30 Jun 2009

કારણ

Posted by sapana

ચાહું તને હમેશા આપું છું એજ કારણ
કારણ વિના તું ચાહે ચાહું છું એજ કારણ.

આ ચંદ્ર પૂર્ણિમાઓ સાગર નચાવે સઘળા
ઝૂમું થનક થનક ને નાચું છું એજ કારણ

જો પ્રેમનાં રહસ્યો ઊકલી જશે જરાયે
ગુંચવાશે આ જગત ને  બાંધું છું એજ કારણ.

દિલની તરસ શમાવો આપી અધર નું અમૃત
જીવન તણુ હળાહળ ચાખું છું એજ કારણ.

તારા દરસ વિનાની તડપું છું રોજ પળ પળ
પડતી હરેક નજરને વાગું છું એજ કારણ.

ઈશ્વર કહો,ખુદા કે ઈશુ એ ચોતરફ છે
મંજિલ છે એજ બસ એ માનું છું એજ કારણ.

હું જાણતી કે પીડા છે પ્રેમની આ અનહદ,
આંખો થકી ક્ષમા હું માંગું છું એજ કારણ.

શ્વસતો રહે ધરાના કણ કણ મહી તું વહાલમ,
શ્વાસો  ભરી ધરા પર ચાલું છું એજ કારણ.

સપનાં કદીક થાશે સાકાર આપણાં પણ
શ્રદ્ધાથી રોજ સપના મ્હાલું છું એજ કારણ.

સપના વિજાપુરા

 

છંદ વિધાન ગાગા લગા લગાગા ગાગા લગા લગાગા

સપના

Subscribe to Comments

11 Responses to “કારણ”

  1. શ્વસતો રહે ધરાના કણ કણ મહી તું વહાલમ,
    શ્વાસો તણુ ધમણ હું ધામું છું એજ કારણ.
    કારણ વગર કવિતા નથી લખાતી..
    સુંદર કવિતા

     

    vishwadeep

  2. રચના હજી વધુ લંબાવી હોતતો ખૂબ સારું થાત.
    ખૂટી ગઈ હશે પેનમાંની શાહી, હશે એજ કારણ?

     

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

  3. સુંદર રચના…

    આપની છંદ પરત્વેની લગન સાચે જ રંગ લાવી છે… આખી ગઝલમાં આ દ્વિખંડી છંદ સુપેરે નિભાવાયો છે. સિદ્ધહસ્ત ગઝલકારો પણ આ દ્વિખંડી છંદમાં યતિને અતિક્રમી જવાની ભૂલ અવારનવાર કરતા હોય છે, આપ એમાંથી પણ સાંગોપાંગ બચી ગયા છો એ જોઈ આનંદ થાય છે.

    પીડા છે પ્રેમની અપારમાં અપારને લગાગા લીધું છે એ ન લેવાય. વાક્યાંતે આવતા લઘુનો હકીકતે લોપ થઈ જતો હોય છે એ રીતે અપાર એટલે અહીં માત્ર લગા જ થાય. એક આખો ગુરુ ખૂટે છે. આટલું બાદ કરતાં આખી ગઝલનો છંદ અક્ષુણ્ણ જળવાયો છે…

    અભિનંદન…

    અભિવ્યક્તિમાં પણ પાકટતા નજરે ચડી રહી છે…

     

    વિવેક ટેલર

  4. સુંદર રચના.

     

    Heena Parekh

  5. જો પ્રેમનાં રહસ્યો ઉકલી જશે જરાયે
    ગુંચવાશે આ જગત, હું બાંધું છું એજ કારણ.

    Nice Line……

    Dear sapana

    pls…….take care……

    જેના માટે મેં
    છોડ્યા શ્વાસ
    એજ આવી પૂછે છે,
    કોની છે આ લાશ્,

    પ્રેમ હોય અકારણ કદાચ હોય એજ કારણ્.

    ખુબ જ સરસ રચના,

    છતાં ફરી એક વાર,

    Take care…………

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  6. સુંદર રચના… અભિનંદન… !

     

    neepra

  7. જો પ્રેમનાં રહસ્યો ઉકલી જશે જરાયે
    ગુંચવાશે આ જગત, હું બાંધું છું એજ કારણ.
    – ખુબ સરસ…

    સપનાં કદીક થાશે સાકાર આપણાં પણ
    શ્રદ્ધાથી રોજ સપના જોઉં છું એજ કારણ.
    — મત્લામા આપે આપના નામનો સરસ ઉપયોગ કર્યો છે….

    સરસ ગઝલ… અભિનંદન….

     

    ”દીપ”

  8. પ્રિય સપનાબેન… તમને જ્યારે મેં છંદ શિખવાનો કુછંદ લગાડ્યો હતો ત્યારે મને સપનેય ખ્યાલ ન્હોતો કે તમે આટલી ઝડપથી એને હાથવગો કરી લેશો… ખૂબ જ લગનથી તમે છંદ શીખી રહ્યા છો એ જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે… અને હવે તો છંદની સાથે ધીમે ધીમે કાવ્યતત્વ પણ વધવા માંડ્યુ છે અને એથી ગુણવત્તા પણ વધી રહી છે જે સાફ જણાય આવે છે… તમે શબ્દની સાધના આવી જ લગનથી કરતાં રહેશો તો શબ્દો વધુ ને વધુ પાકટ થતા રહેશે અને તમારી ‘ગઝલો’ વધુ ને વધુ રસમય અને ગમતીલી થતી રહેશે. મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!

     

    ઊર્મિ

  9. કારણ કાવ્ય ગમી સરસ રચના congratulations

     

    Shenny Mawji

  10. બહુ સરસ રચના

    હું જાણતી કે પીડા છે પ્રેમની આ અનહદ,
    કર જોડતી ક્ષમા હું માંગું છું એજ કારણ.

     

    bharat suchak

  11. આનંદ થયો.

     

    યશવંત ઠક્કર

Leave a Reply

Message: