Author Archives: admin

નાટક

સંબંધોમાં છે નાટક ઘણાં
સમજો નહિ એ નાટક ઘણાં

થાકી જાઓ કરતાં તમે
પૂરાં ના થાયે નાટક ઘણાં.

જીવનમાં અભિનેતા બની
ભજવી ગયાં એ નાટક ઘણાં.

સાચ જુઠું  કોને પડી
કરવા લાગે નાટક ઘણાં.

માણસ તો છે કઠપૂતલી,
ઈશ્વર ભજવે  નાટક ઘણાં.

ઈશ્વર દેખે નીચે અહીં,
માણસ ભજવે નાટક ઘણાં

“સપના” શીખી લે તું હવે
દુનિયામાં છે નાટક ઘણાં.

સપના વિજાપુરા

૦૩/૧૪/૨૦૧૩

 

શબ્દો

 

શબ્દો

શબ્દોનાં મહેલ બનાવીએ,
શાહીથી નહેર સજાવીએ.

તું રાજા ને  બનું  હું રાણી,
કવિતાના તખ્ત મઢાવીએ,

શબ્દોના ફૂલ બિછાવીએ,
શબ્દોથી સેજ સજાવીએ.

શબ્દોથી સાત વચન લઈએ,
ને દીપક રાગ પ્રગટાવીએ.

શબ્દોને ચાંદમાં બોળીને,
રૂપેરું શહેર  બનાવીએ

શબ્દોથી આજ સખી સપના,
રૂપાળુ કાવ્ય બનાવીએ

સપના વિજાપુરા

સંબંધો

અંદરથી પોલા થઈ ગયા છે,
ઉધઈ લાગી ગઈ છે સંબંધને ,
નથી રહ્યો વિશ્વાસ ઈશ્વર પર
માનવે માટીમાં મેળવ્યા સંબંધને,
જરાક ટોકર લાગતા ચકનાચૂર,
શું કરવાના એવા નાજૂક સંબંધને?
વહેમના વાદળમાં અટવાયા કરે,
ક્યા સુધી ખેંચ્યા કરવા એ સંબંધને?
સપના તને ન આવડયુ જીવતા,
હવે મરતા શું જોડવા સંબંધને?

સપના

સળગતા હૈયા

વરસોથી વિખુટા પડેલા હૈયા,
વિરહની આગમાં સળગતા હૈયા,
અશ્રુ બની આંખોથી ટપકતા હૈયા,
શબ્દોથી આરપાર વિંધાતા હૈયા,
વિવશ એકલતાથી રુંધાતા હૈયા,
વિરહના વિષ પીતા હૈયા,
મિલન માટે તડપતા હૈયા,
આંખોમાં સપના સજાવતા હૈયા,
તુટેલા સપનાને સમેટતા હૈયા.

સપના

ઈશ્વરની શોધ

સૂરજની લાલીમાં શોધુ
સમંદરની ગહેરાઈમાં શોધુ.
પર્વતના શિખર ઉપર શોધુ,
પક્ષીના કલરવમાં શોધુ,
ઠંડી હવાની સુહાસમા શોધુ,
ભુખ્યા બાળકના આંસુઓમાં શોધુ,
કે પછી મારા જ આત્મામાં શોધુ,
હે ઈશ્વર, તું જ મને બતાવ,
તને હું ક્યાં ક્યાં શોધુ?

-સપના
તમારો અભિપ્રાય જણાવશો.

યાદોનાં મોતી

આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયાં છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતાં વાળતાં મોતી મળી આવ્યાં,
હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથું પકડી,
ભલે રહયા,નથી નડતાં મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
‘સપના’ની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનું,એક મોતી એમ પરોવીશ,
તારાં ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના વિજાપુરા

હૈયાની વાત

કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત.
કોઈ મને ફૂલોની છાબ આપો,
લખવી છે મારે ફૂલોની વાત.
મૌન રહીને ઘણુ કહી દે છે એ,
લખવી છે મારે એ આંખોની વાત,
સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,
લખવી છે મારે એ હાથોની વાત.
છૂટી ગયા, પણ સાફ યાદ છે,
લખવી છે મારે એ ક્ષણોની વાત.
પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,
લખવી છે મારે એ રાતોની વાત.
વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,
લખવી છે મારે એ સપનઓની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત

-સપના

મહેરબાની કરીને તમારો અભીપ્રાય આપશો.

તુલસી

tulsi_1

તારા માળાનો કલરવ સંભળાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
ખુશીઓના મોજા કાને અથડાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
મારી આંખો ભીની થઈ જાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
તારા જીવનમાં પ્યાર છલકાય છે,
હું તારા આંગણમાં બેઠી છું.
તું આવીને એક નજર કરી જાય છે
હું તારા આંગણમાં બેઠી છું.
મારાથી ના અંદર અવાય છે
હું તારા આંગણમાં બેઠી છું.
તું બહારા આવી અંદર જાય છે,
હું તારા આંગણમાં બેઠી છું
વ્યાકુળતાથી તારી રાહ જોવાય છે,
હું તારા આંગણમાં બેઠી છુ
તને નિરખવાનાં  સપનાં સેવાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
હું તુલસી છુ અંદર ના આવી શકાય છે,
હું તારા આંગણમા બેઠી છું.
સપના વિજાપુરા

જકડાઈ છું

મિથ્યા છૂટવાના પ્રયત્ન છોડી દીધા,
તારી પ્રિતની સાંકળમાં જકડાઈ છું
હૈયાની વાત હોઠો સુધી ન આવી,
મનમાં ને મનમાં અકળાઈ છું.
તારી યાદ, તારી યાદ,તારી યાદ,
ચારે દિશાથી હું સપડાઈ છું.
ચહેરા પરથી જૂઠને ઓળખુ છું,
એવી દુનિયાથી હું ઘડાઈ છું.
ચીંથરુ કરશો તો પણ નહીં છૂટુ,
એવી તમારી સાથે વણાઈ છું.
તમારા સપના મારો શણગાર છે,
તમારે શમણાથી શણગારાઈ છું.

-સપના

ભાગ્ય નથી

તારા દુઃખમાં સહભાગી થાવ,
એવા મારા ભાગ્ય નથી.
હસતા હસતા આંખો કોરી રહી જાય,
એવુ મારુ હાસ્ય નથી.
વિરહની અગ્નીમાં ભલે હોમાઉ,
તારી યાદ વગરનુ જીવન માન્ય નથી.
તુ જ છે કવિતા મારી િપ્રય,
તુ નથી તો એ મારુ કાવ્ય નથી.
ભલે સપનાઓ હકિકત ન બને,
“સપના” વગરનુ જીવન માન્ય નથી.

-સપના