ઇમામ હુસૈન બીજી તારીખે કરબલા પહોંચી ગયા. તંબુઓ તણાય ગયાં. હઝરત અબ્બાસ જે ઇમામ હુસૈનના ભાઈ હતા. તે આખી રાત તંબુઓનો પહેરો દેતા હતા. રોજ એક લશ્કર યઝીદનું જુદાં જુદાં સરદાર સાથે આવી જતું હતું. બીબી ઝયનબનું દિલ બેસતું જતું. એમણે ઇમામ હુસૈનને પોતાના તંબુમાં બોલાવ્યા. બીબી ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું,” ભાઈ રોજ યઝીદનું એક લશ્કર આવે છે. તમે પણ કોઈને બોલાવો જે તમને મદદ કરે.” ઇમામ હુસૈને કહ્યું,” બહેન કોને બોલાવું? જ્યારે નાના વફાત પામ્યા ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે અમ્મા વફાત પામ્યાં ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે બાબા અને ભાઈ હસન શહીદ થયાં ત્યારે કોઈ આપણને મદદ કરવા ના આવ્યું. હવે હુસૈનને મદદ કરવા કોણ આવશે? બીબીએ ફરમાવ્યું, “આપ આપના દોસ્ત હબીબ ઈબ્ને મઝાહીર ને મદદ માટે બોલાવો.” ઇમામે બહેનની વાત માની હબીબને પત્ર લખ્યો જે કુફામા હતા. કાસિદ પત્ર લઈને ગયો. જમવાનો સમય હતો. કાસિદ પત્ર લઈને આવ્યો. હબીબે પત્ર વાંચ્યો. તેમની પત્નીએ પૂછ્યું કોનો પત્ર છે. હબીબે જણાવ્યું, ‘ઇમામ હુસૈનનો પત્ર છે. મુશ્કેલીમાં છે બોલાવે છે વિચારું છું કે જાઉં કે નહીં ?’ પત્નીએ હજુ સાંભળ્યું નહિ કે પોતાના હાથની ચૂડી હબીબને આપી કે તમે આ ચૂડી પહેરો હું જઈશ ઇમામને મદદ કરવા.હબીબે કહ્યું ‘હું તારું મન જાણવા માંગતો હતો. બાકી ઇમામ હુસૈન મારા બચપણ નો મિત્ર છે હું કેમ ના જાઉં મદદ કરવા ?’
હબીબ રાતના અંધારામાં કરબલા તરફ રવાના થયા.. કુફાથી કરબલા દૂર નથી. હબીબ કરબલા પહોંચી ગયા. દૂરથી ઘોડાને આવતો જોઈ ઇમામ હુસૈન સમજી ગયા હબીબ આવી રહ્યા છે. ઉઠીને હબીબને ગળે લગાવ્યા. બીબી ઝયનબને સમાચાર મળ્યા કે હબીબ આવી ગયા છે.તો એમણે હબીબને સલામ મોકલ્યા. હબીબે માથું ફૂટી લીધું કે હાય હાય મારા નબીની શહેઝાદી મને સલામ મોકલે છે! એ કેટલી મજબૂર હશે!
હબીબ અને ઇમામ હુસૈન બચપણ થી મિત્રો હતા. હબીબ જયારે પાંચ વર્ષના હતા ત્યારે ઇમામ હુસૈનની પાછળ પાછળ ચાલતા અને જ્યાં જયાં ઇમામ હુસૈનના પગલાં પડતાં ત્યાંની ખાક લઇ માથે મૂકતા. એકવાર હબીબના વાલિદે રસુલે ખુદાને દાવત કરી અને કહ્યું કે ઇમામ હુસૈન અને હબીબ એક બીજાને ખૂબ ચાહે છે. તો સાથે રમશે. હબીબને ખબર પડી કે હુસૈન આવવાના છે. તો છત પર જઈને રાહ જોવા લાગ્યા. કોઈપણ કાફલો આવતો તો દોડીને નીચે આવતા જોવા માટે કે હુસૈન તો નથીને! આમ કરતા સાંજ પડી ગઈ. છત પરથી એમણે દૂરથી રસુલે ખુદાને જોયા. દોડીને નીચે આવવા ગયા તો પગ લપસ્યો અને પડી ગયા. લાદી સાથે ભટકાઈ માથું ફાટી ગયું, અને એજ ક્ષણે મૃત્યુ પામ્યા. મઝાહીરે લાશ પર કપડું નાખી દીધું અને રસૂલને જમવા બોલાવ્યા. હુસૈને પૂછ્યું હબીબ ક્યાં છે? આપે ફરમાવ્યું, ‘આપ જમી લો હું હબીબને મળવા લઇ જઈશ.’ પણ ઇમામ હુસૈને જીદ કરી એટલે મજાહીર એમને ઓરડામાં લઇ ગયા અને વાકીયો બતાવ્યો. ઇમામ હુસૈને ચાદર હટાવીને કહ્યું,” હબીબ, તારા ઇમામ ઊભા છે અને તું સુવે છે?” અને હબીબ તરત ઊભા થઇ ગયા. આવી મહોબત બંને વચ્ચે હતી.
આશુરાને દિવસે શહીદ થવાવાળા પહેલા શહીદ હતા. ઝોહરને સમયે ઇમામે હબીબને કહ્યું કે દુશ્મન પાસે જાય અને નમાજ પડવાની ઈજાજત લઇ આવે. પણ નમાજની વાત પર દુશ્મને મજાક ઉડાવી, તેથી હબીબને જલાલ આવી ગયો અને દુશ્મન સામે લડાઈ કરી. દુશ્મને હબીબનું સર કલમ કરી નેઝા પર ભરાવી દીધું. ઇમામ હુસૈન દોડીને મિત્રની મદદ કરવા ગયા પણ એ પહેલા હબીબ જન્નતની સફરે નીકળી ગયા હતા.