31 Mar 2020

નડવું નથી

Posted by sapana

કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી
ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી

હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ
કોઈ નજીવી વાતમાં મારે હવે  લડવું નથી

સ્મિતને   મુખ પર મઢાવી રાખજો વ્હાલા તમે
 આંખનું આંસું થઈને  ગાલ પર દડવું નથી

આપની આ રેશમી પલકોમાં છૂપાવો  મને 
આ જગત શોધ્યાં  કરે મારે હવે જડવું નથી

જૂઠ મીઠું હોય છે , કાનો ને ગમતું હોય છે
પણ ગળે જો ઊતરે આ સત્ય પણ કડવું નથી

હાથ જોડી સર્વની માફી હું માંગું , એ  પ્રભુ 
નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી

ઓહ ‘સપના ‘ માર્ગથી એના હટી જા  આજ તો
કોઈને પણ આપણે પથ્થર બની નડવું નથી
સપના વિજાપુરા

Leave a Reply

Message: