જન્નત

યા ખુદા!!

માની લઉં છું તારી જન્નત ખૂબસૂરત છે

મેં જોઈ નથી..સાંભળી છે

પણ એ ખુદા..

મારી કબરમાં

તું થોડાં ફૂલ મૂકજે..

ફૂલ પર ભ્રમર ગુંજતા મૂકજે

હારબંધ વૃક્ષોની હારમાળામાં

એક પંખી ટહૂકતું મૂકજે

ઘૂઘવતાં સાગર અને એમાં

સમાતી વળ ખાતી નદી મૂકજે

અને હા ખુદા પેલા ચૌદવીના ચાંદને ના ભૂલીશ..

સાથે થોડાં સિતારા પણ મૂકી દેજે

કોઇ ઝરણા પાસે સારસ બેલડી મૂકજે

અને મહેક માટે રાતરાણીના ફૂલો મૂકજે

અને વરસાદની બુંદો અને વરસાદનું સંગીત મૂકજે

પહેલાં ઉંચા પહાડો અને ધરતીમાં સમાતી ખીણો મૂકજે..

યા ખુદા

તારી જન્નત ખૂબ ખૂબસૂરત હશે પણ,

પણ તારી બનાવેલી આ ધરા મને જન્નત જેટલી વ્હાલી છે

તો મારી છ ફૂટની જમીનમાં તું આ જન્નતનો એક ટૂકડો  મૂકજે..

સપના વિજાપુરા

૮-૧૩-૨૦૧૧

9 thoughts on “જન્નત

 1. Ramesh Patel

  પવિત્ર માસ અને હૃદયની પવિત્રતા સાથે ખુદાની
  ઈબાતભરી આપની અ રચના હૃદય સ્પર્શી છે.
  આ ધરા સ્વર્ગ જેવી જ છે અને તારી કૃપા જ જોઈએ..
  કેટલા ઉમદા ભાવો. ખુદા આપને સદા ખેરિયત અર્પે
  એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. DR. CHANDRAVADAN MISTRY

  યા ખુદા!!

  માની લઉં છું તારી જન્નત ખૂબસૂરત છે…………………….
  સપનાબેન,
  આ પોસ્ટ ગમી.
  જન્ન્ત ખુદાની આ જગતમાં જ છે….જ્યાં એ છે ત્યાં પણ જગતના માનવીઓ છે..જે સૌ ખુદાને પ્યારા છે.
  તમારું આ જીવન આ જગતમાં જ “જન્નત” બની રહે એવી ખુદાને પ્રાર્થના !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting All to Chandrapukar !

 3. uhsa

  સપનાજી…આપની કાવ્યધારાને માણી…મને પણૅ કહેવાનું મનથાય છે..અને એક પ્યારી સખી આગળ વ્યક્ત કરવામાં મને કોઈ બાધ નથી…મિત્રતાનું બંધન બાંધ્યું દિલીપભાઈએ..તેઓ નિમિત્ત બન્યા..હજીયે એ પલ …હું વિસરી નથી…..આ નેટ જગતની ભેટ આપણા સૌને માટે આશીર્વાદરૂપ એ દ્રષ્ઠિએ કહી શકાય.. બાકી આ મિત્રતા..સાખ્યભાવના હકદાર બની શકત ખરા..એવી જ મારી સૌ પ્રથમ સખી..નિલમજી મળ્યા..બાકી ભારત તો સાર્વત્રિક રીતે જોતા બહુજ થોડા લોકો નેટોલોજી નો ઉપયોગ કરી જાણે છે..મને શીખવાનો શોખ હતો..માટે થોડુંઘણું જાણું છું..ખેર..જગત આખુંય સબંધોના સ્નેહના શ્વાસે ધબકતું લાગે છે…જાણે આખું જગત મારામાં અને જગતમાં સર્વત્ર સંકલ્પથી હું વિહરું છું..આજગત તો શું જન્નતની સૈર કરીને લુફ્ત ઉઠાવું છું..સ્નેહની ગંગા હ્રદયમાં વહે એટલું જ બસ ખુદા પાસે માગું છું…યા તો તુ મુઝે અપને પાસ બુલાઓ યા તુમ ઝલક દિખલાઓ..જબ પ્રાણ તનસે નિકલે..બસ યહી ખ્યાલોખ્વાબ હો એસી પાવન ઝડી હો બરસાતકી ચાહતી હું…

 4. Raj PRajapati

  આપની રચના સરસ છે પણ તેના માટે મરવું પડે તેમ છે. જીવતા સ્વર્ગ જેવું કાંઇક લખશો .. મર્યા વિના જન્નતનું સુખ ના મળે તો તે સુખ શું કામનું ….

  સપનાજી ખરેખર સરસ ઉઠવા સાથેની રચના છે તેમાં આપના નામ જેવા સપનાની પર્યાયવાચી અભિવ્યક્તિ પ્રગટ થાય છે..

  આપણા કર્મો અને જીંદગી એટલી વાસ્તવિક અને પુણ્યશાળી હોવી જોઇએ કે જીવતા જીવનમાં સદા જન્નત જેવી અનુભુતી થતી રહે… જો કોઇ સ્વર્ગ અને નર્ક છે તો તે માત્ર આ ધરતી પર છે.. કુતરાઓ પણ વાતાનુકુલીત મોટરોમાં ફરતા હોય છે તેને સ્વર્ગ કહેવાય છે અને હાથપગ સલામત હોવા છ્તા ભિખ માંગી ખાનારા માટે તો બધે નર્ક હોય છે.. આપની સુંદર રચના બદલ ખુબ અભિનંદન …

 5. sapana Post author

  આભાર ઉષાજી રાન્દેરી સાહેબ અને પ્રજાપતી સાહેબ..આપનું હાર્દિક સ્વાગત છે મારાં બ્લોગમાં. ઉષાજી આપણી મિત્રતાનું પવિત્ર ઝરણ વહેતું જ રહેશે..આ નેટ જગતે મને ઘણાં મિત્રો આપ્યાં છે..એને ઇશ્વરકૃપા જ સમજું છું..અને આપની મિત્રતા માટે હું દિલીપભાઈની આભારી રહીશ..ઉચ નીચ જીવનમાં આવ્યાં કરે છે..મણસ તો ચાલત જ રહે છે આખરી શ્વાસ સુધી..
  શ્રી પ્રજાપતીજી આપની વાત સાથે સહમત છું..જીવનની જ વાત કરી છે આપણી ધરાની એ એટલી સુંદર છે કે સાથે લઈ જવી છે..જન્નત તો સુંદર હશે જ લોગોસે ઔર કુરાનસે સુના હૈ..પણ ખુદાને વિનંતી અને દુઆ છે કે આ ધરતી પણ આપજે થોડી..પ્રકૃતિ પ્રેમી છું..એટલે અનાયસે આ રચના બની ગઈ..અને આપની વાત સાચી સ્વર્ગ યહી નર્ક યહા ઈસકે સિવા જાના કહા…!

 6. અશોક જાની 'આનંદ'

  સુન્દર અભિવ્યક્તિ..!! આ જ દુનિયા જ જન્ન્ત જેવી હોય તો પેલી અજાણી જન્ન્તનુ શું કમ છે..!!?

 7. shailesh jadwani

  તારી જન્નત ખૂબ ખૂબસૂરત હશે પણ,

  પણ તારી બનાવેલી આ ધરા મને જન્નત જેટલી વ્હાલી છે

  તો મારી છ ફૂટની જમીનમાં તું આ જન્નતનો એક ટૂકડો મૂકજે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.