27 Aug 2016

ભીંતે ચઢી છે

Posted by sapana

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

તમારા વગર શું શું થાય છે એ ચાર શેરમાં કહેવું હોય તો કોઈ માહીર કવિ જ કહી શકે છે!! કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ આ ચાર પંક્તિમાં પ્રિયતમા વગર શું શું થાય છે એ હ્રદયને સ્પર્શી જાય તે સચોટ રીતે જણાવ્યું છે. સાંજ પડતાં તારી યાદ..સૂરજ જ્યારે ઢળવા લાગે છે અને રાતોચોળ થઈ જાય તો કવિ કલ્પના કરે છે કે ઉદાસી સૂરજની આંખે ચઢી છે અને સાંજ તમારા વગર ડૂસકે ચઢી છે.”હુઈ શામ ઉનકા ખયાલ આ ગયાં” કે પછી “યેહ શામકી તન્હાઈયા ઔર ઐસેમે તેરા ગમ” કે પછી મારો એક શેર “વિંટળાઈ સાપ માફક આ એકલતા,
રોજ રોજ એવી વિરહની સાંજ આવી”..બસ આ સાંજની એકલતા અને ડૂસકે ચઢેલી સાંજની વાત કવિ ખૂબ સરળતાથી કહી જાય છે.ઝરૂખે ઊભા રહી પ્રતિક્ષાની આદત પણ થઈ જાય છે જે નથી આવવાનું એની રાહ જોવી એ કામ કોઈ કવિ જ કરી શકે..દિવાલ પર એકબીજાનાં નામ લખી એ નામને હથેળીથી વારમવાર સહેલાવવી એ પણ એક રોમાંચીત કરે એવી પળ હોય છે..અને એ લખેલાં નામ પર જ્યારે મધુમાલતીની વેલ ઉપર ચઢે તો જાણે પ્રિયતમાનાં કેશમા વેણી લગાવી લાગે!! “દિલ જો ના કહ સકા વહી રાઝે દિલ કેહનેકી રાત આઈ”જો સભા તમારી હોય તો લાવ જરા ગણગણી લઉં જે ભૂલાયેલી ગઈ એ પંક્તિઓ હોંઠે ચઢી છે.એક તડપતી છટપટતી ગઝલ!!
સપના વિજાપુરા

Subscribe to Comments

One Response to “ભીંતે ચઢી છે”

  1. મધુમાલતી એ જ ભીંતે ચઢી છે… તમે સાચું જ કહ્યું.. સુંદર તડપતી છટપટતી ગઝલ…

     

    Pravin Shah

Leave a Reply

Message: