18 Oct 2014

સહિયારુ સર્જન- ૨૫ સર્જનો પુરા થયા –એક સિધ્ધિ-વિજય શાહ

Posted by sapana

LBR 7 JPG

શ્રી વિજયભાઈ શાહને મારાં હ્ર્દયથી અભિનંદન!વિજયભાઈએ ૨૦૧૦માં જ્યારે ત્રીજી નવલકથા ‘લીમડે મોહાયુ રે મારુ મન’માં મને એક પ્રકરણ લખવા માટે આમંત્રણ આપ્યું ત્યારે મારાં દિલમાં
આનંદનો અતિરેક થઈ ગયો. અને ઝટપટ પ્રકરણ લખી મોકલી પણ આપ્યું.એમ કહી શકાય કે વિજયભાઈએ સાહિત્યના માર્ગ પર પહેલું ડગલું મૂકવામાં મદદ કરી.ત્યારબાદ “શૈલજા આચાર્ય”માં પણ ત્રણ પ્રકરણ લખ્યાં અને લખવાની પિપાસા વધતી ચાલી..આજ જ્યારે વિજયભાઈએ ૨૫ ઈ બુક્સ બનાવી ત્યારે હું પણ સાહિત્ય જગતમાં મારાં બે ગઝલ સંગ્રહ લઈ આવી.વિજ્યભાઈ સાથે જ્યારે વાત કરું ત્યારે લખવાનું નવું બળ અને નવો જુસ્સો જાગે છે. એમની સાથે ‘શૈલજા આચાર્ય’ના પ્રકરણ લખતી હતી ત્યારે એમણે મને એક સોનાની સલાહ આપી હતી. કે “જ્યારે લખવા બેસો ત્યારે એ પાત્ર બની જાઓ, પણ લખવાનું બંધ કરો ત્યારે એ પાત્રમાંથી આબાદ બહાર નીકળી જાઓ.’અને આ સલાહ કલેજા સાથે લગાવી મેં એક લઘુ નવલકથા બનાવી “ઘૂઘવતાં સાગરનાં મૌન” અને એ જન ફરિયાદ સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ..વિજયભાઈ મારાં માટે પ્રેરનાનું કામ કરે છે…ફરી એકવાર અભિનંદન બધાં લેખકોને અને વિજયભાઈને પણ…
સપના વિજાપુરા

લીમ્કા બુક ઓફ રેકોર્ડ”- ૨૦૧૫માં સ્વિકૃત થયેલ સર્જન ધારા રેકોર્ડ

સહિયારું સર્જન’ના વિકાસની ક્રમિક વિગતો

ક્રીયેટ સ્પેસ.કોમ ઉપર પ્રકાશન સુવિધા અને તકનીકી વિકાસ ને પરિણામે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધીમાં સહિયારા સર્જને કરેલા વિવિધ પ્રયોગોને કારણે ૩ વર્ષનાં ટૂંકા ગાળામાં ૨૫ સર્જનો થયા તે હકીકત, લેખક મિત્રોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને આદર વ્યકત કરે છે.

.photo 4

અગાઉનાં લેખોમાં ( ¨“સહિયારું સર્જન” : એક દિશાનિર્દેશ સહિયારું સર્જન: વિકાસના પંથે )

સહિયારી સર્જન યાત્રાનો ઇતિહાસ અપાયો હતો. અત્યારે આ વિગતો સાથે જોડાયેલી અન્ય બાબતો વિગતે આપવા મથું છુ અને તે છે આ સર્જનો દરમ્યાન ભાગ લેનારા લેખકોના પ્રતિભાવો તથા આ સર્જન યાત્રાનાં ફળ સ્વરૂપે થયેલ વિકાસની કહાણી.

તકનીકી સહાયનાં વિકાસને( www.createspace.com,  www.amazon.com)કારણે આ સર્જન હ્યુસ્ટન બહાર પણ વિસ્તર્યુ. ન્યુ જર્સીથી ડૉ નીલેશ રાણા અને મોના નાયકે કહાણી લખી. એટલાંટાથી અનીલ શાહ, મીલીપીટાસ કેલીફોર્નીયાથી પ્રજ્ઞાબેન દાદભાવાલા અને કલ્પના રઘુએ પોતાની કલમ ચલાવી. મીકેનીક્સ પેન્સીલ્વનીયામાંથી ડો લલિત પરીખ, શિકાગોથી સપનાબેન વિજાપુરા લખતાં જ્યારે ડેલાવરથી રેખા પટેલ (વિનોદિની), ટેનેસીથી રેખાબેન સિંધાલ અને લંડનથી નયનાબેન પટેલ લખતાં થયાં. ભૂજથી પ્રભુલાલ ટાટારિયા અને પારાદીપથી (ઓરિસ્સાથી ) નીલમ દોશી લખતા થયા.

આ પ્રક્રિયા ઘણી જ ધીરજ અને ખંતપૂર્વક વિચારોનું આદાન પ્રદાન અને સમન્વય માંગે છે. કારણ કે ઘણી વખત મતભેદ અને મનભેદ થઇ શકે છે. મુખ્ય લેખક વાર્તાને અનુરૂપ સુધારા કરે તે લેખક્ને પસંદ પડે ના પણ પડે અને ત્યાં મુખ્ય લેખકનું મહત્વ વધી જતુ હોય છે. એક પુસ્તક તૈયાર કરવામાં જે ખંત અને કાળજી લેવાતી હોય છે તે નીચેનાં ફ્લો ચાર્ટ્માં બતાવી છે.Flow chart

સહિયારા સર્જનમાં સૌથી અગત્યનું અંગ છે વાર્તાનું પોત. જે સર્જક આ નક્કી કરે તે મુખ્ય લેખક. પછી એ પોતને પાત્ર, ઘટનાક્રમ અને પ્રકરણમાં વહેંચી મુદ્દા સ્વરૂપે તૈયાર કરી લેખક મિત્રોને મુદ્દા મોકલવામાં આવે ત્યારે લખાનારું પ્રકરણ ૧૫૦૦ શબ્દો કે તેથી વધુમાં લખી સર્જક મુખ્ય લેખકને મોકલે. મુખ્ય લેખક વાર્તા પ્રવાહને ચકાસી વેબ પર પ્રસિધ્ધ કરે અને આગળ નક્કી થયેલા લેખકને જાણ કરે. સામાન્યતઃ એક અઠવાડીયામાં નવું પ્રકરણ લખાઇને આવી જતું હોય છે. આ દરેક પ્રકરણ મુખ્ય લેખક જોડણી અને વ્યાકરણને ચકાસી વેબ ઉપર મુકતો હોય છે જે કથા પુરી થાય ત્યારે એમેઝોન ઉપર પ્રકાશીત થતી હોય છે.

લીમ્કા બૂક ઓફ રેકોર્ડ માં નોંધાયેલા ૨૫ પુસ્તકોની યાદી અને મુખ્ય લેખકોના નામ

પુસ્તકોની સૂચી મુખ્ય લેખક્નુ નામ
અનોખી રીત પ્રીતની વિજય શાહ
 બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં કિરીટ ભક્ત
છૂટા છેડા -ઓપન સીક્રેટ જયંતિભાઇ પટેલ
હરિયાળિ ધરતીનાં મનેખ જયંતિભાઇ પટેલ
જાસુસ જયંતિભાઇ પટેલ
જીવન તો ફુગ્ગામાં સ્થિર થયેલી ફૂંક વિજય શહ
ખાલિપાનો અહેસાસ પ્રવીણા કડકિયા
લલિત શાંતિ કૂંજ વિજય શાહ
મારી બકુનું શું? કિરીટ ભક્ત
નયનોનાં કોરની ભીનાશ વિજય શાહ
પૂનઃલગ્ન ની સજા વિજય શાહ
રૂપ એજ અભિશાપ રેખા પટેલ
સહિયારુ સર્જન વિજય શાહ
સંસ્કાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
શૈલજા આચાર્ય વિજય શાહ
તારામતિ પાઠક પ્રભુલાલ ટાટારીયા ” ધૂફારી”
ઉગી પ્રીત આથમ્ણી કોર પ્રવીણા કડકિયા
વીરાંગના સરોજ શ્રોફ્ફ હેમા પટેલ
જીવન સંધ્યાએ વિજય શાહ
શબ્દ સ્પર્ધા વિજય શાહ
કંકોત્રી પ્રવીણા કડકિયા
પૂષ્પગુચ્છ સુરેશ બક્ષી
પૃથ્વી એજ વતન ડો કમલેશ લુલ્લા
તો સારુ પ્રજ્ઞા દાદભાવાલા
લોહીનો સાદ રેખા પટેલ

Table 2

ભાગ લેનારા લેખકોનાં નામ
નામ કાર્ય કેટલી કૃતિઓમાં ભાગ લીધો
વિજય શાહ મુખ્ય લેખક નવલકથા ૧૦
કીરિટ ભક્ત મુખ્ય લેખક નવલકથા ૩
પ્રવીણા કડકિયા મુખ્ય લેખક નવલકથા ૩
પ્રદીપ બ્રહ્મભટ્ટ મુખ્ય લેખક નવલકથા ૧
જયંતિભાઇ પટેલ મુખ્ય લેખક નવલકથા ૩
પ્રભુલાલ ટાટારિઆ “ધૂફારી” મુખ્ય લેખક નવલકથા ૧
હેમા પટેલ મુખ્ય લેખક નવલ કથા ૧
રેખા પટેલ “વિનોદિની” મુખ્ય લેખક નવલકથા ૨
શૈલાબેન મુન્શા સહ લેખક નવલકથા
દેવિકા રાહુલ ધ્રુવ સહ લેખક નવલકથા
મનોજ મહેતા “હ્યુસ્તોનવી” સહ લેખક નવલકથા
ફતેહઅલી ચતુર સહ લેખક નવલકથા
હિમંત શાહ સહલેખક નવલકથા
વિશ્વદીપ બારડ સહલેખક નવલકથા
વંદનાબેન એંજીનીયર સહલેખક નવલકથા
અંબુભાઇ દેસાઇ સહલેખક નવલકથા
નયના પટેલ સહલેખક નવલકથા
મોના નાયક “ઉર્મિસાગર” સહલેખક નવલકથા
નીલમ દોશી સહલેખક નવલકથા
રાજુલ શાહ સહલેખક નવલકથા
ચંદ્રકાંત સંઘવી સહલેખક નવલકથા
ડૉ નીલેશ રાણા સહલેખક નવલકથા
રમેશ શાહ સહલેખક લઘુ નવલકથા
ડૉ ઇંદુબેન શાહ સહલેખક નવલકથા
કલ્પના રઘુ શાહ સહલેખક નવલકથા
સપના વિજાપુરા સહલેખક નવલકથા
સ્વ. કાંતિભાઇ શાહ સહલેખક નવલકથા
રેખાબહેન સિંધલ સહલેખક નવલકથા
હરનિશ જાની સહલેખક નવલકથા
ડૉ. લલિત પરીખ સહલેખક નવલકથા
નરેશ દોડીયા સહલેખક નવલકથા
ચારુબહેન વ્યાસ સહ લેખક નવલકથા
અનીલ શાહ સહલેખક લઘુ નવલકથા
ડૉ કમલેશ લુલ્લા સંપાદક કાવ્ય સંગ્રહ (પૃથ્વી ઉદય વિષય)
સુરેશ બક્ષી સંપાદક કાવ્ય સંગ્રહ (પૂષ્પ વિષય)
પ્રજ્ઞા દાદભાવાલા સંપાદક લેખ સંકલન (તો સારુ.. વિષય)
કાંતિલાલ કરશાળા સહલેખક સંકલન-શબ્દ સ્પર્ધા
હીનાબહેન પારેખ સહલેખક સંકલન-શબ્દ સ્પર્ધા
સરયૂબહેન પરીખ સહલેખક નવલકથા

ઉપરોક્ત લેખકોની નામાવલી જોતા એટલું તો જરૂર સમજાશે કે આ યાદી જાણીતા અને અજાણ્યા લેખકોથી ભરેલી છે. જાણીતા લેખકોએ આ પ્રક્રિયામાં ભાગ લઇ નવોદિતોનો તેમના કાર્ય બદલ ખભો થાબડ્યો છે જ્યારે કેટલાક નવોદિતો આ કવાયતોને સમજીને સ્વયં ગદ્ય સર્જનમાં સક્રિય થયા છે. જેમાં નોંધપાત્ર નામો રજુ કરતા હું આનંદ અનુભવું છું અને તેઓને શત શત શુભેચ્છાઓ પણ પાઠવું છુ. સર્વશ્રી સ્નેહા પટેલ, સપના વિજાપુરા, દેવિકા રાહુલ ધ્રુવ, રાજુલ શાહ, પ્રવીણા કડકિયા, હેમા પટેલ, ડો ઇંદુબેન શાહ, શૈલાબેન મુન્શા, રેખાબેન પટેલ, પ્રજ્ઞા દાદભાવાલા, વિશ્વદીપ બારડ, મનોજ મહેતા અને સરયૂબેન પરીખ.

ગર્વ સાથે જણાવુ છું કે આ સર્વેનાં સહિયારા સર્જન ઉપરાંત તેમના પોતાનાં પુસ્તકો બહાર પડ્યા છે અથવા તે ગતિવિધિમાં છે.

મારા મંતવ્ય મુજબ આ સહિયારા સર્જન પ્રયોગની ઝળહળતી સફળતા છે અને એવી ઇચ્છા રાખી શકાય કે ગુજરાતી શીખવતી દરેક યુનિવર્સિટી અને સંસ્થાઓમાં આ પ્રયોગ થાય અને તે કવાયતોનાં પરિપાક તરીકે નવું સર્જન જન્મે અને એ રીતે ભાષા સવર્ધનનો હેતૂ જળવાય.

આવા પ્રયોગો દરમ્યાન મળેલા લેખકોનાં પ્રતિભાવો જાણવા જેવા છે.

Sneha Patelસ્નેહા પટેલ ‘શૈલજા આચાર્ય’ના સર્જન દરમ્યાન લખે છે:

“સહિયારું સર્જન એક ખૂબ જ સુંદર અનુભવ હતો. એમાં કોણે કેટલું લખ્યું અને કેવું લખ્યું એના કરતાં પણ એક લેખક બીજા લેખકની કલમ જોડે પોતાની કલમનો તાલ મિલાવવા તૈયાર થયો, પોતપોતાના ભાગે આવતી જે તે પ્રકરણની જવાબદારી પૂર્ણ સભાનતાથી અને ચીવટ-ખંતપૂર્વક પૂરી કરીને સમયસર આગળ લખનારાને કોઈ તકલીફ ન પડે એમ લખાણ આપી પણ દેતા હતા. બસ..એ નિષ્ઠા, એ લખવા માટેની ધગશ અને સહિયારા સર્જનનો એ નિર્દોષ આનંદ મારા માટે બહુ જ મોટો શિરપાવ છે. photo 2

હેમાબહેન પટેલ લખે છે :

મારા માટે “સહિયારું સર્જન” એ એક ટ્રેનિંગ સ્કૂલ સમાન છે જ્યાં મને ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું છે, જે મને લેખનકાર્યમાં મદદરૂપ થાય છે.”સહિયારું સર્જનમાં કોઈ પણ વાર્તા લખતાં તેમાં એક પ્રકરણ લખ્યું હોય અથવા તો એકથી વધારે લખ્યાં હોય, એક જ વિચાર મનમાં હોય, વાર્તાને બને તેટલી વાસ્તવિકતા આપવી, બને તેટલો ગુજરાતી શબ્દોનો ઉપયોગ થાય એનું ધ્યાન અને વાર્તાને મજેદાર–રસપ્રદ બનાવવાની કોશિશ કરવી જેથી વાંચનારને ગમે.વાર્તા લખાય ત્યારે આ કોણે શરૂ કરી છે તેનું મહત્ત્વ મનમાં નથી હોતું પરંતુ લખવામાં કથાવસ્તુને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન થાય છે.અને જ્યારે વાર્તાનાં પાત્રોમાં અને પ્રસંગોમાં ઓતપ્રોત થઈને લખવામાં એકાગ્રતા આવે છે ત્યારે એમ જ લાગે કે આ વાર્તાની શરૂઆત મેં જ કરી છે અને આ મારી જ વાર્તા છે.જ્યારે સહિયારું સર્જનની આખી નવલકથા પૂરી થાય અને વાર્તાને સફળતા મળે ત્યારે ભલેને એક અથવા બે પ્રકરણ લખ્યાં હોય, પણ આખી વાર્તા લખ્યાનો અનેરો આનંદ દિલમાં થાય છે.બધા લેખકોની મહેનત રંગ લાવે છે. વાર્તા એકની નહીં પરંતુ બધા લેખકોની બની જાય છે, અને વ્યક્તિગત આનંદ પણ સહિયારો આનંદ બની જાય છે અને ત્યારે ખરેખર “સહિયારું સર્જન” શબ્દ અને સર્જન બંને શોભી ઊઠે છે.લેખકો અને કવિઓના દિલના નિજાનંદમાં મ્હાલતું સહિયારું સર્જન ખરેખર અભિનંદનને પાત્ર છે.Pravina kadakia 5

પ્રવીણા કડકિયા

“સહિયારું સર્જન”-સાહિત્યને ચાર ચાંદ લગાડતું આ શિર્ષક કેટલું સુંદર છે? “કહેવાય છે બહુ રસોઈયાઓ રસોઈ બગાડે”! અહીં એ ઉક્તિ કામ નથી કરતી. એની વિરૂદ્ધ લાગે છે. એક કરતાં વધારે લેખક અહીં સાથે મળી સુંદર નવલકથાનું સર્જન કરે છે. સહુ પ્રથમ જો હું ભૂલતી ન હોંઉ તો તેની શરૂઆત ૨૦૦૬થી થઈ. પહેલાં પ્રયોગમાં નિષ્ફળતા જણાતી હતી. છતાં પણ હિંમત ન હારતાં બીજો પ્રયોગ કર્યો. એકાદ બે જણાને બાદ કરતાં બધા નવોદિત લેખકોનો ઉમંગભેર સહકાર સાંપડ્યો.

એક વ્યક્તિનું આ નથી કામ, સમુહનું જુઓ શુભ પરિણામ. સહુ મિત્રોના ઉત્સાહને કારણે બસ પ્રગતિના સોપાન એક પછી એક સર કરતાં ગયા.કેટલાંય નવોદિત લેખકોની કલમ કસબ દાખવતી ગઈ. નવા નવા વિષયોને લઈને સર્જન ક્રિયા સફળ થતી ગઈ.આ પ્રયોગમાં સહુ એક સાથે કદમ મિલાવતા હતાં.જે ખૂબ પ્રશંસનીય રહ્યું.દરેક નવલકથા પહેલાં કરતાં અલગ વિષય લઈને આવે. હાસ્યથી માંડીને જાસૂસ કથા સુધી પ્રયાણ એકધારી ગતિએ ચાલુ રહ્યું. મોટાભાગના બધા લેખક ભલે ગુજરાતી છે, પણ જુદા જુદા સ્તર અને સ્થળથી આવેલાં છે. દરેકની રજૂઆત કરવાની શૈલી અલગ છતાં પણ રસ જળવાઈ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાનો પ્રયાસ કર્યો છે. વિચારવાની ઢબ અને લેખનકળાનો સુમેળ જોવો હોય તો કોઈ પણ સહિયારી નવલકથા વાંચો.1452109_672654892769278_1110309171_n Rekha patel

રેખા પટેલ (વિનોદિની)

સહિયારું સર્જન …જેવું નામ તેવું જ ગુણ ધરાવતું આ સર્જનાત્મક ગ્રુપ છે; જ્યાં કોઈ કોઈને ખાસ નથી જાણતું. છતા યે શબ્દો અને લાગણીઓથી જોડેલું આ ગ્રુપ પરદેશમાં નવી પેઢીના આધુનિકરણમાં ભુલાતી જતી ભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો ભગીરથ પ્રયાસ કરે છે. હું પોતે 24 વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહુ છું.છતાયે દેશની યાદ હજુય દિલમાં લીલીછમ છે.ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા મારાથી થતું બધું યોગદાન કવિતા અને ટુંકી વાર્તા કે નાનામોટા લેખ લખીને આપું છું. હું મારી જાતને નસીબદાર માનુ છું કે આવા કાર્યરત ગ્રુપનો સંપર્ક મને વિજયભાઈ દ્વારા થયો. આવા જ બધા પ્રયત્નોને આધારે મને દેશથી દૂર હોવા છતાં “ચિત્રલેખા” જેવા નામી મેગેઝીનમાં સ્થાન મળ્યું.પરદેશમાં રહી દેશ સાથે, દેશની સંસ્કૃતિ સાથે સતત જોડાઈ રહેવા આ સાહિત્ય સરિતા બહુ પોતાની લાગે છે. તેમાં આવું સહિયારુ સર્જન તમારા આત્મવિશ્વાસને વધારે છે.rajul Shah

રાજુલ શાહ

માનવી બોલતા શીખ્યો હશે ત્યારથી જ ભાષાનો ઉદભવ થયો હશે. શબ્દ ભંડોળ વધતા લિપી બની હશે અને ચોક્કસ શબ્દ પ્રયોગ દ્વારા એ પોતાની લાગણી મનની વાત કહેતો અને લખતો થયો હશે. કહે છે કે દુનિયાની સૌથી પ્રથમ નવલકથા  જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખાઇ. એ લખવાની શરૂઆત થઈ હશે ત્યારથી આપણે વાંચતા થયા ત્યાં સુધી લગભગ એક જ લેખક દ્વારા લખાયેલી નવલકથા વાંચતા આવ્યાં અને એ એમ જ હોય એમ સર્વવ્યાપી સ્વીકાર સાથે વાંચતા રહ્યા.પરંતુ આજે આ સહિયારા સર્જનથી સર્જાયેલી એક નવી જ કેડીએ ઇતિહાસ થોડો બદલી નાખ્યો.એકબીજાથી દૂર રહીને પણ એમાં દુનિયાના કોઇપણ છેડે વસતા હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા સર્જકો એક સાથે એક પગથી પર ચાલીને પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે.અહીં સહિયારા સર્જનમાં એક કથાબીજના સૂત્રે બંધાયા હોવા છતાં સૌને પોતાની રીતે વ્યકત થવાની મોકળાશ રહે છે.એક ચોક્કસ ઢાંચામાં રહીને પણ સૌ સ્વતંત્ર રીતે વહી શકે છે.વાંચકોએ એનો સ્વીકાર કર્યો એ સ્વીકાર અને આવકાર સહિયારા સર્જનની સફળતા માટે ઉત્સાહપ્રેરક ઘટના છે.lalit-sir1

ડૉ લલિત પરીખ

સહિયારું સર્જન-આવો પ્રયોગ વર્ષો પહેલાં, લગભગ 1950ની આસપાસ, ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવાર-પૂર્તિમાં શરૂ થયેલો. એક લબ્ધપ્રતિષ્ઠિત નવલકથાકાર દ્વારા શરૂ થતી કથાને અને પાત્રોને તે પછીના કથાકારો પોતાની રીતે વિકસિત કરતા રહે અને આજકાલની ટી.વી.સીરિયલની જેમ અનેક પ્રકરણો સુધી એ નવલકથા વાચકોની જીજ્ઞાસા અને આતુરતાની કસોટી કર્યા કરે અને અંતે શરૂ કરનાર નવલકથાકાર તેનો માર્મિક અંત આણે. તે પછી એવો પ્રયોગ પુન: જોયો તો તે અહીં અમેરિકામાં હ્યુસ્ટન ખાતે શ્રી વિજયભાઈ શાહ અને તેમના સાહિત્યપ્રેમી મિત્રો દ્વારા ‘સહિયારું સર્જન’માં.પરંપરાથી પ્રયોગ તરફ વિકસિત થતી આ આગવી શૈલી જેટલી સ્તુત્ય છે, તેટલી જ ચાલુ રાખવા જેવી છે. ચોવીસ ચોવીસ આવા ‘સહિયારું સર્જન’ના એક પછી એક પ્રયોગ કરતા રહી શ્રી વિજયભાઈ શાહે એક નવી જ સફળ પરંપરા ઊભી કરી છે તેના માટે તેમને ખાસ વંદન તેમ જ સાથ આપનાર સહુ લેખકોને હાર્દિક અભિનંદન!devika dhruv

દેવિકા રાહુલ ધ્રુવ

‘સહિયારું સર્જન’ એક નવો સાહિત્ય પ્રકાર છે. તેમાં કોઈ એક સર્જકના મનમાં ઉદ્ભવેલ વાર્તાના બીજને યથાવત‍ રાખીને જુદા જુદા લેખકો દ્વારા વિક્સાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ સર્જન જીવાતા જીવનમાંથી કે જોવાતા જગતમાંથી જુદી જુદી રીતે સર્જાય છે. સર્જકની અભિવ્યક્તિની રીત તેમાં ઘણો મોટો ભાગ ભજવે છે. સહિયારા સર્જનમાં મહદ્‍ અંશે કલમની કસોટી થાય છે. કારણ કે, અન્યની સંવેદનાને આત્મસાત કરવી, કલ્પનાના રંગો ભરી, ઘટનાઓ નિર્માણ કરવી અને તેને યોગ્ય શબ્દોમાં રસભંગ થયા વગર અસરકારક રીતે રજૂ કરવી એ પ્રક્રિયા ઘણીવાર સર્જકને માટે અઘરી બની જાય છે. એટલે દેખીતી રીતે સહેલો લાગતો આ પ્રકાર ખરેખર તો વિસ્મયજનક રીતે અઘરો છતાં રસપ્રદ છે. આદરણિય પ્રજ્ઞાબેન જુ.વ્યાસે સાચું જ લખ્યું છે કે “આ પ્રયાસને સાહિત્ય સંવર્ધનનો જ પ્રકાર સમજી આવકારું છું”. એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. આજનો ટેક્નીકલ વિકાસ પણ સહિયારા સર્જન માટે આવનારી પેઢીને ખુબ ઉપકારક બની રહેશે. અંતે એટલું જ કહીશ કે, ગદ્ય અને પદ્યમાં સહિયારા સર્જનને શરુ કરાવનાર અને તેમાં સાથ પૂરાવનાર સૌને અભિનંદન.-અસ્તુ.Sapana vijapura

સપના વિજાપુરા

એક જ પાત્રને જુદાં જુદાં લેખક જુદી જુદી રીતે વિચારી શકે છે.પાત્ર એ જ હોય છે પણ જુદાં જુદાં લેખક એજ પાત્રને જુદી જુદી લાગણીમાં ઢાળી શકે છે.સહિયારાં સર્જનમાં આ અનુભવ્યું.વિજયભાઈએ જ્યારે પ્રથમ મને એમની નવલકથા માટે પ્રકરણ લખવાં કહ્યું તો મનથી હું જરાં પણ તૈયાર ન હતી.વિજયભાઈએ મારામાં આત્માવિશ્વાસ જગાડ્યો અને હમેશા આગળ લખવાની પ્રેરણા આપતાં રહ્યા.સહિયારાં સર્જનમાં બીજા લેખકનો પરિચય થયો એ પણ અહોભાગ્ય. સહિયારાં સર્જનથી લખવાની આદત એક પૂજા બની ગઈ. તારી આંખનો અફીણી! એમ આ સહિયારાં સર્જને અફીણનું કામ કર્યુ.અને આ સર્જનની આદત એક નશો બની ગઈ.’શૈલજા આચાર્ય’ પછી.’ઘૂઘવતાં સાગરનાં મૌન’ સર્જાઈ ગઈ અને બસ આ કલમનો નશો કલમે ચડીને બોલવા લાગ્યો.જન ફરિયાદ સાપ્તાહિકમાં લખતી થઈ, લેખ વાર્તાઓ અને કવિતાઓ સાપ્તાહિકમાં આવવા લાગ્યાં.  નશો બમણો થતો ગયો.અને વાર્તાઓ અખંડ આનંદમાં પણ આવવાં લાગી. કવિતાઓ અને ગઝલમાં તો મારી જાન વસે છે. તો સહિયારાં સર્જને જે બીજ વાવ્યું તે હવે નાજુક છોડ બની ગયો છે. સહિયારાં સર્જને મારાં હ્રદયના દરવાજા ખોલી નાખ્યાં અને હ્રદયથી એક પછી એક પરદા ઊઠવા લાગ્યાં. શબ્દો વાર્તા અને નવલકથા બનવા લાગ્યાં. વિજયભાઈનું ઋણ સ્વીકાર કરું છું. જો એમણે સહિયારાં સર્જન માટે પ્રકરણ લખવાં પ્રેરિત ના કરી હોત તો “બાનુ” “સપના” ના બની હોત..harnish Jni

હરનિશ જાની

અમારા મિત્ર કિશોર રાવલે એક પ્રયોગ કર્યો હતો કે તેમણે વાર્તાનો એક પેરેગ્રાફ આપીને પાંચ લેખકો પાસે ટૂંકી વાર્તાઓ લખાવી હતી.જ્યારેઅહીં વિજયભાઈ શાહે નવતર પ્રયોગ નોવેલ માટે કરાવ્યો છે.આ ભગીરથ કામ છે.એક તો નોવેલમાં વિચારોના ટૂકડા જોડ્યા હોય એવું ન લાગવું જોઈએ અને બીજું લખવાની શૈલી શૈલી અને ભાવ નોવેલની વાર્તામાં એક રસ થઈને વાચકને ભોગ્ય બને. આ બધાં અંગો પર વિજયભાઈએ પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને ફિલહારમોનિક ઓરક્રેસ્ટાના કંડકટરની જેમ બધાં લેખકો પાસે કામ કઢાવ્યું છે તે અભિનંદનને પાત્ર છે.આવું સહિયારું સર્જન –મારી જાણ મુજબ– પહેલીવાર થયું છે.ફરીથી ધન્યવાદ.Naresh k dodia

નરેશ ડોડીયા

રેખાબેન પટેલની લઘુકથા “રૂપ એજ અભિશાપ” નું સહિયારા સર્જન દ્વારા નવલથાના સર્જન સમયે મને આમંત્રણ મળ્યુ.એક પેરેગ્રાફ કે જેમાં દસ વાક્યમાં છુપાયેલી ઘટના ને ૧૫૦૦ અક્ષર કે ચાર પાના જેટલુ લખાણ લખવાની વાતે મારી સર્જન શક્તિને કસોટીની એરણે ચઢાવી લખ્યુ અને લખતા લખતા પ્રસંગોને ગુંથવાનો આનંદ અનન્ય હતો.યુવા પેઢીને આવા નાવિન્ય સભર પ્રયોગથી નવું માર્ગદર્શન મળ્યુ છે.

pragna

પ્રજ્ઞા દાદભાવાલા

“સહિયારું સર્જન”.હું વાર્તા લખી શકું છું.મારું પહેલું બાળક દીકરી આવી ત્યારે રાત્રે સુવડાવવા એક વાર્તા કહેતી.એક રાજા, એક રાણી એને તારા જેવી રાજકુમારી.બસ હું એનાથી વધારે કયારે ન વધી. કોઈ કહે તમારી જીવનકથા કહો તો કરી શકી નથી લખવાનો તો પ્રશ્ન નથી! પણ હું વાર્તા લખી શકું છું તેનો અહેસાસ મને સહિયારા સર્જનમાં થયો.કોઈ એક વ્યક્તિના વિચારનો દોર પકડી દરેક લેખક જાણે વાચકની સીમા વટાવી લેખક બન્યા,જેમાં એક બીજા સાથે લેખકો વાર્તાની કડી દ્વારા અભિન્નપણે જોડાયેલા હતા, કોઈ એક (પોલ્ટ બનાવનાર લેખક) કલ્પનાની કેડીમાં આપણે વાસ્તવિક રીતે જોડાઈ જવાનું અને છતાં આપણું એજ આપણું અને અંતે  એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન કે કલ્પના બની જાય તેના જેવો બીજો અનોખો અનુભવ શું હોઈ શકે? ક્યાય બીજાના વિચારોને અનુસરવાના નથી પોતાના જ વિચારોથી, પોતાનીજ કલ્પના શક્તિને ખીલવી કલમ ચલાવવાની કેટલું મુક્ત વાતાવરણ અને છતાં સહકાર્ય।…અને સૌથી વધારે સર્જનકાર્ય…. આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે..કલ્પના શક્તિને ઉડવા માટે મોકળું આકાશ.અભિવ્યકિતનું સહિયારું સ્થાન…સર્જક, ભાષા અને સર્જનનો જાણે ત્રિવેણી સંગમ એટલે સહિયારું સર્જન.

 Kalpana raghu shah

કલ્પના રઘુ શાહ

ગુજરાતી બ્લોગ પર, ગુજરાતી લેખકોનાં સહકારથી, સમૃધ્ધ ગુજરાતી શબ્દોથી ગુજરાતી સાહિત્યનું સહિયારું સર્જન કરવા માટે શ્રી વિજયભાઇ એક સફળ ગુજરાતી લેખક પૂરવાર થયા છે, તે માટે મારા અભિનંદન અને શુભેચ્છા.હું પોતે હાઉસવાઇફ છું પણ સાથે સાથે નાનાં મોટાં લેખ-કાવ્યો લખતી હોઉ છું. વિજયભાઇએ જ્યારે મને ‘જાસુસ’ નવલકથામાં લખવા માટે કહ્યું ત્યારે મારા માટે આ પ્રયોગના એક ભાગરૂપ બનવાનું અઘરૂં લાગ્યું.પરંતુ જ્યારે સુધારા વધારા વગર મારા એ લખાણને માન્ય રાખવામાં આવ્યું ત્યારે મારો આનંદ ચરમસીમાએ હતો અને મને એ વાતનો ગર્વ છે કે મને આ સહિયારા સર્જનની પ્રક્રિયાનો એક અંશ બનવાનો લાભ મળ્યો. આમ મારા જેવા અનેક ઉગતા લેખકોને લખાણ માટે ટેકો, બળ અને માનસિક હૂંફ આપીને કલમની કવાયત કરીને, કેડી કંડારતા કરી દીધા છે અને અમે સાચા અર્થમાં સાહિત્યના શિલ્પી બનવાની કોશીશ કરી રહ્યા છીએ. Picture1

ડૉ.ઇંદુબહેન શાહ

સહિયારા સર્જનમાં ભાગ લેતી થઇ અને વાર્તા લખતી થઇ એમ કહું તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.મને અને મારા જેવા અનેક નવોદિત લેખકો સહિયારા સર્જનથી લખતા થયા છે અને નવા થતા રહેશે. મેં જે વાર્તાઓ લખી તેમાં સૌથી વધુ આનંદ મને શૈલજા આચાર્ય બુકના ત્રણ પ્રકરણો લખવામાં આવ્યો, કારણ, શૈલજાની જીવન પ્રત્યેની નફરત હટાવી, ઉત્સાહ અને ઉમંગ લાવવા અને હકારાત્મક મોડમાં જીવન જીવતી કરવી અને છેલ્લે સ્વીઝરલેન્ડથી સફળ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી ચાલતી મુંબઇ છત્રપતિ શિવાજી ઍરપોર્ટ પર બતાવવી.બાળકોને મિત્રોને પ્લેસન્ટ સરપ્રાઈઝ પવું.લખનાર અને વાંચનાર સૌને આનંદ. બીજી લગભગ દસથી બાર બુકમાં ચેપ્ટરો લખ્યા હશે, હવે તો જાણે લખવાની આદત પડી ગઇ છે, બસ લખતી રહીશ. ઝરણાથી બનેલ સહિયારા સર્જનની નદીને સૌ મિત્રો જરૂર વહેતી રાખશે.શુભેચ્છા સાથે વિરમુ.Saryu-Dilip

લેખિકાઃ સરયૂ મહેતા-પરીખ અને ચિત્રકારઃ દિલીપ પરીખ

“સહિયારું સર્જન”, જે શરૂઆતમાં અશક્ય લાગેલું. વિજયભાઈના સતત પ્રોત્સાહનથી મારાથી “અવંતિકાબહેન” નામે પહેલી વાર્તા લખાઈ, જે ધારાવાહીને જોડતી હોવા છતાંય, સ્વંતત્ર વાર્તા તરીકે ‘અખંડ આનંદ’માં ‘ગૃહગંગાને તીરે’ વિભાગમાં, ૪/૨૦૦૯માં પ્રકાશિત થઈ.  આ એક નાના પ્રયોગ સાથે, સત્યકથાઓ પર આધારિત વાતો લખવાની શરૂઆત ક્યારે થઈ ગઈ એ ખબર પણ ન પડી. હવે વાર્તા અને તેને અનુસરતી કવિતા મારા પુસ્તકોમાં પ્રકાશિત કરી શકી. આમ શુભ શરૂઆત પછી ઘણા નવા દ્વાર અમ લેખકો માટે ખૂલતા રહ્યાં છે. “પુષ્પગુચ્છ”માં દિલીપના ચિત્રોને આગ્રહપૂર્વક લેવામાં આવ્યાં અને અમારા કાવ્યો સાથે તેનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે. સહિયારા સર્જનમાં સાથ આપવાની તક મળી તેના આનંદ સહ . . . સરયૂના નમસ્કાર.prabhulala Tataria

પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

ગુજરાતી સાહિત્યને પોતાની આગવી વિચારસરણી અને શૈલીથી નવલકથાઓ લખનાર ધુરંધર સાહિત્યકારો સાંપડ્યા છે, જેમણે સીમાચિન્હ સરખી વિવિધ વિષય સાથે અર્વાચીન અને પ્રાચીન સામાજીક અને ઐતિહાસિક સમસ્યાઓને અનુલક્ષીને નવલકથાઓ લખી છે.‘ગ્રામ્યલક્ષ્મી’ જેવી નવલકથાને એકથી વધુ પુસ્તકારે સર્જન કરી એક અલગ કેડી કંડારી છે.

કોઇ એક દિશાથી બીજી દિશામાં જવા લાગે અને ત્યાર બાદ તેના પરથી અન્ય લોકો પણ પસાર થાય અને એક કેડી કંડારાઇ જાય. કેડી કંડારનાર કોણ એ નામ કોઇ જાણતું નથી હોતું પણ ગદ્ય સાહિત્ય સર્જનમાં અલગ કેડી કંડારનાર એક ઘડવૈયાને હું ઓળખું છું એ છે અમેરિકા ખાતે વસવાટ કરતા અને http://www.gadyasarajan.wordpress.com શ્રી વિજયકુમાર શાહ જેમણે આજ દિવસ સુધી કોઇ સાહિત્યકારને ન આવ્યો હોય એવો વિચાર અમલમાં મુક્યો.એક અલગ કેડી કંડારી.નવલકથા તો એક જ નવલકથાકાર કે લેખક લખે પણ એક જ નવલકથા અનેક લેખકો મળીને લખે તો કેમ?એ પ્રયોગને નામ પણ કેવું રૂપકડુ આપ્યું “સહિયારૂં સર્જન”. પ્રારંભમાં એ પ્રયોગને સારો પ્રતિસાદ ન મળ્યો પણ એથી ગભરાઇને ડગ્યા વગર એક વખત આગે કદમ કર્યા પછી પારોંઠના પગલા ભરે એ બીજા એ ન્યાયે અને નિષ્ફળતા એ જ સફળતા અપાવતી સંજીવની છે એ સત્ય સાર્થક કરી બતાવ્યું.એમના આ પ્રયોગના પરિપાક રૂપે અનેક નવલકથાઓ લખાઇ છે અને હજી લખાઇ રહી છે.

આજથી પાંચ વર્ષ પહેલાં મે-૨૦૦૯માં નવી શરૂ થનાર નવલકથા “લીમડે મોહયું રે મારૂં મન” માં બે પ્રકરણ લખવાનું ઇજન શ્રી વિજયભાઇએ મને મોકલાવ્યું.મારા લખેલા એ બે પ્રકરણ પછી જ્યારે પણ નવી નવલકથા શરૂ થનાર હોય ત્યારે મને શ્રી વિજયભાઇ તરફથી ઇજનનું ઇ-મેઇલ અચુક મળે છે. મેં આવી સહિયારી ઘણી નવલકથામાં પ્રકરણ લખવાનો લાભ લીધો અને એક મારી જ નવલકથા “તારામતી પાઠક” આજ પધ્ધતિથી લેખક મિત્રોએ લખવા માટે સાથ આપ્યો.અમે લેખક મિત્રો ભલે રૂબરૂમાં મળ્યા નથી પણ સહિયારૂં સર્જન નામની સાંકળની અકેક કડી જેમ એક બીજાથી સંકળાયેલા છીએ અને એમાંની એક કડી હું છું તેનું મને ગૌરવ છે.

સહિયારું સર્જન અને હું:- સહિયારું સર્જન શ્રી વિજયભાઈએ શરૂ કર્યું ત્યારે મેં એમની પાસે એમાં પ્રગટ થયેલી વાર્તાઓ મારા પુસ્તકાલયમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને તેમણે એની મંજુરી પણ આપેલી ને એમાંની પાંચ જેટલી વાર્તાઓ મેં પુસ્તકાલયમાં મૂકેલી પણ ખરી. એમ કરતાં પછી તો મને પણ એમાં વિશેષ રસ પડવા માંડેલો. પછી મેં સહિયારું સર્જનમાં મારી ત્રણ નવલકથાઓ મૂકેલી જેમાંની એક ‘જાસુસ’ હજુ અઠવાડિયા પહેલાં જ પૂર્ણ થઈ છે. સહિયારું સર્જનમાં બે અન્ય લેખકોની વાર્તામાં મેં સહયોગ પણ આપેલો.એમાં મને બહુ સુખદ અનુભવ થયો છે. એમાં જુદા જુદા અને નવોદિત લેખકો હોવાથી નાની નાની ઘણી તકલીફો આવે પણ મૂળ લેખકની પાસે છેવટની સત્તા હોવાથી એમાં પ્રસિધ્ધ થયેલી વાર્તાઓ વાંચન ક્ષમ્ય બની રહે એ માટે એના મુખ્ય સંચાલક ભાઈ વિજયભાઈ સદા કાર્યરત અને સજાગ રહેતા હોઈ સહિયારું સર્જન સાથે કામ કરવામાં બધા લેખકોને આનંદ આવે છે.Ambubhai Desai 1

અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”

આમતો અંગ્રેજીમાં ઉક્તિછે “Too many cooks spoil the broth” પ્રમાણે “ ઝાઝા રસોઇઆ રસોઇ બગાડે” એવી સામાજિક કથની અને માન્યતા છે પરંતુ શ્રી વિજય શાહે “સહિયારું સર્જન” નો જે નવતર પ્રયોગ આ અમેરિકાની ભૂમિ પર હ્યુસ્ટ્નમાં ગુજરાતી સાહિત્ય સરિતાના આશ્રયે કર્યો અને તેને જે અભૂતપૂર્વ સફળતા સાંપડી તે ઉપરથી તો ઉલટાનું કહી શકાય કે, “ઝાઝા હાથ રળીયામણા” જે પૂરવાર થયુ અને સાર્થક પણ થયું છે. જીવન સંધ્યાએ કૃતિમાં મને પણ ભાગ લેવાનો સુઅવસર મળ્યો હતો  કારણ કે તેમાં પ્રકરણ ૧૨ એક પાત્ર“ કલ્પના “ ને જીવંત કરી હતી. આ સાચી હકીકતો ભરેલી કથા હોવાને કારણે ચલચિત્રોમાં આવતા ફ્લેશ્બેક ની જેમ પર્શ્ચાદભૂનાં દ્રશ્યો હતા. સરગમ બહેન ની સાથે સાંકળી ન શક્યાનું મને દુઃખ છે પરંતુ સરગમ બહેન ની સાહજિક અને સમદર્શી માવજતે માનસિક આવેગો અને ઉદવેગોનું નિરાકરણ તેમની આગવી સૂઝ અને બૂઝનાં પ્રતાપે સરળતા અને સહાનુભૂતિપૂર્વક કરી શકેલા છે. વિજયભાઇનાં સૌજન્યપૂર્વક્નાં સ્નેહ સુચનો સ્વીકારને કારણે મારી આ રચના શક્ય બની.

સહિયારા સર્જનની કવાયતોમાં ફાયદો કોને થયો અને થશે?

સૌથી પહેલા જે કવાયત કરે તેને લાભ પહેલો થાય એટલે કે જેઓ આ સહિયારા સર્જનોમાં ભાગ લે છે તેની કલમ ઘડાય છે.અને જેઓનાં માતૃભાષાની સેવા કરવાના સ્વપ્ના છે તેઓ યત્કિંચિત રીતે ફાળો આપી શકે છે.

  • વાચકોને નવતર વાંચન મળશે. ખાસ તો જેઓ વતનથી દૂર છે.. જેમની પાસે ગુજરાતી પુસ્તકાલય નથી તેઓ ભાષા અને સાહિત્ય પામશે.
  • ડાયાસ્પોરા સર્જન આ પ્રયોગોથી વેગવંત બને છે.
  • કવાયત કરનાર દરેક જણની જેમ તંદુરસ્તી સચવાય છે તેમ જેટલા લખે છે તેઓ સારા સર્જક બનવાની દિશામાં ગતિવંત બને છે.
  • આ કવાયતોમાં જેઓ સક્રિય છે તેમાનાં કેટલાક સર્જકો તેમના પોતાના પુસ્તકો બહાર પાડી ચૂક્યાં છે તેઓનાં નામ નીચે મુજબ છે. સ્નેહા પટેલ. હેમા પટેલ, રાજુલ શાહ, દેવિકા રાહુલ ધ્રુવ, સપના વિજાપુરા, પ્રદીપ બ્રહ્મભટ્ટ, ડો.ઇન્દુબહેન શાહ, પ્રભુલાલ ટાટારિયા,પ્રવીણા કડકિયા, મનોજ મહેતા,શૈલા મુન્શા અને વિજય શાહ. દરેક પોતાના બ્લોગ નિયમિત રીતે ચલાવે છે જે કવાયતોનો પરિપાક જ કહેવાય.
  • લોકભોગ્ય પ્રકાશનો આમ તો બધાજ છે પણ જેમનો પ્રચાર અને પ્રસાર વધુ છે તેવી કૃતિઓનાં નામો લખવાના હોયતો શબ્દ સ્પર્ધા, પૃથ્વી એજ વતન,પુષ્પગુચ્છ, સહિયારુ સર્જન, બાબુભાઇ અને બચીબેન અમેરિકામાં અને જીવન સંધ્યાએ કહી શકાય કે જેમાં સંદેશ અને સમુહ પ્રયત્નો દીપ્યા છે.

અકીલા ન્યુઝે નોંધ્યું

http://www.akilanews.com/11102014/nri-news/1413047145-6468

‘‘સહિયારુ સર્જન” : US માં હયુસ્‍ટન ખાતેની ગુજરાતી સાહિત્‍ય સરિતામાં શરૂ થયેલ પ્રયોગાત્‍મક સર્જનમાં ૨૫ સર્જનોનો રેકોર્ડ : ‘‘લીમ્‍કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫” માટે શ્રી વિજય શાહના નામે અંકે થયો : ૩૫ જેટલા નવોદિત તથા સિધ્‍ધહસ્‍ત લેખકોના નવતર સર્જન પ્રકારને લીમ્‍કા બુકમાં સ્‍થાન મળ્‍યાની સિધ્‍ધિ : જય હો….

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં હ્યુસ્‍ટન ખાતેની ગુજરાતી સાહિત્‍ય સરિતામાં શરૂ થયેલ પ્રયોગાત્‍મ સહિયારુ સર્જનમાં ૨૫ સર્જનોનો રેકોર્ડ (નવકથા, કાવ્‍ય, સંગ્ર, તથા નિબંધો) લીમ્‍કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫ માટે શ્રી વિજય શાહના નામે નોંધાયો.

કુલ ૩૫ જેટલા નવોદિતો તથા સિધ્‍ધહસ્‍ત લેખકો દ્વારા થયેલ આ નવતર સર્જન પ્રકારને ‘‘લીમ્‍કા બુક ઓફ રોકોર્ડ” માં સ્‍થાન તે માનનીય સિધ્‍ધી છે.

લીમ્‍કા બુક ઓફ રેકોર્ડમાં શ્રી વિજયભાઈ શાહનું નામ જે કાર્યમાં જાહેર થયુ તે સહિયારુ સર્જનના પુસ્‍તકો તથા લેખકોનું કોલાજ સુશ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાલાએ બનાવી આપ્‍યુ હોવાથી તેમનો આભાર માનવામાં આવ્‍યો છે. તેવું શ્રી વિજયભાઈ શાહની યાદીમાં જણાવાયુ છે.

Subscribe to Comments

2 Responses to “સહિયારુ સર્જન- ૨૫ સર્જનો પુરા થયા –એક સિધ્ધિ-વિજય શાહ”

  1. સહિયારા સર્જનના પ્રયાસ ને તેના ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં શામેલ થવાની સફળતા માટે મારા દિલી અભિનંદન..!!!

     

    અશોક જાની 'આનંદ'

  2. અશોકભાઈ આપનો આભાર્..

     

    sapana

Leave a Reply

Message: