Category Archives: વાર્તા

જડીબુટ્ટી

દોસ્તો આજે મારાં બ્લોગમાં એક પ્રેમકહાની મૂકું છું.પ્રેમ માણસને કેવી રીતે હીલ કરે છે.એની સત્ય કથા છે.આપણે મંદિરનાં અને મસ્જીદનાં અને ચર્ચનાં પગથિયાં ઘસી નાંખીએ છીએ ઈશ્વરની શોધમાં જ્યારે ઈશ્વર તમારામાં જ બેઠો છે.બીજાંને નુકસાન કરવા કરતા પ્રેમથી આપણે બાજી મારી શકીએ.


ફ્લોરીડામા રહેતી  ચેલીને ઘરે એની મમ્મી ફિલીપીનથી આવી.મા દીકરીને ઘરે આવી ખુશી ખુશી. પણ આ ખુશી લાંબી ના ચાલી.મા મેરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.ચેલી એમને હોસ્પીટલ લઈ ગઈ.ડોકટરે થોડાં ટેસ્ટ કર્યાને ચેલીને કહ્યુ કે માને હ્રદયની બીમારી છે અને હ્ર્દય એટલું બધું નબળુ છે કે એ વધારે જીવી નહીં શકે અને આ ઉંમરે સર્જરી શક્ય નથી.. મા પાસે બે થી ત્રણ મહિના છે જીવનનાં.મા દીકરી ચોધાર આંસુએ રડી પડ્યા.

મેરી ૮૦ વરસની સ્ત્રી છે.૨૦ વરસ પહેલા વિધવા થયેલી મેરી એકલી ફિલીપીનમા રહેતી હતી.એ ના પહેલા પતિથી ક્યારેય એને પ્રેમ મળ્યો ન હતો.હડ્ધૂત જિંદગી જીવી પતિ સાથે.૨૨ વરસે લગ્ન થયાં.આ લગ્નથી એને એક દીકરી થઈ ચેલી.જે અમેરિકા આવી ગઈ. મેરીએ પોતનાં પતિ સાથે ૩૮ વરસ પ્રેમ વગર કાઢયા.પ્રેમનું પુષ્પ હમેશ માટે પાણીનાં સિંચન વગર કરમાયેલુ રહ્યુ.સાચો પ્રેમ કોને કહે એ મેરીને ખબર જ ન હતી.અને હવે આ હ્ર્દયની બિમારી!!દુખ એની કિસ્મતમા લખેલું હતું.

મેરીનું રુટીન હતું દર રવિવારે ચર્ચમાં જવાનું. એ દિવસે પણ એ ચર્ચમાં ગઈ.જિંદગી માટે ઈશ્વરનો આભાર માન્યો.અને પાછી વળતી હતીને એને જેમ્સને મળ્યો. લગભગ ૮૫ વરસનો જેમ્સ તંદુરસ્ત દેખાતો હતો.સાથે સાથે ચાલતા જેમ્સએ જાણી લીધું કે મેરીને હ્ર્દયની બીમારી છે અને ૨ થી ૩ મહિનાની મહેમાન છે.બન્નેએ મોડે સુધી વાત કરી..મેરી ઘરે આવી. જેમ્સમાં એક નકારી ન શકાય એવૂ આકર્ષણ હતુ.મેરી રાતે પણ એના વિચાર કરતી સુઈ ગઈ.પણ પછી જાણે કેમ આવતા રવિવારની રાહ જોવા લાગી.રવિવાર આવ્યો. મેરી ચર્ચમા દાખલ થઈ. આંખો જેમ્સને શોધવા લાગી. જેમ્સને જોતા એનાં ચહેરા ઉપર રોનક આવી ગઈ. ફરી બન્ને સાથે બેઠાં વાતો કરી.અને ખબર નહી કેમ જેમ્સએ પૂછ્યુ”મેરી મારે મુવી જોવા જવાનુ છે તારે આવવું છે?”મેરીમાં ના પાડવાની તાકાત જ ન હતી.આમ બન્ને કોઇ ને કોઈ બહાને મળવા લાગ્યાં.ક્યારેક મેરીને હોસ્પીટલ લઈ જાય ક્યારેક ફાર્મસીમાં.બન્ને એકબીજાંને ચાહવા લાગ્યાં.

એક દિવસ બન્ને પાર્કમાં બેઠાં હતા.સામે સુંદર ફૂલો કુરાનની આયાતોની જેમ ગોઠવાયેલા હતાં.પાણીનો ફુવારો ચર્ચના ઘંટ જેવો અવાજ કરી રહ્યો હતો.વાતાવરણમાં પ્રેમ હતો.જેમ્સે મેરીનો કરચલીઓવાળો હાથ મુલાયમ રીતે પકડીને પૂછ્યું,”મેરી મારી સાથે લગ્ન કરીશ?”મેરી સ્તબ્ધ થઈ આ વાક્ય સાંભળી રહી.મેરી કહે,”જેમ્સ, તને ખબર છે કે હું બે ત્રણ મહિનાની મહેમાન છું.તારી સાથે લગ્ન કરીને તને દુખી કરુ?”જેમ્સએ એનાં સુંવાળા મીઠાં અવાજમાં કહ્યુ,”મેરી આ બે ત્રણ મહિના મારી જિંદગીનાં સૌથી વધારે પ્રેમમય અને સુખમય હશે.તું મને આ સુખ નહીં આપે?”મેરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો.મેરી જિંદગભરથી આ પ્રેમની રાહ જોતી હતી.આજે ઈશ્વરે એના દામનમાં મૂકી દીધો જ્યારે એ જિંદગીનાં આખરી પડાવ પર હતી.ના કેવી રીતે પાડે?

ચેલી ખૂશ હતી કે માને કોઈ સાચા હ્રદયથી ચાહવાવાળુ મળ્યું.સાદાઈથી ચર્ચમાં લગ્ન થઈ ગયાં.બન્ને દસ દિવસ ફરી આવ્યા.મેરી ખુશ છે.બન્ને ખૂબ ખુશ હતાં. મેરીને તો જાણે દુનિયાની ખુશી મળી ગઈ હતી. આટલો બધો પ્રેમ?!!! શું એ આ દુનિયામાં જ છે કે મરીને જન્નતમાં પહોંચી ગઈ છે?મેરી ખૂબ ખુશ રહેવા લાગી..સવારે ઉઠીને જેમ્સનોઅ ચહેરો જોઈ લે એટલે એ અડધી સાજી થઈ જાય બન્ને બગીચામાં ફરે ફૂલો સાથે વાતો કરે જાણે ફરી સોળ વરસના પ્રેમી બની ગયાં.

એ દિવસે જેમ્સ મેરીને હોસ્પીટલ ચેક અપ માટે લઈ ગયો. જેમ્સ રુમની બહાર સજળ આંખે બેઠો હતો.થોડીવારમાં ડોકટર બહાર આવ્યાં.જેમ્સની સામે જોઇને બોલ્યા,”મિસ્ટર જેમ્સ તમે મેરીના? .”જેમ્સ એકદમ ડોકટરને અટકાવીને બોલ્યો,”હું મેરીનો પતિ છુ.”ડોકટર કહે,”મારે તમને એક સારાં સમાચાર આપવાના છે.મેરી પહેલીવાર હોસ્પીટલમાં આવી અને મે એને કહ્યુ હતુ કે હ્ર્દય ખૂબ નબળુ છે અને બે ત્રણ મહિનાથી વધારે જીવશે નહીં પણ હવે જ્યારે હું એને ચેક કરુ છું તો એ સારી રીતે ક્યોર થઈ રહી છે.ઇલાજ ચાલુ રાખો..મે ગોડ બ્લેસ હર.”

જેમ્સ ખુશીથી પાગલ થઈ ગયો અને રુમમાં ધસી ગયો. મેરીને પોતાની મજબુત બાહોમાં લઈ લીધી.આ વાતને અઢી વરસ થયાં.

મેરી અને જેમ્સ બન્ને ફ્લોરીડા હજી છે અને પોતાનુ જીવન પ્રેમથી અને ખુશીઓથી વધારી રહ્યા છે.Love heals.જો આપણે ઈચ્છીએ તો આપણા જીવન સાથીની ઉમર વધારી પણ શકીયે અને ઘટાડી પણ શકીયે.. પ્રેમ દરેક રોગની દવા છે અને બિલકુલ મફત છે.

-સપના વિજાપુરા

પ્રેમ અગ્ની

પ્રેમ અગ્ની (કેવો ન્યાય?)

નાદિયાને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર પડી ગઈ.બેભાન નાદિયાને ઘરનાં લોકો ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.નાદિયા હોંશમાં ન આવી.એમ્બયુલન્સ બોલાવવામાં આવી.જલ્દીથી હોસ્પીટલ પહોંચાડવામાં આવી. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા.ડૉક્ટરે નાદિયાના પપ્પાને એક બાજુ લઈ જઈને કહ્યુ કે નાદિયાએ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો.વધારે પડતી ઊંઘની ગોળીઓ લીધી હતી.ઘરનાં સર્વ લોકો ઉપર જાણે વીજળી પડી.
નાદિયા હૈદરભાઈની ચોથા નંબરની દીકરી હતી.હૈદરભાઈને આઠ બાળકો હતા.છ દીકરીઓ અને બે દીકરા.ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ગયેલાં. ચોથી નાદિયા પછી શમા અને સાયરા.નાદિયાનાં આવા પગલાંથી ઘરમાં શોકનું વાતા વરણ છવાઈ ગયું. હૈદરભાઈએ પોતાની દીકરીઓને ઘણી પ્રેમથી રાખેલી.જ્યારે મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ઓછાં હકો આપવામાં હતા ત્યારે દીકરીઓને ભણાવીને ઊંચી પદવીઓ અપાવી.છ દીકરીઓ હોવા છતાં બધીને ખૂબ લાડથી રાખી.
હૈદરભાઈને એક જટકો લાગી ગયો.થું ખોટું થયુ? સમજ પડતી ન હતી.સુની સુની આંખોમાં ઘણાં સવાલ હતા.નાદિયાને ઊંઘની ગોળી સુવાડી ન શકી, તે સલામત ઘરે આવી.શમા અને સાયરા પુસ્તક લઇને વાંચવાનો ડહોળ કરતા હતા. નાદિયા આવીને એમની સાથે બેસી ગઈ.બન્ને બહેનો ચુપ હતી. ગુસ્સામાં પણ હતી. નાદિયાના પગલાં પર ગુસ્સો હતો.બધી બહેનો એક્બીજાથી કશું છુપાવતી ન હતી.અને આ થું થઈ ગયુ? નાદિયા હસી. બહેનો ન હસી શકી નાદિયાએ માફી માંગી.
પછી પોતાની વાત કરી.નાદિયાએ કહ્યુકે એ ઈન્દરને પ્રેમ કરતી હતી.ઈન્દર હિન્દુ છોકરો હતો.સમાજનાં ડરથી નાદિયાએ આ પગલું ભર્યુ.એ ઈન્દર વગર રહી શકે એમ નથી. ઈન્દર કોલેજનો દેખાવડો અને હોશિયાર છોકરો હતો.પણ છોકરીઓ સાથે રમત રમાડવામાં પણ પહેલો નંબર હતો.કોલેજની યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવી અને તેમની લાગણી સાથે રમવું એજ એનો ધંધો હતો.આખો સમય કોલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. નાદિયાને એની કોઈ પણ ખોટી આદત ખોટી લાગતી ન હતી,કારણ કે એ પ્રેમમાં હતી.પ્રેમ આંધળો હોય છે.નાદિયાને ખબર ન હતી કે એ એની લાગણી સાથે રમતો હતો.
હૈદરભાઈ ગભરાઈ ગયેલા.એમણે નાદિયાને સમજાવીને કહ્યુ

” બેટા,જો ઇન્દર તારી સાથે લગ્ન કરવા  તૈયાર હોય તો મને વાંધો નથી,સમાજ અને ધર્મની વિરુધ જઈને તારા લગ્ન ઈન્દર સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતા વધારે છે.પણ તુ ઈન્દર સાથે લગ્નની વાત કરી લે જે.”

નાદિયા તો ખુશીથી પાગલ થઈ ગઈ.નાદિયા હવે ઇન્દર સાથે છૂટથી હળતી મળતી.પણ પોતાની સીમા કદી ઓળંગતી નહિ.એને ઈન્દરનેએ દિવસે ઘરે બોલાવ્યો.ઈન્દર આવ્યો. શમા કોલેજ ગઈ હતી.સાયરા અગાસીમાં બેસીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી .નાદીયાની મા ,ગુલશનબેનને દમનો રોગ હતો, એ પોતાનાં ઓરડામાં આરામ કરી રહી હતી.નાદિયા આજે ખુશ હતી.આજે એ ના પ્રેમની જીત થવાની હતી.એને ઈન્દર માટે કોફી બનાવી.

કોફી પીતા પીતા નાદિયા  બોલી”ઈન્દર હું તને એવા સમાચાર આપવાની છું કે તું ખુશીથી પાગલ થઈ જઇશ.”

ઈન્દર બેફીકરીથી બોલ્યો “શૂં સમાચાર?”

નાદિયા તો પોતાનાં પ્રેમમાં મસ્ત હતી.તેણે ઈન્દરનો હાથ પકડીને કહ્યુ

“પપ્પાએ લગ્ન કરવાની રજા આપી છે. તું કહે ત્યારે આપણે કોર્ટ મેરેજ કરી લઈયે.”

નાદિયા એક શ્વાસે બોલી ગઈ.ઈન્દર આને માટે તૈયાર ન હતો.બનાવટી સ્મિત કરીને  એ બોલ્યો

” શું ઉતાવળ છે, બધું સમય આવ્યે થઈ જશે.”

નાદિયા થોડી નિરાશ થઈ.પણ ફરી વાર બોલી

” ઈન્દર મારે મારી બહેનોનું પણ વિચારવાનુને, હું જલ્દી લગ્ન કરું તો એમના વિષે પપ્પા આગળ વિચારી શકે.”

ઈન્દર એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો

” જો નાદિયા હું હમણાં લગ્ન કરી શકુ નહી. મારી નાની બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી મારે લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.તું તારી નાત ના છોકરા સાથે લગ્ન કરી લે. મને વાંધો નથી.આપણે બન્ને મિત્રો તરીકે રહીશુ.”

તેના ચહેરા ઉપર લુચ્ચું સ્મિત હતું.હવે નાદિયા સમજી ગઈ.ઈન્દર એ ના જેટલો ગંભીર ન હતો.નાદિયાને સમજ ન પડી એને કેવી રીતે સમજાવવો. એને કેવી રીતે કહે કે એ ઈન્દર વગર જીવી નહિ શકે.

નાદિયાને જીવવું બેકાર લાગ્યું.ધીમેથી સ્મિત કરી ઊભી થઈ.વરંડામાં ગઈ.વરંડામાં બે બાજુથી દરવાજા હતા. એક મોટી બારી જે ડાઇનીંગ રુમમાં ખૂલતી હતી. ઈન્દર ડાઇનીંગ રુમમાં બેઠો હતો.નાદિયાએ બન્ને દરવાજા અંદર થી બંધ કરી લીધા.ત્યાં કેરોસિનની બાટલી પડી હતી,તેણે શરીર ઉપર કેરોસિન છાંટી લીધું..અને દીવાસળી ચાંપી દીધી.હવે નાદિયાનું શરીર ભડકે બળી રહ્યુ હતુ.સાયરાને અગાસીમાંથી ભડકા દેખા્યા.દોડીને નીચે આવી.નાદિયાથી બળતરા સહન ન થઈ,દરવાજાની આંકડો ખોલી નાંખ્યો.

ઈન્દર ત્યાં થી રફુચક્કર થઈ ગયો.

સાયરાએ બ્લેન્કેટથી નાદિયાને ઢાંકી દીધી.શમા કોલેજથી ઘરે આવી રહી હતી. રસ્તામાં પડોસણ લાભુબેન મળ્યાં એ કહે “શમા, જલ્દી ઘરે જા તારા ઘર ઉપર ક્યામત ઉતરી છે.શમાના હાથમાંથી પુસ્તકો પડી ગયાં એ ઘર તરફ દોડી. ઘરમાં નાદિયાની અર્ધ બળેલી લાશ પડી હતી. જેમાંથી ચામડી બળવાની દુર્ગંધ આવી રહી હતી.શમાની જાણે છાતી ફાટી જશે એવું લાગ્યું.એમબ્યુલન્સ આવી. થોડી વારમાં નાદિયા હોસ્પીટલમાં હતી. તેનાથી હાયકારો નંખાઈ ગયો. એ હોસ્પીટલ તરફ ભાગી.
નાદિયા ખરાબ રીતે બળી ગઈ હતી.બચવાની કોઈ આશા ન હતી. હૈદરભાઈની આંખોમાં ચોધાર આંસું હતા.નાદિયા થોડી વાર માટે હોંશમાં આવી.પપ્પા બાજુમાં બેઠા હતા.પપ્પાને જોઈને બોલી

” પપ્પા મને બચાવી લો, મારે એ ખોટા માણસ માટે નથી મરવું.”

પપ્પાએ કહ્યુ

“બેટા તને જરૂર બચાવી લઈશ.”

નાદિયા ફરી બોલી

” પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?”

પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતા.એ બોલ્યા

” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”

નાદિયાએ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ.
હૈદરભાઈ અને ગુલશનબેન આ ગમ ભુલી ન શક્યા. કોઈની રમતને લીધે એની દીકરીની જાન ગઈ.કે નાદાનીયત થી દીકરીએ  તેની જાન ખોઇ તે દ્વીધામાં આખી જિંદગી જીવશે.

નાદિયા પ્રેમ અગ્નીમાં હોમાઈ ગઈ. ઈન્દર પોતાની પત્ની અને બાળકો સાથે સુખી છે.

આ ઉપરવાળાનો કેવો ન્યાય..?
સપના વિજાપુરા