« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

8 Jul 2012

ગુલાલ ક્યાં હવે?

Posted by sapana. 15 Comments

 

આંસું લૂંછવા રૂમાલ ક્યાં હવે?
એ રિવાજની બબાલ ક્યાં હવે?

સ્મિત બાળપણની સંગ એવું ગયું
જીદ મોજ ને ધમાલ ક્યાં હવે?

દિલ નથી રહ્યુ લગામમાં યા રબ
તો ગુનો છે એ ખયાલ ક્યાં હવે?

આજ કાલ પ્રેમ છે કિતાબમાં
જાદુગીરી એ કમાલ ક્યાં હવે?

આસમાનમાં તલાશ ના ખુદા
છે હ્રદયમાં એ સવાલ ક્યાં હવે?

રંગ ગાલ પર હજી છે આપનો
આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?

સપના વિજાપુરા
૭-૮-૨૦૧૨

 

1 Jul 2012

દર્પણ

Posted by sapana. 12 Comments

દર્પણ જૂઠ બોલે છે
જી હા દર્પણ જૂઠ બોલે છે
હું જ્યારે દર્પણ સામે ઊભી રહું છું
મને મારો ચહેરો નથી દેખાતો
દર્પણમાં તો મારું પ્રતિબીંબ હોવું જોઇયે
પણ આ શું?
એમાં મને મારો કરચલીવાળો ચહેરો નથી દેખાતો
જે હમેશા ઉદાસ રહે છે
એમાં મને એક જવાન ચહેરો દેખાય છે
જે ફૂલોની જેમ ખડખડાટ હસે છે
એની ઉઠતી ઝૂકતી આંખોમા પ્રેમની વર્ષા વરસે છે
જેના કાળા ભમર કેશ લહેરાઈ રહ્યા છે
હોંઠ ગુલાબની કળી જેવા ખીલી રહ્યા છે
આ ચહેરો મારો તો નથી
મારો તો થાકેલો ઉદાસ કરચલીવાળો ચહેરો છે
હા કદાચ એ ચહેરો હોય જે વર્ષો પહેલાં ગુમ થયો છે..
આ ચહેરો દર્પણે સાચવી રાખ્યો હોય મને દઝાડવા
આ મારો ચહેરો નથી
આ સપના નથી…
દર્પણ જૂઠ બોલે છે

સપના વિજાપુરા
૬-૧૮-૨૦૧૨

15 Jun 2012

સહજ સપનાં

Posted by sapana. 25 Comments

મિત્રો,
ખૂલી આંખનાં સપનાં જોતા જોતા આજ મારે ત્રણ વરસ થઈ ગયા..ત્રીજી વર્ષગાંઠ ફેબ્રુઆરીમા આવી ગઈ પણ હું જાત્રામા ગયેલી એટલે મારી આ વર્ષગાંઠ ઉજવવાંમાં થોડી વાર થઈ છે.પણ આજ મને ખુશી થાય છે કે આ સફર દરમ્યાન મને મહેશભાઈ સોની મળ્યાં..અને એમની એક ગઝલ મંદાક્રાન્તા છંદમાં વાંચી મને ખૂબ ગમી ગઈ..મે એમને કહ્યુ કે મારે આ છંદ શીખવો છે અને એમણે મને શીખવી આપ્યો..એમની મદદથી આ ગઝલ લખી છે.આપ સર્વને આમંત્રણ છે.મારી સાથે મારી ખુશીમા શામિલ થવા માટે…તમારા બધાં ભાવકના પ્રોત્સાહન અને મદદથી આ સફર ચાલુ થઈ અને આ સફરમાં બધાં મિત્રોએ સાથ આપ્યો જેમના નામનું લિસ્ટ તો ઘણું લાંબુ છે છતાં બે ચાર નામ તો લીધા વગર રહી શકતી નથી. વિવેકભાઈ ટેઈલર.ઊર્મી,પંચમ શુક્લ અને દિલીપભાઈ ગજ્જર, અશરફભાઈ ડબાવાલા અને મધુમતી મહેતા આ બધા લોકોએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે..અને મારી સફરમાં મારી સાથે સાથે રહ્યા છે..આ સફર દરમ્યાન મારો એક સંગ્રહ પણ પ્રકાશીત થયો. ‘ખૂલી આંખનાં સપનાં’ જે લોકોએ પ્રેમથી વધાવ્યો છે… મંદાક્રાન્તા છંદમાં લખવાનો આ પ્રથમ પ્રયાસ છે તો કોઈ ભૂલ લાગે તો જણાવવા મહેરબાની કરશો.આપના આશીર્વાદ અને પ્રેમની અપેક્ષા સાથે વિરમુ છું.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીનાં ભીનાં નયન વરસે આગ હૈયે લગાવે
ફૂલે ફૂલે મધુકર ફરે આગ હૈયે લગાવે

તારાનું છે ભરત નભમાં આજ ના જા સખા રે
ચાંદો પેલો ચમક ચમકે આગ હૈયે લગાવે

નાચું હું તો ઝમક ઝમ રે શ્યામની વાંસળીયે
બેડું મારું છલક છલકે આગ હૈયે લગાવે

ગુંજું હૈયે ધડકન બની જાદુ મારૂ તું જાણે
છાતી ફાડી ધડકન હવે આગ હૈયે લગાવે

મીરા તારી વન વન ફરે બાવરી ભાન ભૂલે
રાધા રાધા શબધ અધરે આગ હૈયે લગાવે

આંખે આંજું સહજ ‘સપનાં’ હાથ રાખું હું થોડાં
લો રાખી લો સપન સઘળા  આગ હૈયે લગાવે

સપના વિજાપુરા

મંદાક્રાંતા છંદ

અક્ષર : 17

ગણમાપ : મ ભ  ન  ત ત ગા ગા

૬-૧૩-૨૦૧૨

3 Jun 2012

સાચું પડે તો!!!

Posted by sapana. 10 Comments

એક સપનું સાચું પડે તો!!
આવવા મન તારું કરે તો!!

છે તિજોરીના પેટ ઊંડા
પેટ ભૂખ્યાનું પણ ભરે તો!!

ચાંદની ઓઢી આવું છું હું
આજ મધ દરિયે તું મળે તો!!

સાંજ પડતાં એ યાદ આવે
સાંજ બીજે જઈને ઢળે તો!!

આંખમાં આંખો હાથમાં હાથ
ને ગઝલ મીઠી મધ બને તો!!

હું બની ગઈ ‘સપનાં’સજનની
એક સપનું સાચું પડે તો!!

સપના વિજાપુરા
૬-૦૩-૨૦૧૨

12 May 2012

આશા રાખ મા

Posted by sapana. 9 Comments

નદી સુકી પડી,જળની તુ આશા રાખ મા
કદી બાવળ કને ફળની તુ આશા રાખ મા

કદી આવે નહી વિતી ગયો છે તે સમય
ફરી એ પ્રેમનાં  પળની તુ આશા રાખ મા

હરણ માફક તુ મ્રુગજળની તરફ ના દોડ્જે
મળે ના રણ મહી જળની તું આશા રાખ મા

અડીખમ પર્વતો ખસવાની વાતો માનજે
મનૂજ બદલાય પળની તુ આશા રાખ મા

પડી ગઇ છે અહીં સંબંધમાં ગાંઠો ઘણી
ઘડીમાં છુટ્શે એ વળની તું આશા રાખ માં

બધાં આ સ્નેહના સિક્કા કહો રાખુ હું ક્યાં
છે બરણી તો વગર તળની,તુ આશા રાખ મા

તજી આ જગ ગયા પાછા પધારે ક્યાં ફરી
ઊઠી ચૂકેલા અંજળની તું આશા રાખ મા

પ્રક્રુતિ છે મગર પંખીનો કલરવ ક્યાં હવે
ઓ સપના કોઇ અટકળની તું આશા રાખ મા

સપના વિજાપુરા

28 Apr 2012

નાનકડો શિક્ષક

Posted by sapana. 1 Comment

આજ હું કાંઈક શીખી છું તારી પાસે

નથી મજબુત હાથ તારી પાસે

નથી મજબુત પગ તારી પાસે

બેકાબુ શરિર છે તારી પાસે

જિંદગી હાલક ડોલક તારી પાસે

વ્હીલચેરના સહારે તારું ચાલવાનું

શબ્દો પણ ન સમજાય તેવા મુખેથી નીકળે..

પણ તું એક શિક્ષક બની શકે છે

આજ હું કાઈક શીખી છું તારી પાસે.

હું ગમે તેવાં વિપરીત સંજોગોમાં

જિંદગી કે વિટંબણા સામે ઝૂકીશ નહીં

કારણકે ગમે તેવાં કપરા સંજોગો હોય

પણ એ તારા દુખ કરતા તો મોટાં ના હોય ને

આજ એક અપંગ બાળક આ શિક્ષણ આપી ગયો..

મારો એ નાનકડો શિક્ષક..

સપના વિજાપુરા

૬-૨૨-૨૦૧૧

 

13 Apr 2012

પંખી

Posted by sapana. 2 Comments

એક પંખી મારી બારીમાં બેસી

મીઠું મીઠું  ગાય છે

અને કાનમાં મધૂર રસ ઘોળાય છે

અને હું બેઠી બેઠી વિચારું છું કે

પંખીઓ પણ વિશ્વાસઘાત કરે?

માણસોની જેમ..

પંખી પ્રાતઃકાળે ફરી આવી ગયું

મારાં માટે નવું ગીત લઈને

કદાચ પંખીને માણસની અસર નહીં લાગી હોય

હું હજું એજ પંખીને સાંભળું છું

સપના વિજાપુરા

૦૪-૧૫-૧૨

30 Mar 2012

કારણ

Posted by sapana. 4 Comments

આ ઉદાસીનું કારણ તું પૂછ મા
જિંદગીનું શું તારણ તું પૂછ મા

આપણા રસ્તા શાને ફંટાયા છે
કોઇ કારણ બે કારણ તું પૂછ મા

બોજ દુનિયાનો ઊઠાવી ચાલ તું
શ્વસવું પણ છે ભારણ તું પૂછ મા

પ્રેમનું બી દિલમાં ઊગ્યુ તો ઊગ્યુ
પ્રેમનું કોઈ મારણ તું પૂછ મા

ઝાંખરા વળગી ગયાં છે દિલમાં ઘણાં
તોડવા શે આ ઝારણ તું પૂછ મા

હું ભરું ડગને રસ્તા દોડી ગયાં
વિસ્તરી ગયાં કેવાં રણ તું પૂછ મા

કોઈ કઈ પણ ધારે તું તો તું જ છે
કોઈ માનવનું ધારણ તું પૂછ મા

રાતમા તારાં ‘સપનાં’ ને ચાંદની
આ નશાનું છે ઘારણ તું પૂછ મા

સપના વિજાપુરા

૨-૨૬-૧૨

14 Mar 2012

મખમલી યાદ

Posted by sapana. 10 Comments

એક પીંછુ આમ અડકી નીકળી ગયું
જેમ કોમળ  ફૂલ સ્પર્શી નીકળી ગયું

બંધ આંખોમાં છબી તારી લૈ ઘુમું
આંખથી સપનું ય સરકી નીકળી ગયું


હસ્તરેખા સ્પર્શથી અદ્રશ્ય થઈ છે
ભાગ્ય શરમાઈ મોં ફેરી નીકળી ગયું

યાદ તારી પણ હશે કૈંક મખમલી પ્રિય
દિલ સુંવાળું ક્યાક છટકી નીકળી ગયું

રામ ને  અલ્લાહમાં એ ગુંચવાયું
એક બાળક ધર્મ છોડી નીકળી ગયું

મોત આવે એ પહેલા બસ તું આવે
એ હતું અરમાન બાકી, નીકળી ગયું

માર્ગ પર મે મખમલી ફૂલો બિછાવેલ
ક્રૂરતાથી કોણ કચડી નીકળી ગયું?

કેટલાં સપનાં હતા તારા ને મારાં
ભાગ્ય કેવું માથું પટકી નીકળી ગયું

સપના વિજાપુરા

૦૩-૧૪-૧૨

1 Mar 2012

મગરૂર

Posted by sapana. 12 Comments

રાત ઢગલો થઈને
સૂર્યનાં પગમાં પડી ગઈ
સૂર્ય પણ રાતને
પાછલાં પગે લાત મારી
આકાશમાં અભિમાનથી
ઉપર ચડવા લાગ્યો
ગરીબના પ્રસ્વેદના ટીપાં
ટપ ટપ પડવા લાગ્યા
ધરતીને પ્રકાશથી આવરી લીધી
સૂરજ દાદાની જય જયકાર થઈ ગઈ
નમી નમીને દર્શન થવા લાગ્યા
પણ સૂરજ દાદા અચાનક ઠંડાં થવા લાગ્યા
અને ફરી આવી ગઈ કંકુ વરણી સાંજ..
ફરી નાનાં નાનાં તારલા ટમટમવા લાગ્યા
રાત કાળી ચાદર બીછાવી દીધી અને
ચાંદની ચમકવા લાગી..
ભલે સૂરજ દુનિયાનાં બીજાં છેડે ગયો
પણ મગરૂર સૂરજ રાતને ના રોકી શક્યો..
અભિમાન તો રાવણનું પણ ના રહ્યુ અને ફિરોનનુ પણ
ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
બધાં મચ્છરની પાંખ જેવાં છે…
સપના વિજાપુરા
૨/૨૯/૧૨