16 Apr 2020

ખમ્મા

Posted by sapana

કે ખમ્મા નજરની ભલામણને ખમ્મા,
ઝરે આંખથી એ રસાયણને ખમ્મા.

છે તારા સ્મરણની અસર કેવી નોખી !
જીવાડે છે એવા આ મારણને ખમ્મા.

સહજ થઈ સમજની ગલી છોડી દીધી,
પછી મેં કહ્યું મારી સમજણને ખમ્મા !

લખું છું, ભૂંસુ છું, ફરીથી મથું છું
ગઝલ જે કરાવે મથામણને ખમ્મા.

– શબનમ

યુવા કવયિત્રી શબનમ ખોજા ચોટદાર ગઝલ આપે છે. કાઠિયાવાડી અથવા રાજસ્થાની શબ્દ છે ‘ખમ્મા” આ શબ્દ ઘણી વાર વાપરવામાં આવે છે. જ્યારે દરબાર બેઠાં હોય અને કોઈ ની પ્રશંસા કરવાની હોય તો પણ ઘણી ખમ્મા બોલાય છે. અને ક્યારેક આશ્વાસન આપવા માટે આ શબ્દ વપરાય છે. અને ક્યારેક ગ્રીટિંગ્સ માટે વપરાય છે. માફ કરી દેવા માટે પણ વપરાય છે. કવયિત્રી શબનમેં રદીફ તરીકે ખમ્મા લઈને ઘણી વાતોને ખમ્મા કરી છે। ચાલો જોઈએ દરેક શેર શું કહેવા માગે છે.

મત્લા ના શેર માં નજરથી થતા ઈશારા કે પછી આંખથી થતી ભલામણ ને ખમ્મા। ઘણી વાતો છાની છૂપી થતી હોય છે, એ ઇશારાને સલામ અથવા ખમ્મા। ઘણીવાર જબાનથી બોલવાની જરૂર પડતી નથી આંખના ઇશારાથી સલામ થાય છે. અને આંખમાંથી જે આંસુ ઝરે છે એને ખમ્મા, આંસુને પણ સલામ થતા હોય છે સલામ એ એક ગ્રીટિંગ્સ નું રૂપ છે. બીજા શેર માટે ગાલિબનો શેર યાદ આવે છે કે “મહોબતમેં નહિ ફર્ક જીને ઔર મરનેકા, ઉસીકો દેખકે જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે ” હા સ્મરણની પણ કેવી અસર હોય છે, જેની યાદ માં મરતા હોઈએ એજ મારણ જીવાડે છે. પ્રેમમાં વળી સમજણનું શું કામ? સમજ ની ગલી છોડી સમજણને ઘણી ખમ્મા કરી. મક્તાનો શેર ખૂબ સુંદર થયો છે, દરેક કવિની મથામણ બતાવી છે.લખું છું ,ભૂંસુ છું અને મથું છું, ગઝલ લખવા થતી મથામણને ખમ્મા!! વાહ કવિયત્રી મોટા મોટા દિવંગત કવિઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ!!

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “ખમ્મા”

  1. ગઝલ ગમી એટલે પ્રતિભાવ આપવાની ઈચ્છા થઈ છે.
    આખરી શેરમાં ‘જે ‘સાથે ‘એ’ ના અભાવે. “ગઝલની બધી આ મથામણને ખમ્મા” જેવું કંઈક વિચારી શકાય? પાંચ શેર થઈ શકે તો ઉત્તમ.

     

    પંચમ શુક્લ

  2. Good work

     

    Rakesh kumar a patel

Leave a Reply

Message: