આવવા લાગી. ઝયનબ બેચેન થઇ ગયાં. એમણે ઓન અને મહંમદ ને બોલાવ્યા અને કહ્યું,” મારા જાનીસાર , તમારે મામુજાન પર કુરબાન થવાનું છે. ખૂબ બહાદુરીથી લડાઈ લડવાની છે. મારા દિલબર, તમે તમારી મા ને શર્મિંદા ના કરતા. તમે નહેરે ફુરાત પાસે જાઓ તો પાણી ના પીતા કારણકે ઇમામ હુસૈનના બાળકો પ્યાસા છે. ” બીબી ઝયનબ પોતાના નાના રાજકુમારોને તૈયાર કરવા લાગી. ઓન ફક્ત તેર વર્ષના અને મહંમદ અગ્યાર વર્ષના હતા. એને બખ્તર પહેરાવ્યું તો શરીર પરથી ઉતરી જતું હતું. એમની કમરમાં તલવાર બાંધી તો જમીન સાથે ઘસડાતી હતી. માથા પર હેલ્મેટ રાખી તો ચહેરો ઢંકાઈ જતો હતો. આવા બે નાના બાળકો મામુ પાસે જંગની ઈજાજત લેવા ગયાં તો મામુનો જીવ ના ચાલ્યો. ઇમામ હુસૈને એમને તંબુમાં પાછાં મોકલી આપ્યા. ઝયનબે ભાઈ અબ્બાસને બોલાવ્યા અને વિનંતી કરી કે મારા દીકરાને જંગ કરવા જવા દો !

છેવટે ઝયનબની ખૂબ વિનંતીને ટાળી ના શક્યાં , અને ઓન અને મહંમદને જંગ કરવા મોકલ્યાં. ઓનને ઇમામ હુસૈને અને મહંમદ ને અબ્બાસે અલમદારે ઘોડા પર બેસાડ્યાં. કહેવાય છે કે ઓને 30 દુશમનને જહન્નમવાસી કર્યા અને મહંમદે 20 દુશમનને ફિન્નાર કર્યા. છેવટે દુશમનોએ મળીને હુમલો કરી ઓનનાં માથા પર તલવારનો વાર કર્યો અને ઓન ઘોડા પરથી જમીન પર આવી ગયા, મહંમદ ના માથા પર બુર્જનો વાર કર્યો અને મહંમદ ની રૂહ પરવાઝ કરી ગઈ. ઇમામ હુસૈન બહેનના બાળકોની લાશ તંબુ પાસે લઇ આવ્યા. બધી બીબીઓ માથા ફૂટી કૂટીને રડવા લાગી. બીબી ઝયનબ તંબુમાંથી બહાર ના આવ્યા. અને રડ્યાં પણ નહિ. પણ મુસલ્લો બીછાવીને અલ્લાહનો શુક્ર કર્યો. આમ બે માસુમ બાળકો મામુજાન પર કુરબાન થઇ ગયા. બોતેર શહીદોની જેમ દુશમનોએ બાળકોના સર કાપીને નેઝા પર લગાવી દીધાં. ઓનનાં છેલ્લા શબ્દો હતાં કે “અમ્મીને કહેશો અમે ફુરાત પર પાણી પીધું નથી.”રસુલની આલનો આવો અંજામ મુસલમાનોએ જ કર્યો હતો.

સપના વિજાપુરા

Leave a Reply

Message: