« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

13 Jul 2009

મારાં સમ છે

Posted by sapana. 11 Comments


જવાની હઠ ન કરશો ,આજ મારાં સમ છે,
હ્રદયને ના સતાવો આજ મારાં સમ છે.

ગગનમાં મેઘ વરસે,વિજ ચમકે આભે,
હ્રદય તર બોળ ભીંજો આજ મારાં સમ છે.

નયન રડશે અને આ ચિત મારું રડશે,
નયન ને ના રડાવો આજ મારાં સમ છે.

જુઓ આ જળ વગર તડપે અરે વૈસારિણ,
સબક કાઈક શીખો આજ મારાં સમ છે.

પવન છાની કરે ગોષ્ટિ ને ફૂલો મલકે,
ખબર થોડી તો રાખો આજ મારાં સમ છે.

છે ચણિયો મોરલાળો,ચૂંદડી આ ઢળતી,
નજર તો આપ ધરજો આજ મારાં સમ છે.

નથી કો આસપાસે,સૂર્ય ડૂબ્યો સાંજે,
સમયને આપ થામો,આજ મારાં સમ છે.

શશી પ્રિય આગમનને ઊજવે છે તારૂ,
શશીની સંગ નાચો, આજ મારાં સમ છે

પડું પગ,કરગરૂ ને હાથ જોડું છું હું,
સજન સપનાં ન છોડો આજ મારાં સમ છે.

છંદઃલગાગાગા લગાગાગા લગાગાગા ગા

સપના

10 Jul 2009

યાદ ના લાવજો

Posted by sapana. 7 Comments


હે પંખિડા, મીઠાં ગીતડા ગાવ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ફૂલ, મઘ મઘતાં રંગનાં ખીલ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે ચંદ્ર,રૂપેરી કૌમુદી પાથરજો
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ઊદધિ,જળ ચંચળ ઉછાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે રણ ઉના,પગલાં એ ના સંભાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ભૃંગ પુષ્પોને કતી પંપાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે સૂર્ય,સોનાંનાં જાળ બીછાવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે હંસલા, મોતી મીઠડાં ચણજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે મોરલા, ઠૂમક ઠૂમ હા નાચ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે નેણ મારાં સપનાં ભલે સેવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

સપના

7 Jul 2009

ધારા સુધી.

Posted by sapana. 10 Comments

/>

મારી વાતો પહોંચશે તારા સુધી,
આવ્યો સાગર છે આજ તો ધારા સુધી.

ધડકન બસ સાંભળી ને આવે દોડતો,
રસ્તા,મંઝિલ બધુંય છે મારાં સુધી.

છૂપાવી લાખ પણ છૂપી ના લાગણી,
ઊડી ઊડી વાત જાય તારા સુધી.

મઝધારે નાવ આ ભલે ડૂબે સજન,
હાથોમાં હાથ હોય પણ આરા સુધી.

ના જાણે અર્થ ,મૌન-ભાષાનાં નયન,
ના આવી પ્રેમ-વાત ઈશારા સુધી.

કોઈ દી આ ગઝલ પહોંચે પ્રિય સુધી,
આ કાવ્યો દિલ બની વહ્યાં ધારા સુધી.

વિહ્વળ, હું રાત કાઢું તારાઓ ગણી,
સપનાં ડૂબ્યા અનેક ઓવારા સુધી.

છંદ વિધાનઃ
ગાગાગા ગાલગાલ ગાગાગા લગા

સપના

2 Jul 2009

લૂટ્યું છે

Posted by sapana. 10 Comments

ઊંડું ઊંડું કૈ ખૂંચ્યું છે,
ઘા છે ઊંડાં કૈ ચૂભ્યું છે.

છે દરિયો આ માથાંમાં ને,
વાતે વાતે દિલ ડૂબ્યું છે.

વખ ઘોળેલા છે આ શબ્દો,
પૂછો શાને દિલ તૂટ્યું છે?

દોષો કોના કોના કાઢૂં,
આ કિસ્મત મારું ફૂટ્યું છે.

બારી દરવાજા છોડ્યા ના,
કોણે આવું ઘર લૂટ્યું છે?

ટોળાં ને ટોળાં આવ્યા છે,
ક્યાં પ્રેમીનું શબ ઊઠ્યું છે?

સ્વજન છૂટ્યાં ધીરે ધીરે,
સપનાંનું આંગણ છૂટ્યું છે.

છંદ વિધાન ગાગાગાગા ગાગાગાગા

સપના

30 Jun 2009

કારણ

Posted by sapana. 11 Comments

ચાહું તને હમેશા આપું છું એજ કારણ
કારણ વિના તું ચાહે ચાહું છું એજ કારણ.

આ ચંદ્ર પૂર્ણિમાઓ સાગર નચાવે સઘળા
ઝૂમું થનક થનક ને નાચું છું એજ કારણ

જો પ્રેમનાં રહસ્યો ઊકલી જશે જરાયે
ગુંચવાશે આ જગત ને  બાંધું છું એજ કારણ.

દિલની તરસ શમાવો આપી અધર નું અમૃત
જીવન તણુ હળાહળ ચાખું છું એજ કારણ.

તારા દરસ વિનાની તડપું છું રોજ પળ પળ
પડતી હરેક નજરને વાગું છું એજ કારણ.

ઈશ્વર કહો,ખુદા કે ઈશુ એ ચોતરફ છે
મંજિલ છે એજ બસ એ માનું છું એજ કારણ.

હું જાણતી કે પીડા છે પ્રેમની આ અનહદ,
આંખો થકી ક્ષમા હું માંગું છું એજ કારણ.

શ્વસતો રહે ધરાના કણ કણ મહી તું વહાલમ,
શ્વાસો  ભરી ધરા પર ચાલું છું એજ કારણ.

સપનાં કદીક થાશે સાકાર આપણાં પણ
શ્રદ્ધાથી રોજ સપના મ્હાલું છું એજ કારણ.

સપના વિજાપુરા

 

છંદ વિધાન ગાગા લગા લગાગા ગાગા લગા લગાગા

સપના

25 Jun 2009

ધડકન વધે

Posted by sapana. 9 Comments

ધડકન વધે

નામ તારું સાંભળી ધડકન વધે,
પ્રેમની આ આગમાં બળતણ વધે

આ જમાનો તો છે દુશ્મન પ્યારનો
પ્યાર જ્યાં જ્યાં બસ વધે અડચણ વધે.

ખૂનથી મેં સાફ કર્યુ છે આ હ્રદય
એ છતાં આ ઉર મહી રજકણ વધે.

માન ને અપમાન ભૂલી જા સજન,
હેત પ્રિતથી સર્વના સગપણ વધે.

આ મિલનનો અંત આવે ના કદી,
આજ તો અલ્લા કરે, આ ક્ષણ વધે.

પ્રેમનો એવો ને એવો રંગ છે,
વયની સાથોસાથ બસ સમજણ વધે.

થાય સપનાં આપણાં સાકાર તો,
નાનું અમથું મારું આ આંગણ વધે.

સપના વિજાપુરા

22 Jun 2009

ગળતી હશે

Posted by sapana. 6 Comments


ગળતી હશે

યાદ દિલમાં આજ સળ વળતી હશે,
આંખ એની આજ પીગળતી હશે.

સાંભળી પગરવ એ આવે દોડતી,
બાર ણે આંખો ફરી વળતી હશે.

બેલડી સારસ તણી જોતા ક્ષણિક,
એકલી એ આગમાં બળતી હશે.

શું ટપાલી ને નીકળતો જોઈને,
ચૂંદડી આશા થકી ઢળતી હશે?

આવશે દરિયો બની મનમીત,ને,
એ નદીની જેમ ખળખળતી હશે.

એકલાં તારા નયન ભીનાં નથી,
આજ સપના આંખથી ગળતી હશે.

છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

સપના

22 Jun 2009

ઢોંગી

Posted by sapana. 3 Comments

<

શું લખ્યું છે,

હાથની રેખામાં,

વાંચી શકે તો વાંચ.

શું લખ્યું બે લીટીની વચ્ચે,

વાંચી શકે તો વાંચ.

ચંદ્ર જોઈ દરિયો ઝૂમે કેમ?

જાણી શકે તો જાણ.

મયુર કળા કરી રડે કેમ?

સમજી શકે તો સમજ.

ક.ખ.ગ.શીખવાડવો

પડે પ્રેમનો.

તને બુધ્ધુ સમજુ?

તને અનાડી સમજુ?

કે ઢોંગી?

સપના

21 Jun 2009

વિપ્રલંભિની

Posted by sapana. 3 Comments

પ્રિય મિત્રો,

મારી ગઝલ “સ્મરણો લાવશે” માં છંદ દોષ હતા. પંચમદાને આ રચના પર નજર નાખવા ઈમેઈલ કર્યો હતો. આ રચનામાંથી હૃદયપૂર્વક પસાર થતા પંચમદાને એક નવી રચના સ્ફૂરી. જે મારી પ્રિય ગઝલ બની ગઈ છે.હું પંચમદાની આભારી છું મને મદદ કરવા માટે. એમણે આ નવી ગઝલનું નામ વિપ્રલંભિની રાખેલ છે. એટલે “સ્મરણો લાવશે “અને” વિપ્રલંભિની” એ બે સખીઓ જે થઈને? આ બન્ને સખીઓ તમારી સમક્ષ હાજર છે.તમારાં અમૂલ્ય પ્રતિભાવો જણાવશો.

સપના


વિપ્રલંભિની

♥ પંચમ શુક્લ

મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે !
ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે !

તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે,
રેત પણ ભીનું ચીતરનારા જ સ્મરણો લાવશે!

સાંજ અજવાળી, ગુલાબી, કેસરી, પીળી કરી,
યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે!

પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!

ચાંદની રાતે તડપશે એક-ચકોરી એકલી,
રૂપની સોબત તરસનારા જ સ્મરણો લાવશે!

અશ્રુ-ભીની આંખ પણ બસ જાગશે એ કારણે,
(કે) સ્વપ્નની વર્ષા સળગનારા જ સ્મરણો લાવશે!

૨૦/૬/૦૯

છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

* સપનાબહેનને અર્પણ

20 Jun 2009

આકાર ક્યાં છે?

Posted by sapana. 4 Comments

આકાર ક્યાં છે?

અડગ જીવન તણો આધાર ક્યાં છે?
અટલ આ મૃત્યુ પણ લાચાર ક્યાં છે?

સ્વીકારૂ છું-હ્રદયમાં તું રહે છે,
પિછાણું કઈ રીતે?આકાર ક્યાં છે?

વિરહમાં તું ય તડપે છે સખા, ને,
મને પણ ઝપ હવે પળવાર ક્યાં છે?

નમું શાને તને કર શીશ ઢોળી?
વરસવા તું ય તે તૈયાર ક્યાં છે?

હશે આરામથી એ માન તું, દિલ,
ખટક દિલમાં ય પારાવાર ક્યાં છે?

નયન છો ને નીરખતા લાખ સપના!
કે સપનાં કોઈ પણ સાકાર ક્યાં છે?

છંદઃ લગાગાગાલગાગાગાલગાગા

સપના