24
Sep
2009
Posted by sapana. 9 Comments

બેવડી જિંદગી જીવું,
મારી ભીતર એક સ્વર્ગ છે,
આ સ્વર્ગમાં,
મોતીની રેતી અને
સુગંધનાં દરિયા,
ખોબે ખોબે વિખેરતા
પ્રીતનાં પુષ્પો.
તું અને હું
એક સાથે ફૂલોનાં
ઝૂલા પર ઝૂલીએ
ઝનઝન ઝનકતી મારી પાયલ,
ધક ધક ધબકતું તારું દિલ.
પણ…..
મારી બહાર એક નરક છે.
સળગતી તપતી રેતી,
વિશ્વાસઘાતનાં દુર્ગંધ મારતા દરિયા,
ખોબે ખોબે મળતા આંસું,
આકાશમાં દોરી વગરના
લટકતા ઝૂલા અને
નીચે અવિશ્વાસની ખીણો,
મારાં પગમાં સમાજની બેડીઓ,
ઊડવા માટે ફફડતું તારું દિલ.
આ મારું સ્વર્ગ અને મારું નરક.

સપના
23
Sep
2009
Posted by sapana. 9 Comments

ઈદનો ચાંદ પણ નજર આવે,
હાય! તારી ન કંઈ ખબર આવે.
મૌન છું,હું જરાય નહીં બોલું,
કે કફનની ભલે અસર આવે.
એક ક્ષણ તું હ્રદયથી ચાંપેતો,
તો વહાલમ મને સબર આવે.
સ્તબ્ધ ઊભી છું હું પ્રતીક્ષામાં,
રાત આવે પછી સહર આવે.
ચાલ શણગારૂ આખી દુનિયાને,
કોણ જાણે તું ક્યા નગર આવે.
ઓ રી! નીંદર નયનથી ના રીસો,
કાશ, સપનાંય સહેજ બર આવે.
છંદઃગાલગા ગાલગાલ ગાગાગા
સપના
20
Sep
2009
Posted by sapana. 16 Comments

હા, ગળે દોસ્તો લગાવો, ઈદ છે,
કે શત્રુતા ને હટાવો, ઈદ છે.
છે કરૂણા,પ્રેમ્,માનવતા હવે,
ડૂબકી દિલમાં લગાવો, ઈદ છે.
મૃત કે જીવીત કો’ના ભૂલશો,
કર દુઆ માટે ઉઠાવો, ઈદ છે.
રામ અલ્લા મેળવે છે હાથ ત્યાં,
સાફ દિલને પણ કરાવો, ઈદ છે.
વેર ભૂલીને મહોબતથી મળો ,
સુખ સપનાં બસ સજાવો, ઈદ છે.
સપના વિજાપુરા
15
Sep
2009
Posted by sapana. 10 Comments

એક પર બીજા ચહેરા હોય છે,
ના સમજ આવે,મહોરા હોય છે.
ખીલશે ના પ્રીતના પુષ્પો કદી,
માઈલો લાંબાં સહેરા હોય છે.
ના કદી ઢળશે ગઝલ શબ્દો થકી,
આંગળીઓ પર પહેરા હોય છે.
સાત જન્મોની ન કરશો વાત કે,
પૂરતાં આ જન્મ ફેરા હોય છે.
શોધ ઈશ્વરને તું ભૂખ્યાં બાળમાં,
ખાલી મંદિરો ને દેરા હોય છે.
ટેવ સપનાની છે બક બક રોજની,
કાન તેથી તો બહેરાં હોય છે.
છંદઃગાલગાગા ગાલગાગા ગાલગા
સપના
14
Sep
2009
Posted by sapana. 12 Comments

એક જ્યોતિષે કહ્યુ,
“લાવ તારું ભવિષ્ય જોઈ દઉં.”
મેં કહ્યુ,”ભવિષ્ય નહિ ભૂતકાળ જોઈ દે.”
કારણ મને મારૂ ભવિષ્ય ખબર છે
સામે વિકરાળ હાથ ફેલાવતુ,
મલેકુલ મોત ઊભું છે,
મારાં ગળાંને પકડી,
મારાં શ્વાસોનો અંત લાવશે,
પછી મારાં અપાર્થીવ શરીરને કબરમાં નાખશે,
પછી અંધારી કબર અને ભીંસાતી કબરની દીવાલો,
અને કીડા મકોડાને ભોજન.
પછી કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક.
મેં મારૂ સ્વર્ગ નક્કી કર્યુ છે.
તો હે જ્યોતિષ, મને મારો ભૂતકાળ બતાવ,
ક્યાં કરવાના છે સુધારા બતાવ,
કરેલી ભૂલોને સુધારી લઉં,
થોડાં પાત્રો બદલી લઉં,
અને થોડી માફી માંગી લઉ,
થોડાં શ્વાસ ચેનથી જીવી લઉં.
સપના
8
Sep
2009
Posted by sapana. 11 Comments

આપણી વચ્ચે
આ અવિશ્વાસની
કાચની દીવાલ છે,
આપણે એકબીજાને જોઈ શકીએ
એકબીજાના ફફડતાં
હોઠ દેખાય આપણને
પણ એકબીજાને
સાંભળી ના શકીએ,
કાચની દીવાલ પર
હાથ રાખીએ પણ
સ્પર્શી ના શકીએ.
આ દીવાલ એટલી
મોટી અને લપસણી
કે ચડી ના શકીએ,
અને જો ઈચ્છીએ કે
તોડીએ આ દીવાલ
તો તોડીએ કેવી રીતે?
કે મારી પાસે
એવી ધારદાર
લાગણીઓ નથી
અને તારી પાસે
વિશ્વાસ કરું એવી
વફાદારી નથી.
સપના વિજાપુરા
6
Sep
2009
Posted by sapana. 13 Comments
પરફેક્ટ સ્ત્રી

દુનિયાની સૌથી
પરફેક્ટ સ્ત્રી
બનવું હતું.
સારી દીકરી,
સારી બહેન,
સારી પત્ની,
સારી મા,
મેં તો દિલથી પ્રયત્નો કર્યા.
તો મારા પ્રયત્નો
નિષ્ફળ કોણે કર્યા?
સપના
3
Sep
2009
Posted by sapana. 8 Comments

મુક્તક
લખું છું એકની એક વાત શબ્દો બદલીને
લે સમજી એકની એક વાત ભાવો બદલીને,
સમજ ક્યાં છે મને કાફિયા રદીફની ભલાં,
લખું છુ એક ની એક વાત કાવ્યો બદલીને.
સપના
2
Sep
2009
Posted by sapana. 3 Comments

હાથ લંબાવી સ્પર્શી લઉં છું,
બંધ આંખે હું જોઈ લઉં છું.
આપણાં રસ્તા ક્યારેક મળશે,
માર્ગમાં પળ ભર થોભી લઉં છું.
હાથની રેખા બદલાઈ તેથી,
હાથને હું પણ મસળી લઉં છું
તું ખુદા સાથે સાથે મને મળ,
નામ તારું પણ જાપી લઉં છું.
આજ દુનિયાનાં નિયમથી હારી,
ઊંડે ઊંડે હું સળગી લઉં છું
આ જમાનો ક્યાં છે સત્ય કેરો?
વાળ મારાં પણ રંગી લઉં છું.
શું કરો આ વિધિઓ સંગ ખટપટ?
શીશ ઝૂકાવી માની લઉં છું
ખારની માફક ખૂંચે છે સપનાં,
આંખથી એને વીણી લઉં છું.
છંદ ગાલગાગા ગાગાગા લગાગા
સપના
1
Sep
2009
Posted by sapana. 8 Comments

માતૃ સ્પર્શ
ફૂલોની જેમ ઊઘડી ગઈ,
તારા એક સ્પર્શથી,
ખીલી ગઈ હતી.
હવે કરમાઈ છું,
ચીમળાઈ છું.
વંચિત થઈ ગઈ છું,
નથી રહ્યો બા,
તારા એ ખડબચડાં હાથોનો,
સુંવાળો સ્પર્શ.

પ્રિતમ સ્પર્શ
ઢળતી સાંજે,
કંકુવરણુ આકાશ,
ધીરે થી ડૂબતો સૂરજ
સમાતો હતો
ઉછળતા દરિયામાં.
સિમેન્ટનાં બાંકડા ઉપર,
તારી અને મારી
આંગળીઓ પરોવાઈ હતી,
રક્તનો સંચાર થયો,
રૂવાડે રૂવાડે વીજળી
ફરી વળી હતી.
તારો એ પહેલો સ્પર્શ
વણાયો જિંદગીનાં
તારે તારમાં.

પુત્ર સ્પર્શ
મેં દુઆ માટે હાથ ઊઠાવ્યાં તો
ઈશ્વરે મારા હાથમાં
એક ઝળહળતો ચંદ્રમા મૂકી દીધો
અને હા એ તું જ હતો.
હોસ્પિટલના બંધ
ઓરડામાં,
It’s a boy,
કરી નર્સે તને મારા
હાથમાં મૂક્યો.
મેં તને છાતી સરસો ચાંપ્યો,
મારી છાતીમાંથી ક્ષીર ફૂટયા
તારા નાનાં નાનાં
હાથનો સ્પર્શ
મારી અંદર ઝળહળાટ
ઉત્પન્ન કરે અને
મારા હાથ,
સ્નેહના પારણાં ઝૂલાવે.
સપના વિજાપુરા