શિકાગો આર્ટ સર્કલ પ્રયોજીત કાર્યક્રમ ‘મસ્તી અમસ્તી’ તારીખ ૭ ઓકટોબર ૨૦૧૨ ના યોજાયો..આ કાર્યક્રમમાં શ્રી શ્યામલ મુનશી, શ્રી સૌમીલ મુનશી, શ્રીમતી આરતીબેન મુનશી અને શ્રી તુષાર શુકલ પધારેલા.કાર્યક્રમનું સંચાલન શ્રી તુષારભાઈ શુકલએ સંભાળેલુ. દુસબેને પોતાની આગવી શૈલીમા મહેમાનું સ્વાગત કર્યુ..અને ત્યારબાદ દરેક મહેમાનોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું. અને ભક્તિ ગીતથી કાર્યક્રમની શરુઆત થઈ. ત્યારબાદ માતૃભૂમીનું ગૌરંવતી ગુજરાત શ્યામલભાઈ તથા સૌમીલભાઈ અને આરતીબેનના સ્વરમાં એટલુ સરસ રીતે ગવાયું કે માતૃભૂમીના પ્રેમથી અને ગુજરાતની યાદથી સર્વના હૈયા ભીંજાઈ ગયા..ત્યારબાદ હઝલ અને ગઝલનો સીલસીલો ચાલુ રહ્યો…અને તુષારભાઈએ ખૂબ હળવી રીતે કાર્યક્રંમનું સંચાલન કર્યુ..કે બધાં શ્રોતાઓ પુલકીત થઈ ગયાં. એમણે શ્રી રઈશ મણીયારની યાદ અપાવી દીધી.
સાડા સાતે વિશ્રામ લેવાયો..શ્રોતાઓ જાણે ખુરશીમાં ચોટી ગયા હોય એવું લાગતું હતું. કોઈ ઊભુ થવા તૈયાર ન હતું..સમય સપાટાબધ્ધ પસાર થઈ રહ્યો હતો..જમણવારમાં ઊંધીયુ,પૂરી શ્રીખંડ,કચોરી, દાળ, ભાત, ચણા, પાપડ અને અથાણું ..જાણે ગુજરાત પહોંચી ગયા..૪૫ મીનીટના વિશ્રામ પછી..ફરી ગીતોની અને ગઝલની રમઝટ થઈ..એમાં મનોજ ખંડેરીયા, રઈશ મણીયાર, ડો અશરફભાઈ ડબાવલા, શ્રી તુષાર શુકલ,મુકેશ જોષી તથા શ્યામલભાઈની પોતાની રચનાઓ રજુ કરવામાં આવી..સુપ્રસીધ્ધ ગુજરાતી ગીતોની રમઝટમાં શ્રોતાઓએ ઉત્સાહથી સાથ આપ્યો.
શ્રી સૌમીલભાઈએ પીઠી ચોળી એ લાડકવાયીનું મુકેશ જોષીનું ગીત ગાયું તો મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયાં..દસ વાગે કાર્યક્રમ પૂરો થયો..આમ તો શ્યામલભાઈ સૌમીલભાઈ અને આરતીબેનને ઘણી વખત સાંભળેલાં છે પણ એક નવા રૂપે સાંભળી એક મીઠી યાદ લઈ છૂટા પડ્યાં.. આ આખા કાર્યક્રમ દરમ્યાન એક વાત ખટકી હોય તો એ કે ડો.અશરફભાઈ ડબાવાલા અને ડો મધુમતી મહેતાની ગેરહાજરી.એમને સાહિત્યના એક પ્રોગ્રામમાં ન્યુ જર્સી જવાનું થયું..એમની ગેરહાજરી ખૂબ સાલી..એ લોકો જો અહી હોત તો સોનામા સુગંધ મળ્યાં જેવું થાત્..શિકાગો આર્ટ સર્કલના સર્વ કાર્યકરોને લીધે આ કાર્યક્રમ સફળતાની સીડીએ પહોંચ્યો..એ બદલ મારાં સર્વ મિત્રોનો આભાર માનું છું.
આ લેખનાં સર્વ હક લેખીકા સપના વિજાપુરાના છે. કોઇએ કોપી પેસ્ટ કરવું નહી. સપના વિજાપુરા ૧૦-૦૯-૨૦૧૨
મિત્રો, શિકાગો આર્ટ સર્કલ નિમીત્ત કાર્યક્રમ “સર્જક સાથે એક સાંજ” મા મંગળવાર તારીખ ૨૫ સપ્ટેમબર ૨૦૧૨ ના દિવસે ‘કાજલ ઓઝા વૈધ’ સાથે એક ટૂંકી મુલાકાત થઈ. વાતાવરણ સરસ હતું… આર્ટ ઓફ લિવિંગ સેન્ટરનો હોલ સાહિત્ય પ્રેમીઓથી ભરાઈ ગયો હતો. કાજલબેન ગુલાબી કપડામાં શોભતા હતા. ડો.અશરફભાઈ ડબાવાલાએ ઓળખાણથી કાર્યક્રમની શરૂઆત કરી. જોકે કાજલબેનની ઓળખાણ થોડાં શબ્દોમાં આપી શકાય એમ નથી. ૨૦૦૫ પછી કલમ ઉઠાવી અને બાવન પુસ્તકો પ્રકાશિત થયાં. એવાં જાજરમાન વ્યક્તિત્વને શબ્દોમાં વર્ણવવા જરા મુશ્કેલ છે.. કાજલબેન અગ્રગણ્ય સાહિત્યકાર નાટ્યકાર અને નવલકથાકાર છે.અશરફભાઈ એમને પ્રમાણીક લેખીકા તરીકે બિરદાવ્યા. અને પોતાની જિંદગી લોકો સામે ખૂલી કિતાબની જેમ રાખી દીધી ત્યારે મારી નવાઈનો પાર ના રહ્યો. મારી એક ગઝલનો એક શેર્ યાદ આવી ગયો..
ના કદી ઢળશે ગઝલ શબ્દો થકી, આંગળીઓ પર પહેરા હોય છે.
આ મિસરાને એમણે એકદમ ખોટો પૂરવાર કરી આપ્યો. એમનું વકતવ્ય સવા કલાક સુધી ચાલ્યું લોકો મુગ્ધતાથી સાંભળી રહ્યા હતા. એ ફક્ત સ્ત્રી તરફી જ નહી પણ પુરુષને પણ એટલું જ માન આપે છે. પણ એમ કહો તો ચાલે કે સત્યનો સાથ આપે છે. સ્ત્રી અને પુરુષના સંબંધ જાળવી રાખવાં માટે સરસ મજાની ટીપ્સ આપે છે. માનવ લાગણીઓને શબ્દનું સ્વરુપ આપવું એ એમની પાસે શીખવા જેવું છે. દરેક માનવ એક કથા છે. એ તો આપણે બધાં જાણીયે છીયે પણ એ માનવ પાછળની કથા શબ્દોમાં લાવવી એ કાજળબેનનું કામ છે..
સ્ત્રી વિષે અને સ્ત્રીની જિંદગી વિષે એમનું અવલોકન ઘણું રસપ્રદ છે. સ્ત્રીને જન્મથી જ દબાવામા આવી છે. આમ થાય આમ ના થાય કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. એનો સખત વિરોધ કરે છે. એમને સ્ત્રીને પુરુષની વિરોધી નહી પણ સમોવડી બનાવવી છે. એમનાં શબ્દોમાં તાકત છે, સત્ય બોલવાની.જે સાધારણ સ્ત્રી મનમાં દબાવીને બેસી રહે છે.
શ્રી મુરારી બાપુનાં અસ્મિતા પર્વમાં બાપુએ એમને પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવ્યા. કાજલબેનને આ સર્ટીફીકેટ ગમ્યું…એમના ઘણાં પુસ્તકો છે . બાવન પુસ્તકોના નામ હું લખી શક્તી નથી . એ બધાં પુસ્તકો એમણે લખ્યાં છે. એમાં કૃષ્ણાયન, દ્રોપદી, મધ્યબિન્દુ,એક સાંજને સરનામે,મૌન રાગ,યોગ-વિયોગ…વિગેરે.એમનો ટેલીવીઝન પર રાતે નવ વાગે એક શો પણ આવે છે આ સિવાય એ ઘણી સંસ્થાઓ માટે કામ પણ કરે છે. સ્ત્રીઓ અને અનાથ બાળકો માટે તથા લગ્નસંબંધમાં પ્રોબલેમ હોય તો દંપતિને મદદ પણ કરે છે. ઈશ્વર એમને વધારે શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું.
એમનું વકતવ્ય પૂરું કરતાં એમણે એક સરસ વાત કહી જે ટાંક્યા વગર રહી શક્તી નથી. એક શાળામાં એક શિક્ષકે વિધ્યાર્થીઓને પૂછ્યું કે દુનિયાની સાત અજાયબી કઈ? તો એક છોકરો ઊભો થઈને કહેવા લાગ્યો તાજ મહાલ, ચિનની દિવાલ વગેરે..પણ એક છોકરી ઊભી થઈને બોલી” આપણે અડી શકીયે એ પહેલી અજાયબી. આપણે રડી શકીયે એ બીજી અજાયબી. આપણે હસી શકીયે એ ત્રીજી અજાયબી . આપણે કહ્યા વગર એકબીજાને સમજી શકીયે એ ચોથી.”આ વાત મારાં હ્રદયને ખૂણે જઈને સ્પર્શી ગઈ..આ કેટલી સાચી વાત છે પણ આ વાતનું અવલોકન કરવું એ મોટી વાત છે.બીજી એક વાત એમની મને પ્રેરણા આપી ગઈ એ કે એમણે કહ્યુ કે મેં મોટી ઉમરે લખવાનું શરૂ કર્યુ તેથી બીજા પાસે વીશ વરસ હોય લખવાં માટે તો મારી પાસે દસ જ છે એટલે મારે વધારે ગતિથી આગળ નીકળવું પડશે…અને જે એમણે કરી બતાવ્યુ છે. મેં પણ મોટી ઉમરે કલમ પકડી છે એટલે આ વાક્ય મારાં માટે ઘણું પ્રેરણાદાયક બન્યું છે.
હું પણ કાજલબેનને એક પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવુ છું. જે પોતાની લાગણી છૂપાવીને લખવાં પ્રયત્ન કરે છે એ કદી સત્ય લખી શકતા નથી. અને કાજલબેન જેવાં સાહિત્યકારો સદીઓમાં એકાદ જોવા મળશે. મારી જાતને ઘણી ભાગ્યવાન સમજું છું કે મારી એમન સાથે મુલાકાત થઈ અને ભવિષ્યમાં ફરી મુલાકાત થશે એવી આશા સાથે અહી વિરમું છું.
આ લેખનાં બધાં હક લેખીકાના છે. કોઈયે કોપી પેસ્ટ કરવું નહીં.
મિત્રો,
ફ્લોરીડા ગેઇન્સવિલમા સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે થયેલાં કાર્યક્રમનો એહવાલ આપે દેવિકાબેન ના બ્લોગમાં http://devikadhruva.wordpress.com/ વાંચ્યો હશે. ઘણાં કવિઓ તથા કવયિત્રીઓઆને લેખકો સાથે મુલાકાત થઈ.જેમાં દિનેશભાઈ શાહ મુકેશભાઈ જોશી, હિમાંશુ ભટ્ટ,નટવર ગાંધી, સ્નેહલતા પંડ્યા,પન્નાબેન નાયક, મોના નાયક ,દેવિકાબે ધૃવ,સર્યુબેન પરીખ,રેખા શુકલા,હરનિશ જાની અને શીતલ જોશી..આ બધાં શબ્દોના મિત્રો અને હ્રદયનાં સાથી…. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના અવાજમાં મીઠાં ગીતો પણ સાંભળ્યા..
પ્રોગ્રામ વિષે વધારે નહી લખું પણ દિનેશભાઈનો આભાર માનીશ..બધાં કવિઓ તથા કવયિત્રીઓને એક મોટું સ્ટેજ આપવાં માટે…ચાર વિષય પર કવિતાઓ બોલવાની હતી. પ્રેમ, માનવતા, હઝલ અને તમને ગમતો વિષય…મારું આ ગીત હાસ્ય અને મજબૂરી પણ દર્શાવે છે..જે હું મુકેશભાઈ અને દિનેશનભાઈની હાજરીમાં પઠન કરી શકી..જે મારાં માટે ગર્વની વાત છે…
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું છે ગુંદર સમું રહે ચીપકીને અમેરિકા નથી છૂટતું
આ તો એવું થયું ભાઈ આ તો એવું થયું
આતો સાપે છછુંદર ગળ્યાં જેવું થયું ના કહેવાય ના સેહવાય ના રહેવાય આ તો ધોબીઘાટ ના કૂતરા જેવું થયું
અઢળક ધન કમાય અઢળક વાપરે તોયે થોડું ખૂટતું નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
અહીં મળે છે સોશિયલ સિક્યોરિટી ભાઈ ક્યા છે દેશમાં આવી ફેસેલીટી થઈ હાલત જીનાયહાંમરનાયહાં જેવી રહી પડ્યા ગુજરાતી અહીંયાં મૅજોરિટી
છૂટી ગયું છૂટી ગયું વતન, ભલે કહેતા નથી છૂટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
ભણે છે ખૂબ ગુજરાતી ક્લાસ માં નંબર વન
મહેનત ખૂબ કરે એ કામમાં નંબર વન ભલે લોકો ગુજ્જુંકેહતા ગુજરાતીઓ ને અમેરિકાની રીચેસ્ટ માઈનોરિટી નંબર વન
જુઓ અમે કર્યુ ગુજરાતી ગીત અમેરિકામાં ગૂંજતું નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
અહીં ‘સપના’ ઘણાં લઈને અમે આવ્યાં સગાંવહાલાં બધાં છોડીને અમે આવ્યાં વતનને ખૂબ દૂર છોડીને અમે આવ્યાં હા બંધન પ્રેમના તોડીને અમે આવ્યા
અહીં સાંજપડતાં આ હ્રદયમાં ઊંડે ઊંડે કૈંકખૂચતું નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું
આજ અમેરીકાએ ફરી પગ મૂક્યો મંગળ ઉપર! માનવ નહીં પણ રોબોટ!! તારી આ ધરતી આટલી વિશાળ!! એમાં મારી નજર પહોંચતી નથી પંદર ફૂટ… અને મંગળ…વાહ વાહ.. મારાં ખુદા કેટલું વિશાળ આ બ્રમહાંડ… તારી કરામતનો પાર નથી… કઈ કઈ રચનાની તારીફ કરું ? ડાળી પર લચી પડતાં ફૂલોની કે ઝરઝર વહેતાં ઝરણાની? કે પછી ઉછળતા દરિયાની આસમાને અડતાં પર્વતોની!! મધૂર ગીત ગાતાં રંગબેરંગી પંખીની!!! શીતળ ચાંદનીની કે કાળ ઝાળ સૂરજની!! અને હવે મંગળ!! શું હશે એમાં!! આ મોટા ગ્રહમાં? મારું ‘હું પણું’ ખૂબ ગુંચવાયું છે.. ધરતી ઉપર ધમ ધમ ચાલી મારી પાંચ ફૂટની કાયાને બધાં કરતાં સર્વોપરી માની ક્યાં ગયું એ અભિમાન? હું તો હું પણ નથી હું તો તું જ છે.. મારું અસ્તિત્વ બસ એક મચ્છરની પાંખ સમાન… તું મોટો…. ખૂબ મોટો….ખૂબ મોટો… તુજ ઈશ્વર અને ખુદા પણ તુજ !! સપના વિજાપુરા ૮-૦૬-૨૦૧૨
ડાબી બાજુથી શ્રી મધુરાય,શ્રીમતી મધુમતી મહેતા, શ્રી અશરફભાઈ ડબાવાલા, સપના વિજાપુરા ડાબેથી સપના વિજાપુરા,ભરતભાઈ દેસાઈ કમલેશભાઈ શાહ,ડો મધુમતી મહેતા
મિત્રો, શિકાગો આર્ટ સર્કલ યોજીત કાર્યક્રમ ‘એક સાંજ મધુરાય સાથે’ તારીખ ૨૧,જુલાઈ ૨૦૧૨ના સાંજે સાત વાગે થયેલો…ધાર્યા કરતા વધારે માણસોએ ભાગ લીધો તેથી કાર્યક્રમમાં ઉલ્હાસ અને આનંદ વરતાતો હતો..હમેશની જેમ અશરફભાઈ અને મધુબેને પોતાનાં ઘરનાં દરવાજા સાહિત્યને કાજ ખુલ્લા રાખી દીધા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો અશરફભાઈ ડબાવાલાએ સંભાળ્યુ.જોકસ અને આનંદ કરાવતા મધુરાયના જીવન અને એમના ગુજરાતી સાહિત્ય તથા એમનાં વાર્તાસંગ્રહ વિષે માહિતી આપતા ગયાં..ડો. અશરફભાઈ ડબાવાલાએ શ્રી મધુરાયને એક અજોડ વાર્તાકાર તરીકે બિરદાવ્યા. કારણકે શ્રી મધુરાય સામાન્ય કક્ષાની વાર્તાઓ થી ઘણાં ઉંચા ઉઠેલાં છે.. શ્રી મધુરાયના જીવનના ઘણાં પ્રસંગો પણ જાણવાં મળ્યાં.ડો. ડબાવાલાએ શ્રી મધુરાયને પન્નાલાલ પટેલ અને ચંદ્રકાંત બક્ષીની હરોળમાં મૂકેલાં અને જણાવ્યુ હતું કે શ્રી મધુરાયની વાર્તાઓ તમને છેલ્લે સુધી આકર્ષી રાખે છે વાર્તાનો અંત તમારી કલ્પનાથી પરે હોય છે.
ત્યારબાદ શ્રી મધુરાય મંચ પર આવ્યાં. અને પોતાની આગવી શૈલીમાં વાર્તાલાપ શરું કર્યો.શ્રી મધુરાયે improvisation drama પ્રેક્ષક પાસે કરાવ્યાં.જેમાં પ્રેક્ષક જ કલાકાર બન્યાં.જેમાં ડો.ડ્બાવાલા અને ડો.મધુમતી મહેતાએ પણ ભાગ લીધો. અને વાતાવરણમાં આનંદનું મોજું ફેલાય ગયુ.શ્રી મધુરાયે ૧૬ વરસની નાની વયથી લખવાનું ચાલુ કર્યુ છે.એમનો પ્રથમ સંગ્રહ બાશી નામની છોકરી છે.શ્રી મધુરાયે ઘણાં નાટકો લખ્યાં છે અને એમની વાર્તા પરથી મુવી પણ ઉતર્યા છે.જેમાં સંતુ રંગીલી અને વોટસ યોર રાશી..ઘણાં પ્રખ્યાત થયાં છે.એમનાં સંગ્રહમાં ચહેરા,કાલસર્પ,કૌતુક,કલાતરૂ,કામિની,કિંબલ રેવનસ્વુડ,રૂપરેખા વિગેરે શામિલ છે. આમ જોવા જઈયે તો દરેક વ્યક્તિનું જીવન નાની મોટી વાર્તાઓથી ભરેલું હોય છે.તો જ્યારે શ્રી મધુરાય મંચ પર આવ્યા તો એમણે બે વાર્તાઓનું વાંચન કર્યુ. જેમાં એક વાર્તા એમણે તાત્કાલીક બનાવેલી.ડો. ડબાવાલાનાં એક જીવન પ્રસંગ પરથી.આપણી આજુબાજુ ઘણાં બનાવો બનતા હોય છે. પણ ઝીણવટથી એનું અવલોકન કરી એને શબ્દોમાં ઢાળવાનું કામ મધુભાઈ ઘણી જ આકર્ષક રીતે કરે છે..આ કલા હોવી એ પણ એક ભગવાનની દેન છે.બીજી વાર્તા એમની હિંદ સીનેમા કહી…બન્ને વાર્તાઓ વિસ્મયદાયક રહી. ત્યારબાદ ડો મધુમતી મહેતાએ મંચ સંભાળ્યું.એમણે પણ શ્રી મધુરાયની આગવી વાર્તાશક્તિ પર હર્ષભેર એક કવિતા સંભલાવી. ત્યારબાદ શ્રી મધુરાયના ૭૦ મા જન્મદિવસ નિમીત્તે કેક કાપવામાં આવ્યું સર્વ શ્રોતા ગણે એમને જન્મદિવસની શુભકામનાઓ આપી..પછી ડો. અશરફભાઈ ડબાવાલાનો જન્મદિવસ પણ જુલાઈ મહીનામાં છે.તો એમણે પણ કેક કાપ્યું અને વધાઈથી શ્રોતાગણે ડો. ડબાવાલાને નવાજી લીધાં. ત્યારબાદ વિસામો .. વિસામામા સરસ ઢોકળા ક્ચોરી મોહનથાળ ખાવા મળ્યાં,બધાં લોકોનાં ચહેરા પર આનંદ અને સંતોષ નજરે પડતો હતો. કાર્યક્રમનાં બીજાં ભાગમાં કવિસંમેલન થયું. જેમાં ડો અશરફભાઈ ડબાવાલા,ડો. મધુમતી મહેતા, ભરતભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ,સપના વિજાપુરા,આશિષભાઈ પટેલ,રેખા શુક્લ તથા ગૌરાંગભાઈએ ભાગ લીધો હતો..બધાં કવિઓ અને કવયિત્રીઓએ પોતાની સુંદર રચનાઓથી શ્રોતાઓને મુગ્ધ કર્યા હતાં છેવટે શ્રિ મધુરાયે પોતનાં જીવનનાં રમૂજી પ્રસંગો કહીને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.આ સાથે આપને જણાવવાનું કે શ્રી મધુરાય ગુજરાતી સાહિત્યને જીવતું રાખવા સતત પ્રયત્નશીલ છે. એમણે ન્યુજર્સી માં રહીને એક વાર્તા માસીક ‘મમતા’ પ્રકાશીત કરવાં માટે તનતોડ મહેનત કરી છે..જેમાં ઉભરતાં લેખકોની વાર્તા પણ છપાય છે આપને જો વાંચમાં કે લખવામાં રસ હોય તો આ વાર્તા માસીકનું લવાજમ જરૂરથી ભરવું જે એમણે ખૂબ જ ઓછું રાખેલ છે સાહિત્યની સેવા માટે.આ માટે આપ નીશા કપાસીને ફોન કરી વધારે માહીતી મેળવી શકો છો.નીશાનો નંબર છે (૮૪૭)૭૫૭-૬૩૪૨. બાર વાગે કાર્યક્ર્મનો અંત આવ્યો હતો..પણ બધાં જાણે ખુરશી ઉપર ચીપકી ગયાં હતા.કોઈને ઊઠવાનું મન નહોતું પણ ગમે તેટલી સરસ ફિલ્મ હોય ..પૂરી તો થાય જ ને.. છેવટે ડો.અશરફભાઈ તથા ડો. મધુમતી મહેતાનો આભાર માન્યા વગર રહી શક્તી નથી ..એમનાં સતત પ્રયત્નને લીધે શિકાગોમાં આવાં કાર્યક્રમ શક્ય બને છે..મે એમના જન્મદિવસનાં કાર્ડ પર લખ્યું હતું તુમ જીઓ હઝારો સાલ સાલકે દિન હો પચાસ હઝાર..આ દુઆ બન્ને પતિ પત્ની તથા શ્રી મધુરાય માટે છે. સપના વિજાપુરા ૭-૨૫-૨૦૧૨