14 Jul 2024
મોહર્રમ 2
આજ મોહર્રમની બીજી તારીખ થઇ છે. ઇમામ હુસૈને કુફાનો રસ્તો છોડીને કરબલા તરફ રવાના થયા. એક એવી જગ્યા આવી જ્યાથી ઘોડાઓ આગળ જવાં માંગતા ના હતા. ઇમામ હુસૈને ત્યાંના રહેવાસીઓને પૂછ્યું,” આ જગ્યા આ શહેર કયું છે? ” લોકોએ કહ્યું,” આ નૈનવા છે.” ઇમામ હુસૈને ફરી પૂછ્યું,” આ જગ્યાનું બીજું કોઈ નામ છે?” લોકોએ કહ્યું કે આ મારિયા છે.” આપે ફરી પૂછ્યું,” એ સિવાય બીજું કોઈ નામ છે ?” કોઈએ કહ્યું,” આ જગ્યાને કરબલા પણ કહે છે.” ઇમામ હુસૈન ઘોડા પરથી ઉતરી ગયા અને સાથીઓને તંબુ નાખવા માટે કહ્યું. બીબી ઝયનબ જે ઇમામ હુસૈનના બહેન હતાં ,તેઓ પણ પાલખીમાંથી ઉતરી ગયાં અને ભાઈને કહ્યું,” ભાઈ મને આ જગ્યા બરાબર નથી લાગતી. આ જગ્યાએ મારું મન ઉદાસ થાય છે. ઇમામ હુસૈને કહ્યું બહેન આપણી મંઝિલ આવી ગઈ છે. ઝયનબે એક મુઠ્ઠી ખાક જમીન પરથી ઉપાડી અને સૂંઘી. પછી ભાઈને કહ્યું,” એ મારા માજાયા, મને આ ખાકમાંથી તમારા લોહીની ખુશ્બુ આવે છે. આપણે અહીંથી ચાલ્યાં જઈએ. ભાઈએ બહેનનો હાથ પકડીને કહ્યું,” બહેન, આ જગ્યાનું નામ નાનાએ અમ્માને કહેલું. આ જગ્યા પર તમારો આ ભાઈ કતલ થવાનો છે.” ઝયનબની આંખોમાંથી ચોધાર આંસું સરવાં લાગ્યાં.
નહેરે ફુરાત પર તંબુ તણાવા લાગ્યા. ઇમામ હુસૈને હુકમ આપ્યો કે સૌ પ્રથમ તરસ્યા ઘોડાને પાણી પીવડાવો. ઇમામને ખબર હતી કે ત્રણ દિવસના પ્યાસા આ જમીન પર શહીદ થવાનું છે. યઝીદના સાથી ઉંમરે સાદ પણ એના લશ્કર સાથે આવી ચડ્યો. ઇમામ હુસૈને એમને તથા એમના ઘોડાઓને પણ પાણી પીવડાવ્યું. ઇમામ હુસૈને પછી જેની આ જમીન હતી એની પાસેથી 60,000 દિરહમમાં ખરીદીને અલી અકબરના નામે કરી દીધી. અલી અકબર એમના અઢાર વર્ષના દીકરા હતા.પછી ત્યાંના રહેવાસીની સ્ત્રીઓ અને બાળકોને બોલાવીને ઇમામ હુસૈને જણાવ્યું કે આ જમીન પર અમારા પુરુષોને શહીદ કરવામાં આવશે અને અમારી સ્ત્રીઓને બંદી બનાવવામાં આવશે અને અમારી લાશો આ રણમાં રખડતી મૂકવામાં આવશે. આપ સર્વને વિંનતી છે કે અમારી લાશોને દફન કરી દેશો! જો તમારા પુરુષો આ કામ ના કરી શકે તો તમારા બાળકોને કહેશો કે એક એક મૂઠ્ઠી ખાક અમારા પર નાખી દે.
આ જંગમાં શહાદત ચોક્કસ હતી. પણ ઈમામ જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે યજીદે કહ્યું કે મારી સામે ઝૂકો નહીંતર લડાઈ કરો. ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજના હાથમાં ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ. એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યજીદ પાસે પચાસ હજારનું લશ્કર! કોઈ ક્યાં સુધી બચવાનું હતું? ઇતિહાસની આ નાનામાં નાની લડાઈ હશે. જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે.જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યજીદે રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી. આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું .
હઝરત મુસ્લિમ એ પહેલા શહીદ હતા . કુફાથી જ્યારે 12,000 પત્રો મળ્યાં અને 22,000 સહીઓ મળી ત્યારે એમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવા માટે ઇમામ હુસૈન પોતાના કાકાના દીકરા હઝરત મુસ્લિમને કુફા મોકલે છે. 15મી રમઝાન સન 60 હિઝરી એ તેઓ મક્કાથી કુફા જવા રવાના થયા. સવાલ મહિનાની 5 તારીખે સન 60 હિઝરી તેઓ કુફા પહોંચી ગયા. અને એક શિયાના ઘરમાં ઉતારો કર્યો. કહેવાય છે કે 12,000 અથવા 18,000 અથવા 40,000 લોકોએ હઝરત મુસ્લિમના હાથ પર બયત કરી. 40 દિવસ સુધી બયત થતી રહી, પછી હઝરત મુસ્લિમે ઇમામ હુસૈનને પત્ર લખ્યો કે ,” હું જે લખું તે સાચું છે. કુફાના મોટા ભાગનાં લોકો તમારી બયત કરવા તૈયાર છે તમે તરત કુફા આવી જાઓ.”
ત્યારબાદ ઈબ્ને ઝિયાદ કુફામા છૂપા વેશમાં આવી ગયો, એની સાથે 500 બસરાના સૈનિકો હતાં.લોકોને ખબર હતી ઇમામ હુસૈન આવવાના છે એમને એમ કે ઇમામ હુસૈન આવી ગયા, પણ છૂપા વેશે ઈબ્ને ઝિયાદ કુફામાં દાખલ થઇ ગયો અને લોકોને ડરાવી ડરાવીને હુસૈનની વિરુદ્ધ કરી દીધા. તેને ઇનામ જાહેર કર્યું કે જે કોઈ હઝરત મુસ્લિમની ખબર આપશે એને મોટું ઇનામ આપવામાં આવશે. અને જો કોઈ હઝરત મુસ્લિમને સહારો આપશે એને કતલ કરવામાં આવશે. હઝરત મુસ્લિમ કુફાની ગલીયોમાં ફરતા રહ્યા. પછી તોઆ નામની એક ઇમામ હુસૈનને માનવાવાળી સ્ત્રીએ એમને પનાહ આપી. આખી રાત ઇબાદતમાં ગુજારી. 9 જીલહઝ 60 હિઝરી ના દિવસે તોઆના દીકરાને હિસાબે એના ઘરની તલાશી લેવાઈ. હઝરત મુસ્લિમ ઘરની બહાર આવી ઘણા દુશ્મનોને વાસીલે જહન્નમ કરી દીધાં. પણ અંતે ઈબ્ને ઝિયાદના સિપાહી એમને દરબારમાં લઇ ગયા. એમને બકર બિન હમરાનને હવાલે કરવામાં આવ્યા. એમને દારુલ અમારાની છત પર લઇ જઈ એમનું સર કલમ કરી નાખવામાં આવ્યું. એમના શરીરને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યું. પછી એમના શરીરને બાંધીને કુફામા ઢસડવામાં આવ્યું. આમ હઝરત મુસ્લિમને શહીદ કરવામાં આવ્યા.
સપના વિજાપુરા