Category Archives: અછાંદસ

મોક્ષ


મુક્ત થયું મન

આકાશ તરફ ઊડ્યું મન

એકજ માર્ગ છે મુક્તીનો મોક્ષનો

લવ લગાઉં હું તારાં પર

હું આવરણો ઉતારું મોહનાં

અને ઝંઝાળો દુનિયાની ત્યાગું

બંધનો બધાં તોડું

એક પંખીની જેમ ઊડું નિલગગનમાં

હાડ માંસમાં અટવાયેલું મન

પંખી બની ઊડી જાય

નથી થાક નથી દર્દ

નથી તૂટેલા શરીરનો કારાવાસ

એ મન ઊડ્યું આકાશ..

સપના હવે શરીર નથી

એ છે ફકત આત્મા

ચાલ્યો પરમાત્મા વિલીન થવા

સપના  વિજાપુરા

ધર્મ

મિત્રો,ગુજરાતી ભાષાનાં એક લેખીકા નીલમબેન  દોશી શિકાગો આવ્યા અને મારે એમને મળવાનું થયું..અમે બન્ને બે કલાક જેવાં બેસીને વાતો કરી..એમનાં વિચારોથી મને ઘણી પ્રેરણા મળી એના માટે હું એમની આભારી રહીશ..એમની ઓળખાણની જરૂર નથી..આ કાવ્ય એમને અર્પણ કરું છું..નીલમબેન મને બહેન તરીકે સ્વીકારશોને?
સપના

વસંત આવીફૂલો મહેંક્યાં,

શું ધર્મ હશે આ ફૂલોનો?

રુમઝુમ વર્ષા આવી,

પંખી ચહેંક્યા,

શું ધર્મ હશે આ પંખીઓનો

શરદ પૂનમ આવી,

ચાંદ પૂરો થયો

અને  સાગર ઉછળ્યાં

શું ધર્મ હશે આ દરિયાઓનો?

સંબંધ વીના બે હ્રદય મળ્યાં

હસ્યાં બોલ્યા..

હળ્યાં મળ્યાં ભળ્યાં

બેઠી બેઠી સંધ્યા સમયે

ગુમ સુમ હું વિચારું

શું ધર્મ હશે આ લાગણીઓનો?

– સપના વિજાપુરા

સહેવાય ના


ચાહત સહેવાય ના
આવું  રહેવાય ના


લો આજ તમને કહું
જગને કહેવાય ના

ઘૂંટી મહેંદી ઘણી
પણ રંગ પકડાય ના

પુષ્પો હસે રોજ પણ
ઉપવન મહેકાય ના

પીયા મિલનની લગન
ગૌરી લહેકાય ના

પથ્થર છે ચારે તરફ
શિર ત્યાં નમાવાય ના

પંખી ભલાં ઊડતાં
પિંજર ચહેકાય ના

ડૂમા   ભલે હો ગળે
આંખે વહેવાય ના

“સપના’ રહે આંખમાં
સપનાં વહેચાય ના

સપના વિજાપુરા

ઓરડો

હું મારાં સુનાં ઓરડામાં બેઠી હતી.

ઓરડો જેમાં વ્યથાની દીવાલો છે

ઓરડો જેમાં શબ્દોનાં ઉઝરડા છે

ઓરડો જેમાં વેદનાની બારીઓ છે

ઓરડો જેમાં આંસુનાં તોરણ છે

ઓરડો જેમાં જખ્મોના ઝૂમર છે

ઓરડો જેમાં અવિશ્વાસની જાજમ છે

ઓરડો જેમાં જુઠાણાંનાં છિદ્રો છે

ઓરડો  જેમાં કટાક્ષોના કાણાં છે

ઓરડો જેમાં માંદગીઓ અપરમપાર છે..

આવાં ઓરડામાં બેઠી હતી

આવાં જુનાં ઓરડામાં

અને દ્વાર પર એક ટકોરો થયો

ત્યાં ચહેરા વગરની એક વ્યક્તિ ઉભી હતી

આવવું  છે?આમ તો હું કોઈની રજા લેતો નથી.

ક્યાં?

આ ઓરડો છોડી નવાં ઓરડામાં?

એ ઓરડામાં પ્રેમ છે

વ્યથા નથી ઉઝરડા નથી

જુઠ નથી અવિશ્વાસ નથી

આંસું નથી જખ્મ નથી

કટાક્ષો નથી અને કોઈ માંદગી નથી

કોઈ દુખ નથી

આ ઓરડાની બારીમાંથી ઉઘડતાં પુષ્પો અને

મહેકતો બગીચો છે અને લહેરાતાં ખેતરો

અને વળ ખાતા ઝરણાં અને સુંદર પહાડો

રંગબેરંગી પંખીઓ

મીઠાં પાણીના સાગર

મોતીની રેત…મોટા મોટા વિશાળ

પૃથ્વી જેવડા મકાનો જેમાં શ્વાસ રૂંધાય નહી

એમાં એક ઓરડો

અને જ્યાં બસ ફ્ક્ત

પ્રેમ પ્રેમ પ્રેમ છે !!

આવવું છે?

અને હું ચુપચાપ

એ ચહેરા વગરની વ્યકતિનો

મુલાયમ હાથ પકડી

સાથે નીકળી પડી.

સપના વિજાપુરા


વેદના

વેદના કારમી જીરવી હશે
ભાવના કેટલી  રૂંધવી હશે
રાતમાં સાવ  છે અંધકાર બસ

સૂર્યની વાટ તે ઓલવી હશે.

સપના વિજાપુરા

વિડઝ

મૂળમાંથી વાઢી નાખ્યું

ખરું કર્યુ મૂળમાંથી કાપી કાઢ્યું

દિલ એ જ લાયક હતું

પ્રેમનું સિંચન પામીને

પાંગરવા માંડે,

ફળવા ફૂલવા માંડે,

વિડઝની જેમ વધવા માંડે,

સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું,

થોડું નફરતનું સ્પ્રે કરો,

હવે ફરી કદી નહીં પાંગરે!!

-સપના વિજાપુરા

છેલ્લી ઈંટ


અવિશ્વાસની

છેલ્લી ઈંટ આજે

મેં ભીંત ઉપર મૂકી

હવે આ હ્રદયનાં

અંધારાં ઓરડામાં

વિશ્વાસનું એક પણ

કિરણ પ્રવેશી નહિ શકે.

-સપના વિજાપુરા

બા

5-8-2010 12304 PM

આજે માતૃદિને બા તારી યાદ ખૂબ આવી બા જોતું પાસે હોત તો તારાં હાથ ચુમત અને કહેત જનનીની જોડ સખી નહી જડે..આપણી વચે ઘણુ કહેવાનુ રહી ગયું.હું પરદેશ આવી અને તારા પ્રેમાળ સાયાથી દૂર થઈ ગઈ.આજે એટલુ કહું ..કદી કહ્યુ નથી અને કહેવાની જરૂર પણ ન લાગી..હાથ જોડીને કહું..તારાં ઋણ નહી ઉતારી શકું..બા  જો જન્ન્ત સુધી મારાં સલામ પહોંચે તો ઓ ફરીશ્તાઓ મારી માને એટલું કહેજૉ તારી લાગણીની ભીનાશ હજું પણ મધુરપ ફેલાવે..
સપના

આજ પણ

કલેજામાં કરવત ચલાવે,

જૂનાં સાડલામાં વિંટળાયેલુએ દુબળુ શરીર

અનેએ શરીર પર પડેલા છાલાં,

લાચાર આંખોમાં થીજેલા બે આંસું,

કેટલું બોલવા ઈચ્છે પણ

ન બોલી શકતા તે સુકા હોઠ,

અઢળક મમતા ભરી આંખો..

શું બોલી?

-સપના વિજાપુરા

ચાંદ

મારી ચોરસ બારીમાંથી
એ ડોકિયા કરે
અડધી રાતે મારી સાથે
આંખ મીંચામણા કરે
એની શિતળતા મને ભીંજવી નાખે
હું આંખો બંધ કરીને
એની શિતળતામા મહાલુ
ધીરે ધીરે એ મારી બારીમાંથી ખસી ને
બીજાંની બારીમાં જાય..
તો પણ હું રાત પડવાની રાહ જોઉં
કે ક્યારે એ મારી બારીમાંથી ડોકિયું કરે.
ચૌદ દિવસે એ પુરો ચહેરો બતાવે..
હવે એને ઘટતા ઘટતા નખ જેવો બનતા જોઉં
અને અમાસમાં એને આકાશમાં શોધુ
મારી બેચેન આંખો સિતારાઓને પૂછે” ક્યાં રહી ગયો”?
ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે
ફરી તારાં પૂર્ણ થવાની રાહ જૉઇશ વ્હાલમ..

-સપના વિજાપુરા

તારી યાદ

સવારનાં આછાં અજવાળાંમાં
ટપ ટપ વરસાદની બોછાર..
ટપ ટપ લય, તારા લયબધ્ધ
અવાજની યાદ આપે,
અને દરેક  ટીપાંમાં
એક ચહેરો ઉપસી આવે..
પંખીઓ ભીની પાંખો સંકોરી,
વૃક્ષોમાં સંતાતા ફરે,
હું પથારીમાં પડી,
કોરાં સપનાં જો્યા કરૂ
હું મારાંમાં અદ્રશ્ય થવાની
કોશીશ કરું.
આ વરસાદની બોછાર
ઝરમર ઝરમર ધરતી પર
એમ વરસે જેવી રીતે
તારી યાદ મારાં હ્રદય પર
વરસીને મને ભીંજવી નાખે,
તારી યાદ અને વરસાદ..
બન્નેમાં ભીજાવું મને ગમે..

-સપના