24 Sep 2016

આવજે

Posted by sapana

રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.

શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.

ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.

એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.

આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.

– હરદ્વાર ગોસ્વામી

પ્રિયતમાની પ્રતીક્ષા ફક્ત આંખો અને દિલ જ નથી કરતું!! પણ આસપાસની દરેક વસ્તુઓ ઈન્તેઝારમાં લાગી જાય છે. પ્રિયતમાને વિનંતી કરતાં કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી કહે છે કે રાહ જોતા આંગણા છે આવજે, અને બારણા પણ ખુલ્લા છે આવજે. શું શું ઈન્તેઝાર કરે છે? હ્ર્દયની શૂન્યતા, આંસું ને શાયરી કેટ કેટલાં કારણ આપે છે કવિ એનાં આવવા માટે!!સઘળા રસ્તા આપણાં છે એ તને ઘેર લઈ આવશે. એકદમ સરળ ભાષામાં પ્રિયતમાને આવવાના રસ્તા બતાવે છે.કોઈ કવિની કલ્પના જ કહી શકે કે આ ધ્રૂકજતા તાપણાને હૂંફની જરૂરત છે.મક્તાના શેરમાં આંખ ઊભડક હોંઠ અક્કડ અને મૌન મન આ બધી કદાચ અંતિમ કાળની નિશાની હશે શ્વાસની ગતિ પણ સો ગણી,હવે તો આવજે.ઉત્સુકતાથી આમંત્રણ આપતા કવિ સરળ રસ્તા બતાવ્યા અને દરેક કારણો પણ બતાવ્યા કે શા માટે તું આવજે કવિની કલ્પના કહે છે કે ધ્રૂજતા તાપણાને તારી હૂંફની જરૂર છે.કવિની આ ગઝલ રોજની પ્રતીક્ષાથી અંતિમ પળ સુધીના ઈન્તેઝાર સુધી લઈ જાય છે,અને આપણને પણ પ્રતીક્ષામાં મૂકી દે છે. એટલી સરળ અને સચોટ ગઝલ!
સપના વિજાપુરા

Leave a Reply

Message: