« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

12 Apr 2013

અમેરીકા આવતાં

Posted by sapana. 9 Comments

henna-hands

હજું પણ એ પ્લેનનો ઘોંઘાંટ મારાં કાનને
બધિર કરી દે છે..
પ્લેનની દુર્ગંધ શ્વાસ લેવાં નથી દેતી
પહેલી વાર પીયા મિલન માટે
પ્લેનમાં બેઠી હતી
મહેંદી ભરેલા હાથ અને
અને આછી આસમાની કલરની સાડી…
અને કોણ હતું મારી સાથે પ્લેનમાં?
રાજેન્દ્રકુમાર…
જ્યારે રાજેન્દ્રકુમારે એર હોસ્ટેસને
મારી મહેંદીનું વર્ણન કર્યુ
હું તો અબોલ થઈ ગઈ હતી..
ભારત છોડી અમેરીકા આવતાં
ઘણું છોડી દીધું હતું..
માં નો સુવાળૉ સાથ અને
ભાઈ બહેનની લાગણી
આશા અને અપેક્ષા લઈ ઊડી આવી હતી..
ઘણું મળ્યું..અમેરીકામાં
પણ ના મળ્યો એ સુવાળો સાથ અને વ્હાલ..
એ પપ્પાની ભૂરી આંખોનો સ્નેહ અને
બા ના જુના સાડલાનો સહારો.
આવી પીયા મિલન કાજ
પણ અધૂરી રહી ગઈ..
એ એપ્રીલની ૨૧ મી તારીખે
ઘણું પામ્યું ઘણું ગુમાવ્યુ…
અમેરીકા આવતાં……..
સપના વિજાપુરા

31 Mar 2013

ક્યાં સુધી

Posted by sapana. 18 Comments

laughing woman

તું જ કહે હું ક્યાં સુધી હસતું વદન રાખું?
ને નયનમાં સાવ  તૂટેલાં  સપન રાખું?

છે ભલેને આંખમાં  મણમણનાઆંસુ પણ 
હું હંમેશા હોઠ પર ખીલતાં  સુમન રાખું

મન મહીં બળબળતો દાવાનળ પચાવીને 
હું હૃદયમાં શાંત ને શીતળ  પવન રાખું

ક્યાં સુધી અબળા બની જૂલમો  સહે રાખું ?
ક્યાં સુધી  હૈયામાં ધગધગતી અગન રાખું?

હોય છે જીવ ઈંટ,  પથ્થરમાં ને માટીમાં 
એમ સમજીને  સજાવી હું  સદન રાખું

આગમન મૃત્યુ તણું  નક્કી જ છે એથી 
હું હંમેશા સાચવી ઘરમાં  કફન રાખું

 તન વસ્યું પરદેશમાં તો શું થયું ‘સપના’
હું હંમેશા આંખ ને દિલમાં વતન રાખું

સપના વિજાપુરા

14 Mar 2013

નાટક

Posted by admin. 7 Comments

સંબંધોમાં છે નાટક ઘણાં
સમજો નહિ એ નાટક ઘણાં

થાકી જાઓ કરતાં તમે
પૂરાં ના થાયે નાટક ઘણાં.

જીવનમાં અભિનેતા બની
ભજવી ગયાં એ નાટક ઘણાં.

સાચ જુઠું  કોને પડી
કરવા લાગે નાટક ઘણાં.

માણસ તો છે કઠપૂતલી,
ઈશ્વર ભજવે  નાટક ઘણાં.

ઈશ્વર દેખે નીચે અહીં,
માણસ ભજવે નાટક ઘણાં

“સપના” શીખી લે તું હવે
દુનિયામાં છે નાટક ઘણાં.

સપના વિજાપુરા

૦૩/૧૪/૨૦૧૩

 

27 Feb 2013

લીલી ડાળ

Posted by sapana. 7 Comments

suku pan

પાન છું હું પાનખરનું તું લીલીછમ ડાળ છે,
છું નદી સૂક્કી ને તું સાગરસમો વિશાળ છે.

તરફડુ હું બંધ ખૂણામાં, તું હસતો જાય છે,
અય, ખુદા હું માછલી ને આખી દુનિયા જાળ છે.

હાં, હજુ ક્યાં ઈશ્કના મેં પાર ઈમ્તેહાં કર્યા ?
તુજની બરબાદીતણું મારા જ શીરપર આળ છે.

શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ મન મીતવા,
મેં બનાવી એક સપના-સ્નેહની આ પાળ છે.

સપના’ વિજાપુરા

5 Feb 2013

સ્મરણો લાવશે

Posted by sapana. 11 Comments

61490-bigthumbnail

 મંદ મઘમઘતો પવન, તારા  સ્મરણો લાવશે,
 મધુકરને સુમન, તારા  સ્મરણો લાવશે.

ચાંદની આ રાત ભીંજાતાતડપતા આ  ચકોર,
નીર સાગરના ગહન, તારા  સ્મરણો લાવશે.

સાંજનાં આછાં ગુલાબી રંગ, વરસે આગ પણ
રાતનું શ્યામલ ગગન, તારા  સ્મરણો લાવશે.

ગુંજતો પંખી તણો કલરવ ચમનમા ઓ પ્રિતમ,
સૂર સરગમના કવન, તારા  સ્મરણો લાવશે

રેતનાં પગલાં સ્મરણ ને હચમચાવી નાખશે,
નામ તારું ઓ સજન, તારા  સ્મરણો લાવશે.

આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
 ‘સપના’ નાં નયન, તારા  સ્મરણો લાવશે.

સપના વિજાપુરા

૨-૦૪-૨૦૧૩

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

13 Jan 2013

યાદોનાં મોતી

Posted by sapana. 6 Comments

pearls

આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયાં છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતાં વાળતાં મોતી મળી આવ્યાં,
હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથું પકડી,
ભલે રહયા,નથી નડતાં મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
‘સપના’ની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનું,એક મોતી એમ પરોવીશ,
તારાં ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના વિજાપુરા

04-17-2009

12 Nov 2012

ડો. સુમન શાહ

Posted by sapana. 9 Comments

ફોટામાં ડાબી બાજુથી રશ્મીકાબેન શાહ. ડો.સુમન શાહ,ડો અશરફભાઈ ડબાવાલા,ડો.મધુમતી મહેતા,સપના વિજાપુરા અને શરીફ વિજાપુરા

ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો.એમનાં ૭૩ થી વધારે પ્રકાશનો છે.વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે. એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ સ્વરૂપે પ્રકાશિત છે. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને અવોર્ડ અપાયો છે.પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું.ડો. સુમન શાહને ગમતા સાહિત્યકારોમાં . કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દોસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હેમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વિગેરે છે.ડો. સુમન શાહ શિકાગો નજીક એક પીયોરીયા નામના ગામમાં એમના દીકરાને ત્યાં રોકાયા હતાં.ઘણા વરસોથી ભારત અને અમેરીકા સિવાય બીજા ઘણા દેશોને પોતાના  જ્ઞાનથી લોકોને અજવાળતા રહે છે.

નવેમ્બર ૩,૨૦૧૨ ના દિવસે ડો.અશરફભાઈએ તથા ડો.મધુમતીબેન મહેતા એ પોતાના ઘરનાં દ્વાર ફરી એક વાર સાહિત્ય માટે ખોલી આપ્યા હતાં.અને શ્યામબર્ગ, ઈલીનોઈસમાં ડો.સુમન શાહ તથા એમનાં ધર્મપત્ની રશ્મીકાબેનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ડો.સુમન શાહની ઓળખાણ ડો.અશરફભાઈ સરળ શબ્દોમાં આપી હતી.અને આધુનિક વાર્તાકાર તરીકે બીરદાવ્યા હતાં.

વિરામ પહેલા એમણે વાર્તા કેવી રીતે લખવી એ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ટૂંકી વાર્તાની ટૂંકી વાત સમજાવતા એમણે છ મુદ્દા બતાવ્યા હતાં.
સૌથી પ્રથમ મુદ્દો ટૂંકી વાર્તા ટૂંકી હોવી જોઇયે.બીજો મુદ્દો ટૂંકામાં ઘણું કહેવાની શક્તિ શબ્દોમાં છલકાવી જોઈયે. હવે આ વાર્તા કેટલી ટૂંકી હોય તે વાર્તાકારે નક્કી કરવાનું હોય છે. ત્રીજા મહત્વના મુદ્દામા એમણે જણાવ્યુ હતુ કે વાર્તા એકજ પ્રસંગ પર હોવી જોઈયે અને આ એક પ્રસંગ સાથે પાત્રોના જીવનની થોડી ઘણી ઝાંખી થવી જોઇયે.ચોથા મુદ્દામા ડો સુમન શાહે જણાવ્યુ હતું કે જ્યારે વાર્તા પૂરી થાય ત્યારે એ વાર્તા હ્ર્દય ઉપર પ્રભાવ અને અસર છોડી જવી જોઇયે એટલેકે માણસને વિચાર કરતો કરી દે એવી હોવી જોઇયે.પાંચમાં મુદ્દામાં એમણે જણાવ્યું હતું કે ટૂંકી વાર્તા કહેવાની અને સાંભળવાની વસ્તુ છે એટલે દ્ર્શ્યો તાદ્રશ્ય થવાં જોઇયે…જેવી રીતે મુવીમાં નજર સમક્ષ બધું બને છે એવી રીતે કલ્પનામાં દ્રશ્ય નજર સમક્ષ અનુભવવુ જોઇયે.અને છેલ્લાં મુદ્દામાં કઈક બોધ મળવો જોઇયે કે કઈક સુચના મળવી જોઇયે.આ છ એ મુદ્દા એમને એક પોતાની વાર્તા ‘કાગારોળ અનલીમીટેડ’ વાર્તા દ્વારા સમજાવ્યા હતા. આ એમનાં વાર્તા સંગ્રહનું નામ પણ છે.શ્રોતાઓને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને મારાં માટે મોટો લ્હાવો હતો.

વીસ મીનીટના વિરામ બાદ ફરી કાર્યક્રમ ચાલુ થયો..આ વિરામ પછીના કાર્યક્રમમાં ડો. સુમનભાઈ હકારત્મક અભિગમ માટે બોલવાનુ હતું.દાર્શનીક આધાર વગર હકારત્મક ના થવાય.એવી એમની ફિલોસોફી છે.જેને ડહાપણનો લગાવ પણ કહે છે. દરેક ધર્મ પુસ્તકો કુરાન ગીતા કે બાઈબલ બધાં જ્ઞાનથી ભરેલાં છે પણ બધાં પુસ્તકો એક જ સલાહ આપે છે એ ડાહ્યા બનવાની.એમનું કહેવું છે કે ડહાપણ વગરનું જ્ઞાન કઈ કામનું નથી.એટલેકે ડહાપણ વગર’સીતાનું હરણ થયું પણ હરણની સીતા થઈ કે નહીં?’આવા સવાલ ઊભા થાય છે.ફીલોસોફીને એમણે બે શબ્દોમાં વહેંચી.ફિલિયા એટલે ડહાપણ અને સોફિયા એટલે પ્રિત એટલેકે ડહાપણની પ્રિતી..

હકારત્મક અભિગમ માટે એમણે ત્રણ નિયમો કહ્યા.પ્રથમ નિયમ સ્વિકાર.માનવીનો માનવી તરીકે સ્વિકાર્.ચાહે એ કોઇ પણ સ્થિતીમાં હોય ગરીબ હોય કે તવંગર, કાળો હોય કે ગોરો,કોઈ પણ જ્ઞાતિનો હોય માનવી નો માનવી તરીકેનો સ્વિકાર..બીજો નિયમ એમણે કહ્યો સહિષ્ણુતા..હ્ર્દયના પૂરા ભાવથી સામેની વ્યકતીને સહી લેવાની ભાવના. અને આ ભાવના ત્યારે જ આવે જ્યારે વ્યકતી પ્રત્યે પ્રેમ હોય ..અને ત્રીજો નિયમ પ્રેમ જણાવ્યો હતો.

એમના કહેવા પ્રમાણે હકારત્મક વ્યકતી પોતાની મહત્ત્વાકાંક્ષા ઉપર કાબૂ રાખે છે,ખોટા ઝગડા કે વિવાદમા સમય વેડફતા નથી.મનુષ્ય દરેક ક્ષણે મ્રુત્યુની નજીક જઈ રહ્યો છે.અને આ હહિકત છે એને ઠૂકરાવી શકાતી નથી.પણ એ દરેક ક્ષણ ખુશીથી અને આનંદથી વીતાવવી એ વ્યકતીના હાથમાં છે. ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી,છાવ હૈ કભી તો ધૂપ હૈ જિંદગી, હરપલ યહાં જી ભર જીઓ જો હૈ સમા કલ હો ના હો’હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી..નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના હાથમાં છે.

ડો. સુમન શાહના આ નાનકડા વાર્તાલાપથી મારાં હ્ર્દય ઉપર ઊંડી અસર પડી. ખાસ કરીને મેં લેખનકાર્ય હાથ ધર્યુ છે.અને સાહિત્યની દુનિયામાં પા પા પગલી ભરી રહી છું ત્યારે આવો હકારત્મક અભિગમ મારે અપનાવવો જ પડે.અંતમાં ડો.અશરફભાઈ અને ડો.મધુમતી મહેતાનો આભાર માની વિરમુ છું. એમના કારણે અમને આવા બધાં મહાનુભાવોની મુલાકાત થાય છે અને એમના જ્ઞાનનો અમને લાભ મળે છે.

સપના વિજાપુરા
૧૧-૦૯-૨૦૧૨
..

11 Nov 2012

સેન્ડી

Posted by sapana. 9 Comments

 

દેશ ઉપર આવી આફત કુદરતી છે
કોનુ ચાલે જોર તાકાત કુદરતી છે

જાનહાની, માલહાની, આ કહાની
માનવી પર આવી શ્યામત કુદરતી છે

ચોતરફ આવી તબાહી કેવી ઈશ્વર!!
માનવી લાચાર, હાલત કુદરતી છે

દુખનું ઓસડ છે દહાડા,ધૈર્ય રાખો
આવશે ઉપરથી રાહત કુદરતી છે

કર્મનાં ફળ ભોગવે છે આદમી પણ
જેવું કર તે પામ લાનત કુદરતી છે

કર કઠણ દિલને ન આંસુ સાર સપના
માનવી પ્રત્યે હો ચાહત કુદરતી છે.

શ્યામત=મુસીબત

સપના વિજાપુરા
૧૧-૦૨-૨૦૧૨

 

6 Nov 2012

ચૂંટણી

Posted by sapana. 16 Comments

 

ચૂંટણીની વાત હોય છે જુદી
ખુરશીની જાત હોય છે જુદી

હોય છે નેતા બધાં સરખા અહીં
પણ વચન સોગાત હોય છે જુદી

હું કરું ને હું કરું ખાલી છે વચન
ચૂંટણી ગઈ વાત હોય છે જુદી

ધર્મ કોઈ ક્યાં છે નેતાનો અહીં
એમની તો નાત હોય છે જુદી

ઊંઘ ખુરશીની ફિકરમાં ઊડી ગઈ
ચૂંટ્ણીની રાત હોય છે જુદી

રામની હો કે હો ઓબામા અહીં
જીત સરખી માત હોય છે જુદી

ભીખ માંગે વોટની ભીખારી બની
જીત પાછળ લાત હોય છે જુદી

તારલા આકાશનાં ઝાંખા પડે
વોટની તો ભાત હોય છે જુદી

માન ‘સપના’નુ વધી ગયુ આજ તો
એની તો તાકાત હોય છે જુદી

સપના વિજાપુરા
૧૦-૩૧-૨૦૧૧

 

 

3 Nov 2012

આજ તો

Posted by sapana. 18 Comments

 

ભૂલા પડ્યા તારા વિચારો આજ તો
રણકી ગયો મન એકતારો આજ તો

તું પૂછતો ના કો’ સવાલો આજ તો
આંખોમાં વાંચી લે નજારો આજ તો

ઓછાં પડ્યા છે ચંદ્ર કિરણો રેતમાં
થાકી રડે છે આ કિનારો આજ તો

છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
સોળે સજી મ્હેંકી બહારો આજ તો

છે તરબતર મારું હ્ર્દય તો પ્રેમથી
તારો મળી જાયે ઈશારો આજ તો

મેં મોકલી છે શ્યામને નામે ચિઠ્ઠી
રાધા નિવાસે કર ઉતારો આજ તો

બાળક રડે છે રોટલીને કારણે
પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

હોવાપણું તારું સપન સમ આમ તો
સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

સપના વિજાપુરા