શક્ય છે

 

રસ્તામાં ક્યાંક થાય મુલાકાત શક્ય છે
જે થઇ નથી એ થાય દિલની વાત શક્ય છે

પીળા કર્યા છે પાનખરે પાન ડાળનાં
લીલા થશે વસંતમાં એ બાગ શક્ય છે

મારી ભલે છે રાત નરી ચાંદની વગર
તારે નગર હો ચાંદનીની રાત શકય છે

ક્યારેક તો મળે છે નદીનાં કિનારા પણ
દે સાથ તું તો મુલાયમ એ વાત શક્ય છે

મન હોય તો જવાય કદી માળવે સખા
ભારત છે આપણું જ વતન નાથ શક્ય છે

પહેરા ભલે વિચાર ઉપર હોય છે અહીં
મનમાં ગઝલ લખાય જુએ હાથ શક્ય છે

છૂટા પડી ગયાં મજબૂરીથી આપણે
‘સપના’માં થાય આજ મુલાકાત શક્ય છે

સપના વિજાપુરા
૧-૩૦-૨૦૧૨

15 thoughts on “શક્ય છે

 1. RAJ PRAJAPATI

  નિરંતર આશાઓની શૃખલાનું નામ જીંદગી છે. સમય મધુર ઝરણાની માફક સતત વહેતો રહે છે સતત વિચારો નો ધોધ મનમાં વહ્યા કરે છે અને ઇચ્છાઓ જન્મયા કરે છે ઇચ્છાઓ જન્મયા કરે અને આશાઓ – અપેક્ષાઓની ભરમાર ચાલતીરહે છે તેથી સમયની સાથે વિતેલુ કંઇક ફરી નવા સ્વરૂપે નવા માધ્યમથી આવતું જતુ રહે છે.
  મન હોય તો જવાય કદી માળવે સખા.. માણસની ઇચ્છાશક્તિ તેને કાયમ પ્રયત્નશીલ રાખે છે એટલે મનમાં એકાગ્રતાતઃ કોઇ આશા હોય તે પુરી થાય તે શકય છે.. પાનખર આવી હોય તે વંસતના આવવાની એક નોટીસ હોય છે. આ દુનિયામાં કોઇ ના ખુણે ખુણે આપના સ્વજનો ધબકતા રહેતા હોય અને આપણું મન ત્યાં તેની સંગાથ માટે ઝંખતું હોય તો ક્યારેક ને ક્યારેક તેનો સંગાથ મળી જવાની કે અચાનક આપણા સ્વજનનું ફરી મળી જવું શક્ય છે… સપનાજી આપે જીવન આશાઓ અને નિરંતર શક્યતાઓથી ભરેલુ છે તેમજ નિરાશાવાદી માનસીકતા છોડી દેવાથી અનેક આશાઓમાં જીવન વધુ પુલકીત અને મુલાયમ બને છે.. સપનાઓ માં પણ રોજ મળતા રહો તો એક દિવસ તેને રૂબરૂ પણ મલી શકાય તે શકય છે…. તે વાત ને ખુબ સરળતાથી અને સાદગીપુર્ણ રીતે રચી છે .. ખુબ મજાની અને પ્રફુલીત કરનારી રચના છે.. આભાર..

 2. himanshu patel

  શક્ય છે અને શક્યતા નથી એ બે ધ્રુવો વચ્ચે તણાતી કે વિસ્તરેલી સંવેદનાને અને રોમાંચને સરસ અભિવ્યક્તિ મળી છે.

 3. અશોક જાની 'આનંદ'

  સુંદર ગઝલ..!! ખરેખર છંદ પર હાથ જામતો જાય છે,
  છતાં ચોથા શે’ર નો સાની મિસરા જોઇ જજો…….

 4. Rekha shukla(Chicago)

  શક્યતા વિનાની વાતો પણ કદીક શક્ય છે જેમકે અશક્યતામાં જ શક્યતાનો સમાવેશ થયેલ છે ને..!!
  સપનાબેનનો જેવો ચેહરો તેવી તેમની ગઝલો…ખુશ કરીના દે તમને તે વાત અશ્ક્ય છે….

  મન હોય તો જવાય કદી માળવે સખા
  ભારત છે આપણું જ વતન નાથ શક્ય છે…

  ખુબ સરસ રચના..!!

 5. Devika Dhruva

  જુદા જુદા વિચારોમાં ભાવ ભરી રંગ પૂરવા એ જ કવિકર્મની સફળતા. સરસ.

 6. Heena Parekh

  મારી ભલે છે રાત નરી ચાંદની વગર
  તારે નગર હો ચાંદનીની રાત શકય છે..સરસ પંક્તિ.

 7. Mahek Tankarvi

  જે થઇ નથી એ થાય દિલની વાત શક્ય છે
  Banumaji
  I will change the second misra of the matla as above. ‘ Kafiya Chaar’ seems to be out of tune.

 8. urvashi parekh

  સરસ રચના,
  પીળા કર્યા છે પાનખરે પાન ,લીલા થાશે,,,
  બન્ને, શક્ય છે અને શક્યતા નથી બન્ને બહુ ગમી.

 9. dilip

  છૂટા પડી ગયાં મજબૂરીથી આપણે
  ‘સપના’માં થાય આજ મુલાકાત શક્ય છે
  સુન્દર ગઝલ..વિધાયક…ગઝલ મજા આવી..
  પ્રત્યેક કૃતિ તુજ તરફ લઈ જાય શક્ય છે
  હમણાં જ આ ક્ષણે તને મળાય શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.