31 Jul 2023

મોહર્રમ :8

Posted by sapana

અબ્બાસ એટલે બહાદૂરીનું નામ ! અબ્બાસ એટલે વફાદારીનું નામ! અબ્બાસ એટલે દિલાવરનું નામ! જ્યારે બીબી ફાતિમા બિન્તે રસુલે ખુદાની વફાત થઇ. તો હઝરત અલી બીજી શાદી કરવા માંગતા હતા. એમણે પોતાના ભાઈ અકીલને કહ્યું કે મારા માટે એવી સ્ત્રી જે એક આલા નસલથી સંબંધ રાખતી હોય અને પોતે પણ બહાદૂર હોય. કારણકે એનાથી બહાદૂર ઔલાદ પેદા થાય જે ઇમામ હુસૈનને કરબલામાં મદદ કરે. ફાતિમા બિન્તે અસદ (હઝામ ) નું નામ આપવામાં આવ્યું. એમનું કુટુંબ શરાફત ,સખાવત ,પાકી અને મહેમાનનવાઝી માં અવ્વ્લ હતું. ઇમામ અલીએ ફાતિમા બિન્તે અસદ થી નિકાહ કરી લીધાં .ફાતિમા બિન્તે અસદ દીકરાઓની મા હોવાથી એમને ઉમ્મુલ બનીન તરીકે પણ પ્રખ્યાત હતા.

ઉમ્મુલ બનીન જ્યારે ઇમામ અલી સાથે નિકાહ કરીને આવ્યાં તો ઇમામ હસન ઇમામ હુસૈન અને બીબી ઝયનબની ઉંમર ખૂબ નાની હતી. એમણે ત્રણે બાળકોને ગળે લગાડ્યાં અને શાદીની રાતે જ કહ્યું કે ,” હું તમારી માની જગ્યા લેવા નથી આવી. હું તમારી કનીઝ બનીને આવી છું. તો મને તમારા કદમોમાં જ રહેવા દેશો.” અને જ્યારે હઝરત અબ્બાસનો જન્મ થયો ત્યારે હઝરત અબ્બાસ કરતા આ ત્રણ બાળકોનો વધારે ખ્યાલ રાખતાં હતા. હઝરત અબ્બાસ બોલતા શીખ્યા એટલે ઉમ્મુલ બનીને હઝરત અબ્બાસને કહ્યું, “હુસૈનને કદી ભાઈ કહીને ના બોલાવતા નહિ. એમને આકા કહીને જ બોલાવશો.”જિંદગીભર હઝરત અબ્બાસ સાયાની જેમ ઇમામ હુસૈન સાથે રહ્યા.

હઝરત અબ્બાસ દેખાવમાં બિલકુલ પોતાના અબ્બા હઝરત અલી જેવા હતા. એમને મદીનાવાળાએ કમરે બની હાશમ નામ આપેલું , કારણકે એ દેખાવમાં ખૂબ ચાંદ જેવા હતાં . એ એટલા ઊંચા હતા કે ઘોડા પર બેસતા તો એમના પગ જમીન પર રહેતાં. એ જ્યારે મદીનાની ગલીયોમાં નીકળતા તો એમને જોવા માટે માણસો થોડીવારમાં થંભી જતા.અબ્બાસનો અર્થ સિંહ થાય છે. એવો સિંહ જેને જોઈને બીજા સિંહ ભાગી જાય! એ બહાદૂરીમાં સિંહ જેવા જ હતા. બહાદુરીમાં એ એમના અબ્બા ઇમામ અલી જેવા હતા. એમણે ઇમામ હસન સાથે ઘણી જંગ કરી જેમાં જંગે સિફફીન માં એમણે ઇમામ અલીના કપડાં પહેરીને એવી જંગ કરી કે લોકો એને ઇમામ અલી માનવા લાગ્યા.

કરબલામાં ઇમામ હુસૈને અલમ એમના હાથમાં આપી એમને લશ્કરના સરદાર બનાવ્યા હતા. આશુરાના દિવસે એક પછી એક બનુ હાશમના નવજવાન કુરબાન થતા ગયા. પોતાના હાથોથી હઝરત અબ્બાસે અલી અકબર, હઝરત કાસીમ, ઓન અને મહંમદ , તેમજ અસ્હાબોના માથાથી છૂટા પડેલા ધડને કરબલાની તપતી જમીન પર દફન કરતા રહ્યા. કારણકે દરેક લાશ પરથી સર કાપીને નેઝા પર લટકાવામાં આવતાં હતાં . હવે એમની સબરની સીમા આવી ગઈ હતી. એ આકા હુસૈન પાસે ગયા અને જંગ માટેની ઈજાજત માંગી. ઇમામ હુસૈને કહ્યું,” અબ્બાસ તમે મારા લશ્કરના સરદાર છો અને અલમદાર છો તમને શી રીતે લડવા જવા દઉં ?” અબ્બાસે ગરદન ઝૂકાવીને કહ્યું,” આકા , એ લશ્કર જ ક્યાં રહ્યું છે જેનો હું સરદાર છું. આપણે ત્રણ જણા બચ્યાં છીએ એક હું એક તમે અને એક છ મહિનાનાં અલી અસગ઼ર. એટલામાં તંબુ જેને ખયમા પણ કહેવાય છે. તેમાંથી અલ-અતશની બૂમો સંભળાઈ! અલ-અતશ એટલે હાય પ્યાસ હાય પ્યાસ અથવા પાણી પાણી! બનુ હાશમના બાળકો પાણી વગર માછલીની જેમ તડપી રહ્યાં હતાં. બીબી સકીના જે ઇમામ હુસૈનની ચાર વર્ષની દીકરી હતાં તે ચાચા અબ્બાસ પાસે આવીને ક્હેવા લાગ્યાં ,”ચાચા અબ્બાસ અલ-અતશ.” ચાચા અબ્બાસ સકીનાને લઈને ઇમામ હુસૈન પાસે જાય છે. અને કહે છે કે આકા મને પાણી લેવા જવાની ઈજાજત આપો. ઇમામ હુસૈન ના ન પાડી શક્યા. હઝરત અબ્બાસ ઝયનબની ઈજાઝત લેવા ગયા ત્યારે ઝયનબ રડી પડ્યાં હઝરત અબ્બાસને કહ્યું,” બાબાએ જ્યારે મને કહ્યું કે કરબલામાં તારો હિજાબ ચાદર છીનવાઈ જશે, ત્યારે મને થતું હતું કે જેનો અબ્બાસ જેવો ભાઈ હોય તેના પરદાને કોણ છીનવી શકે! ભાઈ અબ્બાસ હવે મને યકીન થઈ ગયું કે મારી ચાદર છીનવાઈ જશે!” હઝરત અબ્બાસ મશ્ક ( પાણી ભરવાનો કુંજો) અલમ સાથે બાંધીને નેહરે ફુરાત તરફ જવા લાગ્યા. રસ્તામાં કેટલાય દુશમનોને જહન્નમવાસી કરતા ગયા.લડતા લડતા નેહરે ફુરાત પર પહોંચી ગયા. મશ્ક ભરી હાથમાં પાણી લીધું કારણકે એ પણ ત્રણ દિવસના પ્યાસા હતા. પણ પાણી તરત ફેંકી દીધું, સકીના પ્યાસી હોય તો એમના ગળે પાણી ક્યાંથી ઉતરે! કહેવાય છે કે ઘોડાએ પણ પાણી ના પીધું!

મશ્ક લઈને પાછાં ફરવા લાગ્યા પણ એક સિપાહીએ એમનો ડાબો હાથ કાપી નાખ્યો. એમણે અલમ જમણા હાથમાં પકડ્યો. બીજા સિપાહીએ એમનો જમણો હાથ પણ કાપી નાખ્યો અને એક તીર પાણીની મશ્ક પર માર્યું અને બધું પાણી વહી ગયું. અબ્બાસ અલમદારની પાણી તંબુ સુધી પહોંચાડવાની આશા પર પાણી ફરી વળ્યું. કોઈ એક સિપાહીએ ત્રિશૂળ જેવા નેઝાથી એમના સર પર ઘા કર્યો અને હાથ વગરના અબ્બાસ જમીન પર આવી ગયા. કલ્પના કરો કે જેના હાથ નથી તે ઘોડા પરથી શી રીતે જમીન પર આવતા હશે? અબ્બાસે આકાને મદદ માટે બોલાવ્યા. ઇમામ હુસૈને અબ્બાસનો અવાજ સાંભળ્યો તો બોલ્યા,” હાય અલ્લાહ, આજ મારી કમર તૂટી ગઈ. એ અબ્બાસ પાસે નાના બાળકની જેમ ગોઠણીયે ચાલતા ચાલતા પહોંચ્યા! અબ્બાસ મારા ભાઈ! એમનું માથું પોતાના ખોળામાં મૂક્યું. ઇમામ હુસેને પૂછ્યું ભાઈ કોઈ ઈચ્છા છે? અબ્બાસે કહ્યું, “આકા મારી આંખોમાં ખૂન છે આપ એને સાફ કરી દો તો હું આપની ઝિયારત કરું. ” ઇમામે એમની આંખો સાફ કરી. ઇમામે કહ્યું,” ભાઈ મારી પણ એક આરજૂ છે, જિંદગીભર આપે મને આકા કહીને બોલાવ્યો છે ,આજ મને ભાઈ કહીને બોલાવો. અબ્બાસે ઈમામની આરજૂ પૂરી કરી. પછી અબ્બાસે કહ્યું, “ભાઈ મારી લાશ તંબુ સુધી ના લઇ જતા, સકીનાથી હું શર્મિંદા છું કે પાણી ના લાવી શક્યો.” અબ્બાસે દમ તોડી દીધો. ઇમામ હુસૈને અલમ ઉપાડ્યો અને તંબુ તરફ રવાના થયા. અલમ આવ્યો પણ અલમદાર ના આવ્યો. લુબના અલી અબ્બાસની પત્ની ઇમામ હુસૈનને અલમ લાવતા જોઈ સમજી ગઈ કે અલમદાર નથી. એ માથું કૂટવા લાગી. સકીનાએ જોયું કે અલમ આવ્યા છે અલમદાર નથી આવ્યા. એને બનુ હાશમના બાળકોને ભેગા કર્યા જે હાથમાં જામ લઈને પાણીની રાહ જોતા હતાં કહ્યું,” મારા ચાચા પાણી લઈને નથી આવ્યા, માફ કરજો મેં તમને વચન આપ્યું હતું કે મારા ચાચા પાણી લાવશે! પછી આશુરા ગઈ 11 મી મોહર્રમ આવી કોઈ બાળકે પાણીનું નામ ના લીધું!

થા હાથોંકે કટનેકા કુછ ગમ ના દિલાવરકો
સઇદાનીયોકા પરદા અબ કૌન બચાયેગા
ઝેહરા ઝેહરા અબ્બાસકા ભી પૂરસા લો

સપના વિજાપુરા

Leave a Reply

Message: