હજી મને યાદ છે

 

૧૯૭૫ ની વાત છે. હું કુબેરબાગના રસ્તા પર મારાં કોલેજનાં પુસ્તકો લઈ આવી રહી હતી. પ્રેકટીકલ કરી ખૂબ થાકેલી હતી. આમ પણ અમારા ઘરથી કોલેજ ઘણી દૂર હતી. મેઘદૂત સીનેમા સુધી પહોંચી અને મેં બાજુવાળા લાભુબેનને ઘભરાયેલી હાલતમાં દોડતા આવતા જોયા. એમણે મારાં હાથ એકદમ પકડી લીધા અને કહ્યું,” બાનુ, જલ્દી ઘરે જા તારાં ઘર પર ક્યામત ઉતરી છે..હું એમને પૂછતી રહી.શું થયું શું થયું? પણ એમના ગળામાંથી અવાજ નીકળતો ના હતો.મેઘદૂત સીનેમાથી ઘર પાંચ મિનીટ દૂર હતું પણ મને એ પાંચ મિનીટ એક કલાક જેવી લાગી.અમે ઘરે પહોચ્યા. ઘરમાંથી રોવાનો અવાજ આવી રહ્યો હતો. મારાં હાથમાંથી પુસ્તકો પડી ગયાં. ઘડીવાર માટે એવું લાગ્યું કે બા ને ક્શું થયું હશે પણ ઘરમાં દાખલ થઈ તો મારી નાની બહેન મને વળગી પડી..અને કહેવા લાગી ” નજમા, નજમા.” મારો હાથ પકડી વરંડા તરફ લઈ ગઈ!! ત્યાં નજમાનું અર્ધ બળેલું શરીર પડ્યું હતું. નજમાએ પોતાને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

મારાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.” નજમા, નજમા.”!! મારી બહેન નજમા બળેલી હાલતમાં પડી હતી. મારી બાજુમાં રવિન્દ્ર ઊભો હતો.રવિન્દ્ર નજમાનો પ્રેમી હતો. જે નજમાને મળવા આવ્યો હતો. મુસલમાન હોવા છતાં પપ્પાએ આ પ્રેમને સહમતી આપેલી. નજમા અને રવિ એકબીજાને વારંમવાર મળતા. પણ અમારા ઘરમાં. ઘરની બહાર મળવાની મનાઈ હતી. આજ પણ રવિ આવ્યો હતો. અને બન્ને વચ્ચે શું વાત થઈ એ ખબર નથી પણ એણે નજમાને શું કહ્યુ કે નજમા વરંડામાં જઈ દીવાસળી ચાંપી દીધી.. એ વાત મને કદી જાણવા નહીં મળે..પણ જે કાંઈ રવિએ કહ્યું એ નજમાથી સહન ના થયું અને આ પગલું ઉઠાવ્યું. હું જ્યારે કોલેજથી આવી હતી. મેં ચા નો કપ રવિનાં માથાં પર મારી દીધો હતો તો ય મારો ગુસ્સ્સો શાંત થતો ન હતો અને મેં એની સામે ચીસો પાડવાનું શરૂ કર્યુ. એટલામાં મારો નાનો ભાઈ જે તેર વરસનો હતો ત્યાં આવી ગયો અને એનાં હાથમાં છરી લઈ એ રવિને મારવા દોડ્યો પણ રવિ ભાગી ગયો અને સીધો બોમ્બેની ટ્રેનમાં બેસી ગયો.

એમ્બ્યુલન્સ આવી નજમાને હોસ્પીટલ લઈ ગઈ. નજમાને એક સ્પેશીયલ બોક્સમાં રાખવામાં આવી હતી. એની અર્ધ બળેલી આંખોમાં જિજીવિષા હતી. આ પગલું ભરવાનો પસ્તાવો હતો.અમારા ઘરનાનાં સભ્યોનાં દિલ ઉપર કરવત ફરી ગઈ હતી. જાણે કોઈએ શરીરનું કોઈ અંગ કાપી લીધું હોય. રાતે પપ્પા જ્યારે ઘરમાં આવ્યા અને જમીન પર ફસકાઈ પડયાં. એમની ભૂરી આંખોમાં પહેલીવાર આંસું જોયા!! પપ્પા જે અમારા રોલ મોડેલ!! પપ્પા જે હિમતવાન!! પપ્પા જેની પાસે અમને સલામતી લાગતી!! પપ્પા જે દુનિયા સામે લડી શકે. પપ્પા જે પહાડ જેવા મજબૂત !! પપ્પા જે આખા ઘરનાં સ્તંભ!! મેં એમને કડડભૂસ થઈ જમીન પર ફસકાઈ જતા અને એક નાના બાળકની જેમ રડતા જોયા!! પપ્પા કહે,” નજમા મને કહે છે કે પપ્પા મને બચાવી લો!! પપ્પા મને બચાવી લો.” મેં નજમાને કહ્યું, હા બેટા હું તને બચાવી લઈશ હું તારો પપ્પા છું ને!! પપ્પા ગમે તે કરી શકે! તને બચાવી પણ શકે!!” પછી નજમાએ પૂછ્યું,” પપ્પા, પણ હું પહેલાં જેવી સુંદર બની જઈશને?” પપ્પાએ કહ્યું,” હા, બેટા હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવી દઈશ.” અને હું હોસ્પીટલમાંથી નીકળતો હતો અને ડોકટરે કહ્યુ કે ..પપ્પ્પાના ડૂસકામાં શબ્દો અટવાઈ ગયાં. મેં પહેલીવાર એક મજબૂર અને લાચાર બાપ જોયો જે પહેલીવાર પોતાને એટલો અસહાય માનતો હતો કે શબ્દો એને સાથ આપતા ન હતાં.ડોકટરે નજમાનાં મૃત્યુના સમાચાર આપેલા!!

આજ સુધી હું આ દુખદ પ્રસંગ ભૂલી શકી નથી અને રવિને માફ કરી શકી નથી!! ઈશ્વર નજમાના મોતનો બદલો એને દુનિયામાં આપી રહ્યો છે. અને હજું વધારે આપશે!! બધાં પ્રેમીઓને એક વિનંતી કે અહીં કોઈ હિર રાંઝા નથી કે નથી લયલા મજનુ!! કોઈ કોઈની પાછળ મરતું નથી!! એટલે નાહક પોતાના જીવથી ના જશો..કારણકે પ્રેમીને તો અસર નહીં થાય પણ તમારા ઘરવાળા તમારા સ્નેહીઓ તમારા પ્રિયજનના હ્ર્દય પર એવો શોક લાગશે કે જિંદગીભર એ આ વાતને ભૂલી નહીં શકે!! જિંદગી ખુદાએ આપેલી સૌથી મહામૂલ્ય ભેટ છે એની જાળવણી કરો!!
સપના વિજાપુરા

2 thoughts on “હજી મને યાદ છે

  1. અશોક જાની 'આનંદ'

    ખૂબ જ હ્રદયદ્રાવક…. તમારે કોઈ પણ રીતે રવિ અને નાજમાં વચ્ચે શું વાર્તાલાપ થયો એ જાણવું જોઈતું હતું અને જો દોષી હોય તો તેની નાશયત થવી જોઈતી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *