
આ ફોટામાં ડાબી બાજુથી શ્રી ભરતભાઈ દેસાઈ,શ્રીમતી મધુબેન મહેતા,શ્રી રાજેશભાઈ મિસ્કીન,શ્રી અશરફભાઈ ડબાવાલા,શ્રી અબ્દુલ વહીદ ‘સોઝ’ અને ‘સપના’ વિજાપુરા

મિત્રો,

શિકાગો આર્ટ સર્કલ યોજીત ગઝલ મહોત્સવ કાર્યક્રમ સપ્ટેમ્બર ૧૭,૨૦૧૧ ના દિવસે રાખવામાં આવેલ…આ કાર્યક્રમ ડો. શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના માનમાં રાખવામાં આવ્યો હતો….જ્યારે સાંભળ્યું કે મારે પણ આ કાર્યક્રમમાં ગઝલનું પઠન કરવાનું છે ત્યારેપ્રથમ તો થોડો ખચકાટ થયેલ..રાજેશભાઈએ ગઝલમાં પી.એચ ડી કરેલું છે અને હું મારાં જોડકણાં એમની સામે કેવી રીતે પ્રસ્તુત કરીશ? પણ જ્યારે રાજેશભાઈને મળી ત્યારે આ ખચકાટ પાણીની જેમ વહી ગયો…
રાજેશભાઈ સરળ અને સીધાં સાદાં વ્યક્તિ છે…અભિમાનનો છાંટો પણ નહી ..અને કોઈને પોતાનાંથી ઊતરતા સમજતા નથી…એટલે જ્યારે એમની સમક્ષ મારી ગઝલોનું પઠન કર્યુ તો એમણે ઘણાં ભાવથી ગઝલો સાંભળી..
કાર્યક્રમની શરૂઆત..સમય મુજબ સાત વાગે થઈ..સાંજનાં સુનેહરી વાતાવરણમાં રાજેશભાઈએ સંચાલન હાથમાં લીધું,અશરફભાઈએ રાજેશભાઈની ઓળખાણ આપી ..રાજેશભાઈને એટલાં બધાં એવોર્ડ મળ્યાં છે કે બધાં યાદ રાખવા કપરું કામ હતું ..પણ કલાપી અને શુન્ય પાલનપૂરી એવોર્ડ યાદ રહ્યા.અશરફભાઈની ઓળખાણ આપવાની જરૂર ગુજરાતી સાહિત્ય જગતમાં નથી…સાહિત્ય એમનું બીજું નામ છે અશરફભાઈ અને મધુમતી મહેતાની સારસ બેલડી સાહિત્ય જગતમાં વણથંભ્યું કામ કરી રહ્યા છે..અમેરીકામાં રહી આટલું સમર્પણ કરવું એ પ્રશંસાને પાત્ર છે.
કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઈના શુભ હસ્તે થયું..અને સદનસીબે મારું પઠન પહેલા હતું રાજેશભાઈની સંચાલન કરવાની પધ્ધતી પર દિલ આફરીન પોકારી ગયું…એટલી મીઠાશથી એમણે મારી ઓળખાણ આપી કે મને ગર્વ થયો…
મેં મારી ગઝલ
કોઈની કિસ્મતમાં ફરવાનું
કોઇની કિસ્મતમાં રડવાનું
થકી શુભઆરંભ કર્યો…ભાવકોએ મારી ગઝલને તાળીઓનાં ગગડાટથી વધાવી લીધી….ત્યારબાદ શિકાગોના બિનદાસ કવિ શ્રી ભરતભાઈ દેસાઈ ‘સ્પંદન’ને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા…એમણે એમની
જાતને અનુભવ થાય ને ! ત્યારે એની ખબર પડે છે
ઘાત માથેથી જાય ને ! ત્યારે એની ખબર પડે છે.
ગઝલથી શરૂઆત કરી અને ગઝલોની રમઝટ બોલાવી દીધી…શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ એમની વાણીને સાંભળી રહ્યા હતા, ત્યારબાદ અબ્દુલ વહીદ ‘સોઝ..આવ્યા
એમની ગઝલ “સંબધીત” એમનાં ઘૂંટાયેલા અવાજમાં સંભળાવી.. રાજેશભાઈ નું કૌશલ્ય સંચાલન કાર્યક્રમને બરાબર જકડીને રાખતું હતું..મધુબેન જ્યારે સ્ટેજ પર આવ્યાં તો જાણે શ્યામલ રાતમાં પૂર્ણિમાના દર્શન થયાં!!.કાળી સાડીમાં મધુબેન શોભતાં હતા,એમણે એમની ગઝલ
સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ
રામ ભજો યા બાળો રાવણ ભજ ગોપાલમ
અને અન્ય ચાર રચનાઓ સંભળાવી…અને લોકોમાં આનંદ વ્યાપી ગયો…અંતમાં જ્યારે અશરફભાઈની ઓળખાણ આપતા રાજેશભાઈએ એમને’ ધબકારાના વારસ’ તરીકે બીરદાવ્યાં અને વાત વાતમાં ધબકારાનો વારસ અર્થાત “તમારા જ શબ્દો જે આ દુનિયામાં તમારી પાછળ રહી જશે …ને દુનિયા તમને તમારાં શબ્દોથી યાદ કરશે…એમણે દાખલો આપ્યોકે સંત કબીરના પિતાને કોઈ ઓળખતું નથી પણ સંત કબીરને તેનાં કાવ્યો દ્વારા ઓળખીયે છીયે એજ રીતે નરસીંહ મહેતાની વાત કરી…મારાં હ્રદયમાં ઊંડાણમાં જઈને આ વાત બેસી ગઈ છે એમનાં એ શબ્દોએ મારાં ઉપર ખૂબ અસર કરી અને પ્રેરણાદાયી બની રહ્યા.
અશરફભાઈએ એમની ગઝલ…
આમ તો લગભગ હતાં સરખાં હે ઈશ્વર આપણે
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ
શ્રોતાઓએ તાળિઓના ગગડાટ્થી અશરફભાઈને વધાવી લીધાં..હવે મૂખ્ય અતિથી નો સમય આવ્યો…અત્યાર સુધીમાં મે ઘણાં કવિને સાંભળ્યા છે પણ જે છટાથી રાજેશભાઈએ મહેફીલને ડોલાવી છે એવી છટા મેં હજું સુધી મે નથી માણી…ગઝલ એકદમ છંદ સમજાય તે રીતે પઠન કરે કે ક્યો લઘુ છે અને ક્યો ગુરુ તે સ્પષ્ટ રીતે તારણ કાઢી શકાય .આ એમની શક્તિ પર સુખદ આશ્ચર્ય થયું!!!
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
રાજેશ વ્યાસ “મિસ્કીન”
‘લયસ્તરો’થી સાભાર
એમણે એમની ચાર પાંચ ગઝલો સંભળાવીને…ખરેખર ગઝલનું પઠન કેવી રીતે થાય એની સમજણ મને પડી..
ત્યારબાદ ૩૦ મીનીટનો વિરામ લેવાયો…આ વિરામ દરમ્યાન મધુબહેને બટાકાવડાં,ખમણ,કચોરી ગાજરનો હલવાનો ભારી નાસ્તો કરાવ્યો ..અને મને રાજેશભાઈ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો..
પુનઃ કાર્યક્રમની શરુઆત થઈ…આ સમયે રાજેશભાઈએ ગઝલ , નઝમ અને હઝલ વિષે થોડી વધારે માહીતી આપી…કાર્યક્રમની શરૂઆત ફરી મારી ગઝલથી થઈ..
મેં મારી ગઝલ
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે
ફૂલની ફોરમ ચમન તારા જ સ્મરણો લાવશે..
રજૂ કરી અને પછી
ચૂંદડી તે શ્યામ રંગેલી કરી
વાંસળીથી શ્યામ તે ઘેલી કરી.
…શ્રોતાઓ સતત પ્રોત્સાહન આપી રહ્યા હતાં અને તાળીઓના ગગડાટ્થી કવિને વધાવતાં હતા.હવે સ્ટેજને જીવંત કરવા માટે શ્રી ભરતભાઈ દેસાઈ પધાર્યા..એમણે એમની અને મારી માનીતી ગઝલ…
બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે?
તોય તમને પ્રેમ કરું તો વાંધો શું છે?
..ગઝલનું પઠન કર્યુ.અને પછી એમની ચાર પાંચ ગઝલની રમઝટ બોલતી રહી…અને શ્રોતાને હસાવતા રહ્યા..અને ત્યારબાદ ‘સોઝ’ મંચ પર આવ્યાં..એમણે પોતાની આગવી શૈલીમાં સંજીદા ગહન ગઝલોનું પઠન કરીને શ્રોતાને વિચારતા કરી મૂક્યા!!!!..
રાજેશભાઈની અસ્ખલીત વાણી અવિરત સંચાલન કરી રહી હતી વચે ગઝલ અને નઝમ વિષે માહીતી આપતા હતા..મારે એમનાં જ્ઞાનસાગરમાંથી થોડા મોતી વીણવાં હતા જે સદભાગ્યે મારાં હાથમાં આવી ગયાં.
મધુ બેન અને અશરફભાઈની બેલડીએ સભાને જકડી રાખી ..આ કવિ દંપતીએ પોતાની ગઝલો સંભળાવીને શ્રોતાને મુગ્ધ કરેલાં..રાજેશભાઈના શબ્દોમાં કહું તો અશરફભાઈના ‘ધબકારાના વારસ’ પ્રમાણે એ ગઝલમાં ધબકારા મૂકી આપે છે ..અને મધુબેન વ્યંગાત્મક ગઝલોથી ઘણું કહી જાય છે અને મધુબેન ડોકટર હોવાં છતાં ગામઠી ભાષામાં ગઝલ બોલે તો પેલી ગામડાની ગોરી પોતાનાં પતિ વિષે ફરિયાદ કરતી લાગે કે
ડાઘાડૂઘી તનમન કે કપડા પર પડવા દેતા નહીં પણ
ધોબી ઘાટે મેલાં લૂગડાં ધોતા રહેજો એમ કહ્યુ હતું?
અને અશરફભાઈએ એમની ગુગલ કરું છું ગઝલ સંભાળાવી લોકોને પળ અને સ્થળનાં ગુગલ કરતાં કરી દીધાં
ગઝલોના બહાને ‘અશરફ’ મનગમતાં ખૂણે બેસી
મારી બધીય દુખતી રગને ગુગલ કરું છું
રાજેશભાઈની ગઝલના રણકાર સાથે કાર્યક્રામ પૂરો થયો..એમની ગઝલ પઠનની રીત પર હજું હું મુગ્ધ છું..કાર્યક્રમા લગભગ રાતનાં બાર વાગે પૂરો થયો..પછી અશરફભાઇ અને મધુબેનની યજમાનગીરી માણી બધાં છૂટાં પડ્યા..હું અશરફભાઈની આભારી છું કે એમણે મને એમના કવિગણમાં સ્થાન આપ્યું..આ સાથે રાજેશભાઈની એક ગઝલ જેનું એમણે મુશાયરામાં પઠન કર્યુ હતું તેની બે પંક્તિઓ મૂકી વિરમું છું…
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે
બેસે છે જ્યાં ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે
‘સપના’ વિજાપુરા
૯-૨૪-૨૦૧૧
આ લેખનાં સંપૂર્ણ હક લેખીકાને આધીન છે, આ લેખની કોપી પેસ્ટ કરવી નહીં અને જો કરો તો લેખીકાનું નામ લખવું જરૂરી છે…