16 Jun 2015

મળવા જેવા માણસ

Posted by sapana

સપનાનો વાણો અને સ્નેહનો તાણો,

બે નું ગુંથેલું જીવન જાણો’

આની કોરે રમણા ને પેલી કોરે ભ્રમણા,

વચ્ચે વહ્યા જાય જીવન જમના.

મિત્રો, ઉમાશંકર જોષીની આ પંક્તિઓની જેમ સપના(બાનુમા)બહેન વિજાપુરાની કવિતાઓ અને ગઝલોના તાણા-વાણામાંથી ઉત્તમ રચનાઓ નીકળે છે. હંમેશ મુજબ વર્ડ ફોર્મેટ અને ઈ-મેઈલ દ્વારા મોકલું છું, આપ આપના બ્લોગ્સમાં લઈ શકો છો.

મળવા જેવા માણસ-૪૫ બાનુમા (સપના) વિજાપુરા

17611_807958995956075_3485950168486297942_n

(બાનૂમા વિજાપુરાને આજે આપણે સપના વિજાપુરા નામે ઓળખીએ છીએ, એટલે આ પરિચયમાં હું એમનો ઉલ્લેખ સપના તરીકે જ કરીશ)

સપનાબહેનનો જન્મ ૧૯૫૩ માં ભાવનગર તાલુકાના મહુવા ગામમાં, છ બહેનો અને બે ભાઈયો વાળા  મુસ્લીમ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હતી. એમના પિતા મમુભાઈ મેટ્રીક સુધી ભણેલા. ગામમાં એમની રેડિયોની દુકાન હતી. એ સમયની મુસ્લીમ કુટુંબોની સ્ત્રીઓમાં ભણનારા ખૂબ જ ઓછા હતા, એટલે એમના માતા અશિક્ષિત હતા, પણ તેઓ શિક્ષણનું મહત્વ સમજતા, અને એટલે જ એમણે એમની બધી દિકરીઓને શિક્ષણ આપ્યું.

સપનાબહેનનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવાની એમ.એન. કન્યાશાળામાં થયું હતું. હિન્દુસ્તાનના ભારત અને પાકીસ્તાન એમ બે ભાગલા પડ્યા પછી, સપનાબહેનના નાના-નાની પાકીસ્તાન જતા રહેલા. ૧૯૬૪ માં સપનાબહેન કુટુંબ સાથે નાના-નાનીને મળવા પાકીસ્તાન ગયેલા. પાકીસ્તાનથી પાછા આવ્યા બાદ શાળાની એક શિક્ષીકાએ સપનાબહેનને પાકીસ્તાની કહ્યા. આનાથી નારાજ થઈ એમણે પ્રીન્સીપાલ પાસે જઈ ફરીયાદ કરી અને પ્રીન્સીપાલે શિક્ષીકાને ઠપકો આપ્યો, આમ બચપણથી જ એમને ભારતીય હોવાનો ગર્વ હતો જે આજ સુધી અકબંધ છે.

આઠમા ધોરણમાં એમણે એક ટેકનીકલ વિષય લીધેલો, જે એમ.એન.કન્યાશાળામાં ઉપલબ્ધ ન હોવાથી એમણે જે.પી.પારેખ હાઈસ્કૂલમાં દાખલ થવા અરજી કરી. આ શાળા માત્ર છોકરાઓ માટે જ હતી તેમ છતાં ખૂબ સમજાવટ બાદ એમને એડમીશન મળ્યું. આઠમાં ધોરણમાં પચાસ છોકરાઓ વચ્ચે આ એકલી છોકરી હોવાથી એમને ખૂબ મુંઝવણનો સામનો કરવો પડતો તેથી આખરે કંટાળી જઈ એ પાછા કન્યાશાળામાં આવી ગયા.

૧૯૭૧ માં સપનાબેને S.S.C. પરીક્ષા પાસ કરી, કે.વી. પારેખ સાયન્સ કોલેજમાં એડમીશન લીધું. એમની ઈચ્છા મેડીકલમાં એડમીશન લઈ ડોકટર બનવાની હતી, પણ પૂરતા માર્કસ ન મળવાથી મેડીકલમાં એડમીશન ન મળ્યું. નર્સીંગ કોલેજમાં જવાનો વિચાર કર્યો પણ એમના પિતાના મત પ્રમાણે એ સમયમાં નર્સની નોકરીને બહુ સારી ન ગણવામાં આવતી એટલે એ વિચાર પણ પડતો મૂક્યો, અને B.Sc. with Chemistry સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

૧૯૭૭ માં સપનાબહેનના લગ્ન અમેરિકા સ્થિત શરીફ વિજાપુરા સાથે થયા. શરીફ વિજાપુરા ફાર્માસીસ્ટ છે. એ સમયમાં ફાર્મસીની ડીગ્રીવાળાને ગ્રીનકાર્ડ સહેલાઈથી મળી જતું, એટલું જ નહિં પણ એમના પતિ અથવા પત્નીને પણ સહેલાઈથી ગ્રીનકાર્ડ મળી જતું. લગ્ન ભારતમાં થયા હતા પણ લગ્નબાદ છ મહિના રહી સપનાબહેન અમેરિકા આવી ગયા.

           

અમેરિકા આવ્યાબાદ સૌથી પહેલા એમને એક ફેકટરીમાં કામ મળ્યું. થોડા સમય બાદ એમને એક સ્ટોરમાં કેશિયરની નોકરી મળી. આ જોબ દરમ્યાન એક ગોરી સ્ત્રી એમની સાથે ખૂબ ખરાબ વ્યહવાર કરતી અને રેસિસ્ટ સ્વભાવની હતી. બચપણથી અન્યાય સામે લડી લેવાની વૃત્તિવાલા સપનાબહેને એને અદાલતમાં લઈ ગયા.

લગ્ન જીવનના તેર વર્ષોબાદ એમને ત્યાં પુત્રનો જન્મ થયો. બાળકને સારી રીતે ઉછેરી શકાય એટલા માટે એમણે દસ વરસ સુધી નોકરી ન કરી, જયારે દિકરો પૂરા સમયની શાળામાં જવા લાગ્યો ત્યારે એમણે બેંકની નોકરી સ્વીકારી, જે આજદિવસ સુધી ચાલુ છે. એમનો પુત્ર પણ અભ્યાસ પૂરો કરી, ફેસબુકમાં સોફટ્વેર એંજીનીઅર તરીકે નોકરી કરે છે.

સપનાબહેનને સાહિત્યનો શોખ તો નાનપણથી જ હતો પણ સંજોગો વશાત એ છૂટી ગયેલો. ૨૦૦૯ માં નાદુરસ્ત તબિયતને લીધે જીવનમાં થોડી નિરાશા આવી ગઈ હતી, અને એ દરમ્યાન મનમાં ચાલી રહેલા વિચારો કાગળમાં ટપકાવી લેતા. એમના દિકરાને એમને રસ્તો સૂઝાડ્યો, એણે “ખૂલી આંખના સપના” નામ આપી એક બ્લોગ બનાવી આપ્યો, અને એમના વિચારો આ બ્લોગમાં મૂકવા કહ્યું. બસ શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ વણથંભી ચાલુ જ છે. સપનાબહેન કહે છે, “એ મારી દવા છે, એજ મારી થેરાપી છે.”

શિકાગોમાં “શિકાગો આર્ટ સર્કલ” નામનું સાહિત્યનું એક ગ્રૂપ, જે અસરફભાઈ ડબાવાલા અને મધુમતી મહેતાની દોરવણી હેઠળ ચાલે છે, સપનાબહેન એમાં સક્રીય ભાગ લે છે. ૨૦૦૯ અને ૨૦૧૫ ના ગાળામાં એમના બે ગઝલ સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે, “ખૂલી આંખના સપના” અને “સમી સાંજના સપના”. સમીસાંજના સપનાનું વિમોચન શ્રી ખલીલ ધનતેનવી સાહેબના હસ્તે અમદાવાદ વિશ્વકોષ ભવનમાં થયું હતું. થોડા સમયમાં જ એમની એક નવલકથા પણ પ્રકાશિત થશે.

સપનાબહેન Print Media માં પણ સક્રીય છે. જન ફરિયાદ, અકીલા, ધ મેસેજ, ગુજરાત ટુ ડે, અને ગુજરાત ટાઇમ્સમાં એમના લખાણો પ્રગટ થાય છે. અખંડ આનંદમાં પણ એમની વાર્તાઓ આવી ચૂકી છે. ગુજરાતી સિવાય તેઓ હીન્દી અને ઉર્દુમાં પણ કવિતાઓ અને ગઝલ લખે છે. સપનાબહેને ઘણાં કવિસંમેલનોમાં ભાગ લીધો છે, ખાસ કરીને ફલોરીડામાં શ્રી દીનેશભાઈ શાહને ત્યાં પોએટ્રી ફેસ્ટીવલમાં શ્રી અદમભાઈ ટ્ંકારવી તથા શ્રી કૃષ્ન દવે સાથે કાવ્ય પઠન કરેલું..તે સિવાય હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતામાં, ઓસ્ટિનમાં,કે નેડામાં, તથા શિકાગોમાં શ્રી અદમભાઈ ટ્ંકારવી તથા શ્રી કૃષ્નભાઈ દવે સાથે ભાગ લીધેલો. શ્રી  અનિલ જોશી તથા ડો વિવેક ટેલર અને શ્રી રઈશ મણીયાર સાહેબ સાથે પણ કાવ્ય પઠનનો મોકો એમને મળ્યો છે. ભારતમાં, સુરતમાંગઝલ સાધનામંડળે એમને મુખ્ય અતિથિ તરીકે બોલાવેલા. જેમાં ભાવેશ ભટ્ટ સાથે અને પાલનપૂરમાં શ્રી મુસાફીર પાલનપૂરી સાથે કાવ્યપઠન કરવાનો મોકો મળેલો.

એમની કવિતાઓ અને ગઝલોનો આસ્વાદ લેવા તમારી એમના બ્લોગ્સ “ખૂલી આંખના સપના”.

અને http://kavyadhara.com

 http://kavyadhara.com/hindi

ની મુલાકાત લેવી પડસે. અહીં માત્ર તમને નમૂના ચખાડું છું,

એમની મૌલા નામની ગઝલમાં એ ખૂદાને કહે છે,

“બચે નિર્દોષનાં કતલથી દુનિયા
તું  ખંજરને  કલમ  કરી  દે મૌલા”

કેવી ઉમદા કલ્પના કરી છે, સપનાબહેને? અને પછી કરગરીને કહે છે,

“ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે
દુઆમાં, તું અસર કરી દે મૌલા”

બીજી એક ગઝલમાં તેઓ કહે છે,

“રહેશે    દ્વાર  ખૂલાં   સદા   તારી  પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન આપું”

છે ને “મેરા ઘર ખૂલા હૈ, ખૂલાહી રહેગા, તુમારે લિયે…”?

સપનાબહેન માને છે કે “પ્રેમ સૌથી મોટી લાગણી છે.. અને વિશ્વ એક કુટુંબ છે, તો જીવૉ અને જીવવા દોપ્રેમથી લોકોને જીતો તલવારથી નહીં, સૌથી મોટો ધર્મ માનવતાનો છે.”

સપનાબહેન પાસેથી આપણને હજીપણ વધારે સાહિત્ય મળતું રહે એવી શુભેચ્છા સાથે આ લેખ અહીં સમાપ્ત કરૂં છું.

-પી. કે. દાવડા

 

Subscribe to Comments

4 Responses to “મળવા જેવા માણસ”

  1. દાવડાજીએ તમારા વિષે વિગતે લખ્યું….વાંચી ખુશી,
    રમેશભાઈએ પણ પોસ્ટરૂપે મુક્યું તે વાંચ્યું હતું.
    ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
    >>>ચંદ્રવદન્
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben..Inviting you to my Blog to read a NEW POST.
    Hope to see you soon !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. માત્ર કવાયીત્રિ તરીકે જ ઓળખાતા મારા જેવા લોકોને તમારો પારિવારિક પરિચય અહીંથી સાંપડ્યો, તમારી ખુમારી અને લડાયક મિજાજ વિ.ની પણ માહિતી મળી.. ટૂંકમાં તમારી બધી લાક્ષણિકતાને આવરી લેતો પરિચય લેખ… ગમ્યો.. !

     

    અશોક જાની 'આનંદ'

  3. મોહક સ્મિત,સરળ સ્વભાવ અને સ્વપ્નીલ આંખો એટલે સપના.
    શ્રેી દાવડા સાહેબને અને સપનાને,બંનેને દિલથી ખુબ ખુબ અભિનંદન.

     

    Devika Dhruva

  4. દાવડા સાહેબે તમારો સુંદર રીતે પરિચય આપ્યો.
    તમે બંને અભિનંદનના હકદાર છો.

     

    Pravin Shah

Leave a Reply

Message: