21 Nov 2010
સર્જકો સાથે સાંજ-૨

આ ગઝલમાં સુવાસ મૂકું
લાવ એમાં થોડાં શ્વાસ મૂકું
પાસ જાઉં હું પીયાની જલ્દી
લાવ મળવાની હું આશ મૂકું
મિત્રો,
શિકાગો આર્ટ સર્કલ આયોજીત ‘સર્જકો સાથે સાંજ ‘ની બીજી બેઠક તારીખ ૧૪ નવેમ્બર,૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલી.આ કાર્યક્રમનાં અતિથિ વિશેષ માનનીય આરતીબેન મુન્શી હતા.મેં પહેલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે આ બેઠકનો મુખ્ય હેતુ નવોદિત કવિઓ અને કવિયત્રીઓને શીખવવાનું અને એમની સર્જનપ્રવૃતિને ક્રમસહવેગ મળે બસ એટલોજ છે.. મિત્રો… શિકાગો આર્ટ સર્કલ ના પરામર્શક અને જેમના અથાગ પ્રયત્નોના ફલસ્વરુપ આ પ્રયોગના વિધિવત શ્રીગણેશ શિકાગોમા થયા છે એ કવિદંપતી ડો.ડબાવાલા અને તેમના પત્ની ડો.મધુમતીબેન કોઇ શબ્દોના મોહતાજ નથી એ વાત આપ સાહિત્યરસિકો ખૂબ જ સારી રીતે જાણો છો.. ..આ કાર્યક્રમનાં યજમાન ડો. આશિષભાઈ હતા. આશિષભાઈ અને નિવીતાબેન આ હસમુખા દંપતીની પરોણાગતથી બેશક…. ભારતીય સંસ્કૃતિની યાદ આવી ગઈ..‘
કવિ ડો. અશરફભાઈ ડબવાલા, ડો મધુમતીબેન મહેતા, ડૉ આશિષભાઈ પટેલ,નિવીતાબેન ,સબિર કપાસી,નીશાબેન કપાસી ,હુસેની કપાસી, શરીફ વિજાપુરા નિલેશભાઈ બ્રહ્મભટ્ટ,ઊર્મીબેન, મુકુંદભાઈ દેસાઈ અને એમનાં ધર્મપત્નિ,પંકજ શાહ અને..પ્રીતી પટેલ વગેરે એ ભાગ લીધેલો..પ્રોગ્રામની શરૂઆત ભરત દેસાઇ ‘સ્પંદન’ની ગઝલથી થઈ. તેમના ગઝલ પઠનથી લોકો મુગ્ધ થઈ ગયાં..ગઝલની પંક્તિઓ આ પ્રમાણે હતી..
વતેસર વાતનું ને લોકચર્ચા પણ ભળી ગૈ છે
ખબર ત્યારેજ થૈ અફવા સમાચારો બની ગૈ છે
ખુદા તારી કસોટીની અદા માફક મને આવી,
હવેતો ઠોકરોની પણ મને આદત પડી ગૈ છે……….
આ ગઝલ પૂરી થતાં થોડી ગઝલનાં બંધારણ વિષે ચર્ચા થઈ..પછી નિલેશભાઈ બ્રહ્મભટે પોતાનું પુત્રવધુનાં આગમનનું સુંદર સોનેટ સંભળાવ્યું…
હતી ષોડષી જેગઈ કાલ સુધી
સજી આજ આવી નવોઢા બનીને
અને હાજર બધાજ લાગણીનાં પ્રવાહમાં ખેંચાતા ગયાં..સોનેટના પઠન પછી સોનેટ્ની ચર્ચા થઈ અને અશરફભાઈએ સોનેટ વિષે ઘણી માહિતી આપી હતી.હુસેની કપાસી જે આશાવાદી નવયુવાન કવિ છે છે એમણે સર્જેલી બે પંક્તિઓ કહી. કવિ જગતમાં પાપાપગલી ભરી રહ્યાછે એવા અમારાં યજમાન આશિષભાઈના કંઠે એક અછાંદસ સાંભળવા મળ્યું..જે મારાં હૈયાને તો ચોક્કસ હચમચાવી ગયું..આ અનામી અછાંદસનું નામ અશરફભાઈએ ત્યાં જ આપ્યું..જીવન સંગીત..જે જિંદગી અને મોતની સચ્ચાઈ કહી ગયું..આટલાં પ્રોગ્રામ પછી બ્રેક પડ્યો અને અમે નિવિતાબેનનાં હાથનાં બનાવેલ ગરમાગરમ વડા ખાધાં અને ચા પીધી.
ત્યારબાદ મારો વારો આવ્યો અને મેં મારી એક તાજી લખેલી ગઝલ સંભળાવી..
તે કેટલો સુંદર હશે!!
અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!!
વ્યોમની એ તો પરી તે કેટલો સુંદર હશે!!
અને પછી મારું એક અછાંદસ ‘ધર્મ‘ સંભળાવ્યું હતું..
હવે મધુબેન મહેતાનાં મધુર કંઠે એક ગઝલ..સાંભળી
અમારી હથેળીની જે છે અમાનત
ઊઠીને કરે આંગળીની છણાવટ..
અને આખો માહોલ તાળીઓથી રણકી ઊઠ્યો..મધુબેને શ્રોતાઓનાં મન મોહી લીધાં હતા અને એમણે એમની બીજી ગઝલ પણ સંભળાવી…ગઝલનું પઠન ખૂબ સરસ થયું..એમણે શ્રોતાઓને પોતાની તરફ ખેંચી રાખેલા..ગઝલનું પઠન કેવી રીતે કરવું જોઇએ એની સમજ પણ આપી છેલ્લે..અશરફભાઈએ એમની એક નવીરચના ‘ગૂગલ કરું છું સંભળાવી..
નાદાન એવો છું કે છળને ગૂગલ કરું છું
લૂંટાઈને પછી હું ઠગને ગૂગલ કરુ છું..
આ ગઝલને બધાએ તાળીઓનાં ગડ્ગડાટથી વધાવી લીધી..નેટને પણ ગઝલમાં આવરી લેવાની અશરફભાઈની કલા પર આફરીન થઇ જવાયુ..પછી ગઝલોનાં લઘુ અને ગુરુ વિષે ચર્ચા થઈ..લઘુ અને ગુરુ કોને કહેવાય અને જોડીયા અક્ષરો અનુસ્વાર વગેરે વિષે વાતચીત થઈ…આ સાંજ દરેક નવોદિત માટે ઉપયોગી પુરવાર થઈ..આ આનંદ સો ગણો વધી ગયો, જ્યારે અમારાં અતિથિ વિશેષ આરતીબેન મુનશી એ અમને ત્રણ ચાર ગીત સંભળાવ્યાં.નયન દેસાઈનું લંબચોરસ ઓરડો.. એકલ દોક્લ વર્ષા..એમના કોયલ જેવાં અવાજથી વાતાવરણ ટહૂકી ગયું હતુ…આ સાથે પ્રોગ્રામ પૂરો થયો ને નિવીતાબેનના હાથની રસોઈ માણી બધાં છૂટાં પડ્યા..હવે પછીની બેઠક જાન્યુઆરીમા ૮ અને ૯ ૨૦૧૧ ના રાખેલ છે જે ગઝલ ગીત અને કવિતા બાબતેનો એક નાનકડો વર્કશોપ હશે એવો ખાસ આગ્રહ અશરફભાઇ અને મધુબેને રાખેલ છે જેથી કરીને કવિતા બાબતે વિસ્તારથી ચર્ચા થઇ શકે અને સાથેસાથે જાહેરાત પણછે કે જે સાહિત્યરસિકો શિકાગોમા છે અથવા તો નજીકમા હોય અને આ બાબતે વધુ જાણકારી મેળવવી હોય અને જેમને પણ કવિતા ગીત ગઝલ લખવામાં રસરુચિ ધરાવતા હોય તેણે નીચેનાં ઈ મેઈલ એડ્રેસ પર જાણ કરવાથી વિગતવાર જાણકારી મેળવી શકાશે. sapana53@hotmail.com , bharatdesai20@yahoo.com.
Report by;
સપના વિજાપુરા








