20 May 2017

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા યોજાયેલ ‘ગુજરાત ગૌરવ દિવસ’

Posted by sapana

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા મે ૧૪ ૨૦૧૭ ના દિવસે ગુજરાત ગૌરવ દિવસ ખૂબજ શાનથી ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ઉજવવામાં આવ્યો.પ્રજ્ઞાબેન દાદભાવાળાના નેતૃત્વ નીચે છ મહીનાથી વધારે સમયથી જોરદાર તૈયારી ચાલી રહી હતી.કાર્યક્રમનીની શરૂઆત પ્રજ્ઞાબેને સૌ મહેમાનોને સ્વાગતથી કરી હતી અને જ્યાં મળે ગુજરાતી ત્યાં રોજ દિવાળી કહી લોકોના દિલ જીતી લીધા હતાં. સરવસ્તી વંદના સુગમ સંગીતમાં મોટું નામ ધરાવતા શ્રીમતી માધવી મહેતાના મધૂર સૂરથી કરવામાં આવી.તેમના સુરીલા સ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલા. ત્યારબાદ બે એરીયાના સ્તંભ સમા શ્રી સુરેશભાઈ પટેલ જે સુરેશમામા તરીકે જાણીતા છે એમણે શ્રોતાઓને સંબોધન કરેલું. તેમણે જણાવ્યું હતું કે બેઠક તથા પુસ્તક પરબ તથા બે એરિયાની બીજી સંસ્થાઓ મળી ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહી છે.પ્રજ્ઞાબેન તથા બીજી સંસ્થાઓના કાર્યને બીરદાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવનો હેતુ નવી તથા જુની પેઢીને એક ધાગેથી મજબુત રીતે બાંધવાનો છે.અને બે એરિયાની દરેક સંસ્થાને એક છત્ર નીચે લાવવાનો છે.

ત્યારબાદ એમણે ત્રણ વ્યકતિઓ જે સમાજ સેવા અને દરેક ક્ષેત્રમાં કામ કરે છે એમને વાર્ષિક પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. આ એવોર્ડ શ્રી વિનોદભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષા પંડ્યાને અર્પણ કરવામાં આવ્યા હતાં.શ્રી વિનોદભાઈ પટેલને સમાજસેવા કરે છે અને ગુજરાતીઓ ને ડગલે લે મદદ કરે છે શ્રી વિનોદભાઈ ભારત અને અમેરિકા વચ્ચે જોડતી કડી બન્યા છે.પરદેશમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ને સામાજિક કાર્યક્રમો નું આયોજન કરી યુવાનોને પ્રેરણા આપી રાસ ગરબા ફિલ્મ અને લોક નૃત્ય સ્પર્ધા યોજી ૫૬૦ થી વધુ કલાકાર ૪૦ થી વધારે કોરિયોગ્રાફરએ એક મંચ પર એમણે કલાને વિકસાવી છે..શ્રી મહેશભાઈ એક બીઝનેસ મેન તરીકે તથા ગુજરાતી સમાજને મદદરૂપ થવા બદલ અને મનીષા પંડ્યાને બાળકો તથા બાળકીઓને ગુજરાતી સંસ્કૃતી અને નૃત્ય શીખવવા બદલ તેમજ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા માટે તથા તેને ઝળહળતી રાખવા માટે વિદ્યાર્થીઓને, કલાકારને અને સાહિત્યકારોનો પ્રેરણા આપવા તન અને મનથી સતત પ્રયત્ન કરવા માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી મહેશભાઈ પટેલને શ્રીમતી શાંતાબેન પટેલે એવોર્ડ અર્પણ કર્યો હતો.

ત્યારબાદ એક બાળનૃત્ય પ્રસ્તૃત કરવામાં આવ્યું. “થપ્પો” હું તો થપ્પો રમુ મારા કાનુડા સાથ” મેઘલતા મહેતાબેનનું આ કાનુડાનું બાળગીત નાના ભૂલકાઓએ પ્રસ્તૃત કર્યુ શ્રોતા મુગ્ધ ભાવે આ અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોના મુખે
ગુજરાતી ગીત સાંભળી રહ્યા.સપ્તક વૃંદ બે એરિયાનું સૂરીલું સંગીત વૃંદ છે. અસિમભાઈ મહેતા અને શ્રીમતી માધવી મહેતાના નેતૃત્વ નીચે ૨૬ કલાકારોએ મળીને કર્ણપ્રિય ગીતોથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા. આ સપ્તક બે એરિયાના સુરીલા કલાકારો મળી એક વૃંદ બનાવ્યું છે. પ્રજ્ઞાબેનના શબ્દોમાં કહું તો ‘એક ડૂબકીમાં તો આખો દરિયો’બે એરિયાના બધાં કલાકારો એક છત્ર નીચે કામ કરે છે. જ્યાં શબ્દો,હોય, સૂર હોય, રાગ હોય, સંગીત હોય, સર્જન હોય, વાધ્ય હોય્ અને સાર્વત્રિક એકતાની સંવેદના હોય ત્યા સપ્તક વૃંદ પહોંચી જાય.આ વૃંદમાં દર્શના ભુતા, અંજના પરીખ, મિનૂ પુરી, નિકિતા પરીખ, પ્રણીતા સુરૈયા,પરિમલ ઝવેરી,મુકેશ કાણકિયા,મહેશ શીંગ, ક્રિશ્ના મહેતા, લહેર દલાલ, બેલા દેસાઈ, નેહા પાઠક, સંજીવ પાઠક, આણલ અંજારિયા, અચલ અંજારિયા,ગૌરાંગ પરીખ, રત્ના મુનશી, પલક વ્યાસ,આશિષ વ્યાસ અને હેતલ બ્ર્હ્મભટ્ટ.સંગીતમય મધૂર ગીતો પછી સહિયર ટ્રુપે એક સરસ નૃત્ય કર્યુ. આસમાની ચૂંદડી અને પીળા રંગના ખૂણિયામાં મુગ્ધા ઓ સુંદર દેખાતી હતી. ૧૯૮૦ માં શ્રીમતી હીના દેસાઈએ ગુજરાતી સસ્કૃતિને અમેરિકામાં નૃત્ય દ્વારા જીવીત રાખવા તેમણે નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી હતી. જેની શરૂઆત પોતાની દીકરી રીના દેસાઈ શાહથી કરી. ૧૯૯૪ માં સહિયર ટ્રુપની રચના થઈ.

અંતમાં ભવાઈ કરવામાં આવી જેમાં પ્રજ્ઞાબેન દાદભાવાળાએ રંગલી અને નરેન્દ્ર શાહે રંગલાનો રોલ ભજવ્યો હતો. વિદુષાક તરીક મૌનીક ધારિયા હતાં. ભવાઈ ૧૪ મી સદીમા સ્થાપિત થઈ હતી. અસાઈત ઠાકરે એક વાર એક પટેલની દીકરીની લાજ બચાવી હતી જેથી લોકોએ એને નાત બાર મૂકેલા જીવનનિર્વાહ નો પ્રશ્ન ઊભો થયો તો મંદિરમાં પ્રાર્થના માટે ગયા ત્યાં ઘુઘરા મળ્યા..તો એમના મુખમાંથી તા થૈયા નીકળી ગયું.અને ભવાઈનો જન્મ થયો. એમણે ત્યારબાદ ૩૬૫ વેશ કર્યા. પણ આ જે ભવાઈનો કાર્યક્રમ તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. રંગલો અને રંગલી હસતા અને રડતા આખું નાટક ભજવી જાય છે અને ગુજરાતી ભાષાની એહમીયત સમજાવતા જાય છે. અમેરિકાના જુદાં જુદાં રાજ્યમાં ગુજરાતી ને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે. અમેરિકાના બે એરિયામાં એક નાનકડું ગુજરાત બનાવવામાં પ્રજ્ઞાબેનનો મોટો ફાળો છે શ્રી પ્રતાપભાઈ પંડ્યા જે હાલમાં ભારતમાં છે તે અને પ્રજ્ઞાબેન દાદભાવાળા પુસ્તક પરબ અને બેઠક જેવી સંસ્થાઓ ચાલી વાંચન અને લેખનને વેગ આપે છે. મોટા મોટા કલાકારોને નિમંત્રીત કરવા અને કાર્યક્રમ કરવા અને ગુજરાતી ભાષાને બાળકો તથા યુવાનોમાં જીવીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવાઈ પછી શ્રી શરદભાઈ દાદભાવાળાએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.કાર્યક્રમના અંતમા પુરી શાક ખમણ દહીંવડા અને ગુલાબ જાંબુના પેકેટ આપી કાર્યક્રમ નું વિસર્જન થયું. અમેરિકાની મિટ્ટીમાં થોડી સુગંધ ગુજરાતની મિટ્ટીની સોડમ ભળી ગઈ જ્યારે અમેરિકામાં ગુજરાતીમાં ભવાઈ થાય છે, ગુજરાતીમાં કવિઓના કાર્યક્રમ થાય છે ત્યારે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ બાળકને દાખલ કરવા લાખો રૂપિયા ખર્ચવા માં આવી રહ્યા છે ત્યારે જોઈએ ગુજરાતી ને જીવંત રાખવામાં કોનો મોટો ફાળો હશે!! ગુજરાતનો કે અમેરિકાનો?
સપના વિજાપુરા

Leave a Reply

Message: