27 Jun 2023

ગઝલ આસ્વાદ 1

Posted by sapana

ગાંધીનગર દૈનિકમાં પ્રકાશિત રચના માટે તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવલનો તથા શ્રી કૌશિકભાઈ શાહના સૌજન્યથી …આનંદ અને આભાર

રગરગ ને રોમરોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?
બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,
ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,
હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,
બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,
દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,
લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

– ખલીલ ધનતેજવી ‘સારાંશ’ માંથી

ડિસેમ્બર 12, 1935 થી એપ્રિલ 4, 2021! સાહિત્યના ઝળહળતાં આકાશમાંથી એક સિતારો ખરી પડ્યો. મનગમતો સિતારો! જેની ઉપર તમામ સાહિત્ય જગતની નજર હતી એ સિતારો!! હા જી ખલીલ ધનતેજવી સાહેબ આ ફાની દુનિયાનો ઇશ્ક છોડી ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરી ગયા. એમના માટે ઘણું લખ્યું, અને ઘણું લખવાનું બાકી છે અને સદાય બાકી રહેશે. શબ્દોથી વર્ણવી શકાય એવું એમનું જીવન ક્યાં હતું! એ એક ગઝલકાર વાર્તાકાર, પત્રકાર ફિલ્મ નિર્દેશક અને એક ખેડૂત પણ હતા. આજ એક એમની ગઝલ ‘સારાંશ’ માંથી મળી છે. જે મારી ગમતી ગઝલ છે. એના વિષે વાતો કરીશું.

રગરગ નેે રોમરોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

જીવન જેવું હોય તેવું જીવવાનું હોય છે.કેટકેટલી મુશ્કેલીઓ આવે છે. જીવન વિટંબણાથી ભરેલું છે. દુઃખ અને અને પરેશાની દરેક માણસથી વીંટાયેલી છે. ઉદાસી ઘેરેલી છે. એવી ઉદાસી કે રગરગ અને રોમરોમ તમારું તૂટી જાય છે. રોજ રડતાં માણસો કહે છે કે જિંદગીથી કંટાળી ગયાં છીએ. પણ તેમ છતાં લોકો જીવી જતા હોય છે. એ એક ખૂબ સુંદર વાત છે કે આવતી કાલનું નવું કિરણ આપણને જીવવાનું બળ આપે છે. “યેહ સફર હૈ મુશ્કિલ, ના ઉદાસ હો મેરે હમસફર, નહિ રહનેવાલી યે મુશ્કિલેં હૈ અગલે મોડ પર મંઝિલે ! મઝાની વાત છે કે જીવી જવાય છે.

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?

બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

એક દ્રશ્ય ઊભું થાય છે. પ્રેમી અને પ્રેમિકા વરસાદમાં જઈ રહ્યાં છે. અનરાધાર વરસાદ છે અને એક છત્રી છે. એમાં બે જણા સમાય શકે એમ નથી. બીજાને કોરો રાખવો હોય તો ખુદને પલળવું પડે! પ્રેમી પ્રેમિકાને છત્રી આપી પલળે છે અને પ્રેમિકા કોરી રહી જાય છે. એમાં વરસાદ કે છત્રી બંને શું કરી શકે? એક મિત્રને સહારો આપતા પોતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે! પણ કેટલા લોકો આ માટે તૈયાર હોય છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે ! મિત્રને કોરો રાખવા જે છત્રી છોડી દે એ પણ સાચો વૈષ્ણવ!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,

ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

દિલ સુધી જવાનો રસ્તો આંખો થકી છે એવું ઘણા ગઝલકારો કહી ગયા છે. આંખોની મસ્તી છે જે ઇશ્ક ને શેહ દે છે. નૈનો કી મત સુનો, નૈના ઠગ લેંગે. કવિ માશુકાને આમંત્રણ આપે છે કે એક બે દિવસ આંખોના ઇલાકામાં રહો, ત્યાંથી પછી દિલ સુધી જવાય છે. બે ત્રણ દિવસ નજર પડ્યા પછી જો ફરી એ ચહેરો તમે શોધવા લાગો તો સમજો કોઈના દિલ સુધી પહોંચી ગયા છો. “ભરી મહેફિલ મેં પલટ પલટ કે દેખના ઉસકા પ્યાર તો નહિ!

મેરે દેખતે હી નઝરે ઝુકા લેના ઈકરાર તો નહિ ?”

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,

હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

ખબર જો મળી જાય કે આ રસ્તે પ્રિય વ્યક્તિ ઊભી છે! દિલની શું હાલત થાય છે? પગ પહોંચે એ પહેલા દિલ ત્યાં પહોંચી જાય છે. એ ઊભાં હશેની સંભાવના પણ આપોઆપ એના તરફ ધસી જવાની તાલાવેલી જગાડે છે અને પગ ભારે હૃદય ભારે હોય છે તેમ છતાં દોડી જવાય છે. ઈચ્છા છે કે પોતાની તાલાવેલીની એમને જાણ ના થાય પણ હૃદય ક્યાં પોતાના વશમાં છે? ચાલવા મથું અને દોડી જવાય છે ! કેવી અદભુત પ્રતીતિ!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,

બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

ઇશ્ક ,મહોબત એની જગા પર, રાતોના ઉજાગરા એની જગા પર તેમ છતાં રોજની દોડધામ તો હોય જ આ બધાની વચ્ચે જો બેસી જાઓ તો મોત નક્કી અને ચાલતા રહો તો થાકી જવાય. “ઇશ્ક ને ગાલિબ નિક્કમા કર દિયા વરના હમ ભી આદમી થે કામકે!” એક તરફ કુઆ દૂસરી તરફ ખાઈ જેવી હાલત થઇ જાય છે. જીવન ગતિશીલ છે અને ગતિમાં રહેવું પડે છે. બેસી જવું એટલે મોત છે. પણ જીવનથી પણ થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,

દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

ઇશ્ક નો દરિયો છે અને પાર ઉતરવાનું છે. જ્યારે મહોબત થઇ જાય ત્યારે ઇન્સાન ખયાલોમાં ખોવાયેલો રહે છે. કોઈપણ રીતે પોતાના પ્રેમને મેળવવાની કોશિશ કરે છે. પણ બધાં વિચારો બધા સપનાં પુરા થવા માટે નથી હોતા. કેટલાક સપનાં હૃદયમાં ઉદભવે છે અને મગજમાં મરણ પામે છે. દરિયો પાર કરવાના વિચારમાં જ ડૂબી જવાય છે. મુઝફર સાહેબની પંક્તિ યાદ આવે છે.” સોચતે સોચતે દિલ ડૂબને લગતા હૈ મેરા, જહેન કી તય મે ‘મુઝફર’ કોઈ દરિયા તો નહિ !

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,

લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

કવિની ખુમારી અહીં દેખાય આવે છે. જો કોઈ પડકાર કરે તો સામે ઊભા રહે છે. કોઈનો ડર કોઈની બીક નથી. પડકાર જીલવા માટે અડીખમ ઊભા રહે છે. પણ લીસ્સી અને સુંવાળી વાતોમાં લપસી જવાય છે. કોઈ પ્યારના બે બોલ બોલી દે , કોઈ મીઠી અને સુંવાળી વાતો કરે તો લપસી જવાય છે. અહીં એક પુરુષની મર્દાનગી સાથે સાથે એક કવિનું કોમળ હૃદય બંને એક શેર માં મળી આવે છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

ગઝલ શી રીતે બને છે? ગઝલ કોઈની હૃદયની વાત શબ્દ થકી કાગળ પર ઊતરે છે. અને એ શબ્દો કાગળ પર આવતા આવતા કેટલી વાર ઘૂંટાય છે અને ક્યારેક કલમ વડે તો ક્યારેક લોહીથી ખરડાઈને તો ક્યારેક આંસુથી ભીંજાઈને કાગળ પર ઊતરે છે. એટલે કવિ કહે છે કે ખાલી ગઝલ હોય તો ફટકારી દઈએ પણ આ તો હૃદયની વાત છે , હાંફી જવાય છે. તમે પણ સર, જિંદગીથી હાંફી ગયા. સલામ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ! જન્નતમાં આપને આલા મુકામ મળે એવી અભ્યર્થના સાથે!

સપના વિજાપુરા

May be a doodle of 2 people and text

All reactions:

29Mumtaz Merchant, Kaushik Shah and 27 others

Leave a Reply

Message: