28 Jul 2023

મોહર્રમ :7

Posted by sapana

એક એક કરીને ઇમામ હુસૈનના કબીલાના નવજવાન શહીદ થઇ રહ્યાં હતાં. હઝરત કાસીમની ઉંમર કરબલાના મેદાનમાં તેર વર્ષની હતી. કાસીમ ઇમામ હસનના પુત્ર હતા. ઇમામ હસન જે ઇમામ હુસૈનના મોટાભાઈ અને ઇમામ અલીના પુત્ર હતા. જ્યારે ઇમામ હસનને ખબર પડી કે ઇસ્લામ બચાવવા માટે ઇમામ હુસૈનને કરબલામાં શહીદ કરવામાં આવશે, તો એમણે અલ્લાહ પાસે દુઆ કરી કે યા અલ્લાહ ઇસ્લામ પર કુરબાન થવા માટે અને મારા ભાઈની મદદ માટે મને એક બહાદૂર પુત્ર દે! ઇમામ હસનની પત્ની ઉમ્મે ફરવાના પેટે હઝરત કાસીમનો જન્મ થયો. હઝરત કાસીમ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે ઇમામ હસનને માહવીયા એ ઝેર આપીને શહીદ કરી નાખ્યા. મૃત્યુ પહેલા એક પત્ર એમણે પત્નીને આપેલો, અને કહ્યું કે આ પત્ર કરબલાના મેદાનમાં ખોલશો.

આશુરાનો દિવસ ઢળી રહ્યો હતો. ઇમામનું લશ્કર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું. ઉમ્મે ફરવાએ દીકરા કાસીમને બોલાવીને કહ્યું ,” બેટા જંગ માટે તૈયાર થી જાઓ. ચાચા પાસે જાઓ અને ઈજાજત માંગો.” કાસીમ ચાચા પાસે જાય છે અને જંગની ઈજાજત માંગે છે. પણ ઇમામ હુસૈન શી રીતે ઈજાજત આપે? ઇમામ હસન જેવા દેખાતા પોતાના ભત્રીજાને જોઈને ભાઈને યાદ કરી લેતા હતા. વળી કાસીમની ઉંમર પણ તેર વર્ષની હતી.ચાચાએ ઈજાજત ના આપી. કાસીમ અમ્મી પાસે ગયા. એમનો ઉદાસ ચહેરો જોઈ માદર સમજી ગઈ. એમણે ઇમામ હસનનો પત્ર કાઢીને કાસીમને આપ્યો. કાસીમ પત્ર લઈને ચાચા પાસે આવ્યા અને પત્ર આપ્યો. જેમાં લખેલું હતું કે,”એક સમય આવશે જયારે ભાઈ હુસૈનને હઝારોના લશ્કરનો સામનો કરવો પડશે, ઇસ્લામ કુરબાની માંગશે ત્યારે તમે મારા તરફથી કુરબાની આપશો.”

ઇમામ હુસૈને કઈ કહેવાનું ના રહ્યું મોટાભાઈના હુકમની અવગણના શી રીતે થાય? ઇમામ હુસૈને કાસીમને પૂછ્યું,” મોત તમને કેવું લાગે છે?” કાસીમે કહ્યું,” મધથી વધારે મીઠું !” ઇમામ હુસૈને ઈજાજત આપી. કાસીમ એટલા નાના હતાકે એમને બખ્તર ફિટ થતું ના હતું. હેલ્મેટ ચહેરો છૂપાવી લેતો હતો. હઝરત અબ્બાસે એમને ઘોડા પર બેસાડ્યા. કાસીમને તલવારબાજી અને જંગ કરવાનું હઝરત અબ્બાસે અને લઈ અકબરે શીખવાડ્યું હતું. બલ્કે કરબલામાં શહીદ થવાવાળા માસુમ બાળકોને તલવારબાજી હઝરત અબ્બાસે શીખવાડેલી. કાસીમે ઘણાં દુશ્મન ને જહન્નમવાસી કરી નાંખ્યાં . પણ એક તેર વર્ષના બાળકનું કેટલું ગજુ ? બધાં સિપાહોએ સાથે હૂમલો કર્યો, કાસીમ જમીન પર આવી ગયા. એમણે ચાચાને બોલાવ્યા અને સલામ કહ્યા. ચાચા હુસૈન અને ચાચા અબ્બાસ કાસીમ તરફ દોડ્યાં તો યઝીદને લાગ્યું કે હૂમલો કરવા આવ્યાં છે. સિપાહીઓ ડાબી અને જમણી તરફ ઘોડા લઈને દોડવાં લાગ્યાં. આવી હડબડીમાં કાસીમની લાશ ઘોડાની નાળથી કચડાતી ગઈ અને પાયમાલ થઇ ગઈ. ઇમામ હુસૈન મેદાનમાં આવી કાસીમની લાશને શોધવા લાગ્યા તો લાશ મળી નહિ.પણ ક્યાંકથી કાસીમનો હાથ, કયાંકથી કાસીમનો પગ અને એમ આખું શરીર વિખેરાઈ ગયું હતું. ઇમામ હુસૈને રડતા રડતા પોતાની અબા માં કાસીમની લાશનું પોટલું વાળ્યું અને તંબુ તરફ ગયા. ઉમ્મે ફરવાએ કાસીમ વિષે પૂછ્યું તો ઇમામે પોટલું ખોલીને કહ્યું,” આપણે અલ્લાહથી છીએ અને અલ્લાહ તરફ પાછું ફરવાનું છે.” બીબીઓ કાસીમની લાશ જોઈને રડવાં લાગી!

પામાલ હુઆ કાસીમ જબ ઘોડોકી ટાપોસે
કિસ તરહ ચાચા તેરી મય્યતકો ઉઠાયેગા
ઝેહરા ઝેહરા કાસીમકા ભી પૂરસા લો

સપના વિજાપુરા

Leave a Reply

Message: