Category Archives: ગઝલ

ઈદ છે

દુઆ માટે ઉઠાવો હાથ આવી ઈદ છે
ગળે લાગો રસમ છે જગની ને આ રીત છે

ના ઊઠું  દ્વારથી તારાં બક્ષી દે તું ગુનાહ
ખુદા છે તું તો હું  છું અબ્દ,  મારી જીદ છે

ક્ષમા આપી હ્ર્દયને સાફ કર તું આજ તો
હ્ર્દયને હાર તું ઈશ્વર કને મોટી જીત છે

હવા આદમ નથી દુનિયામાં પણ હા એમનું
હવાઓમાં લહેરાતું  હજું પણ ગીત છે

મહેંદી રંગ લાવી હાથની મારાં ઓ પ્રિય
મહેકી છે નયનથી જેનાં એ મનમીત છે

કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
છબી છે એમની આંખોમાં, મીઠી દીદ છે

ખુદા તારાં  અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે

હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
શરિરની પણ બનાવટમાં જગત વિસ્મીત છે

સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
ઉછળતાં દરિયા ને આ ચાંદની પણ ચકિત છે

છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર  મને તુજથી પ્રીત છે

બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
ગયાં શ્રોતા તો કંટાળી આ કોઈ રીત છે?

સપના વિજાપુરા

૮-૨૯-૧૧

તડપાવી ગઈ

યાદ આવી આજ તડપાવી ગઈ
લો ઉદાસી સાંજ આ લાવી ગઈ

પ્રેમની નાજુક ઘડીને સ્પર્શ એ
ચાંદની આ રાત મમળાવી ગઈ

છે નશો વાતાવરણમાં એમનો
એ નજર સપનાંને બહેકાવી ગઈ

આવવું તારું નક્કી ન્હોતું  છતાં
આ હવા કેમ દ્વાર ખખડાવી ગઈ

આવવાના એ નથી ,ના આવશે
ક્ષણ સરકતી એ સમજાવી ગઈ

છે ખબર સ્વભાવ ભ્રમરનો છતાં
આ કળી જીવન ય લૂટાવી ગઈ

આખરી છે શર્ત જીવનની તો પણ
મોતને ‘સપના’ તો દીપાવી ગઈ

સપના વિજાપુરા૮-૧૯-૨૦૧૧

શ્વાસમાં


 

માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.

હા,પ્રાણ વાયુ ફેફસામાં પૂરે હજી,
હેતાળ વડલો,લીમડો એ શ્વાસમાં.

એ હાથ ખરબચડા, ચહેરા મીઠડાં,
છે યાદ એ વા’લા નયન ઊજાસમાં.

રગરગ વહે ગંગા ,અધર ઝમઝમ ભર્યા,
ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?

આવે ભવાની યાદ,દરિયાનો એ તટ,
રેતી તણા કિલ્લા ગયાં બસ હાસમાં.

દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)


સપના વિજાપુરા

૮-૧૫-૨૦૧૧

જિંદડી નીકળી ગઈ

બહુ  કીમતી  એ ઘડી નીકળી ગઈ
હતી પળ બે પળ જિંદડી નીકળી ગઈ

દિવસ થાય ને રાત આવે અહીં તો
કે મહિના વરસની લડી નીકળી ગઈ 


ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
ખરી ને બધી પાંદડી નીકળી ગઈ

હતી ગોદ પર્વત તણી પળ બે પળની
વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ

કરી મેં સિતારાને તારી ઘણી વાત
નયન આંસું લૈ રાતડી નીકળી ગઈ

ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
મગજથી લો બારાખડી નીકળી ગઈ

મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
હવા એમને બસ અડી નીકળી ગઈ

નહીં આજ ‘સપનાં’ નહીં જોઉં તારા
કરી જીદ બસ આંખડી નીકળી ગઈ

સપના વિજાપુરા

૭-૨૭-૧૧

ક્યાંથી આવી?

મિત્રો,

આ ગઝલના મક્તાથી એવું ના માની લેવુ કે સપના સાઠની થઈ ગઈ..હા…હા..હા..પણ સોળને સાઠ્ની વચે ક્યાંક ..છું  અને હા અનુમાન કરી શકો છો!!તમે સાચાં પણ હો!!હા હા હા..અને હા મેં સાભળ્યુ છે..age is matter of mind…તો ચાલો આજની ગઝલ મ્હાણીએ..

આ ઉદાસી ક્યાંથી આવી?
એક ધારી ક્યાંથી આવી?

જિંદગી તો હસતી’તી ને
આ સુનામી ક્યાંથી આવી?

નામ મોટું તેનું જગમાં
આ નનામી ક્યાંથી આવી?

ચાંદ જોયા ને વરસો થ્યા
આ રવાની ક્યાંથી આવી?

મજનુ લયલા તો જૂના થ્યા
આ કહાની ક્યાંથી આવી?

હાર માની જ્યાં મૃત્યુથી
જિંદગાની ક્યાંથી આવી?

સાઠની સપના થૈ!!લેખન..
આ જવાની ક્યાંથી આવી?

સપના વિજાપુરા
૩-૩૦-૧૧

ધરતીનો છેડો ઘર


મિત્રો,

ભારતની યાત્રા કરીને આવી..તો મારાં હમસફર મારાં જીવન સાથીને મળવા મન ખૂબ ઉત્સુક હતું..વલીભાઈ મને મળવા આવેલા અને અચાનક આ પંક્તિઓ સુઝી ગઈ..મે એમને ત્યાં જ આ પંક્તિઓ સંભળાવી..અને ઘરે આવીને આ ગઝલ પૂરી કરી…મારાં પતિને આ ગઝલ સપ્રેમ ભેટ કરું છું..કદાચ એમાં ચમત્કૃતી નહીં દેખાય પણ સ્નેહ ભરપૂર છે…મારં પુત્ર માટે પણ વાત્સલ્ય છે..તમારા બન્નેની ખૂબ જ  યાદ આવી …


ઘર ઘર ઘર ધરતીનો છેડો ઘર છે
મન મન મન પ્રિયને મળવા તત્પર છે

યાદોનાં દીપક સળગે છે દિલમાં
તર તર તર મારી આંખો પણ તર છે

અંતર ઘટતા ધીરે ધીરે આ તો
ઘટ ઘટ ઘટ ઘટના નાં આ અવસર છે

છે સંબંધો નાજુક ફૂલો જેવાં
નવ નવ નવ દિલમાં ચાહત નવતર છે

સ્મરણ તારું મનને મીઠું કરતું
મધ મધ મધ જેવો  છોરો જીગર છે

‘ સપના’ જો જે અટકે ના તારાં શ્વાસ
પળ પળ પળ  તેનું આંખોમાં દર  છે

સપના વિજાપુરા
૨/૨૭/૨૦૧૧

વફાદારી


મિત્રો,

हर कब्रसे ‘मुल्ला’ यहीं आवाज़ आती है
आगाज़ कोई भी हो अन्ज़ाम यहीं है!!

આજ આ ગઝલ મારી પ્રિય મિત્રને અર્પણ કરું છું. લખવા બેઠી ત્યારે હતું કે આમ લખીશ તેમ લખીશ..પણ શબ્દો રુંધાયાં છે..ડૂસકાં અટકી ગયાં છે..હું ભારતનાં પ્રવાસે ગઈ એ પહેલાં આબેદાની સાથે વાત કરીને ગઈ હતી.અને હું ભારતથી આવી એટલે મને સંદેશો મળ્યો કે આબેદા હોસ્પીટલમાં છે એને સારું નથી હું આવી એજ દિવસે હોસ્પીટલ ગઈ આબેદાને બેભાન પડેલી જોઈ મને આઘાત લાગ્યો.દુઆ કરવા લાગી પણ ડોકટરે આશા છોડી દીધી.લાઇફ સપોર્ટ કાઢી નાખ્યો અને આબેદા ગઈ કાલે આ ફાની દુનિયા છોડી ગઈ.

આમતો દુનિયામાં લાખો લોકો રોજ મરે છે..ઇરાક પાકિસ્તાન પ્લેસ્ટાઈન એ સીવાય ઘણાં કુદરતી મોતે પણ મરે છે.પણ જેનાં ઘરમાં મોત આવે છે એ ઘર પર આસમાન તૂટે છે..આબેદાના ઘર પર આસમાન તૂટ્યું.મને શબ્દો નથી મળતા.આજે જ્યારે ્કબ્રસ્તાનમા લાખો મણ માટીની નીચે એને દબાતા જોઈ એક આહ નીકળી..હવે આબેદા રુહ નથી ..સામાન બની ગઈ જેને લોકો કબરમાં મૂકે અને માટી નાખી દે..અલ્લાહ એના આત્માને શાંતિ આપે અને જન્નતમા આલા દરજ્જા આપે..અને ઘર વાળા અને મિત્રોને દુખ સહન કરવાની તાકાત આપે..

सुने जाते न थे तुमसे मेरे दिन रातके शिकवे
कफन सरकावो मेरी बेजुबानी देखते जाओ..

આ ગઝલમાં ભૂલો હોય તો સુધારવા મિત્રોને પ્રાર્થના..

જિંદગી સાથે તે ગદ્દારી કરી
મોતની સાથે વફાદારી કરી

સૌ સગાં જોતા રહી ગ્યાં તાકતા
છોડવા દુનિયા તેં તૈયારી કરી

જોર ક્યાં ચાલે ખુદા તારી ઉપર
રૂહ લેવામાં  તે મુખત્યારી કરી

સાથ વરસોનો તું છોડી જાય છે
એકલા થૈ ગ્યાં અમે કારી કરી

હાર માની છે તબીબોએ હવે
હાથ જોડી આજ નાદારી કરી

જિંદગી આ કેટલી ટૂંકી છે પણ
કેટલી તે તારી ને મારી કરી..

લો હવે ‘સપના’થઈ છે એકલી
રાતભર જાગી ને  બેદારી કરી..

સપના વિજાપુરા

વ્હાલું


વ્હાલી વ્હાલી  સંબોધી વ્હાલુ  બોલે છે
શબ્દો મધમાં મારી મારીને  તોલે છે

જાણું  જુઠ્ઠું એ સાચાં જેવું બોલે છે
તો પણ એ  સાંભળતા મન મારું ડોલે છે

ખંજર , કરવત  કે તીર નથી હાથોમા
પણ
આંખોથી હોલે હોલે દિલને છોલે છે


ખામોશીમાં બોલે છે આંખો તોફાની
મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

‘સપનાં’માં મારાં સાજન આવે છે  તેથી
આંખો મારી  મદનાં પ્યાલાઓ ઢોળે છે

સપના વિજાપુરા

તે કેટલો સુંદર હશે!!!

અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!
વ્યોમની એ તો પરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને
પ્રીત પર્ણોથી ઝરી તે કેટલો સુંદર હશે!

ઓસ થી ફૂલો મહેંકે ભાન ભમરા ભૂલતા
કૂમળી કળીઓ ડરી તે કેટલો સુંદર હશે!

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!

લાલ પીળાં રંગબેરંગી જો પંખી શોભતા
ગાન લેતા મન હરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું
કૈં તપસ્યાઓ કરી તે કેટલો સુંદર હશે!

ઘૂઘવાતો ઉદધિ જો ગાય ગાથા શ્રેષ્ઠની
ઓ નદી જા જળ ભરી તે કેટલો સુંદર હશે!

ઝળહળે આકાશ આખું સૂર્ય લાલી માં થકી
સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

સપના વિજાપુરા

 

હોય છે


મિત્રો,
આપ સર્વને નવા વર્ષની શુભકામના…

આજે એક ગઝલ મારાં બ્લોગમાં મૂકું છું..આ ગઝલ હું મારાં બ્લોગનાં મિત્રોને અર્પણ  કરું છું. આશા રાખું કે આપને  ગમશે..આ સાથે થોડાં સમય માટે હું ભારતનાં પ્રવાસે જાઉં છું.હું પૂરતાં પ્રયત્ન કરીશ કે ત્યાંથી પણ મારો બ્લોગ અપડેઈટ કરું અને મારાં મનમાં આવેલી ભાવના અને સ્ફુરણા આપની સમક્ષ રજુ કરું ..આપની પાસે દુઆની ગુજારીશ છે..સપના

દુખમાં જે સાથ દેતા હોય છે
એજ દોસ્તીને સમજતાં હોય છે
બેવફાઈ તો છે કરનારા ઘણાં
હા, વફા કરનાર થોડાં હોય છે

દુખ સ્વજનથી જ મળતાં હોય છે
ક્યા હ્રદય  પરજન રહેતાં હોય છે

ઓસથી ન્હાતાં બધા ફૂલો જુઓ
હર્ષથી એ પણ તો રડતા હોય છે

ચાંદ જોઈને સતત રડતા ચકોર
ચન્દ્રમાંને ક્યાં એ મળતા હોય છે

ભાગ્યમાં શું છે થવાનું શી ખબર?
હોંશથી વર, ઘોડી ચડતા હોય છે

ભોળપણનો લાભ ઊઠાવે છે જે

એમનાં દિલ ખૂબ ડસતા હોય છે
 મૌનની ભાષા સમજતો પણ નથી
બંધ આંખે દિલેય ગળતા હોય છે

રોજ સપના જોઉં છું હું એટલે
એ હકીકતમાં બદલતાં હોય છે

હોય મક્તામા ભલે સપના રડી
આ ગઝલ વાંચી તે હસતા હોય છે

સપના વિજાપુરા