Archive for the ‘અછાંદસ’ Category

યાદોનાં મોતી

Sunday, January 13th, 2013

pearls

આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયાં છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતાં વાળતાં મોતી મળી આવ્યાં,
હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથું પકડી,
ભલે રહયા,નથી નડતાં મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
‘સપના’ની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનું,એક મોતી એમ પરોવીશ,
તારાં ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના વિજાપુરા

04-17-2009

દર્પણ

Sunday, July 1st, 2012

દર્પણ જૂઠ બોલે છે
જી હા દર્પણ જૂઠ બોલે છે
હું જ્યારે દર્પણ સામે ઊભી રહું છું
મને મારો ચહેરો નથી દેખાતો
દર્પણમાં તો મારું પ્રતિબીંબ હોવું જોઇયે
પણ આ શું?
એમાં મને મારો કરચલીવાળો ચહેરો નથી દેખાતો
જે હમેશા ઉદાસ રહે છે
એમાં મને એક જવાન ચહેરો દેખાય છે
જે ફૂલોની જેમ ખડખડાટ હસે છે
એની ઉઠતી ઝૂકતી આંખોમા પ્રેમની વર્ષા વરસે છે
જેના કાળા ભમર કેશ લહેરાઈ રહ્યા છે
હોંઠ ગુલાબની કળી જેવા ખીલી રહ્યા છે
આ ચહેરો મારો તો નથી
મારો તો થાકેલો ઉદાસ કરચલીવાળો ચહેરો છે
હા કદાચ એ ચહેરો હોય જે વર્ષો પહેલાં ગુમ થયો છે..
આ ચહેરો દર્પણે સાચવી રાખ્યો હોય મને દઝાડવા
આ મારો ચહેરો નથી
આ સપના નથી…
દર્પણ જૂઠ બોલે છે

સપના વિજાપુરા
૬-૧૮-૨૦૧૨

જીવન

Sunday, January 1st, 2012

ટીક ટીક ટીક ટીક ઘડિયાળ બોલે છે

પળ પળ પળ પળ વીતી જાય છે

વરસો વીતતાં જાય છે…૨૦૦૯,૨૦૧૦,૨૦૧૧…..

શ્વાસ ખૂટતા જાય છે

રેતની જેમ સમય હાથથી સરકી જાય છે

જે પળ વીતી પ્રેમ વગરની મિથ્યા વીતી

જે પળ વીતી વાદ વિવાદમાં મિથ્યા વીતી

જે પળ વીતી ખુદાની યાદ વગર મિથ્યા વીતી

જે પળ વીતી નફરતમાં એ મિથ્યા વીતી

જે પળ વીતી વેર ઝેરમાં મિથ્યા વીતી

બંધ મુઠ્ઠીમાં થોડી પળ લઈ ફરું છું

આ પળ મિથ્યા કરું કે??

સપના વિજાપુરા

૧૨-૩૦-૨૦૧૧

એ દિવાળી ક્યાં?

Wednesday, October 26th, 2011

બાનું એ મોટું ફળીયું

એ  ફળીયામાં લંગડી રમતી 

પકડા પકડી રમતી

આંધળીયો પોતલીયો રમતી

રાગણાં તાણીને અન્તકડી રમતી

બહાર ગરબીની આજુ બાજુ રાસ રમતી

અને દિવાળી આવતાં લારીવાળા પાસે થી

રંગ બે રંગી ચિરોડીના રંગ ખરીદતી

અને સવારે વહેલી ઊઠીને

રંગોળીની બુકમાં જોઈ રંગોળી બનાવતી

નવાં નવાં કપડાં પહેરીને મહાલતી

રાતે બાપાજીના અપાવેલા  ફટાકડાં ફોડતી

પપ્પાની સાયકલ પર બેસી ચોપડા પુજનમાં જતી

એ સપના ક્યાં ગઈ હશે????

એ નિર્દોષ બાળાનાં મનમાં

ફક્ત આનંદ અને ઉત્સાહ ભર્યા હતા

એને પોતાને ખબર ના હતી કે

એ ક્યાં ધર્મની છે?

ને કૉઈ વેર ઝેર મનમાં ના હતું

તો આ બીજ કોણે રોપ્યાં હશે ????

આ પાપકર્મ ક્યાં પંડિતે કે ક્યા મૌલવીએ કરેલું છે…

એની નિર્દોષતા છીનવવાનું દુષ્કાર્ય કોણે કર્યુ???

એની આંખોમાં હજું એ જ ભાતૃભાવનાનાં ‘સપનાં’ છે

એ જ સપનું કરોડો લોકોની આંખોમાં છે

સપના વિજાપુરા

૧૦.૨૩.૨૦૧૧

જન્નત

Saturday, August 13th, 2011

યા ખુદા!!

માની લઉં છું તારી જન્નત ખૂબસૂરત છે

મેં જોઈ નથી..સાંભળી છે

પણ એ ખુદા..

મારી કબરમાં

તું થોડાં ફૂલ મૂકજે..

ફૂલ પર ભ્રમર ગુંજતા મૂકજે

હારબંધ વૃક્ષોની હારમાળામાં

એક પંખી ટહૂકતું મૂકજે

ઘૂઘવતાં સાગર અને એમાં

સમાતી વળ ખાતી નદી મૂકજે

અને હા ખુદા પેલા ચૌદવીના ચાંદને ના ભૂલીશ..

સાથે થોડાં સિતારા પણ મૂકી દેજે

કોઇ ઝરણા પાસે સારસ બેલડી મૂકજે

અને મહેક માટે રાતરાણીના ફૂલો મૂકજે

અને વરસાદની બુંદો અને વરસાદનું સંગીત મૂકજે

પહેલાં ઉંચા પહાડો અને ધરતીમાં સમાતી ખીણો મૂકજે..

યા ખુદા

તારી જન્નત ખૂબ ખૂબસૂરત હશે પણ,

પણ તારી બનાવેલી આ ધરા મને જન્નત જેટલી વ્હાલી છે

તો મારી છ ફૂટની જમીનમાં તું આ જન્નતનો એક ટૂકડો  મૂકજે..

સપના વિજાપુરા

૮-૧૩-૨૦૧૧

મોત

Tuesday, March 22nd, 2011


મિત્રો,

આજે ફરી એક દુખદ સમાચાર સાથે આવી છું. દુખોનાં છટકાવ નથી હોતાં દરિયા હોય છે..છેલ્લાં બે ત્રણ મહિનાથી અલ્લાહને આરામ નથી અને મને પણ…પણ હું અલ્લાહ પર વિશ્વાસ રાખું છું કે એજ મારાં બધાં દુખ દૂર કરશે…આજે મારાં મોટાં જીજાજીના મૃત્યુનાં સમાચાર મળ્યા..મારી મોટી બહેન મગજથી સુન્ન થઈ ગયેલાં મારાં વ્હાલા જીજાજીને લઈને એક હોસ્પીટલથી બીજી હોસ્પીટલમાં ફરતી હતી..કે કોઈ થોડાં શ્વાસ ઉછીના આપે અને મોતનો વિકરાળ પંજો ફરી વળ્યો.મારી સાવિત્રી જેવી બહેન સત્યવાનને ના બચાવી શકી..આ મુકતક સાથે આવી છું..આપની પાસે..આમ તો મારું મગજ પણ આજ સુન્ન છે..પણ..

મોત તારા હાથમાં બસ અંત છે
જિંદગી તો બસ ઘડી ભર સંગ છે
એક પળમાં  લૂટી લે છે સર્વસ્વ
છૂટતા જો શ્વાસ ફીકા  રંગ છે…

સપના વિજાપુરા

આંસું

Friday, March 4th, 2011

હોઠોને મૂકી

આ સ્મિત ઊડીને

ક્યાં જતું હશે?

માનો યા ના માનો

એ આંખોનાં દરિયામાં

ઊતરીને ખારું પાણી બની

આંખોમાં આંસું થઈને

વહેતું હશે!!

સપના વિજાપુરા

અધૂરી

Monday, February 21st, 2011

અંદર કાંઇક તૂટ્યું ફૂટ્યું
વરસોથી સાચવી રાખેલ
સ્ત્રીત્વ પળમાં સરકી ગયું
અધૂરી રહી ગઈ એ
ઉદરમાં વણજન્મેલા
બાળકનાં ઉંહકારા
હવે નહીં સંભળાય
હવે વણજન્મેલા એ
બાળકને ઉદર પર
હાથ ફેરવી નહીં સુવાડે
ડોકટરના કાઢેલા
બધાં ફાઈબ્રોઈડસ
અને વણજન્મેલા
બાળકો હવે એક બરણીમાં
બંધ છે.
બરંણી તરફ એકીટશે તાકતી એ
વણજન્મેલાં બાળકોનાં
ઉહકારા સાંભળશે.
સપના વિજાપુરા

આબુ

Friday, February 11th, 2011મિત્રો,

આ રચના આબુમાં સનસેટ પોઈન્ટ પર બેસી લખી છે ..આપનાથી દૂર છું પણ શબ્દોથી
નજીક છું.આપણી શબ્દોની સંગત રહેશે..

પૂર્વ માથી અચાનક નીકળેલ
ધીરે ધીરે આસમાનમાં ઊંચે ચડતો
ઇશ્વરનાં હુકમને બઝાવતો
અને ગિરીમાળામાં થઈને
સૂર્યાસ્તનાં સ્થળે પહોંચતો
પાછું વળી વળીને જોતો
વિસ્મયથી વિચારતો હતો
હશે કોઈ સ્વર્ગનો ટુકડો
સ્વર્ગથી છૂટૉ પડ્યો..
ઈશ્વરે હસીને પૂછ્યું
તે સ્વર્ગ જોયું છે કદી?


સપના વિજાપુરા

અમદાવાદ

Sunday, January 9th, 2011


મિત્રો આજે અમદાવાદ આવી તો આ અછાંદસ સુઝ્યું..કાંકરીયા તળાવ વિષે એક ઈતિહાસીક બનાવ પણ જાણવાં મળ્યો.
એહમદ શાહ બાદશાહે આ તળાવ બનાવેલ..આ તળાવનું મૂળ નામ ‘હોઝે કુતુબ’ હતું જેનો અર્થ જ્ઞાનનું સરોવર થાય છે.બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદ પધાર્યા અને એમનાં રહેઠાણ માટે નગીનાવાડી બનાવમા આવી એ એકજ રાત રોકાયા હતાં.બેગમ સવારે ચાલવા નીકળ્યાં તો રસ્તામા કાંકરા ખૂબ હતાં ..બેગમે હસીને કહ્યુ કે અહીં ખૂબ કાંકરા છે તો હોઝે કુતુબનું લાડકવાયું નામ પડ્યુ..કાંકરિયા.આ મહિતી’ગુજરાતની તમદ્દુની તવારીખ”માંથી પ્રાપ્ત થઈ છે…કાંકરિયા તળાવ વઝુ કરવા માટે બનાવામાં આવેલ ..લોકો વઝુ કરીને પાછળ જે ઇદગાહ છે ત્યાં નમાઝ પડવા જતાં.

અઝાનની અવાજો

મંદિરનો ઘંટારવ

શીદીસૈયદની જાળીને

કાંકરિયાની પાળ

રીક્ષાઓની વણજાર

અજાણ્યા ચહેરા

અજાણ્યો સંસાર

સાબરમતી વિશાળ

એક બાદશાહે સપનું જોયું ને

બની ગયુ અમદાવાદ..

‘સપના’નું રળિયામણું ગામ.

સપના વિજાપુરા