27 Jul 2023

મોહર્રમ :6

Posted by sapana

મોહર્રમની છઠ્ઠી તારીખ થઇ છે. આપણે આશુરાના શહીદોના કિસ્સા વાંચીએ છીએ. ઇમામ હુસૈનના લગભગ બધાં અસહાબ (સાથી) શહીદ થઇ ગયાં. હવે ફક્ત રસુલની આલના સભ્યો બાકી હતા. એ લોકો બનુ હાશીમ કહેવાતાં હતાં . અલી અકબર ઇમામ હુસૈન અને ઉમ્મે લયલાના અઢાર વર્ષના પુત્ર હતા. જે સુરતમાં અને સિરતમા રસુલે ખુદા મહંમદ પયગંબર સાહેબ જેવા હતા. ઇમામ હુસૈન ઘણીવાર કહેતા કે મને જ્યારે નાનાની યાદ આવે છે ત્યારે હું અલી અકબર ના મુબારક ચહેરા સામે જોઈ લઉં છું. ઉમ્મે લયલાને દીકરાની શાદી કરવાના ખૂબ અરમાન હતા. ઇમામ હુસૈનની એક દીકરી જે બીમાર હતી એ મદીનામાં રહી ગઈ હતી. અલી અકબર સુગરાને ખૂબ ચાહતા હતા. બહેનને એમને વચન આપેલું કે હું તને તેડવા જરૂર આવીશ. બીબી સકીના, ઇમામ હુસૈનના દીકરી જે ચાર વર્ષની વયનાં હતાં , એ પણ ભાઈ અલી અકબરના લાડલાં હતાં.

આશુરાના દિવસે ઝોહરની અઝાન અલી અકબરે અઝાન કરી. તંબુમાં બીબીઓની રડવાનો અવાજ બુલંદ થઇ ગયો. કારણકે જે કોઈ રણમાં જતું હતું પાછું આવતું ના હતું. અલી અકબરની અઝાન પણ રસુલે ખુદા જેવી પ્યારી હતી. બીબીઓને ખાતરી હતી કે આ છેલ્લીવાર અલી અકબરની અઝાન સાંભળવા મળશે. ઝોહરની નમાજ પછી અલી અકબરે ઇમામ હુસૈન પાસે જંગમાં જવાની ઈજાજત માંગી. વિચારો કે બાપના હૃદય પર નશ્તર ફરી ગયું હશે! બૂઢા સતાવન વર્ષના બાપ પાસે અઢાર વર્ષનો દીકરો જઈને પૂછે મને મરવાની ઈજાજત આપો! ઇમામ હુસૈને કહ્યું પહેલા તમારી અમ્મા લયલા અને ફોઈ બીબી ઝયનબની ઈજાજત લઇ આવો. અલી અકબર અમ્મા પાસે ગયા, અમ્મા નમાજ પડતાં હતાં. અલી અકબરે ઈજાજત માંગી. ઉમ્મે લયલા છ મહિના, વરસના પાંચ વરસના દસ વરસના એમ બધા કપડાં અલી અકબરને બતાવવા લાગી. અને રડવા લાગી. પણ ઉમ્મે લયલા એ કહ્યું, “બેટા, ઈજાજત છે. જાઓ ઇમામ હુસૈન પર કુરબાન થાઓ.” અલી અકબર ફોઈના તંબુમાં ગયા. ફોઈએ અલી અકબરને દીકરાની જેમ ઉછેરેલા. કડીયલ જવાનને શી રીતે ઈજાજત આપે. પણ અલી અકબરે કહ્યું,” ફુફી, દાદી ફાતિમાના દીકરા માટે કુરબાન થવા જાઉં છું તો પણ ઈજાજત નહિ આપો!” બીબી ઝયનબ કશું ના બોલ્યાં . અલી અકબર તંબુમાંથી બહાર નીકળવા જાય, તંબુનો પરદો થોડો ઊંચો થાય અને ફરી બંધ થાય. આવું ક્યાંય સુધી ચાલ્યું. ઇમામ હુસૈન તંબુ માં આવ્યા તો ખબર પડી કે અલી અકબર જેવા તંબુની બહાર નીકળવા જાય એટલે કોઈ બીબી એમને પાછાં અંદર ખેંચી લે અને વહાલ કરે. બીબી સકીના તો ભાઈના પગે વીંટળાઈ ગયેલા. છેવટે ઇમામ હુસૈન અલી અકબરને તંબુની બહાર લાવ્યા.

ઇમામ હુસૈને અલી અકબરને ઘોડા પર સવાર કર્યા. માનાં દિલનો ટૂકડો , ફોઈની આંખોનો તારો, ચાંદને શરમાવે એવો આ ગભરુ જવાન યઝીદના લશ્કર સામે લડવા ચાલ્યો. અલી અકબરને લાગ્યું કે મારા ઘોડાની પાછળ કોઈ આવી રહ્યું છે. એમણે પાછું ફરીને જોયું તો સત્તાવન વર્ષનો બુઢો બાપ ઘોડાની સાથે દોડી રહ્યો છે. અલી અકબરે ઘોડો રોક્યો અને ઇમામ હુસૈનને કહ્યું, “અબ્બા, પાછળ પાછળ કેમ આવો છો?” ઇમામ હુસૈને રડતા રડતા કહ્યું ,” બેટા, તને પણ તારા જેવો દીકરો હોત તો તને ખબર પડત કે બાપની નજર સામે દીકરો મરવા જાય તો કેવું લાગે.” ઇમામ હુસૈન પાછાં ફર્યા.

થોડીવાર જંગ કરી એક સાથે બબ્બે ત્રણ ત્રણને એક સાથે જહન્નમવાસી કરી ફરી તંબુ પાસે આવ્યા. “બાબા, થોડું પાણી મળશે?” જબાન સુકાઈ જાય છે. ઇમામ હુસૈને પોતાની જબાન અલી અકબરની જબાન પર મૂકી. અલી અકબરે તરત જબાન ખેંચી લીધી. “બાબા , આપની જબાન તો મારા કરતા પણ વધારે સૂકી છે.” ઇમામે કહ્યું,” આપણે ઇસ્લામ માટે ભૂખ્યાં અને તરસ્યાં કુરબાન થવાનું છે. બેટા, જયારે ફરી જંગમાં જાઓ તો પાછા ફરી ફરીને જોતા જજો તો હું તમારા દીદાર કર્યા કરું. ફરી એ જંગના મેદાનમાં પહોંચી ગયા. હજારોની સંખ્યામાં દુશમનોને જહન્નમવાસી કર્યા. ઉમર ઈબ્ને સાદે હુકમ કર્યો કે અલી અકબરને મારી નાખો, પછી હુસૈન નહિ જીવે. કારણકે હુસૈનનો જીવ અલી અકબરમાં છે. એક સાથે મળીને હુમલો કરો.” મુરા ઈબ્ને મુનાકદે એવી બરછી મારી કે અલી અકબર જમીન પર આવી ગયા. પછી મુરાહે બરછીનો હાથો તોડી નાખ્યો. બરછી અલી અકબર ના હૃદય પર વાગેલી. અલી અકબરે બાબાને બોલાવ્યા,” બાબા મારા સલામ કબૂલ કરો.” ઇમામ હુસૈન કમર પકડીને બેસી ગયા. એમને આંખે અંધારું છવાઈ ગયું. ધીરે ધીરે ઊભા થી અલી અકબરને કહ્યું મને બોલાવતા રહો, મને કશું દેખાતું નથી. અલી અકબર બોલાવતા રહ્યા અને ઇમામ હુસૈન એમની પાસે પહોંચી ગયા. ઇમામ હુસૈને જોયું અલી અકબરને બરછી લાગેલી છે. અલી અકબરે કહ્યું બાબા ખૂબ દુખાવો કરે છે આ બરછી ખેંચી લો. ઇમામ હુસૈને આસમાન તરફ જોઈને કહ્યું,” હે દાદા ઈબ્રાહીમ, જુઓ મારી આંખે પટ્ટી નથી અને અલી અકબરના હાથ બાંધેલા નથી. અલ્લાહ પાસે ગવાહ રહેશો કે મેં ઇસ્લામ માટે મારા કડીયલ જવાન હમશક્લે મુસ્તુફા અલી અકબરને કુરબાન કર્યો છે. ઇમામ હુસૈને બની હાશિમના બાળકોને બોલાવ્યા અલી અકબરની લાશ ઉઠાવવા માટે! ઇસ્લામમાં બીજા ધર્મની જેમ મૃત્યુ પર સગાને પુરસો આપવા જાય છે. બીબી ફાતિમાને પુરસો આપીએ.

તૂટી હૈ કમર શેહકી,ગભરા ના મગર અકબર
ફરઝંદે નબી તેરી મય્યતકો ઉઠાયેગા
ઝેહરા ઝેહરા અકબરકા ભી પૂરસા લો!

સપના વિજાપુરા

Leave a Reply

Message: