Categories
-
Recent Posts
Recent Comments
- dilip on શક્યતા નથી
- Pancham Shukla on શક્યતા નથી
- PRASHANT on શક્યતા નથી
- Jagadish Christian on શક્યતા નથી
- Shenny Mawji on શક્યતા નથી
Meta
Blogroll
-
શક્યતા નથી
રસ્તે ફરી મળાય હવે શક્યતા નથી
ફૂલો બહારમાં ય સુકાયા છે બાગમાં
અંતર થયા અમાપ ઊભા આપણી વચે
આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
પહેરા અહીં વિચાર ઉપર રોજ હોય છે
દરિયો અફાટ છે દુખનો આપણી વચે
છૂટા પડી ગયા અમે કે જિંદગી તો શું
સપના વિજાપુરા
Posted in ગઝલ
16 Comments
જીવન
ટીક ટીક ટીક ટીક ઘડિયાળ બોલે છે
પળ પળ પળ પળ વીતી જાય છે
વરસો વીતતાં જાય છે…૨૦૦૯,૨૦૧૦,૨૦૧૧…..
શ્વાસ ખૂટતા જાય છે
રેતની જેમ સમય હાથથી સરકી જાય છે
જે પળ વીતી પ્રેમ વગરની મિથ્યા વીતી
જે પળ વીતી વાદ વિવાદમાં મિથ્યા વીતી
જે પળ વીતી ખુદાની યાદ વગર મિથ્યા વીતી
જે પળ વીતી નફરતમાં એ મિથ્યા વીતી
જે પળ વીતી વેર ઝેરમાં મિથ્યા વીતી
બંધ મુઠ્ઠીમાં થોડી પળ લઈ ફરું છું
આ પળ મિથ્યા કરું કે??
સપના વિજાપુરા
૧૨-૩૦-૨૦૧૧
Posted in અછાંદસ
7 Comments
સપનાંને સહારે હું
હકીકતથી ડરી જીવું છું સપનાંને સહારે હું
નયન ભીનાં કરી જીવું છું સપનાંને સહારે હું
કહે છે એક બાળક નીરખી મોટી ઈમારતને
સડક બાથે ભરી જીવું છું સપનાંને સહારે હું
મહેલો કાંચના બાંધું છું ને તોડું છુ રોજરોજ
હવાથી થરથરી જીવું છું સપનાંને સહારે હું
જીવે છે એ વગર હાંફે તરી દરીયા ઉપર દરીયા
ને પગ પર પગ ધરી જીવું છું સપનાંને સહારે હું
ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું
કહાની ચાંદને સુંદર પરીની મા કહેતી’તી જે
ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું
સપના વિજાપુરા
૧૨-૧૮-૨૦૧૧
Posted in ગઝલ
10 Comments
આશુરા
મિત્રો,
આજ મોહર્રમની દસમી તારીખ છે. ફરી ઈમામ હુસૈનનો ગમ અને ફરી હું છું.ફરી ૭૨ લાશ અને કરબલાની જમીન અને હું છું.ઇમામ હુસૈન એટલે હઝરત મહંમદ મુસ્તુફાના દીકરીનાં દીકરા..નવાસા..જેમને ઈમામત અલ્લાહ તરફથી મળેલી..પણ એ વખતનો નિષ્ઠુર હાકીમ ઇમામને ચેન લેવા દેતો ના હતો..જેનું નામ યઝિદ હતું..એમણે ઈમામ હુસૈનને દગાથી પત્ર લખી કરબલા બોલાવેલા સંધિ કરવા ..પણ ઈમામ જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે કહ્યુ કે મારી સામે ઝૂકો નહીતર લડાઈ કરો..ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજને હાથ ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ..એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યઝિદ પાસે પચાસ હજારનું લશ્કર…કોઈ ક્યાં સુધી બચવાનું હતું? ઇતિહાસની આ નાનાંમાં નાની લડાઈ હશે. જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે..અને જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યઝિદે રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી…આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું ..પણ ઈમામ હુસૈને ઈસ્લામ બચાવી લીધો..અત્યારે યઝિદનાં કોઈ નામો નિશાન નથી ત્યારે..ઇમામ હુસૈન વિષે કહેવાય છે કે..
ઇસ્લામ ઝિન્દા હોતા હૈ હર કરબલાકે બાદ
અહીં આશુરા રદિફ છે આશુરાનાં દિવસે આ બનાવ બનેલ તો આશુરાને ઉદ્દેશીને આખી ગઝલ રચી છે ગઝલ ફક્ત ૩૦ મિનીટમાં બની છે સજેશન આવકાર્ય છે.
આશુરા
ખૂબ છે આ રાત ભારી, આશુરા
ચાંદની પણ આજ કાળી, આશુરા
થઈ ફઝર તો થૈ ક્યામત પણ અહીં
મોતથી થઈ આમ યારી, આશુરા
જો ગયાં અકબર ફરી આવ્યાં નહીં
લાગી બરછી એકધારી, આશુરા
હાય કાસિમ તેરની વય આપની
ટૂકડામાં લાશ આવી, આશુરા
ન્હેર પર અબ્બાસ દિલાવર ગયાં
મશ્ક તૂટી વહ્યુ પાણી, આશુરા
છહ મહીનાનાં અલી અસગર અરે
તીર કેવું માર્યુ કારી, આશુરા?
એક હુસૈન છે હવે બાકી અહીં
લાખ તીરો એક હાજી, આશુરા
કરબલાનું રણ, સળગતા ખયમા છે
હાય સ્ત્રીઓ ડરની મારી, આશુરા
બંધ કર ‘સપના’ કહાની બસ અહીં
આંખ આલમની થઈ પાણી, આશુરા
સપના વિજાપુરા
મોહરર્મ ૧૦,૧૪૩૩ હીજરી
Posted in ગઝલ
9 Comments
બા
મિત્રો,
ડો.મધુમતીબેન મહેતા તથા ડો.અશરફ ડબાવાલાના નિવાસ સ્થાને મધુબેનના માતૃશ્રીનો ૮૫ મો જન્મદિવસ ડીસેમ્બરની ચાર તારીખ બે હજાર અગ્યારના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાયો..બાનું પુનમની થાળી જેવું મુખ હસું હસું થઈ રહ્યુ હતુ.અને દીકરી મધુમતી પણ આનંદ આનંદમાં હતાં.અશરફભાઈ ફકત એક નિષ્ણાત ડોકટર જ નહીં પણ એક સારાં યજમાન પણ છે. મહેમાનની પરોણાગત કાઠિયાવાડમાં પ્રખ્યાત છે અને આ દંપતી બન્ને કાઠિયાડી ..એટલે સોનામાં સુગંધ ભળી ગઈ..
એમનાં બેઝમેન્ટમાં ટેબલ ખુરશી બીછાવાઈ અને જમવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ ..જમણમાં એય..ને ઉંધિયુ ,ચણામસાલા,કચોરી ગોટા દાળ ભાત શિખંડ મોહનથાળ અને નાન.. ખૂબ મજા આવી ભોજન માણી લીધું ..એટલે કવાલી ચાલુ થઈ અને વચે બ્રેકમાં બા એ કેક કાપ્યું ..બેઝમેન્ટ તાળીઓથી ધમધમી ઉઠ્યું…બાનાં આશીર્વાદ હમેશ બાળકોને માથે હોય છે..આજ બાને આશીર્વાદ અને દુઆઓ મળી દિર્ઘાયુની…
ફરી બ્રેક પછી કવાલીની રમઝટ ચાલુ થઈ મોગલે-આઝમની મારી ગમતી કવાલી
किसीके इश्कमे आंसु बहाकर हम भी देखेंगे
બસ પછી તો હિતેશ માસ્ટર એમના સાથીઓએ જે રમઝટ બોલાવી કે કોઈ વચે બ્રેક લેવા પણ તૈયાર ન હતું..બસ મંત્રમુગ્ધ થઈ શ્રોતાઓ કવાલીની મજા માણી રહ્યા હતા. એક પછી એક કવાલી રંગ લાવતી રહી..હિતેશભાઈનાં ઓરકેટ્રાનુ નામ સારેગામા છે
એમના ગ્રુપમા
હિતેશ માસ્ટર, કાફી ખાન, રીચર્ડ ક્રિસ્ચન,રાજ બેન્કાપુર ,અતુલ સોની, રીટા પટેલ,ઉમા કારીયા હતા.
સવારનાં ૨.૦૦ વાગે જ્યારે એમણે છેલ્લી કવાલી ગાઈ..
ये इश्क इश्क है ..इश्क इश्क ..શ્રોતાએ ઊભાં થઈ અભિવાદન કર્યુ…બાનો ૮૫ મો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો…લગભગ ૧૦૦ જેટલા શુભેચ્છ્કોની દુઆ મળી..શિકાગો આર્ટ સર્કલ તરફથી અને ખાસ મારાં તરફથી બાને દિર્ઘાયુ માટે પ્રાર્થના..તુમ જીઓ હજારો સાલ,સાલકે દિન હો પચાસ હજાર….આ સાથે બા માટે એક ગઝલ લખી છે જે આપની સમક્ષ રજુ કરું છું..આ ગઝલ લખી ત્યારે મારી સમક્ષ મધુબેનનાં બા, મારી મર્હુમ બા ગુલબાનુબેન, મારાં મર્હુમ સાસુ રસુલબેન અને જેણે મને દીકરી બનાવી છે એ હેમંતભાઈના બા રુક્ષમણી બેન યાદ આવી ગયાં. આ ગઝલ દુનિયાની બધી બા માટે છે .
બા
વહાલનું મીઠું ઝરણ છે બા
સ્વર્ગ તારે તો ચરણ છે બા
દેવ દેવી થી વધું પાવન
એક તારું બસ સ્મરણ છે બા
ઢાલ મારી તું બની જાય છે
દુખની સામે આવરણ છે બા
જીવથી વ્હાલું છે હર બાળક
તુજ દુઆ હર એક ક્ષણ છે બા
તારું હું પ્રતિબિંબ મારી બા
હું નજર આવું દર્પણ છે બા
ફૂલની માફક તું રાખે છે
જિંદગી તો એક રંણ છે બા
તું લડી લે સર્વ મુશ્કેલીથી
આમ કોમળ પણ કઠણ છે બા
આશ જ્યારે ડૂબતી મારી
એક ‘સપના’નું કિરણ છે બા
સપના વિજાપુરા
૧૨-૦૩-૨૦૧૧
Posted in ગઝલ
10 Comments
પડકાર છે
ભીતર મહી અવકાશનો સુનકાર છે
છે ઘોર કાળી રાત ને અંધાર છે
તૂટ્યું છે ભીતર એક વાસણ કાચનું
કરચો છે ચારે બાજુ દિલ થડકાર છે
વીતે છે જીવન એમ જાણે ભાર છે
સો છે સમસ્યા નિત નવાં પડકાર છે
કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
સાથે રહેવું એક બસ વ્હેવાર છે
આકાશ વરસે છે કદી ક્યારેક પણ
આંખોનું તો ચોમાસું અનરાધાર છે
દિલનું તડપવું રોજનું થ્યું છે અહીં
દિલ ના સમજ છે દુખ એ પાનાર છે
દિવસો રહે છે એક જેવાં ક્યાં બધાં?
સુખ દુખ જીવનનો ચડાવ ઉતાર છે
તારું રિસાવું કેટલું મોંઘું પડે
આવું શે ?દરિયાની તું પેલે પાર છે
માંગી તને દુનિયા મળી પૂરી મને
લો આપણાં સપનાં બધાં સાકાર છે
સપના વિજાપુરા
૧૧-૧૦-૧૧
Posted in ગઝલ
17 Comments
એ દિવાળી ક્યાં?
બાનું એ મોટું ફળીયું
એ ફળીયામાં લંગડી રમતી
પકડા પકડી રમતી
આંધળીયો પોતલીયો રમતી
રાગણાં તાણીને અન્તકડી રમતી
બહાર ગરબીની આજુ બાજુ રાસ રમતી
અને દિવાળી આવતાં લારીવાળા પાસે થી
રંગ બે રંગી ચિરોડીના રંગ ખરીદતી
અને સવારે વહેલી ઊઠીને
રંગોળીની બુકમાં જોઈ રંગોળી બનાવતી
નવાં નવાં કપડાં પહેરીને મહાલતી
રાતે બાપાજીના અપાવેલા ફટાકડાં ફોડતી
પપ્પાની સાયકલ પર બેસી ચોપડા પુજનમાં જતી
એ સપના ક્યાં ગઈ હશે????
એ નિર્દોષ બાળાનાં મનમાં
ફક્ત આનંદ અને ઉત્સાહ ભર્યા હતા
એને પોતાને ખબર ના હતી કે
એ ક્યાં ધર્મની છે?
ને કૉઈ વેર ઝેર મનમાં ના હતું
તો આ બીજ કોણે રોપ્યાં હશે ????
આ પાપકર્મ ક્યાં પંડિતે કે ક્યા મૌલવીએ કરેલું છે…
એની નિર્દોષતા છીનવવાનું દુષ્કાર્ય કોણે કર્યુ???
એની આંખોમાં હજું એ જ ભાતૃભાવનાનાં ‘સપનાં’ છે
એ જ સપનું કરોડો લોકોની આંખોમાં છે
સપના વિજાપુરા
૧૦.૨૩.૨૦૧૧
Posted in અછાંદસ
14 Comments
દવા નથી નીકળતી
હ્રદયથી દુઆ નથી નીકળતી
છે ડૂમા સદા નથી નીકળતી
છે આ રોગ પ્રેમનો વરસોથી
હા એની દવા નથી નીકળતી
જઈ પ્રેમ હું કરુ એને પણ
નજરથી હયા નથી નીકળતી
કરે બેવફાઈ લોકો હર પળ
અહીં તો વફા નથી નીકળતી
ચમન જ્યારથી ગયાં છે છોડી
હવે બાદે સબા નથી નીકળતી
રમતમાં તો કેટલાં દિલ તૂટ્યાં
હા એની અદા નથી નીકળતી
ભલે બસ મરી મરી જીવીશુ
ખુશીથી કઝા નથી નીકળતી
કરે છે ગુનાહ ‘સપનાં તોડી
એ નામે સજા નથી નીકળતી
સપના વિજાપુરા
૭-૧૯-૨૦૧૧
Posted in ગઝલ
11 Comments
ડરતો નથી
કોઈનો વિશ્વાસ પણ પડતો નથી
છે જખમ એવો કે એ ભરતો નથી
કોણ લે મનની વ્યથા? કોને પડી?
ખોટનો ધંધો કદી કરતો નથી
જે પહોંચી જાય ઉંચે ટોચ પર
એ જમીં ઊપર નજર કરતો નથી
લૈ જજો મારો જનાજો બસ મસીદ
એ ચહેરો જો રડે ગમતો નથી
પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી
સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!
યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી
સાત સપના હું સજું સંગીતમય
તાર એ દિલનો તો ઝણઝણતો નથી
સપના વિજાપુરા
૮-૮-૨૦૧૧
Posted in Uncategorized
14 Comments
ગઝલ મહોત્સવ
આ ફોટામાં ડાબી બાજુથી શ્રી ભરતભાઈ દેસાઈ,શ્રીમતી મધુબેન મહેતા,શ્રી રાજેશભાઈ મિસ્કીન,શ્રી અશરફભાઈ ડબાવાલા,શ્રી અબ્દુલ વહીદ ‘સોઝ’ અને ‘સપના’ વિજાપુરા

મિત્રો,

શિકાગો આર્ટ સર્કલ યોજીત ગઝલ મહોત્સવ કાર્યક્રમ સપ્ટેમ્બર ૧૭,૨૦૧૧ ના દિવસે રાખવામાં આવેલ…આ કાર્યક્રમ ડો. શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના માનમાં રાખવામાં આવ્યો હતો….જ્યારે સાંભળ્યું કે મારે પણ આ કાર્યક્રમમાં ગઝલનું પઠન કરવાનું છે ત્યારેપ્રથમ તો થોડો ખચકાટ થયેલ..રાજેશભાઈએ ગઝલમાં પી.એચ ડી કરેલું છે અને હું મારાં જોડકણાં એમની સામે કેવી રીતે પ્રસ્તુત કરીશ? પણ જ્યારે રાજેશભાઈને મળી ત્યારે આ ખચકાટ પાણીની જેમ વહી ગયો…
રાજેશભાઈ સરળ અને સીધાં સાદાં વ્યક્તિ છે…અભિમાનનો છાંટો પણ નહી ..અને કોઈને પોતાનાંથી ઊતરતા સમજતા નથી…એટલે જ્યારે એમની સમક્ષ મારી ગઝલોનું પઠન કર્યુ તો એમણે ઘણાં ભાવથી ગઝલો સાંભળી..
કાર્યક્રમની શરૂઆત..સમય મુજબ સાત વાગે થઈ..સાંજનાં સુનેહરી વાતાવરણમાં રાજેશભાઈએ સંચાલન હાથમાં લીધું,અશરફભાઈએ રાજેશભાઈની ઓળખાણ આપી ..રાજેશભાઈને એટલાં બધાં એવોર્ડ મળ્યાં છે કે બધાં યાદ રાખવા કપરું કામ હતું ..પણ કલાપી અને શુન્ય પાલનપૂરી એવોર્ડ યાદ રહ્યા.અશરફભાઈની ઓળખાણ આપવાની જરૂર ગુજરાતી સાહિત્ય જગતમાં નથી…સાહિત્ય એમનું બીજું નામ છે અશરફભાઈ અને મધુમતી મહેતાની સારસ બેલડી સાહિત્ય જગતમાં વણથંભ્યું કામ કરી રહ્યા છે..અમેરીકામાં રહી આટલું સમર્પણ કરવું એ પ્રશંસાને પાત્ર છે.
કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઈના શુભ હસ્તે થયું..અને સદનસીબે મારું પઠન પહેલા હતું રાજેશભાઈની સંચાલન કરવાની પધ્ધતી પર દિલ આફરીન પોકારી ગયું…એટલી મીઠાશથી એમણે મારી ઓળખાણ આપી કે મને ગર્વ થયો…
મેં મારી ગઝલ
કોઈની કિસ્મતમાં ફરવાનું
કોઇની કિસ્મતમાં રડવાનું
થકી શુભઆરંભ કર્યો…ભાવકોએ મારી ગઝલને તાળીઓનાં ગગડાટથી વધાવી લીધી….ત્યારબાદ શિકાગોના બિનદાસ કવિ શ્રી ભરતભાઈ દેસાઈ ‘સ્પંદન’ને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા…એમણે એમની
જાતને અનુભવ થાય ને ! ત્યારે એની ખબર પડે છે
ઘાત માથેથી જાય ને ! ત્યારે એની ખબર પડે છે.
ગઝલથી શરૂઆત કરી અને ગઝલોની રમઝટ બોલાવી દીધી…શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ એમની વાણીને સાંભળી રહ્યા હતા, ત્યારબાદ અબ્દુલ વહીદ ‘સોઝ..આવ્યા
એમની ગઝલ “સંબધીત” એમનાં ઘૂંટાયેલા અવાજમાં સંભળાવી.. રાજેશભાઈ નું કૌશલ્ય સંચાલન કાર્યક્રમને બરાબર જકડીને રાખતું હતું..મધુબેન જ્યારે સ્ટેજ પર આવ્યાં તો જાણે શ્યામલ રાતમાં પૂર્ણિમાના દર્શન થયાં!!.કાળી સાડીમાં મધુબેન શોભતાં હતા,એમણે એમની ગઝલ
સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ
રામ ભજો યા બાળો રાવણ ભજ ગોપાલમ
અને અન્ય ચાર રચનાઓ સંભળાવી…અને લોકોમાં આનંદ વ્યાપી ગયો…અંતમાં જ્યારે અશરફભાઈની ઓળખાણ આપતા રાજેશભાઈએ એમને’ ધબકારાના વારસ’ તરીકે બીરદાવ્યાં અને વાત વાતમાં ધબકારાનો વારસ અર્થાત “તમારા જ શબ્દો જે આ દુનિયામાં તમારી પાછળ રહી જશે …ને દુનિયા તમને તમારાં શબ્દોથી યાદ કરશે…એમણે દાખલો આપ્યોકે સંત કબીરના પિતાને કોઈ ઓળખતું નથી પણ સંત કબીરને તેનાં કાવ્યો દ્વારા ઓળખીયે છીયે એજ રીતે નરસીંહ મહેતાની વાત કરી…મારાં હ્રદયમાં ઊંડાણમાં જઈને આ વાત બેસી ગઈ છે એમનાં એ શબ્દોએ મારાં ઉપર ખૂબ અસર કરી અને પ્રેરણાદાયી બની રહ્યા.
અશરફભાઈએ એમની ગઝલ…
આમ તો લગભગ હતાં સરખાં હે ઈશ્વર આપણે
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ
શ્રોતાઓએ તાળિઓના ગગડાટ્થી અશરફભાઈને વધાવી લીધાં..હવે મૂખ્ય અતિથી નો સમય આવ્યો…અત્યાર સુધીમાં મે ઘણાં કવિને સાંભળ્યા છે પણ જે છટાથી રાજેશભાઈએ મહેફીલને ડોલાવી છે એવી છટા મેં હજું સુધી મે નથી માણી…ગઝલ એકદમ છંદ સમજાય તે રીતે પઠન કરે કે ક્યો લઘુ છે અને ક્યો ગુરુ તે સ્પષ્ટ રીતે તારણ કાઢી શકાય .આ એમની શક્તિ પર સુખદ આશ્ચર્ય થયું!!!
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
રાજેશ વ્યાસ “મિસ્કીન”
‘લયસ્તરો’થી સાભાર
એમણે એમની ચાર પાંચ ગઝલો સંભળાવીને…ખરેખર ગઝલનું પઠન કેવી રીતે થાય એની સમજણ મને પડી..
ત્યારબાદ ૩૦ મીનીટનો વિરામ લેવાયો…આ વિરામ દરમ્યાન મધુબહેને બટાકાવડાં,ખમણ,કચોરી ગાજરનો હલવાનો ભારી નાસ્તો કરાવ્યો ..અને મને રાજેશભાઈ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો..
પુનઃ કાર્યક્રમની શરુઆત થઈ…આ સમયે રાજેશભાઈએ ગઝલ , નઝમ અને હઝલ વિષે થોડી વધારે માહીતી આપી…કાર્યક્રમની શરૂઆત ફરી મારી ગઝલથી થઈ..
મેં મારી ગઝલ
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે
ફૂલની ફોરમ ચમન તારા જ સ્મરણો લાવશે..
રજૂ કરી અને પછી
ચૂંદડી તે શ્યામ રંગેલી કરી
વાંસળીથી શ્યામ તે ઘેલી કરી.
…શ્રોતાઓ સતત પ્રોત્સાહન આપી રહ્યા હતાં અને તાળીઓના ગગડાટ્થી કવિને વધાવતાં હતા.હવે સ્ટેજને જીવંત કરવા માટે શ્રી ભરતભાઈ દેસાઈ પધાર્યા..એમણે એમની અને મારી માનીતી ગઝલ…
બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે?
તોય તમને પ્રેમ કરું તો વાંધો શું છે?
..ગઝલનું પઠન કર્યુ.અને પછી એમની ચાર પાંચ ગઝલની રમઝટ બોલતી રહી…અને શ્રોતાને હસાવતા રહ્યા..અને ત્યારબાદ ‘સોઝ’ મંચ પર આવ્યાં..એમણે પોતાની આગવી શૈલીમાં સંજીદા ગહન ગઝલોનું પઠન કરીને શ્રોતાને વિચારતા કરી મૂક્યા!!!!..
રાજેશભાઈની અસ્ખલીત વાણી અવિરત સંચાલન કરી રહી હતી વચે ગઝલ અને નઝમ વિષે માહીતી આપતા હતા..મારે એમનાં જ્ઞાનસાગરમાંથી થોડા મોતી વીણવાં હતા જે સદભાગ્યે મારાં હાથમાં આવી ગયાં.
મધુ બેન અને અશરફભાઈની બેલડીએ સભાને જકડી રાખી ..આ કવિ દંપતીએ પોતાની ગઝલો સંભળાવીને શ્રોતાને મુગ્ધ કરેલાં..રાજેશભાઈના શબ્દોમાં કહું તો અશરફભાઈના ‘ધબકારાના વારસ’ પ્રમાણે એ ગઝલમાં ધબકારા મૂકી આપે છે ..અને મધુબેન વ્યંગાત્મક ગઝલોથી ઘણું કહી જાય છે અને મધુબેન ડોકટર હોવાં છતાં ગામઠી ભાષામાં ગઝલ બોલે તો પેલી ગામડાની ગોરી પોતાનાં પતિ વિષે ફરિયાદ કરતી લાગે કે
ડાઘાડૂઘી તનમન કે કપડા પર પડવા દેતા નહીં પણ
ધોબી ઘાટે મેલાં લૂગડાં ધોતા રહેજો એમ કહ્યુ હતું?
અને અશરફભાઈએ એમની ગુગલ કરું છું ગઝલ સંભાળાવી લોકોને પળ અને સ્થળનાં ગુગલ કરતાં કરી દીધાં
ગઝલોના બહાને ‘અશરફ’ મનગમતાં ખૂણે બેસી
મારી બધીય દુખતી રગને ગુગલ કરું છું
રાજેશભાઈની ગઝલના રણકાર સાથે કાર્યક્રામ પૂરો થયો..એમની ગઝલ પઠનની રીત પર હજું હું મુગ્ધ છું..કાર્યક્રમા લગભગ રાતનાં બાર વાગે પૂરો થયો..પછી અશરફભાઇ અને મધુબેનની યજમાનગીરી માણી બધાં છૂટાં પડ્યા..હું અશરફભાઈની આભારી છું કે એમણે મને એમના કવિગણમાં સ્થાન આપ્યું..આ સાથે રાજેશભાઈની એક ગઝલ જેનું એમણે મુશાયરામાં પઠન કર્યુ હતું તેની બે પંક્તિઓ મૂકી વિરમું છું…
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે
બેસે છે જ્યાં ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે
‘સપના’ વિજાપુરા
૯-૨૪-૨૦૧૧
આ લેખનાં સંપૂર્ણ હક લેખીકાને આધીન છે, આ લેખની કોપી પેસ્ટ કરવી નહીં અને જો કરો તો લેખીકાનું નામ લખવું જરૂરી છે…
Posted in Uncategorized
11 Comments









