31 Aug 2023

રક્ષાબંધન ગઝલ આસ્વાદ :13

Posted by sapana

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!

  • અનિલ ચાવડા

ભારતમાં દરેક સંબંધ સાથે કોઈ ને કોઈ તહેવાર જોડાયેલો છે. પતિપત્ની સાથે ભાઈબહેન સાથે. રક્ષાબંધનની પ્રથા શ્રી કૃષ્ણના સમયથી ચાલુ થઇ. શ્રી કૃષ્ણની આંગળી પર ઘા થયો તો દ્રૌપદીએ પોતાની સાડી ચીરી એમાંથી એ ઘા પર પટ્ટી બાંધી એ સમયે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરવાનું પણ લીધું અને નિભાવ્યું.

કવિ શ્રી અનિલ ચાવડાના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. એમણે આ ગઝલ મને મોકલી અને મને એનો આસ્વાદ કરવાની તક મળી.


મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

બહેન પોતાના ભાઈ માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે. અને એમની સલામતી માટે દુઆ કરતી હોય છે. ખૂબ સાદો અને સમજાય જેવો શેર છે. ભાઈ પણ દુઆ કરે છે કે તે મારા રક્ષણ માટે મારા હાથમાં રાખડી બાંધી છે, તો હે પ્રભુ તું મારી બહેની આંખમાં ક્યારેય આંસુ આવવા નહિ દેતો. ભાઈ ભારે હૈયે બહેનને પારકાને સોંપી દે છે પણ હૃદયથી હંમેશા બહેન માટે દુઆ કરતો રહે છે.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

પોતાના કુટુંબની સરખામણી એક વૃક્ષ સાથે કરીને ભાઈ કહે છે કે ,” પિતા આપણા થડ જેવા છે. જેની ઉપર આખું વૃક્ષ ટકેલું છે. માતા છે ડાળી અને હું તો બસ એક પાન છું અને બેનડી તું છે નાજુક ફૂલની પાંખડી સમી. પણ ફૂલની એ પાખડીની મહેક આખા વૃક્ષને મહેકતું રાખે છે. કોણ કોને આધારે છે એ કહેવું મુશ્કિલ છે. એકબીજાને સહારો આપે એજ સારા સંબંધની નિશાની છે. થડ વગર ડાળી નહિ ડાળી વગર પાન નહિ પાન વગર ફૂલ નહિ અને ફૂલ વગર પાંખડી નહિ. બધાં એક બીજાનું રક્ષણ કરે છે.

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ભાઈ જો ખોટા માર્ગે ચાલે તો બહેન જ એની માર્ગદર્શક બની જાય છે. ખાસ કરીને મોટી બહેન હોય તે તો માર્ગદર્શક બને જ છે. વળી સાચના ચશ્મા પહેરાવીને સાચી દુનિયા બહેન બતાવી શકે છે. અને ભાઈના માર્ગમાં જો કાંટા આવે તો બહેન એની ચાખડી બની જાય છે. એક એક કાંટો એ પોતાની પલકો પર ઉઠાવીને ભાઈનો માર્ગ સાફ કરે છે.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

જ્યારે પોતાનું ધાર્યું ના થાય અને ભાઈઉપર કોઈ આફત આવી પડે તો મા સાથે મળીને બાધા અને આખડી બહેન કરે છે. મને યાદ છે મારો ભાઈ માંદો પડ્યો તો મારી બહેને મારા ભાઈ માટે એવી બાધા રાખેલી કે મારા ભાઈને હું માંગેલા કપડાં પહેરાવીશ અને જેને ઘરે નાના બાળકો હોય ત્યાં કપડાં માંગવા જાય અને ભાઈ સાજો થયો નહિ ત્યાં સુધી માંગેલા કપડાં પહેરાવ્યાં .

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!

રક્ષાબંધન હોય અને રાખડી બાંધવા માટે બહેન હજારો માઈલ દૂર હોય ત્યારે ભાઈની એકજ ઈચ્છા હોય કે બહેન ક્યારે મારી આરતી ઉતારે અને રાખડી બાંધે! પણ સમય અને સંજોગ એવું થવા દેતા નથી ત્યારે ભાઈનું હૈયું બહેનને યાદ કરીને ભરાઈ આવે છે.અને આંખમાંથી શ્રાવણ ભાદરવો છલકાઈ જાય છે. બહેનની યાદ ભાઈને રડાવી દે છે. બહેન દૂર હોય કે નજીક પણ બહેનની દુઆ હંમેશા તમારી સાથે હોય છે. અને તમારા આશીર્વાદની મોહતાજ હોય છે. ખૂબ સુંદર ભાઈબહેનની પ્યાર છલકાવતી ગઝલ! અભિનંદન અનિલભાઈ! સૌને રક્ષાબંધનની શુભેચ્છા!

સપના વિજાપુરા

Leave a Reply

Message: