અટકળ ના દે


104-Caballococha

દિલનાં દ્વારે દસ્તક ના દે
મનમાં મીઠી અટકળ ના દે

સુનાં પડ્યા છે દિલનાં સાઝ
એમાં પ્યારી ઝણ ઝણ ના દે

નાચું છમછમ તારી સંગાથ
પગમાં એવી રમઝટ ના દે

સંબંધોએ છળ્યાં છે ખૂબ
સંબંધોનું વળગણ ના દે

જાણું હું તરકટ દુનિયાનાં
અલ્લાહ એવી સમજણ ના દે


નિર્ધનનો હિસ્સો ના હો તો
ધન પણ એવું અઢળક ના દે

સિંહાસન તારું ડૂબી જાય,
આંસું  દે પણ અનહદ ના દે


પીડા ઠોકરની હું જાણું
પથ્થર એને પગપગ ના દે

‘સપના’ સપનાંથી થાકી છે
સપનાંની કો તરખટ ના દે


સપના વિજાપુરા

14 thoughts on “અટકળ ના દે

 1. dilip

  ખુબ સુંદર કૃતિ હદયના ઊંડાણ્થી સ્ફૂરેલી..વાહ
  અનાશક્ત સબન્ધ અને નિર્દમ્ભ સદભાવ વ્યક્ત કરતી આ પંક્તિ સ્પર્શી ગઈ !

  સંબંધોએ છળ્યાં છે ખૂબ
  સંબંધોનું વળગણ ના દે

  જાણી જાઊ પ્રેમ બનાવટ
  અલ્લાહ એવી સમજણ ના દે

 2. Ramesh Patel

  ગઝલ તાજગીથી ભરી છે અને એક નાદ ઝણઝણાવે છે.
  જાણું હું તરકટ દુનિયાનાં
  અલ્લાહ એવી સમજણ ના દે…..વાહ

  રમેશ પટેલ(આકાશદીપ્)

 3. Lata Hirani

  જાણું હું તરકટ દુનિયાનાં
  અલ્લાહ એવી સમજણ ના દે

  વાહ… ખૂબ સરસ

  લતા

 4. dilip

  સુંદર ગઝલ લૈ આવ્યા આપ્…. વાન્ચવાની મજા આવી મને બહુ લખવામા કે છન્દમાં ગમ ન પડે..પણ માણી શકું છું એક કલા રસીક તરીકે..સર્જન અવિરત રહે..

 5. devika dhruva

  સપના,સરસ ગઝલ.
  આ બે શેર ખુબ ગમ્યાં કેઃઃઃ
  દિલનાં દ્વારે દસ્તક ના દે
  મનમાં મીઠી અટકળ ના દે
  અને
  જાણું હું તરકટ દુનિયાનાં
  અલ્લાહ એવી સમજણ ના દે

 6. DR. CHANDRAVADAN MISTRY

  જાણું હું તરકટ દુનિયાનાં
  અલ્લાહ એવી સમજણ ના દે
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સપના…સુંદર ગઝલ છે !
  “ચંદ્રપૂકાર” પર આવવા માટે વિનંતી !>>>ચંદ્ર
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)

 7. Wafa

  ગઝલ નમણી છે.ગગા ગાગ ગાગા ગાગા ના બહરમાં લખયેલ પ્રવાહી ગઝલ.
  બ્લોગ પર ઘણા અક્ષરો ઉકલતા નથી.ઘણા અક્ષરો રૉમન જેવા લાગે છે.
  એને નકલ કરી વાંચીયે ત્યારે સંપૂર્ણ રીતે વંચાય છે.
  બને મારી સીસ્તમમાં કોઈ ક્ષતિ હોય.
  -વફા

 8. Narendra Jagtap

  નિર્ધનનો હિસ્સો જેમાં ના હો
  ધન પણ એવું અઢળક ના દે
  સિંહાસન તારું ડૂબી જાય,
  આંસું દે પણ અનહદ ના દે…….. વાહ વાહ ક્યા બાત હૈ… એટ્લી સરસ રચના તમે આજે મૂકી છે કે પ્રભુ વાંચુ એટલી ધરપત ના દ.. બહોત ખુબ…અભિનંદન

 9. પટેલ પોપટભાઈ

  મા. બહેનશ્રી સપના

  “સંબંધોએ છળ્યાં છે ખૂબ
  સંબંધોનું વળગણ ના દે

  પીડા ઠોકરની હું જાણું
  આંસું દે પણ અનહદ ના દે”

  દિલને સ્પર્સી ગઈ, તમારી આ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.