હિજરી સાલ 1445, ઇસ્લામિક કેલેન્ડરનું નવું વર્ષ. શા માટે ઇસ્લામિક નવું વર્ષ ખુશી સાથે શરૂ નથી થતું? શા માટે મોહર્રમનું નામ આવતાં દિલમાં ઉદાસી છવાઈ જાય છે? શા માટે અમારાં નવાં વર્ષમાં ફટાકડા નથી ફૂટતા,પણ દિલમાંથી આહ નીકળે છે? શા માટે મોહર્રમ નો પહેલો ચાંદ અમારી આંખોમાં આંસું ભરી દે છે? ઘણાં સવાલ છે, જવાબ બસ એકજ છે. હુસૈન અ.સ. ની તેમજ એમનાં કુટુંબીજનોની ક્રુરતાથી થયેલી શહાદત!
આજ મોહર્રમ ની પહેલી તારીખ છે.ફરી એજ આંસુ અને એજ ગમ અને એજ ફરિયાદ છે. આજ આપણે હુસૈન ઈબ્ને અલી વિષે થોડી માહિતી અને એમની જિંદગીની છેલ્લી સફરની થોડી વાતો કરીશું. ઈમામ હુસૈન અ.સ પયગંબર મહંમદ અ.સ ના નવાસા હતા અને ઇમામ અલી અ.સ. તથા મહંમદ પયગંબર ના પુત્રી બીબી ફાતિમાના પુત્ર તથા ત્રીજા ઇમામ હતા. શિયા લોકો 12 ઇમામને માને છે. ઇમામ હસન અ.સ બીજા ઇમામ હતા. ઇમામ હસન અ.સ ઇમામ અલીના પહેલા પુત્ર હતા જેમને ઇમામત મળી હતી. ઇમામ હસનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા .એ પછી ઇમામત ઇમામ હુસૈનને મળી હતી. પયગંબર મહંમદ સ.અ ઇમામ હસન અને ઇમામ હુસૈનને ખૂબ ચાહતા હતા. રસુલે ખુદા એમને પોતાના ખભા પર બેસાડીને બજારમાં ફરતા. ઇમામ હુસૈન રસુલે ખુદા નમાજ પડતા હોય તો એમની પીઠ પર ચડી જતા. રસુલે ખુદા જ્યા સુધી હુસૈન ખભા પરથી ના ઉતરે ત્યાં સુધી સજદામાંથી ઊભા ના થતા. રસુલે ખુદા લોકોને એમ કહેતા કે “જે લોકો હસન હુસૈન ચાહે છે એ લોકો મને ચાહે છે અને જે લોકો હસન હુસૈન ને નફરત કરે છે એ મને નફરત કરે છે.” અને રસુલે ખુદા એમ પણ કહેતા કે “હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે.” રસુલના પ્યારા હુસૈનને ઇમામત મળી જેનો વાંધો યઝીદ ઈબ્ને માહવીયાને હતો. જે તે સમયનો જુલ્મી રાજા હતો. જુલ્મી શાસકોએ ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. એ જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. .તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું..બયત કબુલ કરવી એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. ઇમામ હુસૈનને એ વાત મંજૂર ના હતી.
રજબ મહિનાની 28 મી તારીખે ઇમામ હુસેનનો કાફલો મદીનાથી હજ કરવા માટે નીકળ્યો. પણ હજ એમની પૂરી થઇ નહિ અને એમને કુફા તરફથી પત્ર મળ્યો કે કુફામા લોકો એમને ઇમામ તરીકે સ્વીકારવા તૈયાર છે. એ કુફા તરફ રવાના થયા. રસ્તામાં એમને સમાચાર મળ્યાં કે કુફાના લોકોએ દગો કર્યો છે અને એમના એક સાથી હઝરત મુસ્લિમને ખૂબજ ક્રુરતાથી શહીદ કરી નાખ્યા છે. રસ્તામાં ખલીફ યઝીદના 1000 જેટલાં સૈનિકોએ ઇમામ હુસૈનના 70 જવાનોને ફોર્સ કરીને કરબલા તરફ વાળી દીધાં. આશુરા ના દિવસે ઝોહર અને અસરની નમાજ વચ્ચે 72 સાથી શહીદ થઇ ગયાં. હવે પછીના લેખમાં એક એક દિવસે એક એક શહીદનો કિસ્સો લખીશ!