
મિત્રો,
આજે હું આપને ટૂંકમા 1400 વરસ પહેલાં બનેલા એક દુ:ખદાયી પ્રસંગની માહિતી આપીશ..
1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈન.(અ.સ)ને તથા એમનાં ખાનદાનનાં કેટલાક સભ્યોને દુ:ખદાયી રીતે શહીદ કરવામાં આવેલા.ફકત એટલાં માટે કે તેમણે સત્ય ,ન્યાય અને શાંતિને સ્થાપવાની કોશિશ કરી.
ઈમામ હુસૈન અ.સ પયગંબર મહમદ અ.સ ના નવાસા હતા.અને ઇમામતનાં ત્રીજા ઇમામ હતાં. જુલ્મી શાસકોએ ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. યજીદ જે મઆવિયાનો દિકરો હતો. જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો. તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું. બયત કબુલ કરવી એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. પણ ઇમામ હુસૈનને એ મજૂર ન હતું.યજીદે ઇમામ હુસૈનને કરાર કરવા માટે મહેમાન તરીકે બોલાવ્યા. ઇમામ હુસૈન પોતાનાં કુટુંબ કબીલા સાથે કરબલા જવા નીકળ્યા. યજીદ સાથે વાતચીત કરવાં ગયા. એ જમાનામાં ઊંટો પર મુસાફરી થતી હતી. ઈમામ હુસૈન બીજી મહોરર્મએ(ઇસલામીક કેલેન્ડરનો પહેલો મહિનો ) કરબલા પહોચ્યાં અને યજીદના મહેમાન બનવાને બદલે એનાં લશ્કરે ઇમામ હુસૈનને ઘેરી વળ્યા.
યજીદે ફરમાન કર્યુ કે જો ઇમામ હુસૈન મારી બયત કબુલ ના કરે તો એમનુ સર ઉડાવી દો અને મારી પાસે લાવો. ઇમામ હુસૈન જો બયત કરે તો મહમદ પયગંબરનો સાચો સંદેશો લોકો સુધી ના પહોચત. ઇમામ હુસૈન બયત કરવાં ના કહી અને લડાઈની તૈયારી ચાલુ થઈ. યજીદનું લશ્કર ૪૦,૦૦૦ થી એક લાખ સૈનિકોનું હતું એવું ઠોસદાર સબૂત સાથે માનવામાં આવે છે. ઇમામ હુસૈન પાસે કુલ મળીને ૧૩૦ સૈનિકો હતાં. જેમા ૧૦ વરસના બાળકોથી માંડીને ૯૦ વરસના વૃદ્ધ પણ હતાં. આ હતું ઇમામ હુસૈનનુ લશ્કર.
સાતમી મહોરર્મથી યજીદે ઇમામ અને એમના સાથીઓ ઉપર પાણી બંધ કર્યુ. ઇમામના સૌથી નાનાં પુત્ર અલી અસગર છ મહીનાના હતા જે એમની સાથે હતા. જેઓ પાણી વગર અને ખોરાક વગર ત્રણ દિવસ રહ્યા. આ લશ્કર સચ્ચાઈ માટે અને હક માટે લડવા તૈયાર હતું. ભૂખ્યુ ને તરસ્યું. ! આ યુધ્ધમાં શહાદત નક્કી હતી..પણ ઇમામને એ મંજૂર હતું પણ શરાબી અને ભ્રષ્ટાચારીના હાથમાં ઇસ્લામની બાગડોર સોપવી એ મંજૂર ન હતું.
દસમી મહોરર્મ આવી . આશુરા! સવારનો સૂરજ ઉગ્યો. આવી સવાર પહેલાં ક્યારેય ઉગી નથી અને કદી ઉગશે પણ નહી. આ જંગ હતી અસત્યની સામે સત્યની, અન્યાયની સામે ન્યાયની ભ્રષ્ટાચારની સામે પ્રમાણીકતાની અને જુલમની સામે દયા અને સબરની. સવારની અઝાન થઈ. ફઝરની અને ઝોહરની નમાઝ સુધીમાં ઇમામનાં સાથીદારો જેની સંખ્યા પચાસ ગણવામાં આવે છે શહીદ થઈ ગયા. આ બધાં ભૂખ્યાં ને તરસ્યાં શહીદ થયા. ઝોહરની નમાઝ બાદ ઘરનાં બધાં પુરુષો જેમાં ભાઈ,ભાણિયા, ભત્રીજાઓ પુત્રો તથા મિત્રો શહીદ થયા. અંતમાં ઇમામ હુસૈન એકલા રહી ગયા. 57 વર્ષના ઇમામ બહાદૂરીથી લડ્યા પણ જાલીમોએ એમને તીરોથી છલની કરી નાખ્યા. અને ગરદન પર ખંજર ચલાવી એમના મસ્તકને ધડથી જુદું કરી દીધું. આમ દરેક શહીદના મસ્તકને ધડથી અલગ કરી નેજા પર લટકાવવવામાં આવ્યા.
આશુરાનો દિવસ પૂરો થયો. કરબલાના રણની તપતી જમીન ઉપર મહમદ સ.અ. ના ખાનદાનની લાશો રઝળતી રહી કફન વિના! સૂરજ આથમી ગયો. સૈનિકો તંબુઓ તરફ ધસી ગયા. સ્ત્રીઓનાં દુપટા ખેંચી લીધાં અને તંબુઓમાં આગ ચાંપી.
ઇમામ હુસૈનનો સંદેશ હતો કે અસત્ય અને અન્યાય સામે ઝૂકવું નહી. આતંકવાદનો વિરોધ કરવો.ચાહે તેની કિંમત જિંદગીથી પણ ચૂકવવી પડે. અંતમા સત્યનો હમેશા વિજય થાય છે એનો આ એક ઉમદા દાખલો છે કે ઇમામ હુસૈનના રોઝા ઉપર લાખોની સંખ્યામા દુનિયાભરના લોકો દર્શન(ઝિયારત) કરવા કરબલા(ઈરાક) જાય છે. જ્યારે એ જમાનાની અરબસ્તાનની સલ્તનનના ગવર્નર યઝીદનું કોઇ નામ નિશાન નથી. આમ છતાં કેટલીક જગ્યાએ આજના જમાનામાં યજીદ જેવા આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે એ દુ:ખદ વાત છે.
આશુરા=૧૦ મો દિવસ અહીં દસમો દિવસ મોહરર્મ મહીનાનૉ દસમો દિવસ
નવાસા = દોહિત્ર= મહમદ સ.અ ના દીકરીનાં દીકરા
બયત કબુલ કરવી=એની મરજી પ્રમાણે ચાલવું
સત્યમેવ જયતે..
નીચે ભારતના મહાનુભાવો ઇમામ હુસૈન વિષે કહે છે ..
મહાત્મા ગાંધીજી કહે છે ” અન્યાય થતો હોય છતાં જીત કેવી રીતે મેળવવી એ હુસૈન પાસેથી શીખ્યો છું. ” ઇસ્લામ તલવારથી નહીં પણ હુસૈનનની કુરબાનીથી વિકાસ પામ્યો છે.
જવાહરલાલ નેહરુ: “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન તમામ જૂથો અને સમુદાયો માટે છે, જે સચ્ચાઈના માર્ગનું ઉદાહરણ છે.”
રવીન્દ્રનાથ ટાગોર: “ન્યાય અને સત્યને જીવંત રાખવા માટે, લશ્કર અથવા શસ્ત્રોને બદલે, જીવનની કુરબાની આપીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે, બરાબર તે જ ઇમામ હુસૈન (અ.સ.)એ કર્યું હતું.
ડૉ. રાજેંદ્ર પ્રસાદ “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન માત્ર દેશ કે રાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના ભાઈચારાની વારસાગત સ્થિતિ છે.”
ડૉ . રાધાક્રિષ્નન : જો કે ઇમામ હુસૈન (અ.સ.) એ લગભગ 1300 વર્ષ પહેલા પોતાનો જીવ આપ્યો હતો, પરંતુ તેમનો અવિનાશી આત્મા આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.”
સ્વામી શંકરાચાર્ય : “હુસૈન (અ.સ.)ની કુરબાનીએ જ ઇસ્લામને જીવંત રાખ્યો છે નહીંતર આ દુનિયામાં ઇસ્લામનું નામ લેનારું કોઇ બચશે નહીં.
શ્રીમતી સરોજિની નાયડુ : “હું મુસ્લિમોને અભિનંદન આપું છું કે તેમની વચ્ચેથી, હુસૈન (અ.સ.) એક મહાન માનવીનો જન્મ થયો, જેને તમામ સમુદાયો દ્વારા સંપૂર્ણ રીતે પુનરાવર્તિત અને સન્માનિત કરવામાં આવે છે.
સપના વિજાપુરા