9 May 2011
મધર્સ ડે
વ્હાલાં મિત્રો ,
આજ માત્રુ દિન નિમીત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. આ જગતમાં તમે આવ્યા એટલે તમે પુરુષ હોકે સ્ત્રી એક ઉદરમાં જન્મ પામ્યા છો અને એ તમારી માતાનું ઉદર છે.એટલે માત્રુ દિન બધાં એ ઉજવવો જોઇએ. જો કે આમ તો તો હર દિન માત્રુ દિન હોવો જોઈએ .પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને પ્રેમ તથા માં આપવું હોય તો એમાં કાંઇ ખોટું નથી. કોઈ રોજ રોજ માં ને I love you mom એવું નથી કહેતા હોતાં કોઇ દીકરો કે દીકરી મા ને ફૂલો લાવીને માને ગળે લગાડીને ..I love you so much મોમ, you are my world!!કહે તો..બસ માની આંખોમાં હેતની હેલી ઉઠી જાય અમે આંખેથી અશ્રુ ધારા વહેવા લાગે ! મારી સાથે આમ જ બન્યું . મારા દીકરાએ મને ફૂલો આપી ગળે લગાડી તો દિલમાં ખુશીના ઝરણા ફૂટી ગયાં. અને દિલમાં થી દુઆઓ નીકળી ગઈ.આમ તો ચોવીસ કલાક માનું કામ બાળકો માટે દુઆઓ કરવાનું છે. આ પ્રસંગે મને એક બીજી મા યાદ આવી ગઈ. જે અત્યારે આ દુનિયામાં દેહ સ્વરુપે નથી .પણ એનો આત્મા મારી સાથે જ..મારી બા ! મા નાં પગ નીચે જન્નત હોય છે. એ વાતને મારી બાએ સાચી પાડી છે. આઠ આઠ બાળકોની બા! સીધી સાદી ! કોઈપણ જાતની માંગણી નહિ અને હંમેશા પ્રેમ નીતરતી આંખો!કાશ કે હું અમેરિકા ના આવી હોત , કાશ કે મેં તારી સેવા કરી હોત ! કાશ કે તારા વૃદ્ધાવસ્થાનો સહારો બની હોત ! તારી વૃધાવસ્થાની એકલતા મારા હૃદયમાં સોંસરવી નીકળે છે! કાશ તારી એકલતાને મેં મારા પ્રેમ થકી દૂર કરી હોત ! છેલ્લા દિવસોમાં તારી પ્રતિક્ષાભરી આંખો ઘણું કહી ગઈ! તારી સહનશીલતા તારી મજબૂરી! બા આપણે જન્નતમાં સાથે જ હઈશું! મારી બા દુનિયાની સર્વ શ્રેષ્ઠ બા છે હજુ મારામાં એ જીવે છે હું જલ્દી તને મળીશ જરૂર મળીશ ! આજ મધર્સ ડે ના દિવસે તમને અર્પણ આ કાવ્ય!
મધર્સ ડે છે
બા એડ્રેસ આપો ને
કાર્ડ મોકલું
તું ત્યાં આરામ ખુરશીમાં બેઠી છો
તારાં જૂનાં ધોયેલાં સાડલાની
મહેકથી આ ઓરડો મહેકી રહ્યો છે
મારું હર્યુ ભર્યુ ઘર જોઈને તું મરકી રહી છે
તારા ખડબચડાં હાથ મારા માથાં પર મૂકીને
સુંવાળો આશીર્વાદ આપી રહી છે..
તું જ્યાં ક્યાંય પણ છે
હું મારામાં તારી હાજરી અનુભવું છું
અને આપણી મુલાકાત થશે…જરૂર થશે..
પણ ક્યારે એ મને ખબર નથી..
પણ આટલું હું જરૂર જાણું છું કે
એ સમય દૂર નથી,
દર વરસે મધર્સ ડે આવે ત્યારે..
હું મારાં જીવનનું એક વરસ ઓ કરું
આપણાં બન્ને વચેનું અંતર
એક વરસ ઘટીને ઓછું થાય..
સપના વિજાપુરા
૫-૮-૨૦૧૧










