17 Jan 2012

શક્યતા નથી

Posted by sapana

રસ્તે  ફરી મળાય હવે શક્યતા નથી
આંખોમાં રાત જાય હવે શક્યતા નથી

ફૂલો બહારમાં ય સુકાયા છે બાગમાં
લીલા ફરી થવાય હવે શક્યતા નથી

અંતર થયા અમાપ ઊભા આપણી વચે
દિલથી ફરી મળાય હવે શક્યતા નથી

આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
પાછા ફરી જવાય હવે શક્યતા નથી

પહેરા અહીં વિચાર ઉપર રોજ હોય છે
મારી ગઝલ લખાય હવે શક્યતા નથી

દરિયો અફાટ છે દુખનો આપણી વચે
એ પાર શે જવાય? હવે શક્યતા નથી

છૂટા પડી ગયા અમે કે જિંદગી તો શું
‘સપના’માં પણ મળાય હવે શક્યતા નથી

સપના વિજાપુરા
૧-૧૨-૨૦૧૨

Subscribe to Comments

18 Responses to “શક્યતા નથી”

  1. દિલથી ફરી મળાય હવે શક્યતા નથી…

    છૂટા પડી ગયા અમે કે જિંદગી તો શું
    ‘સપના’માં પણ મળાય હવે શક્યતા નથા
    વાહ્…

     

    bhavesh

  2. ખૂબ સુંદર.

     

    ધૃતિ મોદી.

  3. આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
    પાછા ફરી જવાય હવે શક્યતા નથી
    સાચું કહ્યું સપનાબેન,ગમ્યું.

     

    himanshu patel

  4. ગઝલ બહુ સરસ લખાઈ છે. એકલતાની વ્યથાનું સરસ ચિત્રણ છે.

    આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
    પાછા ફરી જવાય હવે શક્યતા નથી

    માફ કરજો .. આની સાથે હું સહમત મથી થઈ શકતો. કદાચ દેશમાં માણસ ઘણો વધારે ખોવાઈ ગયો છે. અને પશ્ચિમના અનુકરણની દ્ટમાં ફરી પાછો વળે એમ લાગતું નથી.

     

    સુરેશ જાની

  5. સપનાબેન,
    ગઝલ સુંદર થઇ છે, છન્દ પર હથોટી આવતી જાય છે,

    આ વધુ ગમ્યું….
    ફૂલો બહારમાં ય સુકાયા છે બાગમાં
    લીલા ફરી થવાય હવે શક્યતા નથી

     

    અશોક જાની 'આનંદ'

  6. ગઝલના તમામ શેર સરસ થયા છે. અર્થસભર. અભિનંદન સપનાબેન.

     

    Heena Parekh

  7. સરસ રચના,
    સપનાબેન.તમારી વાત સાચ્ચી લાગે છે.
    વીદેશ માં આવ્યા પછી કદાચ મન હોવા છતા પાછુ વળાતુ નથી,
    કારણ કંઇ પણ હોય…

     

    urvashi parekh

  8. સુંદર રચના…

    ‘વચે’ જેવો શબ્દ પ્રયોગ બને ત્યાં સુધી ટાળવો…

    કુશળ હશો..

     

    વિવેક ટેલર

  9. રસ્તે ફરી મળાય હવે શક્યતા નથી
    આંખોમાં રાત જાય હવે શક્યતા નથી…

    આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
    પાછા ફરી જવાય હવે શક્યતા નથી….

    ફૂલો બહારમાં ય સુકાયા છે બાગમાં
    લીલા ફરી થવાય હવે શક્યતા નથી

    ( સપનાઓના રોજ નવા નવા ફુલો ત્યારે ખીલતા હતા.. રોજ નીત નવા ગીતો બનતા હતા એ ફુલો અને તે ગીતો અમે વતનમાં છોડી આવ્યા છીએ. જાણે બાગમાં જ ફુલો મુરઝાયા ગયા છે અને ફરી હવે આવી શકાય તે શક્યતા નથી જેથી એ સપનાઓ ફરી તાજા થાય.. લીલા થાય તેવી શકયતા નથી..)

    અંતર થયા અમાપ ઊભા આપણી વચે
    દિલથી ફરી મળાય હવે શક્યતા નથી

    સપના વિજાપુરા…. આપની ગઝલ ખુબ સરસ છે

    સરસ.. રચના છે અને સરસ શેર છે એક બે શેર આગળ પાછળ થયેલા છે પણ ગઝલનો હાર્દ જાળવી રાખવામાં આવ્યો છે..

     

    RAJ PRAJAPATI

  10. સરસ ગઝલ છે…. પહેરા અહીં વિચાર ઉપર રોજ હોય છે
    મારી ગઝલ લખાય હવે શક્યતા નથી…..

    આવુ કહેતા જાવ છો અને રોજ સરસ ગઝલ લખતા જાવ છો… વાહ વાહ

     

    Narendra Jagtap

  11. Sapanaben “shakyata nathi” very nice poem…and shakyata nathi ke no body say your poem is not superb..!! if you get chance do visit my blog too…your precious comments will be very much appreciated.
    Rekha

     

    sapana

  12. Bahot Khoob ‘Sapna ma pan malai avi shakyata nathi’

     

    Shenny Mawji

  13. સુંદર ગઝલ માટે અભિનંદન સપનાબેન.
    આવી ગયા વિદેશ ઘણું માન પાન થયું
    પાછા ફરી જવાય હવે શક્યતા નથી

     

    Jagadish Christian

  14. ખુબ જ સરસ રચના બની છે દીદી. અભિનંદન …..

     

    PRASHANT

  15. સરસ ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.

     

    Pancham Shukla

  16. સુન્દર ગઝલ થઈ છે.

     

    dilip

  17. દરિયો અફાટ છે દુખનો આપણી વચે ( વચ્ચે )
    એ પાર શે જવાય? હવે શક્યતા નથી

    આપની ગ્ઝલ ગહન અને માર્મિક છે લખતા રહેજો સપનાજી…
    સૂરજ છે આભ છે ચાંદો અકેલે હૈ તો ક્યા ગમ હૈ …
    ફરી આપની ગઝલ વાંચવી ગમી…

     

    dilip

  18. સપનાબેન .. વિવેકભાઇની વાત સાચી છે….. ત્રીજા શેર મા ‘વચે’ ને બદલે ‘નજીક’ અને ‘આપણી’ ને બદલે ‘આપણે’ કરી જુઓ.. છંદ લય ભાવ … કશું જ નૈ બદલાય… અને છંતા શેર તંદુરસ્ત લાગશે.. આ મારું અંગત મંતવ્ય છે… બાકી સરસ ગઝલ… અભિનંદન…

     

Leave a Reply

Message: