Next Post Previous Post
30
Sep
2015
“સમીસાંજનાં સપનાં”
Posted by sapana
“સમીસાંજનાં સપનાં”નું શ્રી પી કે દાવડા સાહેબે કરેલ રસાસ્વાદ!!!
થોડા દિવસ પહેલા મને સપનાબહેને પોતાનું ગઝલોનું પુસ્તક “સમીસાંજના સપના”. ભેટમાં આપ્યું. આજે એનું વાંચન પુરૂં થયું.
સપનાબહેનની ગઝલો સામાન્ય માણસના જીવનની આસપાસ રચાયલી છે. જીવનમાં આવતી આનંદ અને દુખની લાગણીઓ એમણે સરળ શબ્દોમાં વ્યક્ત કરી છે. એમની ગઝલોમાં ૠજુતા છે, aggression નથી. મોટાભાગની ગઝલમાં કોઈને કોઇ પંક્તિ, કમાનમાંથી વછૂટેલા તીરની માફક નિશાના ઉપર લાગે છે.
એમની ગઝલમાં પરદેશમાં રહેવાથી થતો વતન માટેનો અને કુટુંબ માટેનો ઝુરાપો છે, પ્રેમીઓની લાગણીની વાતો છે, પ્રેમભંગની પીડા છે, ખુદાને બંદગી છે, આમ અનેક વિષય એમની ગઝલોમાં નજરે પડે છે. એમની લેખન શૈલી સમજવા આપણે એમની ગઝલોમાંથી થોડી પંક્તિઓનો આસ્વાદ લઈયે.
શ્યામનાં સપનાં શીર્ષકવાળી ગઝલમાં બે પંક્તિઓ છે,
“તેં કર્યા રસ્તા, હ્રદયમાં આવવા
શ્યામ તો મેં આંખમાં ડેલી કરી.”
સાહિત્યામાં આંખોના ઝરૂખા, આંખોના દરવાજેથી, આંખોની જાજમ, વગેરે પ્રયોગો આ અગાઊ થયા છે, પણ ડેલીનો પ્રયોગ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી સર્વ પ્રથમ છે. ગામમાં રહ્યા હોય તેને આ ડેલી શબ્દ સમજાસે. દરવાજામાંથી તો માણસ જ પ્રવેશી શકે, પણ ડેલીમાંથી ગાડું અંદર આવી શકે. શ્યામ હવે એના હ્રદયમાં કાયમી મુકામ કરવા આવે છે તો એનો સરસામાન પણ સાથે હશે, એટલે એનું ગાડું અંદર આવી શકે એટલે આંખોમાં ડેલી બનાવી. પ્રતિકો દ્વારા સાહિત્યકારો આપણને દેખાય છે એના કરતાં ઘણું વધારે કહેતા હોય છે.
બીજી એક ગઝલમાં પોતાના દુખ અને લાચારીનું બ્યાન આ પ્રમાણે કરે છે,
“તરફડું હું બંધ ખૂણામાં, તું હસતો જાય છે
અય ખુદા, હું માછલીને આખી દુનિયા જાળ છે.”
હે ખુદા હું જાળમાં ફસાયલી માછલીની જેમ તરફડું છું, આ જાળ આખી દુનિયા જેટલી વિશાળ છે, હવે મને તું એકલો જ આમાંથી બચાવી શકે એમ છે.
સામાન્ય રીતે લોકો ઈશ્વર પાસેથી “અમે આ આપ, મને તે આપ” એમ માંગ માંગ કર્યા કરતા હોય છે, પણ એક ગઝલમાં સપનાબહેન “મને આ ન આપ, મને તે ન આપ” એમ ન જોઈતી વસ્તુઓનું લીસ્ટ આપી રહ્યા છે. અને એમાં એક વિનંતી છે,
“સંબધોએ ખૂબ છળ્યા છે,
સંબંધોનું વળગણ ના દે.”
સાંપ્રતિક સમયનું કેટલું મોટું સત્ય માત્ર બે પંક્તિઓમાં કહી દીધું છે.
કેટલીકવાર ગેરસમજને લીધે સંબંધો ખરાબ થઈ જાય છે અને એને પાછા મઠારવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. થોડા સમય બાદ તો સંબંધ કેમ ખરાબ થયા એ વાત પણ ભૂલાઈ જાય છે. આવી મુંઝવણને વ્યક્ત કરતાં સપનાબહેન કહે છે,
“વફામાં ખોટ ના તારી કે ના મારી છે,
અલગ થયા માર્ગ શા કારણ ખુદા જાણે.”
કેટલાક લોકો પાસેથી કેટલીક વસ્તુઓ મળવી લગભગક અશક્ય છે. આવા લોકો પાસેથી એ મેળવવાની આશા રાખવી એ મૂર્ખામી છે. આ વાત સમજાવતાં સપનાબહેન કહે છે,
“નદી સૂકી પડી, જળની આશ તું રાખ મા,
કદી બાવળ કને ફળની તું આશા રાખ મા.”
અને આ વાત વધારે મજબૂતાઈથી સમજાવવા કહે છે,
“અડીખમ પર્વતો ખસવાની વાતો માનજે,
મનુજ બદલાય એ પળની આશા તું રાખ મા.”
કેટલી સાચી વાત સહજમાં કહી દીધી છે?
એક વાર છેતરાયા પછી કેવી લાગણી થાય છે તેનું વર્ણન કરતાં લખે છે,
“કોઈનો વિશ્વાસ પણ પડતો નથી,
છે જખમ એવો કે એ ભરતો નથી.”
એક ગઝલમાં સપનાબહેન કહે છે કે ચાંદની આખી રાત રોતી રહી, એનો પુરાવો છે સવારમાં દેખાતી ઝાકળ. બીજી એક ગઝલમાં કહે છે, પ્રેમમાં જો માલીકીનો ભાવ આવી જાય તો પ્રેમ સજા બની જાય છે, પણ પ્રેમમાં થોડી Space હોય તો અબોલા પણ રજા બની જાય છે.
૨૦૦૯ થી ૨૦૧૪ સુધીના પાંચ વરસમાં લખાયલી આસરે ૨૦૦ જેટલી રચનાઓમાં આવી અનેક પંક્તિઓ મળી આવશે. સપના બહેનનો પુસ્તક ભેટ આપવા બદલ આભાર.
–પી. કે. દાવડા
One Response to ““સમીસાંજનાં સપનાં””
Leave a Reply
Abhinandan..khub j sunder rasaswad karavyo..P.K. Davda ni anubhavi drushti..thi..
dilip
October 2nd, 2015 at 9:26 ampermalink