Archive for the ‘ગઝલ’ Category

ઉદાસ રહે છે

Thursday, August 30th, 2012

 

એક આખું ગામ ઉદાસ રહે છે
લોક એવા એની પાસ રહે છે

હોય દંગા એમા રોજ ફસાદ
ધર્મને નામે કંકાસ રહે છે

શેઠનાં મોટા મ્હેલો છે હજી ત્યાં
પણ સ્મશાને એની લાશ રહે છે

પાનખર આવી છે આજ ચમન પર
લાગણીની તોય સુવાસ રહે છે

કેસરી આછાં પ્યારા ગુલમ્હોર
ગામમાં થોડોક ઉજાસ રહે છે

વહેણ વાળી લીધાં કોઇએ નદીના
બંધના પાણીમાં વાસ રહે છે

ગામ મારું હતું રળિયામણું એવું
આજ પણ સપનેય કુમાશ રહે છે

ગામ બદલાશે કોઈ તો હશે જે
આવશે સપનાને આસ રહે છે

સપના વિજાપુરા
૮-૨૬-૨૦૧૨

 

શક્યતા નથી

Tuesday, January 17th, 2012

રસ્તે  ફરી મળાય હવે શક્યતા નથી
આંખોમાં રાત જાય હવે શક્યતા નથી

ફૂલો બહારમાં ય સુકાયા છે બાગમાં
લીલા ફરી થવાય હવે શક્યતા નથી

અંતર થયા અમાપ ઊભા આપણી વચે
દિલથી ફરી મળાય હવે શક્યતા નથી

આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
પાછા ફરી જવાય હવે શક્યતા નથી

પહેરા અહીં વિચાર ઉપર રોજ હોય છે
મારી ગઝલ લખાય હવે શક્યતા નથી

દરિયો અફાટ છે દુખનો આપણી વચે
એ પાર શે જવાય? હવે શક્યતા નથી

છૂટા પડી ગયા અમે કે જિંદગી તો શું
‘સપના’માં પણ મળાય હવે શક્યતા નથી

સપના વિજાપુરા
૧-૧૨-૨૦૧૨

સપનાંને સહારે હું

Monday, December 19th, 2011

હકીકતથી ડરી જીવું છું સપનાંને સહારે હું
નયન ભીનાં કરી જીવું છું સપનાંને સહારે હું

કહે છે એક બાળક નીરખી મોટી ઈમારતને
સડક બાથે ભરી જીવું છું સપનાંને સહારે હું

મહેલો કાંચના બાંધું છું ને તોડું છુ રોજરોજ
હવાથી થરથરી જીવું છું સપનાંને સહારે હું

જીવે છે એ વગર હાંફે તરી દરીયા ઉપર દરીયા
 ને પગ પર પગ ધરી જીવું છું સપનાંને સહારે હું

ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું

કહાની ચાંદને સુંદર પરીની મા કહેતી’તી જે
ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું

સપના વિજાપુરા
૧૨-૧૮-૨૦૧૧

આશુરા

Wednesday, December 7th, 2011


મિત્રો,
આજ મોહર્રમની દસમી તારીખ છે. ફરી ઈમામ હુસૈનનો ગમ અને ફરી હું છું.ફરી ૭૨ લાશ અને કરબલાની જમીન અને હું છું.ઇમામ હુસૈન એટલે હઝરત મહંમદ મુસ્તુફાના દીકરીનાં દીકરા..નવાસા..જેમને ઈમામત અલ્લાહ તરફથી મળેલી..પણ એ વખતનો નિષ્ઠુર હાકીમ ઇમામને ચેન લેવા દેતો ના હતો..જેનું નામ યઝિદ હતું..એમણે ઈમામ હુસૈનને દગાથી પત્ર લખી કરબલા બોલાવેલા સંધિ કરવા ..પણ ઈમામ  જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે કહ્યુ કે મારી સામે ઝૂકો નહીતર લડાઈ કરો..ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજને હાથ ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ..એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યઝિદ પાસે પચાસ હજારનું લશ્કર…કોઈ ક્યાં સુધી બચવાનું હતું? ઇતિહાસની આ નાનાંમાં નાની લડાઈ હશે. જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે..અને જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યઝિદે  રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી…આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું ..પણ ઈમામ હુસૈને ઈસ્લામ બચાવી લીધો..અત્યારે યઝિદનાં કોઈ નામો નિશાન નથી ત્યારે.આ વરસે કરબલામાં એક કરોડથી વધારે માણસો ઝિયારત કરવા ગયાં છે એમ મનાય છે યઝિદની કબરના નામો નિશાન પણ નથી.ઇમામ હુસૈન વિષે કહેવાય છે કે..

ઇસ્લામ ઝિન્દા હોતા હૈ હર કરબલાકે બાદ

અહીં આશુરા રદિફ છે આશુરાનાં દિવસે આ  બનાવ બનેલ તો આશુરાને ઉદ્દેશીને આખી ગઝલ રચી છે ગઝલ ફક્ત ૩૦ મિનીટમાં બની છે  સજેશન  આવકાર્ય છે.

આશુરા

ખૂબ છે આ રાત ભારી, આશુરા
ચાંદની  પણ આજ કાળી, આશુરા

થઈ ફઝર તો થૈ ક્યામત પણ અહીં
મોતથી થઈ આમ યારી, આશુરા

જો ગયાં અકબર ફરી આવ્યાં નહીં
લાગી  બરછી એકધારી, આશુરા

હાય કાસિમ તેરની વય આપની
ટૂકડામાં લાશ આવી, આશુરા

ન્હેર પર અબ્બાસ દિલાવર ગયાં
મશ્ક તૂટી વહ્યુ પાણી, આશુરા

છહ મહીનાનાં અલી અસગર અરે
તીર કેવું માર્યુ કારી, આશુરા?

એક હુસૈન છે હવે બાકી અહીં
લાખ તીરો  એક હાજી, આશુરા

કરબલાનું રણ, સળગતા ખયમા છે
હાય સ્ત્રીઓ ડરની મારી, આશુરા

બંધ કર ‘સપના’ કહાની બસ અહીં
આંખ આલમની થઈ પાણી, આશુરા

સપના વિજાપુરા

આશુરા = દસ થાય છે અહિં મોહર્રમનો દસમો દિવસ

મોહરર્મ ૧૦,૧૪૩૩ હીજરી

બા

Tuesday, December 6th, 2011

મિત્રો,

 

ડો.મધુમતીબેન મહેતા તથા ડો.અશરફ ડબાવાલાના નિવાસ સ્થાને મધુબેનના માતૃશ્રીનો ૮૫ મો જન્મદિવસ  ડીસેમ્બરની ચાર તારીખ બે હજાર અગ્યારના દિવસે  ખૂબ ધામધૂમથી ઉજવાયો..બાનું પુનમની થાળી જેવું મુખ હસું હસું થઈ રહ્યુ હતુ.અને દીકરી મધુમતી પણ આનંદ આનંદમાં હતાં.અશરફભાઈ ફકત એક નિષ્ણાત ડોકટર જ નહીં પણ એક સારાં યજમાન પણ છે. મહેમાનની પરોણાગત કાઠિયાવાડમાં પ્રખ્યાત છે અને આ દંપતી બન્ને કાઠિયાડી ..એટલે સોનામાં સુગંધ ભળી ગઈ..

એમનાં બેઝમેન્ટમાં ટેબલ ખુરશી બીછાવાઈ અને જમવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ ..જમણમાં એય..ને ઉંધિયુ ,ચણામસાલા,કચોરી ગોટા દાળ ભાત શિખંડ મોહનથાળ અને નાન.. ખૂબ મજા આવી ભોજન માણી લીધું ..એટલે કવાલી ચાલુ થઈ અને વચે બ્રેકમાં બા એ કેક કાપ્યું ..બેઝમેન્ટ તાળીઓથી ધમધમી ઉઠ્યું…બાનાં આશીર્વાદ હમેશ બાળકોને માથે હોય છે..આજ બાને આશીર્વાદ અને દુઆઓ મળી દિર્ઘાયુની…

ફરી બ્રેક પછી કવાલીની રમઝટ  ચાલુ થઈ મોગલે-આઝમની મારી ગમતી કવાલી
किसीके इश्कमे आंसु बहाकर हम भी देखेंगे
બસ પછી તો  હિતેશ માસ્ટર એમના સાથીઓએ જે રમઝટ બોલાવી કે કોઈ વચે બ્રેક લેવા પણ તૈયાર ન હતું..બસ મંત્રમુગ્ધ થઈ શ્રોતાઓ કવાલીની મજા માણી રહ્યા હતા. એક પછી એક કવાલી રંગ લાવતી રહી..હિતેશભાઈનાં ઓરકેટ્રાનુ નામ સારેગામા છે

એમના ગ્રુપમા

હિતેશ માસ્ટર, કાફી ખાન, રીચર્ડ ક્રિસ્ચન,રાજ બેન્કાપુર ,અતુલ સોની, રીટા પટેલ,ઉમા કારીયા હતા.
સવારનાં ૨.૦૦ વાગે જ્યારે એમણે છેલ્લી કવાલી ગાઈ..
ये इश्क इश्क है ..इश्क इश्क ..શ્રોતાએ ઊભાં થઈ અભિવાદન કર્યુ…બાનો ૮૫ મો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો…લગભગ ૧૦૦ જેટલા શુભેચ્છ્કોની દુઆ મળી..શિકાગો આર્ટ સર્કલ તરફથી અને ખાસ મારાં તરફથી બાને દિર્ઘાયુ માટે પ્રાર્થના..તુમ જીઓ હજારો સાલ,સાલકે દિન હો પચાસ હજાર….આ સાથે બા માટે એક ગઝલ લખી છે જે આપની સમક્ષ રજુ કરું છું..આ ગઝલ લખી ત્યારે મારી સમક્ષ મધુબેનનાં બા, મારી મર્હુમ બા  ગુલબાનુબેન, મારાં મર્હુમ સાસુ રસુલબેન અને જેણે મને દીકરી બનાવી છે એ હેમંતભાઈના બા  રુક્ષમણી બેન યાદ આવી ગયાં. આ ગઝલ દુનિયાની બધી બા માટે છે .

બા


વહાલનું મીઠું ઝરણ છે બા
સ્વર્ગ તારે તો ચરણ છે બા

દેવ દેવી થી વધું પાવન
એક તારું બસ સ્મરણ છે બા

ઢાલ મારી તું બની જાય છે
દુખની સામે આવરણ છે બા

જીવથી વ્હાલું છે હર બાળક
તુજ દુઆ હર એક ક્ષણ છે બા

તારું હું પ્રતિબિંબ મારી બા
હું નજર આવું દર્પણ છે બા

ફૂલની માફક તું રાખે છે
જિંદગી તો એક રંણ છે બા

તું લડી લે સર્વ મુશ્કેલીથી
આમ કોમળ પણ કઠણ છે બા

આશ જ્યારે ડૂબતી મારી
એક ‘સપના’નું કિરણ છે બા

સપના વિજાપુરા

૧૨-૦૩-૨૦૧૧

પડકાર છે

Sunday, November 13th, 2011

ભીતર મહી અવકાશનો સુનકાર છે
છે ઘોર કાળી રાત ને અંધાર છે

તૂટ્યું છે ભીતર એક વાસણ કાચનું
કરચો છે ચારે બાજુ દિલ થડકાર છે

વીતે છે જીવન એમ જાણે ભાર છે
સો છે સમસ્યા નિત નવાં પડકાર છે

કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
સાથે રહેવું એક બસ વ્હેવાર છે

આકાશ વરસે છે કદી ક્યારેક પણ
આંખોનું તો ચોમાસું અનરાધાર છે

દિલનું તડપવું રોજનું થ્યું છે અહીં
દિલ ના સમજ છે દુખ એ પાનાર છે

દિવસો રહે છે એક જેવાં ક્યાં બધાં?
સુખ દુખ જીવનનો ચડાવ ઉતાર છે

તારું રિસાવું કેટલું મોંઘું પડે
આવું શે ?દરિયાની તું પેલે પાર છે

માંગી તને દુનિયા મળી પૂરી મને
લો આપણાં સપનાં બધાં સાકાર છે

સપના વિજાપુરા

૧૧-૧૦-૧૧

દવા નથી નીકળતી

Friday, October 14th, 2011

હ્રદયથી દુઆ નથી નીકળતી
છે ડૂમા સદા નથી નીકળતી

છે આ રોગ પ્રેમનો વરસોથી
હા એની દવા નથી નીકળતી 

જઈ પ્રેમ હું કરુ  એને પણ
નજરથી હયા નથી નીકળતી

કરે બેવફાઈ લોકો હર પળ
અહીં તો વફા નથી નીકળતી

ચમન જ્યારથી ગયાં છે  છોડી
હવે બાદે સબા નથી નીકળતી

રમતમાં તો કેટલાં દિલ તૂટ્યાં
હા એની અદા નથી નીકળતી

ભલે  બસ મરી મરી જીવીશુ
ખુશીથી કઝા નથી નીકળતી

કરે છે ગુનાહ ‘સપનાં તોડી
એ નામે  સજા નથી નીકળતી

સપના વિજાપુરા

૭-૧૯-૨૦૧૧

ઈદ છે

Wednesday, August 31st, 2011

દુઆ માટે ઉઠાવો હાથ આવી ઈદ છે
ગળે લાગો રસમ છે જગની ને આ રીત છે

ના ઊઠું  દ્વારથી તારાં બક્ષી દે તું ગુનાહ
ખુદા છે તું તો હું  છું અબ્દ,  મારી જીદ છે

ક્ષમા આપી હ્ર્દયને સાફ કર તું આજ તો
હ્ર્દયને હાર તું ઈશ્વર કને મોટી જીત છે

હવા આદમ નથી દુનિયામાં પણ હા એમનું
હવાઓમાં લહેરાતું  હજું પણ ગીત છે

મહેંદી રંગ લાવી હાથની મારાં ઓ પ્રિય
મહેકી છે નયનથી જેનાં એ મનમીત છે

કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
છબી છે એમની આંખોમાં, મીઠી દીદ છે

ખુદા તારાં  અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે

હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
શરિરની પણ બનાવટમાં જગત વિસ્મીત છે

સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
ઉછળતાં દરિયા ને આ ચાંદની પણ ચકિત છે

છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર  મને તુજથી પ્રીત છે

બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
ગયાં શ્રોતા તો કંટાળી આ કોઈ રીત છે?

સપના વિજાપુરા

૮-૨૯-૧૧

તડપાવી ગઈ

Saturday, August 20th, 2011

યાદ આવી આજ તડપાવી ગઈ
લો ઉદાસી સાંજ આ લાવી ગઈ

પ્રેમની નાજુક ઘડીને સ્પર્શ એ
ચાંદની આ રાત મમળાવી ગઈ

છે નશો વાતાવરણમાં એમનો
એ નજર સપનાંને બહેકાવી ગઈ

આવવું તારું નક્કી ન્હોતું  છતાં
આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ

આવવાના એ નથી ,ના આવશે
ક્ષણ સરકતી એ સમજાવી ગઈ

છે ખબર સ્વભાવ ભ્રમરનો છતાં
આ કળી જીવન ય લૂટાવી ગઈ

આખરી છે શર્ત જીવનની તો પણ
મોતને ‘સપના’ તો દીપાવી ગઈ

સપના વિજાપુરા૮-૧૯-૨૦૧૧

શ્વાસમાં

Sunday, August 14th, 2011


 

માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.

હા,પ્રાણ વાયુ ફેફસામાં પૂરે હજી,
હેતાળ વડલો,લીમડો એ શ્વાસમાં.

એ હાથ ખરબચડા, ચહેરા મીઠડાં,
છે યાદ એ વા’લા નયન ઊજાસમાં.

રગરગ વહે ગંગા ,અધર ઝમઝમ ભર્યા,
ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?

આવે ભવાની યાદ,દરિયાનો એ તટ,
રેતી તણા કિલ્લા ગયાં બસ હાસમાં.

દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)


સપના વિજાપુરા

૮-૧૫-૨૦૧૧