16 Jul 2024

આશુરા

Posted by sapana

આમ તો હું એક પછી એક કરબલાના શહીદોની શહાદત રજૂ કરવાની હતી. પણ આજ આશુરા હોવાથી ઇમામ હુસૈનની શહાદત પહેલાં રજૂ કરું છું.

એક પછી એક રસુલના લાડલાઓ શહીદ થતાં ગયાં ઝોહરની નમાજ થી અસરની નમાજ સુધી બીબી ફાતિમાનું ભરેલું ઘર ખાલી થઇ ગયું હતું. સૌથી છેલ્લી શહાદત અલી અસગ઼રની થઇ જે ફક્ત છ મહિનાના હતા. હુસૈન કરબલાના મેદાનમાં એકલા રહી ગયા. શિમર મલૂન ખડખડાટ હસતો હતો. અરે તું હસી લે મારા મૌલાની હાલત પર પણ જહન્નમમાં જયારે તું બળીશ ત્યારે અમે હસીશું. મૌલા હુસૈન ઝયનબના તંબુમાં ગયા. અને બહેનને પાસે બેસાડીને કહ્યું,” ઝયનબ મારી માજાયી આજથી તું ઝયનબ નથી. તું શેરેખુદા અલી ઈબ્ને અબુતાલિબની દીકરી છે. મારી શહાદત પછી તારે આ ઔરતોને તેમજ બાળકોને સંભાળવાના છે. ખાસ કરીને સૈયેદે સજ્જાદ તારા ચોથા ઈમામની સંભાળ રાખવાની છે. ” સૈયેદે સજ્જાદ એ ઇમામ હુસૈનના પુત્ર હતા, જે કરબલાની લડાઈ દરમ્યાન બીમાર હતા. તેથી ઇમામે એમને જંગમાં જવાની ઈજાજત આપી ના હતી. આ તો અલ્લાહની મસ્લેહત છે. કારણકે ચોથા ઇમામ જીવિત રહે તોજ બાર ઈમામની નસલ બાકી રહે.

ફરી બહેનને કહ્યું, ” અમ્મીજાને કરબલામાં પહેરવા માટે જે અમામા હાથેથી સીવીને તૈયાર કર્યો હતો તે આપો.” બહેને અમામા આપ્યો. ઇમામ હુસૈને એમાં તલવારથી કાણાં પાડ્યાં . બહેને કારણ પૂછ્યું તો કહ્યું જાલીમો મારો અમામો ખેંચી કાઢવાના છે ,કદાચ ફાટેલો જોઈને છોડી દે. બહેને ઇમામ હુસૈનને કહ્યું, “ભાઈ જરા નીચા વળો હું તમારી ગરદનને ચૂમી લઉં. અમ્માએ કહ્યું છે કે ભાઈના ગળા પર ખંજર ચાલશે.” ભાઈ ઝૂક્યા અને બહેને ગળાનો બોસો લીધો. ઇમામ હુસૈને કહ્યું, “બહેન તમે તમારા બાઝુ ખોલો હું પણ બોસા લઉં. કારણકે આ બાઝુમાં રસ્સી બાંધવામાં આવશે.” ભાઈ બહેન અમ્મા અને બાબાને યાદ કરી ખૂબ રડ્યાં. ઇમામ હુસૈન એક એક બીબીના તંબુમાં વિદાય લેવા ગયા.ઉમ્મે લયલા , ઉમ્મે રૂબાબ, ઉમ્મે કુલસુમ ઉમ્મે ફરવા ઉમ્મે ફીજા . બધાને ખબર હતી કે એ લોકો છેલ્લીવાર ઇમામને જુએ છે. નજર ભરીને જોઈ લેવા દો !

ઇમામ હુસૈન ઘોડા ઝુલઝુલાલ પાસે ગયા. ડાબી તરફ જોયું, જમણી તરફ જોયું, કોઈ એને સવાર કરવાવાળું ના હતું. બીબી ઝયનબ તંબુમાંથી દોડી આવ્યાં. ભાઈને સવાર કર્યા. મેદાન તરફ જવા આગળ વધ્યા પણ ઝુલઝલાલ આગળ ચાલતો ના હતો. ઇમામે ઝુલઝલાલને કહ્યું, “એ મારા ઘોડા, આ છેલ્લી સફર છે. પછી હું તને હેરાન નહીં કરું.” પણ ઘોડો ચાલતો ના હતો. ઇમામે નીચે જોયું તો બીબી સકીના ઘોડાના પગ સાથે વીંટળાઈને બેઠાં હતાં. “એ ઝુલઝલાલ, હું તને નહિ જવા દઉં સવારથી જે આ ઘોડા પર બેસીને ગયું પાછું આવ્યું નથી. એ મારા ઘોડા, તું મારા બાબાને ના લઇ જા.” ઇમામ હુસૈન ઘોડા પરથી ઉતરીને બીબી સકીનાને ગળે લગાવી દીધા. બીબી સકીના ચાર વર્ષનાં હતાં અને હંમેશા બાબાની છાતી પર સૂઈ જતાં હતાં . બાબાએ ગોદમાં લીધાં તો એમની આંખ મળી ગઈ. સપનામાં બીબી ફાતિમા આવ્યાં અને કહ્યું,” બાબાને જવા દે , એ પ્યાસા છે. એમને માટે હું જામે કૌસર લઈને ઊભી છું.” સકીનાની આંખ ખૂલી ગઈ. એમણે બાબાના ગાલ પર બોસો કર્યો અને કહ્યું બાબા જાઓ અલવિદા!

હુસૈન મેદાનમાં પહોંચ્યા. ખૂબ બહાદૂરી સાથે ત્રણવાર જંગ કરી. ઝુલ્ફીકાર એમની ફરતી અને દુશ્મનો જહન્નમવાસી થતા. પણ આસમાનમાંથી વહી આવી,” એ શાંતિ પામેલી રૂહ પાછી ફરી જા, તારો રબ તારાથી રાજી ” ઇમામ હુસૈને તલવાર મ્યાન કરી અને દુશ્મનો એમના પર તીરોનો વરસાદ વરસાવ્યો. ઇમામ હુસૈન ઘોડા પરથી નીચે આવી ગયા. એમના શરીરમાં એટલા તીર ખૂંપી ગયાં હતાં કે ઇમામ હુસૈન ના તો જમીન પર હતા, એમનું બદન મુબારક તીરોથી અધ્ધર લટકી રહ્યું હતું. શિમર મલૂન ઇમામના સીના પર સવાર થી ગયો, અને ખંજરથી ઇમામ હુસૈનનું ગળું કાપી નેઝા પર લટકાવી દીધું. કરબલામાં ધરતીકંપ થઇ ગયો. કરબલાની જમીન હલવા લાગી. આસમાન આખું લાલ થઇ ગયું. આવો મંઝર કરબલાવાળાએ કદી જોયો ના હતો. બહેન ઝયનબે દૂર ટેકરી પર ઊભાં રહીને ભાઈને કતલ થતા જોયા અને ભાઈના ગળા પર ખંજર ચાલતા જોયું. એ ભાઈ જે એમને જીવથી વધારે વ્હાલો હતો. આ રીતે કુરાન અને નમાજ પડવાવાળાએ મહંમદ પયગંબર સાહેબના કુટુંબીજનોને કરબલાના મેદાનમાં શહીદ કરી દીધા. ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન! આપણે ઈશ્વર થકી છીએ અને આપણે ઈશ્વર તરફ પાછું ફરવાનું છે! આવતી કાલે ઇમામ હુસૈન પછી ઔરતો પર શું ગુજરી એનો એહવાલ!

સપના વિજાપુરા

Leave a Reply

Message: