21 Jan 2025
ગઝલ આસ્વાદ 1

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮
સ્વ આદિલ મન્સૂરી નું મૂળ નામ ફરીદ મહંમદ ગુલામ નબી મન્સૂરી હતું. ભારતના ભાગલા પછી 1948 માં આદિલ મન્સૂરીના પિતા પાકિસ્તાન ગયા. આઠ વર્ષ સુધી પાકિસ્તાન રહ્યા પછી ભારત પાછા ફર્યા. પણ તે સમય દરમ્યાન તેઓ ભારતનું નાગરિકત્વ ગુમાવી બેઠા. વિસ વર્ષ સુધી આ નાગરિકત્વ મેળવવા કેસ ચાલ્યો. અને ફરી ભારત ખાસ કરીને અમદાવાદ છોડીને જવું પડ્યું . એ સમયે આંખોમાં આંસુ સાથે આ ગઝલ લખાઈ હતી. આ ગઝલ એમની ગઝલ સફર ની એક બેનમૂન ગઝલ સાબિત થઇ છે. વતન છૂટી જશે એની વેદના આખી ગઝલમાં જણાય આવે છે. કાબુલીવાલા ના એ ગીત એ મેરે પ્યારે વતન જો તમને રડાવી દે તો આ ગઝલ ચોક્કસ તમને રડાવી દેશે. આદિલ સાહેબને એક બહેને કહેલું કે આ ગઝલ સાંભળી હું રડી પડી. તો આદિલ સાહેબે કહ્યું કે મેં પણ એ રડતાં રડતાં જ આ ગઝલ લખી છે. અનિવાર્ય સંજોગોને હિસાબે અમદાવાદ છોડવું પડ્યું અને એ અમેરિકા આવી ગયા. આવો એમની આ ગઝલ નો આસ્વાદ આપણે માણીયે.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
અમદાવાદ એટલે સાબરમતી નદીની રેતમાં રમતું નગર! સાબરમતીને હવાને શ્વાસમાં ભરી લેતા કવિ આ શહેર ના દરેક દ્રશ્યને સ્મૃતિપટ પર જડી લેવા માંગે છે. ફરી વતન જવાનું મળે કે ના મળે આ બધાં દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે. ધીરેધીરે સ્મૃતિપટ થી વતનની નિશાનીઓ ભુલાતી જાય છે. ઝાંખી થતી જાય છે. કવિને આ પીડા જતા પહેલા અનુભવાઈ છે અને ગઝલ બને છે . વતન છોડીને જવાની વેદના દરેક શેરમાં જોવા મળે છે. અમદાવાદમાં વરસો રહ્યા પછી અમદાવાદ જ્યારે છોડવાનો સમય આવે છે. મરજીથી નહિ મજબૂરીથી વતન છોડવું પડે છે તેથી હૃદયમાં વેદના ઉદભવે છે. સાબરમરતી નદીને કિનારે આ વસતાં નગરને નજરમાં કેદ કરવા માંગે છે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
સાબરમતી નદીનો સુગંધનો દરિયો શ્વાસમાં ભરી લો. ફરી આ માટીની ભીની અસર મળે ના મળે. જે નદીના કિનારે જવાની વિતાવી. જ્યાં રહેવા માટે વિસ વર્ષની તપસ્યા કરી એ રેતમાં રમતું શહેર છોડવાનું કપરું કામ કરવાનું છે. નદીની ભીની ભીની માટીની સુગંધ શ્વાસોમાં ભરી લો. વતનની માટીની સુગંધ જેવી સુગંધ દુનિયાંમાં ક્યાંય નહિ મળે. નદીને કિનારે બેસીને કેટલાય સપનાં જોયાં હશે, એ છોડીને જવાનું! કોઈપણ વ્યક્તિને પોતાના વતનથી ખૂબ પ્રેમ હોય છે. મારો એક શેર અહીં ટાંકુ છું.
માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.
એટલે વતન સિવાય બીજા કોઈ દેશમાં કારાવાસ જેવું જ લાગે છે. વતનની યાદ લઈને લોકો પરદેશ જતા હોય છે, એજ યાદનું ખેંચાણ એમને ફરી વતન તરફ ખેંચી જાય છે. એ મેરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન તુજપે દિલ કુરબાન.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
વહાલા પ્યારા , પરિચિત ચહેરાઓને ધરાઈને જોઈ લેવા દો. વતનથી દૂર ક્યાં એ હસતા ચહેરા અને મીઠી નજર જોવા મળવાની છે? પછી તો એ ચહેરા દુનિયાની ભીડમાં એવાં ખોવાઈ જવાનાં કે કદી જોવાં પણ નહિ મળે! તેથી ધરાઈને એ ચહેરા જોઈ લેવા દો . હૃદય વલોવી જાય જ્યારે ઘરનું આંગણ મજબૂરીમાં છોડવું પડે.નજરથી જ્યારે વ્હાલાના ચહેરા દૂર થઇ જાય, અને દિલ જાણતું હોય કે આ ચહેરા ફરી જોવા મળશે કે નહિ? એ મીઠી નજરથી વહેતી મીઠાશ ફરી માણવા મળશે કે નહિ? . જ્યારે વતનથી કાઢવામાં આવે ત્યારે આવી ગઝલ બને.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
દરેક યાદને દિલમાં અને આંખમાં છુપાવી લો. આ રસ્તા આ બારીઓ, આ ભીંતો ! પછી આ શહેર આ ગલીઓ અને આ ઘર મળે ના મળે. આ બધી નિર્જીવ વસ્તુઓ પર પણ માનવીને ખૂબ વહાલ થઇ જાય છે. ઘરની એકએક ઈંટ તમને વહાલી લાગતી હોય છે. વતન એ વતન છે. ભલે આંખોથી ઓજલ થાય પણ દિલમાં વસી રહે છે. જૂનું ઘર છોડતાં એકએક બારી એકએક ભીંતને સ્પર્શી લઈએ છીએ. શહેરના રસ્તાઓને યાદમાં વસાવી લો. દરેક રસ્તાઓમાં પણ સ્મૃતિ સમાયેલા હોય છે. કોઈ રસ્તા પર પ્રેમી પ્રેમિકા મળ્યાં હોય, કોઈ રસ્તા પર કોઈ તમારી મનગમતી પાણીપુરીની લારી ઊભી હોય! શું આ બધી સ્મૃતિને ભુલાવી શકાય? ફરી કદાચ વતન આવવાનું ના થાય. દિલથી વતન ક્યારેય ભુલાય નહિ. દરેક જણ વતન છોડતાં પોતાની આંખમાં વતનને સાથે લઈને જાય છે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
મિત્રોને, સગાવહાલાને સર્વ સંબધીઓ ને ગળે લગાડીને રડી લો. પછી તો ખબર નથી કે પાછાં ફરીએ તે વખતે કોણ હાજર હશે અને કોણ મૃત્યુને ભેટી ચૂક્યું હશે. ઘણી વખત તો વહાલાની કબર પણ મળશે નહિ! આમ પણ વહાલાઓથી છૂટાં પડીએ એટલે રડવું તો આવે . જો ખબર હોય કે કદી પાછા આવવાનું નથી તો ગળે વળગીને રડવું આવે કારણકે એ વ્યકતિને ફરી મળવાનું થાય કે ના પણ થાય!
અહીં ‘સપના’ ઘણાં લઈને અમે આવ્યાં
સગાંવહાલાં બધાં છોડીને અમે આવ્યાં
વતનને ખૂબ દૂર છોડીને અમે આવ્યાં
હા બંધન પ્રેમના તોડીને અમે આવ્યા
અહીં સાંજ પડતાં આ હ્રદયમાં ઊંડે ઊંડે કૈંક ખૂચતું
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
મિત્રો અને સગાવ્હાલાઓ એરપોર્ટ પર ફૂલહાર લઈને વળાવા આવે છે. આ બધા ચેહરા આંખોમાં લઇને જાઉં છું. આ ચહેરા આંખોમાં ફર્યા કરશે. વહાલાંઓથી દૂર જવા છતાં આંખમાં એ ચહેરાઓ વસી જતાં હોય છે. દિલમાં દસ્તક દીધાં કરે છે.. પણ આ ચહેરાની હાજરી સતત સાથે રહેવાની! પછી ભલે સફરમાં કોઈ હમસફર મળે ના મળે. વ્હાલાઓનો સાથ હંમેશા રહેવાનો. વહાલાંઓની યાદ અને એમના ચહેરા નજર સામે આવી જશે. પછી હમસફર ના મળે તો પણ વહાલાંઓની યાદમાં સફર કપાઈ જશે ! કેટલો પ્રેમ કેટલી લાગણી છોડીને લોકો હિઝરત કરતાં હોય છે, પણ આવી કાળજા કોરી નાખે એવી ગઝલ ફક્ત આદિલ મન્સૂરી જ લખી શકે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
વતન છોડતાં પહેલા વતનની માટીથી માથું ભરી લઉં, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ના મળે. વતનની મહોબત માથે ચડાવતા ધૂળથી માથું ભરી લઉં , કે માટીની ભીની સુગંધ ફરી મળે કે ના મળે. ઘણાં લોકો માટીને સાથે પણ લઇ જતાં હોય છે. અગર મૃત્યુ પરદેશમાં થાય તો વતનની માટી કબરમાં મૂકી શકે. વતન પ્રત્યેનો આદિલ સાહેબનો પ્રેમ શબ્દે શબ્દે વર્તાય છે. અમેરિકામાં રહેવા છતાં જેનું દિલ ભારત માટે તડપતું હતું એવા કવિ શ્રી આદિલ મન્સૂરી સાહેબના વતન ઝુરાપાને વર્ણન કરતી આ ગઝલને સલામ! સાથે સાથે ગઝલ લખનાર કવિને સલામ!
સપના વિજાપુરા
ખૂબ જ સુંદર આસ્વાદ. મજા પડી.
Sneha patel - akshitarak
February 3rd, 2025 at 10:44 ampermalink