« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

8 Sep 2014

સંબંધ

Posted by sapana. 7 Comments

Stitching_up_a_broken_heart_by_lexidh

ફાટેલાં સંબધોને
લાગણીનો
સોઈ દોરો લઈને
સાંધવા બેઠી
પણ સંબંધો એટલાં જર્જરીત હતાં
કે ફાટેલું સાંધવા જતાં
વધારે ફાટ્યું.
હવે લાગણી પણ
બુઠી સોઈ જેવી છે!!!
સપના વિજાપુરા

19 Aug 2014

વાગે છે

Posted by sapana. 6 Comments

sparrow

પ્રાણવાયુ કેમ ઓછો લાગે છે?
ઝાડને શું ઘા ફરીથી વાગે છે?

બારણે બેસી રહે છે ચકલી પણ
વૃક્ષની ખુશ્બુ અહીં પણ લાગે છે

ફૂટનારી છે ફરી લીલી કૂપળ
વૃક્ષ જુનાં વસ્ત્ર તેથી ત્યાગે છે

ઓરડે એકાંતમાં માં ગુજરી ગઈ
હાર ફૂલોનાં દિવાલે ટાંગે છે

મન નથી મળતાં જરા પણ જેના એ
આજ બંધાયેલ એક જ ધાગે છે

ચાંદ તો ચોકી કરે છે સૂરજની
એની પાછળ રોજ જુઓ ભાગે છે

કોઈએ ચોક્કસ વચન આપ્યું લાગે
કોણ આખી રાત ખાલી જાગે છે

કોઈ ‘સપના’ બસ ફકત જોવા માટે
 એ  મન જ ક્યાં પૂરાં કરવાં માંગે છે
સપના વિજાપુરા

5 Jul 2014

મજા જો

Posted by sapana. 9 Comments

sajda sujuda wallpapers

અહમ દે તું છોડી પછી જીવવાની મજા જો
ખુદાને જા ઝૂકી પછી જીવવાની મજા જો

કિનારે રહીને તું છબ છબ ન કરતો સખારે
નયનમાં જા ડૂબી પછી જીવવાની મજા જો

કરી હાથ પર હાથ ખોલી દે તું દ્વાર દિલનાં
ખુશી દે વહેંચી પછી જીવવાની મજા જો

નશો આપવાનો અને ચાહવાનો છે કેવો
હ્રદયને દે સોંપી પછી જીવવાની મજા જો

ઓ ‘સપના’ નથી સાચની કોઈ કીમત અહીં તો
જા જૂઠાથી જીતી પછી જીવવાની મજા જો

સપના વિજાપુરા

29 Jun 2014

વરસાદ

Posted by sapana. 4 Comments

girl in rain

વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું
વાલમ તને સમ છે હું તો ઘરમાં નહીં આવું

ભીંજવે મન અને તન મારું ભીંજવે ભીંજવે
ઉંબરે ઊભો ઊભો તું કદી નહી જ સમજે
બાળપણ મારું આવે ફરી ફરી મારે આંગણે
ભીની ચૂંદડી મારી સરક સરક સરકે

ઢગલા ભરી વ્હાલનાં હું તારી કને લાવું
વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું

પંખીડા કેવાં સૂરમાં ગાતા ને હરખાતા
વાછટમાં એ વ્હાલા કેવાં ભીંજાતા હરખાતાં
કોરા કેમ રહી ગ્યા મારી આંખનાં સપનાં
છટપટ પ્રીતનાં બાણ પણ હવે ના વાગતાં

આંખ્યુંથી હું તો ઢગલો ભરીને આંસુડા ઢોળૂં
વરસાદને મૂકીને હું તો ઘરમાં નહીં આવું

સપના સપના

20 Jun 2014

એક સપનું

Posted by sapana. 5 Comments

Tear of Gratitude

એક સપનું વાસી!!
કરમાયેલા ફૂલ જેવું
ખીંટીં પર લટકતાં
વપરાયેલા રૂમાલ જેવું
વપરાયેલાં સાબુની પતરી જેવું
ફ્રીજમાં રાખેલી વાસી રોટલી જેવું
વીતી ગયેલા દિવસ જેવું
કેલેન્ડરનાં ગઈ કાલનાં
ડૂચા કરેલાં કાગળ જેવું
ડસ્ટબીનમાં પડી
ડૂસકા લે છે…
સપના વિજાપુરા

15 May 2014

નડીને શું કરું

Posted by sapana. 5 Comments

Tear of Gratitude

પ્રેમ ના હો તો નડીને શું કરું?
ને સમય સાથે લડીને શું કરું?

મુલ્ય આંસુંનું અહીં પાણી જ છે
લોક સામે હું રડીને શું કરું?

ઓળખી હું ના શકી જો જાતને
આખી દુનિયાને જડીને શું કરું?

મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો
બોલ સજદામાં પડીને શું કરું?

આવવાનું કોઈ વચન આપ્યું નથી
રોજ સપને આખડીને શું કરું?
સપના વિજાપુરા

30 Apr 2014

સૂરજને ને મારે આડું પડ્યું

Posted by sapana. 7 Comments

images

સૂરજને ને મારે આડું પડ્યું
વ્હાલાએ આવવાનું  પાછું ઠેલ્યું
કાળુ વાદળું એવું ધમ ધમ વરસ્યું
માળુ જાણે માથે આભલું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું

અંતર કાંપે મારું પાંદડું જાણે
મન મારું વળ્યું કોકડું જાણે
વાદળાની આંખમાં તણખું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું

વ્હાલો એવો મારો ગયો સીમમાં
સૂરજ નખ્ખોદિયો દેખાણો આભમાં
વ્હાલાને મારે ભવનું છેટું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું.
સપના વિજાપુરા

30 Mar 2014

હિર્ણકશ્યપ

Posted by sapana. 3 Comments

Hirnayakashyap_color

હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ?
એને તો વરદાન મળ્યું
તને કોઈ નહીં મારી શકે
ન ઘરમાં ન બહાર
ન રાતના ન દિવસના
ન તલવારથી ન ભાલાથી
હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ?
ન ઘરમાં ન બહાર
ન દિવસના ના રાતના
ન ભાલાથી ના તલવારથી
હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..
શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે?
સપના વિજાપુરા

21 Mar 2014

અભિમાન શું?

Posted by sapana. 6 Comments

old-age

આપ્યું તને ઈશ્વરે જો રૂપ એમાં વળી અભિમાન શું?
જોબન જવાનું છે ને નહી આવે ફરી અભિમાન શું?

ફીરોન કે રાવણ ઘડીની બાદશાહત એમની
નાનો કે મોટો ધૂળમાં મળશે એક’દી અભિમાન શું?

દોલત હો કે એ શોહરત સાથી છે પળભરની અહીં
કાંઈ કબરમાં સાથ તો આપે નહીં અભિમાન શું?

છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને
એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું?

કાળા મજાના કેશ લહેરાતા સુગંધીદાર છે
એ કાલ ધોળા થઈ, જશે દર્પણ ડસી અભિમાન શું?

ભક્તિ કરે પંડિત અને મસ્જીદ જાયે મોલવી
ખોટો નથી કોઈ ધર્મ ભજ અલ્લાહ હરી અભિમાન શું?

મશહૂર ‘સપના’થઈ ગઈ છે આપની તો પ્રીતમાં
સપનું હતું જે આંખનું ગયું છે ફળી અભિમાન શું?
સપના વિજાપુરા

10 Mar 2014

નિહાળુ છું

Posted by sapana. 7 Comments

200355364-001

નયનને બંધ રાખીને નિહાળુ છું
ખુદાને એમ મારામાં જ પામું છું

હું સીક્કા પ્રેમનાં બે ચાર રાખું છું
કોઈ ભૂખ્યાને જોઈને ઉછાળું છું

છો ઉગતા સૂર્યની પૂજા કરે લોકો
હું તો બસ ડૂબતા જણ ને બચાવું છું

જખમ ક્યા કેટલા મળ્યા ને કોનાથી
હિસાબ એનો થશે એવું હું માનુ છું

નયનમાં તો રહો સપના તણી વ્હાલા
નજરના નીરમાં ‘સપના’ પલાળું છું
સપના વિજાપુરા