21
Jul
2011
Posted by sapana. 14 Comments

હું જીવું કે મરું કોને ફરક છે?
આ જીવન એક કાંટાળી સડક છે
હશે જન્નત આ જીવન કોઈક માટે
અહીં તો જીવતા દુનિયા નરક છે
છો નભમાં ચાંદ ખોવાયો છે મારો
સિતારાથી ચમકતું તો ફલક છે
આ ધરતીકંપ ગુસ્સો છે ખુદાનો
પ્રકૃતિ બદલાવમાં એની ઝલક છે
ગજબ દેશાભિમાન હતું ઓ બાપુ!!
કે ધોતી તન ને મૂઠ્ઠીભર નમક છે
ઝરણ ફૂટે નહીં એમાં કદી પણ
એ દિલ પથ્થર સમા કાઠા કડક છે
છડી છે જાદુની એની ય પાસે
નિકટ આવી ચડે તો દિલ ધડક છે
નદી તારે જવાનું સાત સાગર
ભલે જંગલ ને રસ્તામાં ખડક છે
અઢી અક્ષર ભણી લો પ્રેમનો પણ
પછી ભૂલી શકે ના એ સબક છે
લો ‘સપના’ની જગાં આંસું એ લીધી
કે આંસું બોજથી નીચી પલક છે
સપના વિજાપુરા
૭-૨૦-૨૦૧૧
16
Jul
2011
Posted by sapana. 13 Comments

ભીતર દબાવેલા જ્વાળામુખી
ક્યારેક તો બહાર આવશે.
છાતીમાં સંતાડેલા અંગારા
ક્યારેક તો બહાર આવશે
ઓ ધરા જેવી સ્ત્રી!
સખત દેખાતી બહારથી
અને ભીતર નરમ લાવા જેવી
તું ભલે હસે વાત વાતમાં
આંસુંનાં દરિયા
ક્યારેક તો બહાર આવશે
સીવેલા હોઠોને કચડતી
અને હર સત્યથી આંખો ફેરવતી
તારાં રહસ્યો
ક્યારેક તો બહાર આવશે
આંખો નમાવી હા માં હા મેળવતી
ક્યારેક તો તારા ગુંગળાયેલા અવાજમાં
પડકાર આવશે..
ઓ ધરા જેવી સ્ત્રી!!!
ભીતર ઘણું તૂટી ગયું છે અને ફૂટી ગયું છે
તારામાં ક્યારેક ધરતીકંપ આવશે..
ઓ ધરા જેવી સ્ત્રી!!!
સપના વિજાપુરા
૭-૧૫-૧૧
6
Jul
2011
Posted by sapana. 19 Comments

ભીનું કવર
પારસલ આવ્યું છે
આંસુંનું ફરી
કોઈની કિસ્મતમાં ફરવાનું
કોઇની કિસ્મતમાં રડવાનું
લેણાદેવી એવી જીવનથી
કોઈને હરપળ બસ મરવાનું
બાવળ વાવ્યા તો કંટક મળ્યાં
જેવું વાવ્યું એવું લણવાનું
આંસું તગતગતું પારા જેવું
આંખોમાં રહીને એ તરવાનું
કોઈ કારણ હો કે ના તો પણ
તારે ને મારે બસ લડવાનું
મ્હોબત ને ભય મિત્રો પુરાના
કોઈ રીસે ના કાયમ ડરવાનું
દુનિયા માંગી લો ઈશ્વર પાસે
બદલામાં બસ શ્રીફળ ધરવાનું
ચાહતમા એવું શું મીઠું છે?
પ્રેમીને જ્વાળામાં બળવાનું.
માણસનાં તળમાં ડોકાય જુઓ
નિર્દય કોઈ પ્રાણી મળવાનું
દિવસો ઓછાં બાકી જીવનનાં
મારે ખૂબ બાકી છે લખવાનું
ફૂલો વ્હાલા માળીને ખૂબ
એના ભાગે તો બસ ખરવાનું
તારું મળવું ક્યાં છે દુશવાર
ખૂલી આંખે સપને સરવાનું
સપના વિજાપુરા
૭-૪-૨૦૧૧
30
Jun
2011
Posted by sapana. 18 Comments

પ્રભાતે સૂર પંખીનાં જગાડે
અજાને શંખ મંદિરનાં જગાડે
ગયો વિશ્વાસ મિત્રોનાં ભરોસે
કોઈ દિલમાં ભરોસા ના જગાડે
અતીતો મૂકી આવી ખૂબ પાછળ
કે મનમાં વેદના કોઈ ના જગાડે
જરા ઠંડી પડી છે આગ દિલની
એ ચિનગારી હવા દઈ ના જગાડે
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
હશે પાષાણનાં એવા હ્રદય પણ
કે ભૂખ્યાં જોઈ દયા પણ ના જગાડે
મહોબત પાક છે એની માનજે તું
મળે દોસ્તોથી,ઈર્ષા ના જગાડે
લો સપના સરી છે આજ શમણે
કહો કોઇ પ્રભાતે ના જગાડે
ગહેરી ઊંઘમાં સપના છે આજ
કહો ફરિસ્તાને એને ના જગાડે
સપના વિજાપુરા
૬-૨૧-૨૦૧૧
20
Jun
2011
Posted by sapana. 18 Comments

મિત્રો,
આપ સર્વને ફાધર્સ ડે મુબારક..જેનાં ફાધર જીવીત છે, એમને મારી ખૂબ ખૂબ દુઆ અને જેનાં ફાધર પરલોક પધારી ગયાં એમના માટે મારી આ ગઝલ…
સપના
કોણ ફેરે હાથ માથે, કોણ બોલે દીકરી
ભાઈ ની હું બેનડી પણ ધાર રૂએ દીકરી
કોણ જોશે વાટડી કે દીકરી મુજ આવશે
કોણ આવે જાય ઉંબર હાશ આવે દીકરી
કોણ છાતીયે લગાવે ને રડાવે દીકરી
કોણ લાવે થાળ મોતીનાં હસાવે દીકરી
કોણ હૈયાથી દુઆ માંગે ને માંગે જિંદગી
શીશ ઝૂકાવી ને આશીર્વાદ માંગે દીકરી
આપની “સપના’ કહો કે ‘બાનિયો’ પપ્પા હવે
લો કબર પર એ દુઆ માંગે ને માંગે દીકરી
અહીં બાનિયોનો કૉઇ અર્થ નથી પપ્પા એ નામથી મને બોલાવતાં
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
સપના વિજાપુરા
૬-૧૯-૨૦૧૧
17
Jun
2011
Posted by sapana. 12 Comments

આપણી વચેનું બારણું હું ખોલું કે તું ખોલે?
બારણા વચેની સાંકળું હું ખોલું કે તું ખોલે?
ભેદ આમ તો અકબંધ છે હ્રદયમાં ખાસ ખાસ
ઊડવા દે એને પાંજરું હું ખોલું કે તું ખોલે?
આંખમાં તો ચોમાસું ય વાટમાં કે વરસી જાઉં
બોલ આંખનું આ બાંધણું હું ખોલું કે તું ખોલે?
લો થઈ ગયું છે એક પ્રેમનું તો ગઝલાલય અહીં
આ કિતાબનું પૃષ્ઠ આપણું હું ખોલું કે તું ખોલે?
ધોધમાર વર્ષામાં ભલે હ્રદય ભીંજાઈ જાય
ભાન ક્યાં? છત્રીનું ઢાંકણું હું ખોલું કે તું ખોલે?
દૂર દૂર સુધી કો’ એંધાણ ના એના આવવાના
સુનું આ પડેલું પારણું હું ખોલું કે તું ખોલે?
શ્વાસ સાથ છોડી ને જશે સમય આવ્યો દફનનો
તો કહે કબરનું બારણું હું ખોલું કે તું ખોલે?
બંધ આંખનાં સપનાં કદી નથી હોતા એ સાચાં
બંધ મારી આ પાપણું હું ખોલું કે તું ખોલે?
ગાલગા લગાગા ગાલગા લગાગા ગાલગાગા
સપના વિજાપુરા
૬-૧૬-૨૦૧૧
10
Jun
2011
Posted by sapana. 6 Comments

મને મૂંગું રુદન સંભળાયું
હું મારાં લાકડાંનાં પલંગમાંથી ઊભી થઈ
લાકડાંનાં ફ્લોર પર ચાલતી
રસોડાનું લાકડાંનું બારણું ખોલી,
લાકડાંનાં કેબીનેટમાંથી ચશ્મા કાઢી
મારી લાકડાંની રેલિંગ પકડી
અને હું લાકડાંની બાલ્કનીમાં ધસી ગઈ
મે શું જોયું ત્યાં..
કદાચ કોઈનું શબ પડ્યું હતું
લોકો ટોળે વળી વાતો કરતા હતા
મોટી ઈમારતો બનાવવા ઊંડાં પાયા ખોદી નાખે
એટલે વૃક્ષનાં મૂળ કપાય જાય
અને વૃક્ષોને પોષણ ના મળે..
એટલે વૃક્ષ નબળું પડે અંતે પડી જાય
ટોળું હસતું હસતું વિખેરાઈ ગયું..
અને હું લાકડાંનાં બારણાંનો સહારો લઈ
અધ મરેલા એ વૃક્ષનું મૂંગું રુદન
અને બેઘર બનેલા પંખીઓની ચિચિયારી સાંભળી રહી…
સપના વિજાપુરા
5
Jun
2011
Posted by sapana. 17 Comments




પ્રથમ પિક્ચરમાં શ્રી બળવંતભાઈ જાની,સપના વિજાપુરા બીજા પિકચરમાં ડાબેથી શ્રીમતી મધુમતી મહેતા,શ્રી અશરફભાઈ ડબાવાલા,શ્રી બળવંતભાઈ જાની,સપના વિજાપુરા
ત્રીજા પીકચરમા ડાબી બાજુથી એક ભાઈ, બળવંતભાઈ જાની અને ભરતભાઈ ત્રિવેદી
નવાં નવાં મિત્રો મળ્યા ઘણાં
થઈ નવી વાતો, હસ્યાં ઘણાં
હતી ઘણી નાની દુનિયા છતાં
બ્લોગથી સપના સજ્યાં ઘણાં
ડાયાસ્પોરાનું નામ આવે અને શ્રી બળવંતભાઈ જાનીનું નામ ના આવે એ તો જાણે એમજ કહેવાય કે આકાશ કાળું ઘેઘૂર થયું અને વીજળી ચમકી અને મેઘરાજા ના આવ્યા..શ્રી બળવંતભાઈ જાની અને ડાયાસ્પોરા સાથે એટલે ‘ દો બદન એક જાન’ જેવું છે..
શ્રી બળવંતભાઈ જાની શિકાગોના આંગણે પધાર્યા અને ડો. શ્રી અશરફભાઈ ડબાવાલા અને ડો. શ્રીમતી મધુબેન મહેતાએ એમનું ફૂલ હાર લઈને સ્વાગત કર્યું. ગુરુવાર જેવાં પ્રતિકૂળ દિવસે આ કવિ દંપતીએ પોતાનાં ઘરનાં દરવાજા સાહિત્ય પ્રેમીઓ માટે ખોલી નાખ્યા..અને બળંવતભાઈને મળવા માટે સાહિત્ય રસિકો ઉમટી પડ્યા..
ડો શ્રી બળવંતભાઈ નો ટૂકમાં પરિચય આપું તો એમને અન્યાય થવાનો ભય રહે છે..એટલે જો કોઈ ચૂક રહી જાય તો બળવંતભાઈની માફી માંગી લઉં છું.શ્રી બળવંતભાઈ જાનીએ પી એચ ડી કરેલ છે..અને એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર હતા.અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિનયન શાખાના ડીન છે.ગુજરાતી ભાષા સાહિત્યના પ્રોફેસરોના અધ્યક્ષ છે.એમણે હમેશા સાહિત્યમાં સંશોધન અને વિવેચનમાં અગ્રણ્ય સ્થાન લીધું છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઈન્સટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.ડાયાસ્પોરા એટલે વિદેશમાં વસતા સર્જકોના સર્જનો વિષે વિવેચન અને એના સર્જનની સાહિત્ય જગત પર થતી અસરનો અભ્યાસ..શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમને ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે જાણવા મળ્યું..એનાં ઉપર એમણે ૧૬ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખીકાઓ છે..
આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમૂક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિધ્વાન છે.મારું આ લખાણ ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે..અને એમની વિધ્વતાની વાતો લખવાં બેસું તો શબ્દો પણ મળતાં નથી…એક જ વ્યકતીમાં આટલી કુશળતા એક સાથે મેં ક્યારેય જોઇ નથી..એમનાં જ્ઞાનનાં સુરજનાં કિરણોની ઝળહળથી હું અંજાયેલી છું..બસ એટલું જ કહીશ..
અને ગુરુવાર ૨૬ મે ૨૦૧૧ની એ કંકુવરણી સાંજ આવી અને અશરફભાઈ અને મધુમતીબેન મહેતાના નિવાસ સ્થાને સાહિત્ય રસિકનો મેળો ભરાયો..શ્રીમતી મધુમતી મહેતાએ કાર્યક્રમની બાગડોર સંભાળી..એમના સુકોમળ અવાજે એમણે શ્રી બળવંતભાઈ જાનીનો પરિચય આપ્યો.ત્યારબાદ શ્રી બળવંતભાઈ ..ડાયાસ્પોરા શું છે અને ગુજરાતી સાહિત્યમાં એનું મહત્વ અને આગળ જતા ઘણી ભાષાઓમાં ડાયાસ્પોરાનું સંશોધન થશે અને ભારતીય સાહિત્ય આ માટે કેટલો રસ લઈ રહ્યુ છે એના વિષે વાત કરી.. શ્રી બળવંતભાઈ આ સંશોધનથી વિદેશમાં વસતા સાહિત્ય સર્જકોને દુનિયા સામે લાવવા માટે બીડુ ઝડપ્યું છે..અને અવિરત અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે..આ સંશોધન સતત પ્રયાસ સમય અને ઉત્તમ મનોબળ માંગે છે જે શ્રી બળવંતભાઈમાં ભારો ભાર છે .બળવંતભાઈની વાણી અવિરત વહી રહી હતી અને સાહિત્ય પ્રેમીઓ એમાં ડૂબકી લગાવી રહ્યા હતાં..એમના સંશોધન વિષે થોડાં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું.જેમાં દીપક બારડોલી તથા અદમભાઈ ટંકારવીની વાત પણ નીકળી..ડાયાસ્પોરાની સમજ પછી એમણે રમેશ પારેખ અને વિનોદ જોશીનાં કાવ્યોનનો રસાસ્વાદ કરાવ્યો…રમેશ પારેખની આગવી લાક્ષણિકતા પર ધ્યાન દોર્યું અને સમય સાથે બદલાતાં એમના કાવ્યો અને ગીતો સાંભળી મન ભાવ વિભોર થઈ ગયું અને સર્વ સાહિત્ય પ્રેમીઓને ભાવ વિભોર થતાં જોયા. રમેશ પારેખ પછી આવી આગવી કાવ્ય રચનાઓ વિનોદ જોશી પાસેથી મળી ..વિનોદ જોશી અને રમેશ પારેખના કાવ્યોનાં વિવેચન પછી કવિ સંમેલન થયો જેમાં શિકાગો વિસ્તારનાં કવિઓએ ભાગ લીધો..અને બહાર ગામથી શ્રી ભરતભાઈ ત્રિવેદી પધારેલા..શિકાગોનાં કવિઓમાં ડો અશરફભાઈ ડબાવાલા , શ્રીમતી મધુબેન ,મહેતા સપના વિજાપુરા ,ભરતભાઈ દેસાઈ અને અબ્દુલ વહીદ” સોજ’ હતા.સર્વ એ સ્વરચીત રચના સંભળાવી અને છેલ્લે મધુબેને અશરફભાઈની એક ગઝલ ગાઈને કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી..રાત્રે બાર વાગ્યાં સુધી કાર્યક્રમ ચાલ્યો પછી મધુબેનની યજમાનગીરી માણી છૂટાં પડ્યા..અને હું ખૂલી આંખે સપનાં જોતી ઘરે આવી કે બળવંતભાઈના ડાયાસ્પોરાના સંશોધનમાં કદીક મારું નામ પણ આવશે?!!!
નીચે એમના થોડાં પુસ્તકોના નામ મૂકું સાથે મેળવવા માટેનું સરનામું પણ મૂકું છું વિદેશમા રહેતાં ભાઈ બહેનોએ આ પુસ્તકો વસાવી એનો અભ્યાસ કરવો જોઈયે.
૧) રજનીકાંત જે મહેતાના ડાયાસ્પોરા નિબંધો
૨)અદમ ટંકારવીની ડાયાસ્પોરા કવિતા
૩)ડાયાસ્પોરા સારસ્વત
૪)ચારણી બારમાસી કવિતા
૫) સ્વર્ગ ભૂલાવું શામળા..
ઘણું મોટું લીસ્ટ છે .
પ્રાપ્ત કરવા માટેનું સરનામું
શ્રી બાબુભાઈ હાલચંદ શાહ
નિશાળ પોળમ,ઝવેરીવાડ
રીલીફ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧
સપના વિજાપુરા
૬-૪-૨૦૧૧
આ લેખના સર્વ હક લેખીકાના છે
19
May
2011
Posted by sapana. 14 Comments

મિત્રો
આ ગઝલ શ્રી વિવેકભાઇ ટેલરની એક ગઝલ પરથી સ્ફૂરી છે..એમની ગઝલના મત્લાની પંકતીઓ અહીં મૂકું છું..વિવેકભાઈ ગુસ્તાખી માફ!!ભૂલ ચૂક સુધારવા વિનંતી!!
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે
એક શમણું આંખને નડતું રહે
મારૂ કાજળ આંખથી દડતું રહે
ચાંદની રોતી રહી છે રાતભર
એ જ જળ ઝાકળ બની પડતું રહે
વીજના ચમકારથી કંપે છે એ
આ હ્રદયનું સસલું ફડફડતું રહે
રોજ પીઠાંમાં છે સીક્કાની ખનક
એક ભૂખ્યું બાળ ત્યાં રડતું રહે
સ્પર્શ પણ અસ્પૃશ્ય હોતા હોય છે
ને હ્ર્દય અસ્પૃશ્યને અડતું રહે
ફૂલનાં ‘સપનાં’ છે કંટકની વચે
છો નડે શમણું કો’ પણ જડતું રહે
સપના વિજાપુરા
૫-૧૮-૨૦૧૧
16
May
2011
Posted by sapana. 15 Comments


વ્હાલાં મિત્રો ,
શિકાગો ખાતે શિકાગો આર્ટ સર્કલ દ્વારા શ્રી આદિલ મન્સૂરીના ૭૫ વર્ષનાં જ્ન્મદિવસ નિમીત્તે યોજાયેલ આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ મે મહીનાની સાતમી તારીખે ઈ.સ ૨૦૧૧ ના થયો…આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતથી શ્રી વિવેકભાઈ ટેલર અને શ્રી રઈશ મનીયાર પધારેલા..ન્યુ જર્સીથી શ્રી આદિલ મન્સૂરીના પત્ની શ્રીમતી બિસમીલ્લાહબેન મન્સૂરી પોતનાં પતિને શબ્દાંજલી આપવાં પધારેલાં .શિકાગો આર્ટ સર્કલના ધોરી નસ જેવા શ્રી અશરફભાઈ ડબાવાલા તથા તેમનાં પત્ની મધુબેન મહેતા એ આ પ્રોગ્રામ આયોજીત કરેલ અને શિકાગો આર્ટસર્કલનાં ઘણાં કવિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો..જેમાં ભરત દેસાઈ, અબ્દુલ વહીદ’સોઝ’,કમલેશ શાહ અને સપના વિજાપુરા શામિલ હતાં..
એલ્ક ગ્રોવ વિલેજ હાય સ્કુલનો હોલ ખચાખચ ગુજરાતીઓથી ભરાઈ ગયો હતો..રંગ બે રંગી કપડાંમાં ગુજરાતણો અને ગુજરાતીઓના ચહેરા ઉપર સાહિત્યનો લહાવો લેવાનો ઉમંગ હતો..અને જ્યારે રઈશભાઈએ કાર્યક્રમની ડોર હાથમાં લીધી તો શ્રોતાઓને સાહિત્ય સીવાય હાસ્ય રસનો પણ લહાવો મળ્યો.રઈશભાઈના સ્વભાવ મુજબ રમૂજી રીતે પ્રોગ્રામની શરૂઆત થઈ..ભરતભાઈ દેસાઈને પહેલો મોકો મળ્યો એમણે જુસ્સાથી પોતાની આગવી શૈલીમાં પોતાની બે ગઝલ સંભાળાવી બધાંને મંત્રમુગ્ધ કર્યા હતા.ત્યારબાદ મેં એક અછાંદસ અને એક ગઝલ સંભળાવી લોકોને વિસ્મીત કર્યા હતા.પછી બિસ્મિલ્લાહબેને પોતનાં પતિની યાદમાં એક ગમગીન ગઝલ સંભળાવી લોકોની આંખો છલકાવી દીધી હતી..કમલેશભાઈ અને ‘સોઝ’ સાહેબે પોતાની બબ્બે રચના સંભળાવીને શ્રોતાઓને આકર્ષી રાખ્યાં હતાં ત્યારબાદ મધુબેન ની કાઠીયાવાડી ભાષામાં શબ્દોની રમઝટ બોલી હતી..અને હવે આવ્યા સૌરાષ્ટ્રના કવિવર શ્રી અશરભાઈ જેમનું એક પુસ્તક ‘ધબકારાનો વારસ’ ભાવનગર યુનીવર્સીટીમાં કોર્સ તરીકે લેવાયું છે એમણે કાઠીયાવાડીમાં ગઝલનું પઠન કરી લોકોનાં મન મોહી લીધાં હતા..
હવે શિકાગોના અતિથિનો પઠનનો સમય હતો .પહેલા આપણાં નેટ જગતના લાડકવાયા શરમાળ અને ગંભીર વિવેકભાઈ જેમનાં હાલમાં બે સંગ્રહ બહાર પડ્યા છે ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારાં’.એમણે ગઝલ અને ગીતનું પઠન કરી શ્રોતાઓના હૈયાઓને જીતી લીધાં..વિવેકભાઈ મૃદુભાષી અને મધૂર વચની છે..એમનાથી મહેફિલમાં ચાર ચાંદ લાગી ગયાં..રમૂજી રઈશભાઇએ તો પહેલેથી જ શ્રોતાઓના દિલ જીતી લીધાં હતા કાર્યક્રમનું સંચાલન એટલી સરળ અને રમૂજી રીતે કર્યુ કે અંત સુધી રઈશભાઈને સાંભળતાં થાકતાં ન હતા અને હાસ્યનાં ફુવારાઓ હાયસ્કુલનાં હોલમા ઊડી રહ્યા હતા..એમણે પોતાની ગઝલ તથા હઝલ સંભળાવી લોકોને આનંદીત કરેલા..બ્રેકમા શ્રી ખંડ ઊંધીયું અને પરોઠા ખાઈ તાજા માજા થઈ ફરી બે કલાકની શબ્દોની રમઝટ બોલી..
આ કાર્યક્રમમાં શ્રી આદિલ મન્સૂરી પણ પધારેલા!! જી હા આદિલજી..!!ટેકનોલોજી અને વિડિઓની કરામતથી શ્રી આદિલજીને અમે ગઝલ પઠન કરતાં સાંભળ્યાં..ત્યારે ખરેખર મારી આંખની ભીનાશ હું ના છૂપાવી શકી. .
બીજે દિવસે શ્રી રઈશભાઈ મણિયાર,અશરફભાઈ ડબાવાલા,મધુબેન મહેતા,ભરતભાઈ દેસાઈ અને અન્ય શિકાગો આર્ટ સર્કલના સભ્ય અને બીજાં અન્ય સાહિત્ય રસિક મારાં ઘરે પધારેલા.રઈશભાઈએ પ્રોજેક્ટર ઉપર ગઝલ કેવી રીતે બનાવવી અને છંદનો ઉપયોગ કેવી રીતે કરવો તથા લઘુ ગુરુની સમજ આપી હતી..શ્રી રઈશભાઈ સાચાં સાહિત્યપ્રેમી છે એની ઓળખ ત્યારે થઈ જ્યારે દોઢ કલાક સુધી કોઈ પણ સ્વાર્થ વગર કવિતાનાં જિજ્ઞાસુ લોકોને જ્ઞાન આપ્યું..આવાં ગુજરાતી ઉપર માન થયાં વગર ના રહે.. લંચ પછી ફરી ગઝલનો અને ગીતનો દોર ચાલુ થયો..મારૂ ઘર કવિતાઓથી ગુંજી ઊઠ્યું..આ માટે હું અશરફભાઈનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું..અને સાથે મારાં પતિ શ્રી શરીફ વિજાપુરાનો પણ જે મને લખવા માટે પ્રોત્સાહન આપે છે. શિકાગો ખાતે આવાં કાર્યક્રમ થતાં રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું.
સપના વિજાપુરા
૫-૧૫-૨૦૧૧