જ્યારે ઇમામ હુસૈન કુફા તરફ આવતા હતા ત્યારે જનાબે હૂરનું લશ્કર એમને રસ્તામાં મળ્યું. કારણકે ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદે હૂરને 1000 સિપાહી સાથે મોકલેલા. ઇમામ હુસૈનને કુફા તરફ આવતા રોકવા માટે. ઇમામ કરબલા પહોંચતા પહેલા મકામે જી હુશમ પર પડાવ નાખ્યો. કારણકે અહીંયા પાણીની નહેર હતી. જનાબે હૂર ઇરાકથી આવતા હતા એટલે જનાબે હૂરના સિપાહી પ્યાસા હતાં. ગરમીથી એમના ઘોડા બેહાલ હતાં ત્યારે ઇમામ હુસૈને સિપાહીઓને તેમજ ઘોડાઓને પાણી આપ્યું. ત્યાં સુધી પાણી આપ્યું જ્યાં સુધી બધાંની પ્યાસ બુઝાઈ ના ગઈ. દુશ્મન હતાં છતાં ઇમામે પાણી પર પહેરા ના મૂક્યાં. ઈમામનો હુશ્નએ અખલાક જોઈ હૂર ખૂબ પ્રભાવિત થયા અને ઇમામ હુસૈનની પાછળ નમાજ પણ પડી. જનાબે હૂરે ઇમામ હુસૈનને કહ્યું ,”હું તમને કુફા જતા રોકવા માટે આવ્યો છું.” ઇમામે કહ્યું કે “કુફીઓએ મને પત્ર લખ્યાં છે કે એ લોકો ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદ થી બેઝાર છે અને મારી બયત કરવા માંગે છે.” ત્યારે હૂરે ઇમામને સમજાવવા પ્રયત્ન કરેલો કે મદીના પાછાં જાઓ અને યઝીદની બયત કરો એ એકજ ઈલાજ છે શહાદતથી બચવાનો. પણ ઇમામ ક્યાં માને એમ હતા.
એટલામાં હૂરને ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદનો પત્ર મળે છે. જેમાં એવું લખ્યું હતું કે ઇમામને એક ખુલ્લાં મેદાનમાં રાખો જ્યાં ના પાણી હોય કે મહફુઝ જગ્યા રહેવા માટે હોય. ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદે શિમર અને અમરે સાદ સાથે બીજું 20,000 નું લશ્કર મોકલી આપ્યું.
ઇમામ હુસૈન કરબલા પહોંચ્યા ત્યારે હૂર,યઝીદ ,શિમર, ઉંમરે સાદ તેમજ બીજા સરદારોએ મીટીંગ કરી અને નક્કી કર્યું કે ઇમામ હુસૈન પર પાણી બંધ કરી દેવું. તો બાળકોની અને સ્ત્રીઓની પ્યાસ જોઈને ઇમામ હુસૈન નમતું જોખીને બયત કરશે. પણ આ તો એહલેબયતમાંથી હતા. ભૂખ અને પ્યાસ સામે ઝૂકે એમ ક્યાં હતા.
છેવટે આશુરાની રાત આવી ગઈ. જનાબે હૂર બેચેન હતા. એમના દિલમાં ખટકો હતો કે હું ફાતિમા બિન્તે રસુલના જાનીસાર સાથે કેવું વર્તન કરું છું. એ ફાતિમાને એ ખૂબ માન આપતા હતા. જ્યારે હૂરે ઇમામ હુસૈનનો રસ્તો રોક્યો ત્યારે ઇમામ હુસૈને એમને કહ્યું કે ” એય હૂર, તારી મા તારા ગમમાં રડે!” અરબ લોકો આ રીતે લાનત મોકલતા. ત્યારે હૂરે ઇમામને કહ્યું હતું,” આપની મા માટે હું એમ કહી શકતો નથી કારણકે આપની મા ફાતિમા બિન્તે રસુલ છે. ” હૂર હવે બેચેન છે. જહન્નમ અને જન્નત વચ્ચે એનું મન ગોથા ખાય છે. એમનો આત્મા કહે છે કે અરે મૈં હુસૈનને કેવી હાલતે પહોંચાડી દીધા છે. એહલેબયત ના બાળકો અને સ્ત્રીઓ ભૂખ્યાં અને તરસ્યા છે. અલ્લાહ મને માફ નહિ કરે જો હુસૈન મને માફ નહિ કરે. હુસૈનની માફી યઝીદ એને શહીદ કરશે! હુસૈનની માફી માંગવી એટલે મોતને આમંત્રણ!
આખી રાત વિચાર કરી આશુરાની સવારે હૂરે નક્કી કરી લીધું કે ઇમામને સાથ આપશે. સવારે ઘોડા પર બેસી પોતાના દીકરાને તથા ગુલામને સાથે લઈને ઇમામના તંબુ પાસે ગયા. અને ઈમામની સામે ગોઠણ ટેકવી દીધાં . બે હાથ જોડીને રડીને રડીને કહ્યું,” ઇમામ હુસૈન, તમારી હાલત માટે હું જવાબદાર છું શું મને માફી મળશે? ઇમામે હૂરને ગળે લગાવી દીધા અને કહ્યું ,” એ હૂર મેં તમને માફ કર્યા મારા અલ્લાહે તમને માફ કર્યા મારા નાનાએ તમને માફ કર્યા. પછી એમણે જંગમાં જવા માટે ઈજાજત માંગી અને ઇમામ હુસૈને ઈજાજત આપી. પહેલા એમનો દીકરો જંગ કરવા ગયો જ્યારે એ શહીદ થઇ ગયો તો હૂર એમની મદદ માટે જવા માંગતા હતા. પણ ઇમામે કહ્યું,” હૂર જવાન દીકરાની લાશ જોવી સહેલી નથી. હું જઈશ તારા દીકરાની લાશ ઉઠાવવા.ઇમામને ખબર હતી એમને અલી અકબરની લાશ ઉઠાવવાની હતી. પછી હૂર ગયા. જંગ કરતા કરતા એમનો ઘોડો જખ્મી થઇ ગયો. અને 40 દુશમનોને જહન્નમવાસી કરી હૂર જમીન પર આવી ગયા. એમના માથાં પર તલવાર વાગી જેનાથી લોહી વહી રહ્યું હતું. ઇમામ હુસૈને બીબી ફાતિમાનો રૂમાલ એમના માથા પર બાંધ્યો. હૂરે મરતા મરતા કહ્યું, “હું કયામતમાં આ રૂમાલ સાથે ઉઠીશ!” થોડાં સમય પહેલા જયારે હૂરની કબરનું સમારકામ થતું હતું તો એમની લાશ 1400 વર્ષ પછી પણ તાજી હતી. માથા પર બાંધેલો રૂમાલ ખોલવા ગયા તો તાજું લોહી વહેવા લાગ્યું. અલ્લાહે કુરાનમાં કહ્યું છે કે” શહીદોને મરેલા ના સમજો ,એમને અલ્લાહ તરફથી રીઝક મળે છે અને તે જીવંત છે.” આમ હૂરે છેલ્લાં ચાર કલાકમાં જન્નત કમાઈ લીધી.