1 Aug 2023

મોહર્રમ :9

Posted by sapana

આજ મોહર્રમ ની નવમી તારીખ છે. નવમી તારીખે અલી અસગરનો કિસ્સો પડાતો હોય છે, તેથી આજ અલી અસગ઼ર સૌથી નાના શહીદની વાત કરીએ. રસુલે ખુદા મહંમદ પયગંબર સાહેબ અને બીબી ફાતિમા ઝેહરાનું ભરેલું ઘર આજ ઉજડી ગયું. એક એક કરીને બધાં નવજવાન શહીદ થઇ ગયાં. અલી અક્બરના સીનામાં બરછી મારી, કાસીમની લાશ ઘોડાની ટાપોથી પાયમાલ કરી. હઝરત અબ્બાસના બંને હાથ કાપી નાખવામાં આવ્યાં. અસ્હાબ અને ઔલાદ બધાં શહીદ થઇ ગયાં. ઇમામ હુસૈન એક ટેકરી પર જઈને આસમાન તરફ નજર કરીને બોલ્યા,” હલમિન્નાસે યંસૂરના.” “છે કોઈ જે મારી મદદ માટે આવે.” તંબુમાં ઇમામ હુસૈનના છ મહિનાના પુત્ર અલી અસગ઼ર જે ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસા હતા, તેમને પોતાની જાતને ઝૂલામાંથી બહાર ફેંકી દીધી. તંબુમાં કોહરામ મચી ગયો. બીબી રૂબાબ જે અલી અસગરની માદર હતા. ઉમ્મે રૂબાબનું છાતીનું દૂધ શુષ્ક થઇ ગયું હતું. ઇમામ અસગ઼ર પણ પાણી અને દૂધ વગરના હતા. માછલીને જો પાણીમાંથી કાઢી લેવામાં આવે તો તેનું મોઢું ઉઘાડબંધ થાય પાણી શોધવા માટે એજ રીતે અલી અસગરનું મોઢું ઉઘાડબંધ થતું હતું, એ માનું દૂધ શોધી રહ્યા હતા. ઉમ્મે રુબાબે છ મહિનાના અસગરને ઉઠાવીને બીબી ઝયનબના હાથમાં મૂકી દીધા. બીબી ઝયનબ ઇમામ હુસૈનના બહેન તંબુના દરવાજા પાસે આવ્યાં. ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું, “ભાઈ, અલી અસગરને દુશ્મન પાસે લઇ જાઓ કદાચ એમના દિલમાં રહેમ આવી જાય, અને અલી અસગરને પાણી આપે.”ઇમામ હુસૈન માસૂમ અલી અસગરને કપડું ઢાંકી મેદાનમાં લઇ ગયા.

માસૂમ અલી અસગરને જોઈને લોકોને લાગ્યું કે ઇમામના હાથમાં કુરાન શરીફ છે, કુરાનનો વાસ્તો આપી જંગ બંધ કરાવશે. ઇમામ હુસૈને બંને હાથોમાં બાળકને ઊંચકીને આકાશ તરફ લઇ ગયા અને કહ્યું,” એ યઝીદ તારી જંગ મારી સાથે છે, મારા છ મહિનાના અસગરે તો તમારું કાંઈ બગાડ્યું નથી! મારા અસગરને પાણી આપો એ ત્રણ દિવસથી તરસ્યા છે. યઝીદના લશ્કરમાં ખળભળાટ મચી ગયો. સિપાહીઓ રડવા લાગ્યા. એ લોકો પણ ઇન્સાન હતા અને બાઔલાદ હતાં. સિપાહીઓ રડવાં લાગ્યાં. ઇમામે કહ્યું,” તમને એમ હોય કે હું પાણી પી લઈશ તો લો હું એને જમીન પર મુકું તમે એને પાણી પીવડાવો. મજબૂર બાપે કુમળા બાળકને કરબલાના તપતાં રણમાં અલી અસગરને મૂકી દીધા. પણ કોઈ પાણી લાવ્યું નહિ. ઇમામ હુસૈને અલી અસગરને ઉઠાવી લીધા. ઉંમરે સાદે હુરમલા ને હુકમ કર્યો કે તરત આ બાળકને શહીદ કરો નહીંતર સિપાહીઓના દિલમાં રહેમ આવી જશે અને બાજી ઉંધી વળી જશે.

હુરમલાએ ત્રણ ધરીવાળું તીર કાઢ્યું,જે જાનવરોને મારવા માટે વપરાય છે. હુરમલાએ તીર અલી અસગ઼ર પર ફેંક્યું. હાયે, એ તીર અલી અસગરના નાજુક ગળાને છેદીને ઇમામ હુસૈનના હાથમાં પેસી ગયું. અલી અસગ઼ર ખામોશ થઇ ગયા. ઇમામ હુસૈનના હાથમાં અલી અસગરનું ખૂન આવી ગયું. ઇમામ હુસૈન આ ખૂન જમીન પર ફેંકવા ગયા તો જમીન પોકારી ઉઠી ,” હુસૈન આ ખૂન જો જમીન પર ફેંકશો તો આ જમીન પર કોઈ અનાજ નહિ ઉગે અને જમીન વેરાન થી જશે. એમણે એ ખૂન આસમાન તરફ ફેંકવા ચાહ્યું, આસમાન પોકારી ઉઠ્યું,” હુસૈન, નહિ નહિ આ ખૂન આસમાન તરફ ફેંકશો તો કદી વરસાદ નહિ થાય. ઇમામ હુસૈને એ ખૂન ચહેરા પર લગાવી દીધું અને કહ્યું, ” હું આ ખૂન સાથે કયામતમાં ઉઠીશ અને નાના પાસે જઈને કહીશ કે જુઓ તમારી ઉમ્મતે મારી શી હાલત કરી, તમારા નમાઝી, તમારું કુરાન પડવાવાળાએ મારા અસગરને શહીદ કરી નાખ્યા.

ઇમામ હુસૈન અલી અસગરની લાશ લઈને તંબુ તરફ જવા નીકળ્યા ,જ્યા મા પ્રતીક્ષામાં હતીકે મારો અસગ઼ર પાણીથી સેરાબ થઈને આવશે! ઇમામ હુસૈન સાતવાર તંબુ પાસે ગયા અને પાછાં ફર્યા. માનાં હાથમાં લાશ શી રીતે મૂકવી ? છેવટે તંબુમાં ગયા. બીબી ઝયનબના હાથમાં અલી અસગરને મૂક્યા. ઝયનબે ઉમ્મે રૂબાબને અલી અસગ઼ર ની લાશ આપી જે ખૂનથી લથપથ હતી. રૂબાબ જમીન પર બેસી ગયા અને વિલાપ કરવા લાગ્યાં.

ફરી ઇમામ હુસૈન અને ઉમ્મે રુબાબે તલવારથી એક નાની કબર ખોદી અલી અસગરને દફન કર્યા . પણ દસમી મોહર્રમે જાલીમોએ એ કબર શોધી કાઢી અને એક નેઝા માં એમની લાશને ટાંકી દીધી. હાયે અસગ઼ર, એ નેઝા તરફ મા શી રીતે જુએ જયાં પોતાનો જિગરનો ટૂકડો મૃત હાલતમાં હોય!

સપના વિજાપુરા

Leave a Reply

Message: